ફેકલ્ટી ઑફ હોમ સાયન્સના ફનફેર અને બહેનપણીઓ પાછળ ઘેલા થઈને ગજા બહારના ખરચામાં ખેંચાઈ જતા વિદ્યાર્થીઓની વાત નીકળી જ છે તો એક વધુ વાત અહીં નોંધવી ઉચિત સમજું છું. યુનિવર્સિટીમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ તવંગર હોય અથવા સમાજના પ્રગતિશીલ કહેવાય તેવા ઉપરના વર્ગમાંથી આવતા હોય તે શક્ય નહોતું. મધ્યમવર્ગ અને તેથીયે નીચે સ્કૉલરશીપ પર નભતા મારા જેવા વિદ્યાર્થીઓ પણ આ યુનિવર્સિટીમાં ભણતા. અમારા જેવા વિદ્યાર્થીઓને પાઈ પૈસો ગણી ગણીને ખરચવો પડતો. જરૂરત હોય તે કરતાં વધારે કોઈ પણ પ્રકારનો ખરચ કરવાની સ્વતંત્રતા અમારી પાસે નહોતી. આ કારણથી મોટા ભાગે સસ્તી રેસ્ટોરાં અને સિનેમાના અપર ક્લાસના અમે બધા ઘરાકો. અમને એની સામે કોઈ ફરિયાદ પણ નહોતી. કારણ કે અમે જે ભોગવતા હતા તે પણ અમારા માટે લક્ઝરીથી ઓછું નહોતું.
આ સામે શ્રીમંત કુટુંબોમાંથી આવતા તેમજ ઑવરસીઝ વિદ્યાર્થીઓ પાસે પૈસાની છૂટ રહેતી. તેઓ ટ્યુશન રાખી શકતા, સારામાં સારી રેસ્ટોરાંમાં પોતાના મિત્રવર્તુળ સાથે નાસ્તા-પાણીની જાફતો ઊડાવી શકતા. એમાંના કેટલાક પાસે તો મોટર સાયકલ અને સ્કૂટર પણ રહેતાં. એમનાં કપડાંથી માંડી દરેક વસ્તુ એમની શ્રીમંતાઈની ચાડી ખાતી હોય તેવી સ્પષ્ટ છાપ ઊભી કરતી. એમાં પણ કેન્યા, તાન્ઝાનિયા, યુગાન્ડા જેવા દેશોમાંથી મૂળ ભારતીય વંશના પણ સિનિયર કેમ્બ્રિજ પાસ કરીને આગળ અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા નાની-સૂની નહોતી. આ લોકો ઑવરસીઝ સ્ટુડન્ટ છે તેની ખબર એમની પાસેની રેલે અથવા હમ્બર સાયકલથી પડી જાય. જ્યારે સેવન ઓ’ક્લૉક બ્લેડ લક્ઝરી ગણાતી ત્યારે આમાંના કેટલાક પાસે તો ઈલેક્ટ્રીક શેવર હોય, એરીસ્ટો સ્ટુડીયો, સ્લાઈડ રૂલ અને લેટેસ્ટ ડિઝાઈનનાં સ્ટેડલર કંપાસના સાધનો, મેડિકલમાં હોય તો ડિસેક્શન બૉક્સ, મોટાભાગના પાસે બેટરી ચાલિત ટ્રાન્ઝિસ્ટર અને કેટલાક પાસે ફિલિપ્સના સ્પૂલવાળા ટેપ રેકોર્ડર એમની આગવી ઓળખ હતાં. આ લોકો પોતાની જાતને બહુ હોંશિયાર અને કેળવાયેલા માનતા એટલે આપણા સ્થાનિક વિદ્યાર્થીઓને તે ક્યારેક “દેશી” કહીને સંબોધતા. એકબીજા સાથે વાત કરતા વારંવાર સ્વાહીલી ભાષાનો શબ્દ “બાના” સંબોધન તરીકે વાપરતા. આ શબ્દનો અર્થ “બૉસ” અથવા “સર” એવો થાય. અંગ્રેજી ગાયનો ગણગણે અને ક્યારેક સ્વાહીલી ભાષાનાં પણ ગીતો ગાતા ગાતા લૉબીમાંથી પસાર થાય. સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે રહેવાનું એ મોટે ભાગે પસંદ ન કરે. એમને પોતાની જ ઢબે રહેતા વિદ્યાર્થીઓ ફાવે. એમનું એક આગવું એસોસિએશન “ઑવરસીઝ સ્ટુડન્ટ એસોસિએશન” એટલે કે “ઓસા” ચાલતું. આ બધા બે-ત્રણ વરસે એકવાર પોતાના વતનમાં જાય ત્યારે સ્ટીમરમાં જતા, જે સિસલ્સ ટાપુઓ થઈને જતી. સ્ટીમરના આ પ્રવાસ દરમિયાન પણ કેટલીક મૈત્રીઓ આ વર્ગમાં પાંગરતી જે તેમના વડોદરાના રહેવાસ દરમિયાન મજબૂત બનતી. છોકરા-છોકરીઓ બંને અભ્યાસ માટે અહીં આવતાં. આ વર્ગ પ્રમાણમાં પૈસાની છનમછના હોય તેવો અને જરા હટકે રહીને ચાલતો વર્ગ હતો. એમાંના ઘણા બધા ભણવા અહીંયા આવતા, પણ આ દેશ અને સ્થાનિક વિદ્યાર્થીઓ પછાત છે તેવું માનતા. મેસના ટેબલ ઉપર પણ આમનો ચોકો લગભગ જૂદો હોય. “બાના” જમવા બેસે ત્યારે પણ બાજુમાં કૉકા-કોલાની બોટલ લઈને બેસે. એ એની આગવી ઓળખાણ હતી. અમે ગમ્મતમાં ઘણીવાર કહેતા કે, આ બાનો બેભાન થઈ જાય તો પાણી છાંટવાથી ભાનમાં ન આવે, એના મ્હોંઢા પર કૉકા-કોલા છાંટવી પડે ! જેમ આ લોકો આપણને દેશી કહેતા એમ અમે આ ઑવરસીઝ વિદ્યાર્થીઓને અમારી નાદાનીયતમાં “બાના” અથવા “ઓસલા” કહેતા.
