જે રીતે “ફેકલ્ટી ડે” અને “હૉસ્ટેલ ડે” નો મહિમા હતો તે જ રીતે એક બીજો મહિમાવંત ઉત્સવ હતો “ફનફેર”. આ આનંદમેળો એટલે જે તે ફેક્લટી – વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ એક ચોક્કસ દિવસે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના સ્ટોલ ધરાવતું નાનું શૂ બજાર ઊભું કરે. એમાં બીજી વિદ્યાશાખાઓના મિત્રોને પણ આમંત્રણ અપાય. ખાણી-પીણીથી માંડી એરગન, બલૂન શૂટીંગના વિવિધ મનોરંજનો આ આનંદમેળામાં ઉપલબ્ધ બને. જે લોકો પોતાનો સ્ટોલ બનાવે તે આ સ્ટોલની ટિકિટો એટલે કે પ્રિ-પેઈડ કૂપન્સ પણ છપાવી નાંખે. કેટલાક ઉત્સાહીઓ તો હેન્ડબિલ પણ છપાવે. છેવટે એ દિવસ અથવા એ બપોર આવી જાય જ્યારે વિદ્યાશાખાના ડીન અથવા અન્ય કોઈ વિશિષ્ટ વ્યક્તિના હાથે આ આનંદમેળાનું ઉદઘાટન થાય. મુલાકાતીઓ આવવાના શરૂ થાય અને જેનું જેવું ગ્રુપ એ પ્રમાણે એના સ્ટોલ પર ભીડ એટલે કે ઘરાકી જોવા મળે. સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીનાં પહેલાં બે અઠવાડિયાં આ માટેનો યોગ્ય સમય ગણાય. દિવાળી વેકેશન હજુ ખૂલ્યું હોય, ધીમીધીમી ફૂલગુલાબી ઠંડી શરૂ થઈ હોય, કમાટી ગાર્ડન અને ફેકલ્ટી ઑફ આર્ટ્સ, સાયન્સ કે ફાઈન આર્ટસ જેવી ફેકલ્ટીમાં જીનીયા, બાલસમ, પીટોનીયા, પોપી, નાનાં સૂરજમૂખી જેવાં રંગબેરંગી ફૂલો અને જુદા જુદા રંગનાં સરસ મજાનાં ગુલાબનાં ફૂલની ક્યારીઓ જાણે કે રંગોળી પૂરી હોય તે રીતે ભરાઈ જાય. વડોદરામાં આમેય ગુલાબ સારાં થાય છે. રોઝીસ ગાર્ડન એન્ડ નર્સરી કરીને એક ખૂબ પ્રાચીન નર્સરી પણ આ શહેરમાં છે. શિયાળાની ઠંડી અને સૂરજની કૂમાશ જીનીયા અને મેરીગૉલ્ડ એટલે કે હજારીગલ જેવાં ફૂલોને વિશેષ માફક આવે છે. આ ઋતુમાં યુનિવર્સિટી હૉસ્ટેલના મેઈન કેમ્પસમાં હૉલ સામે બનાવેલ હૉજમાં સરસમજાનાં ગુલાબી કમળ ખીલે. ચોમાસાના વરસાદમાં નાહીને પરવારેલાં વૃક્ષોને શિયાળાની ઝાકળ નવડાવતી રહે જેને કારણે વૃક્ષોની હરિચાળી સધ્યસ્નાતા બનીને ખીલી ઊઠે. ચોમાસામાં ઉગેલા બેરોકટોક ફેલાતા છોડવા અને ઘાસ હજુ લગભગ એમનાં એમ હોય. સાંજ પડે. થોડીક ઠંડક હવામાં અનુભવાય અને વહેલી સવારે ઝાકળ પડે. તે સીઝન એ જમાનાના વડોદરા માટે વરસનો સારામાં સારો સમય હતો. પ્રદૂષણ આટલું હતું નહીં, જેને કારણે વડોદરાની એ ખૂશનૂમા સાંજ અને તાજગીભરી સવાર અવર્ણનીય બની રહેતી. આ એ સમય હતો, જ્યારે બ્લેઝર કે સૂટ પહેરવો ગમે. આ એ સમય હતો જ્યારે કકડીને ભૂખ લાગે. આ એ સમય હતો જ્યારે સાયકલ ચલાવતાં પરસેવો ન વળે. જેણે પણ ફનફેર એટલે કે આનંદમેળા માટે આ સમયે શરૂઆત કરી હશે એ વ્યક્તિ અથવા વ્યક્તિઓની કુદરત માટેનો પ્રેમ અને અનુસંધાન તેમજ ઋતુની સમજ અદભૂત હશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
લગભગ દરેક ફેકલ્ટી એટલે કે વિદ્યાશાખામાં ફનફેર થતો, પણ જેને દબદબો કહેવાય એવા ફનફેર માત્ર બે જ વિદ્યાશાખાના નસીબમાં હતા. આ બે વિદ્યાશાખામાંની એક એટલે શિલ્પથી માંડી ચિત્રકામ સુધી વિવિધ કલાની સાધના સ્વરૂપે જ્યાં થતી હતી તે ફાઈન આર્ટસ ફેકલ્ટી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે કેટલીક વિશિષ્ટ વિદ્યાશાખાઓ હતી તેમાં ફેકલ્ટી ઑફ મ્યુઝિક ડાન્સ એન્ડ ડ્રામેટીક્સ એટલે કે સંગીત, નૃત્ય અને નાટ્ય કલા માટેની વિદ્યાશાખા તેમજ ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ. એટલે કે જુદી જુદી કલાઓ એની ચરમસીમાએ શીખી શકાય તેવી ફાઈન આર્ટ્સ ફેકલ્ટી અદભૂત હતાં.