આ વિદ્યાર્થીઓમાંના મોટાભાગના મોંઘી આયાતી સિગારેટ પીતા. પાણીની જગ્યાએ જાણે કે કૉકા-કોલા એમનું પીણું હોય એટલી બધી કૉક ઠપકારી જતા. કેન્ટીન અને રેસ્ટોરાંમાં છૂટા હાથે પૈસા ખરચતા અને એક-બે નહીં, પણ કેટલાક તો બહેનપણીઓનું ટોળું રાખતા. આ પરિસ્થિતિને કારણે આમાંના કેટલાક ઘરેથી પૂરતા પૈસા આવતા હોવા છતાં ઉધારીના વિષચક્રમાં ફસાતા અને પછી પોતાની પાસેની કોઈ ચીજવસ્તુ વેચી મારી એ ચૂકતે કરતા. એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે આ બાનાઓની કેમ્પસ પર અને હૉસ્ટેલમાં હાજરી યુનિવર્સિટીના વિદ્યાર્થી જીવનને રંગીન બનાવતી ગ્લેમર પૂરી પાડતી. સાંજ પડે લેડીઝ હૉસ્ટેલના રસ્તાઓ ઉપર એકાદું ચક્કર ન મારે તો આમાંના ઘણાને ઊંઘ ન આવે એમ કહી શકાય. ક્યારેક ક્યારેક આમાંના કોઈકની બહેનપણી હૉસ્ટેલમાં મળવા આવી જાય ત્યારે આ કોઈ નવતર ઘટના હોય તેમ આવતા-જતા ઘણા ત્રાંસી નજરે એ રૂમ બાજુ જોઈ લેતા. કેટલાક તો ખાસ એ બાજુ ચક્કર પણ મારી આવતા.
આમ, વડોદરાની વિદ્યાશાખાઓના અને તેમાંય ખાસ કરીને વિશેષતઃ વિદ્યાર્થિનીઓ જ્યાં ભણતી હોય ત્યાં તેવી આર્ટ્સ, ફાઈન આર્ટ્સ અને હૉમ સાયન્સ જેવી કૉલેજોના ફનફેર એટલે કે આનંદમેળા રંગ લાવતા.
“વનેચંદનો વરઘોડો” કેસેટમાં એક પ્રસંગને વર્ણવતાં સાહજીક રીતે શાહબુદ્દીન રાઠોડ સાહેબ કહે છે તેમ, “આ પરીખ સાહેબ, મેંઢા સાહેબ, જશુભા... અમારા ગામના સાવ સાચા પ્રતિષ્ઠિત નાગરીકો હતા. ફૂલેકું કોઈનું પણ હોય, આમંત્રણ હોય કે ન હોય, પણ એ તો હોવાના જ !” બરાબર આ જ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ આનંદમેળો ગમે તે વિદ્યાશાખાનો હોય, કેટલાક વિદ્યાર્થીઓ / વિદ્યાર્થિનીઓ અને એમનાં જૂથ ત્યાં અચૂક નજરે પડવાના જ ! આ આનંદમેળાઓની અને જ્યાં ખાસ કરીને વિદ્યાર્થિનીઓ વધુ હોય તેવી વિદ્યાશાખાઓના આ પ્રસંગોની ગ્લેમર અંગેની વાત થઈ.