માત્ર દેશના જ નહીં, પણ વિશ્વના વિખ્યાત કલાકારોને મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્યમાં આકર્ષ્યા હતા. આ મહાનુભાવોમાં રાજા રવિ વર્મા જેવા ચિત્રકારનો સમાવેશ થાય. જાણીને નવાઈ લાગશે કે, આજે જેમના નામે સિને અને કલા જગતનો સર્વોત્કૃષ્ટ એવૉર્ડ અપાય છે તે દાદાસાહેબ ફાળકે ફેકલ્ટી ઑફ ટેકનોલોજી અને એન્જિનિયરીંગ તરીકે જાણીતી ઈજનેરી વિદ્યાશાખાના અનુગામી કલાભવનના વિદ્યાર્થી હતા. પ્રોફેસર શંખો ચૌધરી, હકુ શાહ, લક્ષ્મણ ગૌડ, સેશા જૉસેફ, તનવી વ્યાસ, વિવાન સુંદરમ, એન. એસ. બેંદ્રેસ, ધ્રુવા મિસ્ત્રી, ભૂપેન ખખ્ખર જેવાં માત્ર આ દેશમાં જ નહીં, પણ વિશ્વ ફલક પર ગુજરાતનું અને યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવા પ્રાધ્યાપકો અને એકએકથી ચઢિયાતા નિષ્ણાંતોના કારણે વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ દેશની સર્વોત્કૃષ્ટ વિદ્યાશાખા હતી એમ કહેવામાં જરાય અતિશક્યોક્તિ નથી. એ જમાનો હતો જ્યારે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સ અને ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની શાંતિ નિકેતન જેવી સંસ્થાઓ આ દેશના સંસ્કૃતિ અને કલાવારસાને દીપાવતી સુંદરમજાનું અધ્યાપન કાર્ય કરી રહી હતી. આ વિદ્યાશાખાઓમાં ભણવું તે જીવનનો લ્હાવો હતો. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન અથવા પ્રોફેસર નાડકર્ણી જેવા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ આઈ.આઈ.ટી. મુંબઈના ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન સેન્ટર જેવી સવલત ત્યારે અસ્તિત્વમાં નહોતી.
આવી ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં જ્યારે આનંદમેળો યોજાય ત્યારે સ્વાભાવિક રીતે જ એ એક વિશિષ્ટ પ્રકારનું કલા પ્રદર્શન બની રહેતું અને એને માણવું એ એક લ્હાવો હતો.
પણ, સૌથી વધુ આતુરતાથી જેની વિદ્યાર્થીઆલમ રાહ જોતી હતી તે ફનફેર આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, એન્જિનિયરીંગ, ફાઈન આર્ટ્સ, મેડિસિન કે અન્ય ફેકલ્ટીનો નહીં, પણ એ આનંદમેળો હતો “હૉમ સાયન્સ” ફેકલ્ટીનો. અમારી યુનિવર્સિટીમાં બે વિદ્યાશાખા ત્યારે બજરંગ ફેકલ્ટી તરીકે વિખ્યાત હતી. જેમ લોહચૂંબકને બે ધ્રૂવ હોય અને બંને તદ્દન વિરૂદ્ધ દિશામાં હોય તેમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાશાખાઓમાં લગભગ બે છેડા સાચવીને બેઠેલી આ વિદ્યાશાખાઓ હતી ફેકલ્ટી ઑફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગ તેમજ પૉલિટેક્નિક અને બીજી હતી ફેકલ્ટી ઑફ હૉમ સાયન્સ. એક વિદ્યાશાખા સંપૂર્ણપણે જાણે કે વિદ્યાર્થીઓ માટે જ હતી અને તેથી ઊલટું બીજી વિદ્યાશાખા માત્ર છોકરીઓ માટે હતી. હું સાઈઠના દાયકાની વાત કરૂં છું જ્યારે ફેકલ્ટી ઑફ ટેક્નોલોજીમાંથી પસાર થઈને કોઈ આર્કિટેક્ટની અથવા બરોડા હાઈસ્કૂલની વિદ્યાર્થિની પણ જતી હોય તો જાણે કે કોઈ નવતર પ્રાણી જતું હોય તે રીતે એને જોવા માટે લૉબીમાં રીતસર લાઈન લાગતી. એ જમાનો હતો જ્યારે એન્જિનિયરીંગમાં છોકરીઓ દાખલ નહોતી થતી. અત્યારે એવું નથી. અત્યારે એન્જિનિયરીંગ કૉલેજમાં લગભગ જેન્ડર બેલેન્સ થઈ ગયું છે એટલે હવે છોકરી ઈજનેરી વિદ્યાશાખાના કેમ્પસમાં કોઈ નવાઈ કે આકર્ષણની ચીજ રહી નથી.
યોગાનુયોગ ગણો કે જે ગણવું હોય તે પણ એ સમયે યુનિવર્સિટી હૉસ્ટેલોમાંથી પસાર થતા રસ્તાઓ ઉપર સાયકલ ચલાવીને ઈજનેરી વિદ્યાશાખાઓ એટલે કે ફેકલ્ટી ઑફ ટેક્નોલોજીમાં જતા છોકરાઓ ખાસ હૉમ સાયન્સ રોડ ઉપર થઈને જ જાય. ક્યારેક વર્કશોપનો પિરિયડ ન હોય તોયે પેલા વાદળી અથવા કાળા રંગનો વર્કશોપનો ડ્રેસ પોતે એન્જિનીયર થવાના છે તે જાણે કે પ્રદર્શિત કરવાનું હોય તે રીતે પહેર્યો હોય. ડ્રોઈંગનો ક્લાસ ન હોય છતાં સાયકલમાં ક્યારેક ટી-સ્કવેર કે સેટ સ્કવેર ભરાવ્યું હોય એ બધું જ આ કમાટીબાગ અને હૉમ સાયન્સ કૉલેજ વચ્ચેથી પસાર થતા રોડના લાભાર્થે હતું એમાં કોઈ શંકા નથી. ગમે તે કારણ હોય, પણ યુનિવર્સિટીની ચૂંટણીઓમાં હૉમ સાયન્સના મત મોટા ભાગે એન્જિનિયરીંગ કૉલેજના જી.એસ. કે વી.પી.ના ઉમેદવારને મળતા એ રહસ્ય પાછળ શું કારણ હશે એ મને ક્યારેય નથી સમજાયું. અમારો જશભાઈ (એટીકેટી) વગર પ્રચાર કરે જી.એસ. ચૂંટાઈ જાય તેમાં આ મતનો ફાળો પણ ખરો. અલબત્ત, જશભાઈની વિદ્યાર્થીનેતા તરીકેની પ્રતિભા, સૂઝ અને લોકપ્રિયતા તો ખરી જ.
આ હૉમ સાયન્સના વિશિષ્ટ આકર્ષણરૂપ ફનફેર એટલે કે આનંદમેળાની વાત હવે પછી.
“ફનફેર” – આનંદમેળો
જુદી જુદી વિદ્યાશાખાઓ પોતાના કેમ્પસમાં આ પ્રસંગ ઊજવે.
લગભગ ડિસેમ્બર – જાન્યુઆરીની ગુલાબી ઠંડીનો માહોલ.
વડોદરાની એ સુંદર મજાની શીતળ સાંજ
ફાઈન આર્સ્ટ કે હૉમ સાયન્સનું કેમ્પસ
મંદ મંદ સંગીતની વહેતી સુરાવલીઓ
પોતપોતાના જૂથ – ગ્રુપમાં
કેટલાંક તો આને માટે ખાસ સીવડાવેલા બ્લેઝર કે શૂટમાં
આ આનંદમેળા માણવા નીકળે ત્યારે...
વડોદરા યુનિવર્સિટીનું યૌવન જાણે કે કેમ્પસમાં હિલોળે ચઢ્યું હોય
આ એવો પ્રસંગ હતો જેમાં
કેટલીક મૈત્રીઓ બંધાતી,
તો કેટલીક તૂટતી પણ ખરી,
કેટલાંક આગળ જતાં કાયમને માટે જોડાઈ જતાં.
કદાચ એટલે જ...
વિદ્યાર્થીઓએ એમ. એસ. યુનિવર્સિટીનું હુલામણું નામ પાડ્યું હતું –
“મેરેજ સેટલમેન્ટ યુનિવર્સિટી” !!!!!