વિદ્યાશાખાઓ ઉપરાંત ક્યારેક યુનિવર્સિટીનો આનંદમેળો અને ક્યારેક ઈ.એમ.ઈ. કેમ્પસમાં પણ ફનફેર યોજાતો, જેની પોતાની આગવી વિશિષ્ટતાઓ હતી અને એને મન ભરીને માણ્યો ન હોય તો વડોદરાની વિદ્યાર્થી તરીકેની જિંદગી એટલે કે સ્ટુડન્ટ લાઈફ અધૂરી રહી એવું કહેવાય. આ કારણથી પોતાના ઘરે રહીને અભ્યાસ કરતા અથવા શહેરમાં પોતાના સમાજની હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું જૂથ અને એ જૂથની વૈવિધ્યતાપૂર્ણ ટેલેન્ટ યુનિવર્સિટીના હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જેટલી નહોતી બંધાતી એમ કહેવું અતિશયોક્તિભર્યું નહીં ગણાય. જો કે, મરાઠા વસતીગૃહ, મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાઓ કે પોતાની જ્ઞાતિના છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓ મારા મત પ્રમાણે પ્રમાણમાં વધુ સ્વાશ્રયી અને પોતાના સમાજ પ્રત્યે આગળ જતાં પ્રતિબદ્ધિત બનતા એ પણ હકીકત છે. પોતાના ઘરે રહીને ભણનાર વિદ્યાર્થી સમૂહજીવનનો આ અનુભવ અને ઘડતરની આ પ્રયોગશાળામાં ઘડાવવાનો લાભ નહોતો લઈ શકતો. તે વાત પણ તેટલી જ સાચી છે.
યુનિવર્સિટીની કેમ્પસ લાઈફમાં બળેવ, જન્માષ્ટમી, દિવાળી (કેટલાક વિદ્યાર્થીઓ જે ફાઈન આર્ટ્સ કે મેડિસિન કે મેડિકલમાં ભણતા હોય તેમને આવું વેકેશન નહોતું મળતું. એટલે ફરજિયાત દિવાળી વેકેશનમાં પણ તેમને હૉસ્ટેલમાં રહેવું પડતું.) આવા બધા તહેવારો પ્રસંગે વડોદરાની હૉસ્ટેલની કેમ્પસ લાઈફ પણ તહેવારને અનુરૂપ ધારણ કરતી. આ રોનક પણ માણવા જેવી તો ક્યારેક હૉમ સિક્નેસનો અનુભવ કરાવતી બની રહેતી.
એમ. એસ. યુનિવર્સિટી,
એની વિવિધ વિદ્યાશાખાઓ,
એ વિદ્યાશાખાઓમાં શિક્ષણ કાર્ય કરતા
ચંચી મહેતાથી માંડી પ્રોફેસર સુબ્બારાવ
અને...
પ્રોફેસર શંખો ચૌધરી કે પ્રોફેસર સાંડેસરા
જેવાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રાધ્યાપકો.
ભારતભરમાંથી આવતા વિદ્યાર્થીઓને કારણે
ત્યાં સર્જાતું મીની ભારત.
દુનિયાભરમાંથી આવતા ઑવરસીઝ વિદ્યાર્થીઓના કારણે
ત્યાં સર્જાતું મીની વિશ્વ.
પેન્શનરોના શહેર વડોદરાને
આ આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી
માત્ર દેશના જ નહીં પણ
વૈશ્વિક ફલક પર ઉજાગર કરતી હતી.
જેમ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ કે ઑલમ્પિકના મુકાબલા સમયે
આપણું રાષ્ટ્રગીત વાગે અને દિલના તાર ઝણઝણી ઊઠે છે,
મસ્તક ગૌરવાન્વિત થઈ ઊઠે છે
તે જ રીતે ચંદ્રવદન મહેતા રચિત અમારૂં યુનિવર્સિટી ગીત –
“અમે વડોદરાના વિદ્યાપીઠના સપનાં સારવનારા
અમે જ્યોત જલાવી સૃષ્ટિ નવલી સહસા સર્જનહારા”
અમારા વિશ્વ વિદ્યાલય ગીતની આ પહેલી બે પંક્તિઓ
એક જોમ અને ગૌરવથી....
અમારા સમગ્ર અસ્તિત્વને ભરી દેતી.
મનનો મોર સોળે કળાએ ઝૂમી ઊઠતો.
એ યુનિવર્સિટી,
એ અમારૂં મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય
એક વૈશ્વિક કક્ષાનું શિક્ષણ સંકુલ હતું.
એમાં વિદ્યાર્થી તરીકે જોડાવવું
અને એની કેમ્પસ લાઈફનો ભાગ બની
મુગ્ધાવસ્થા માણવાનો
અને...
એ માણતાં માણતાં
જીવન ઘડતરની જે અમૂલ્ય તક
એમ. એસ. યુનિવર્સિટી પૂરી પાડતી
તેનું ફનફેર
એ એક ભાતીગળ પીચ્છ હતું.