દિવાળી પછીનો લગભગ નવેમ્બરના અંતથી શરૂ કરી જાન્યુઆરી સુધીનો સમય વડોદરાના વિદ્યાર્થી જીવનનો આનંદ-ઉત્સવ માનવવાનો સમય બની રહેતો. આ સમયગાળા દરમિયાન દરેક વિદ્યાશાખા પોતાનો દિવસ એટલે કે “ફેકલ્ટી ડે” ઉજવતી, જેમાં સમગ્ર વિદ્યાશાખાના બિલ્ડીંગને શણગારાતું. એ દિવસ દરમિયાન કાંઈક ને કાંઈક સહજીવનની પ્રવૃત્તિ થતી. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાતો, જેમાં જે તે વિદ્યાશાખાનાં વડા ઉપરાંત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, પ્રો-વાઈસ ચાન્સેલર, જનરલ સેક્રેટરી વિગેરે હાજરી આપતા. વિદ્યાર્થીઓ કંઠ સંગીતથી માંડી બંસરી, ગીટાર, જલતરંગ, ઢોલક અથવા વીણા જેવા વાદ્યો પર કોઈ રાગ અથવા સિનેમાના ગાયનની ધૂન રજૂ કરે. માઉથ ઓર્ગન પર એ જમાનામાં પ્રચલિત આવારા ચલચિત્રનું “આવારા હું.., આવારા હું.., યા ગરદીશ મેં હું આસમાન કા તારા હું…” કે પછી મધુમતિ ચલચિત્રનું “સુહાના સફર ઔર યે મૌસમ હસીં” કે પછી સોલવા સાલ ચલચિત્રનું “હૈ અપના દિલ તો આવારા, ન જાને...” અથવા અનાડી ચલચિત્રનું “કીસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર...” જેવા ગાયનો રજૂ થાય. અમારા વચ્ચે આવા કલાકારો પડ્યા છે એનો પરિચય અમને ત્યારે જ થાય. કેટલાક સિનેમાના ડાયલોગ એટલી અસરકારક રીતે બોલે કે ઑડિયન્સ “વન્સ મૉર... વન્સ મૉર” નાં નારા લગાવે. જનરલ સેક્રેટરીનું ભાષણ થાય, ડીન સાહેબનું ભાષણ થાય, વાઈસ ચાન્સેલર સાહેબનું ભાષણ થાય અને કોઈ વિશિષ્ટ વ્યક્તિ મહેમાન તરીકે આવ્યા હોય તો એમનું ભાષણ થાય. ઑડિયન્સમાં બેસીને આ બધું મંત્રમુગ્ધ થઈને હું જોઈ રહેતો. અમારામાંના કેટલાંકને યુનિવર્સિટીમાં કોઈ સ્થાન અથવા ઈનામ મળ્યું હોય તો એમને ઈનામો અથવા સર્ટિફિકેટ અપાય અને છેવટે કાર્યક્રમ પૂરો થાય. બહુ જ મજા આવે. છેલ્લે જ્યારે ડીન સાહેબ બોલવા ઊભા થાય ત્યારે એકાએક નારાબાજી શરૂ થાય “વી વૉન્ટ હૉલિડે”, “વી વૉન્ટ હૉલિડે”. થોડીવાર તો મરક મરક ચહેરે ડીન સાહેબ આ નારાબાજી ચાલવા દે અને પછી મેચ ફિક્સિંગનો એક ભાગ હોય તે રીતે બીજા દિવસે રજા જાહેર કરી દે અને જેવી રજા જાહેર થાય કે આખું વાતાવરણ કીકીયારીઓ અને તાળીઓના ગળગળાટથી ગાજી ઊઠે. બીજા દિવસે રજા.
“ફેકલ્ટી ડે”ની આ વિશિષ્ટ ઉજવણી એક ખૂબ મોટો પ્રસંગ હતો અમારા વિદ્યાર્થી જીવનનો. અભ્યાસમાં જે હીરો હોય એ તેજસ્વી વિદ્યાર્થીઓનો કદાચ આ દિવસ ન હોતો. આ દિવસ હતો – જેનામાં ભગવાને કોઈ ને કોઈ પ્રકારની કલા મૂકી છે તેવા ભણવાની સાથે કલાને પણ પોસતા વિદ્યાર્થીઓમાંની છૂપી શક્તિઓને સ્ટેજ પર લાવવાનો. અત્યાર સુધી માત્ર માઉથ ઓર્ગન જોયું હતું. એલ. એસ. હાઈસ્કૂલમાં મારો સહાધ્યાયી જશવંત બારોટ માઉથ ઓર્ગન પણ વગાડતો અને વાંસળી પણ વગાડતો. આ બંને વાદ્યો વગાડવા શીખવા માટે મેં નિષ્ફળ પ્રયત્ન કરી હાર સ્વીકારી લીધી હતી. મારા બાપા હાર્મોનિયમ વગાડતા. એક સરસ મજાનું જર્મન બનાવટનું હાર્મોનિયમ એમની પાસે હતું. મને હાર્મોનિયમ શીખવાડવાનો એમણે ખૂબ પ્રયાસ કર્યો. ન શીખ્યો તે ન જ શીખ્યો. સંગીતનું કોઈ પણ વાદ્ય ન શીખી શકું અથવા ન આવડવું એ મારા જીવનનાં નિષ્ફળ પાસાંઓમાંનું એક છે. ગાયકી ન કહેવાય, પણ આમ છતાંય “વૈષ્ણવજન” અથવા “રઘુપતિ રાઘવ રાજા રામ” હું સારી રીતે ગાઈ શકું છું. ક્યારેક મૂડમાં હોઉં ત્યારે “ઓ... રે તાલ મિલે નદી કે જલમેં, નદી મિલે સાગર મેં..., સાગર મિલે કૌન સે જલ મે કોઇ જાને ના...” અથવા “તુમ આજ મેરે સંગ હઁસ લો, તુમ આજ મેરે સંગ ગા લો” કે પછી “કીસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કીસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર...” ગાયન વાગતું હોય તો હું તેની સાથે ગાવું છું. એકલા ગાવાનું સાહસ ન કરવાનું મેં મુનાસીબ માન્યું છે. “અય માલિક તેરે બંદે હમ, ઐરે હો હમારે કરમ, નેકી પર ચલે ઔર બદી સે ટલે તાકી હસતે હુએ નિકલે દમ” પ્રાર્થના મને ગમે છે. આ વિષય પર ઘણું બધું લખી શકાય છે. કારણ કે મારી પાસે લગભગ વીસ હજાર જેટલા ગાયનોનો સંગ્રહ છે. સિનેમાના ગીતો અને તેમાંય ખાસ કરીને મુકેશ, કિશોરકુમાર, મોહમ્મદ રફી, મન્ના ડે, લતા મંગેશકર, આશા ભોંસલે જેવા ગાયક – ગાયિકાઓના ગીતો અને ખાસ કરીને એનાં શબ્દો આજે પણ મનને એક જૂદી જ દુનિયામાં લઈ જાય છે. રાજકપૂરનો પ્રમાણમાં નિષ્ફળ ગયેલું ચલચિત્ર “મેરા નામ જોકર”નું ગીતમાં જ્યારે જ્યારે હું “એ ભાઈ, જરા દેખકે ચલો, આગે ભી નહીં પીંછે ભી...” સાંભળું છું ત્યારે આખા જીવનની ફિલોસોફીનો નિચોડ આ એક જ ગીતમાં મળી રહે છે અને તેમાંય –
“ક્યા હૈ કરિશ્મા, કૈસા ખિલવાડ઼ હૈ
જાનવર આદમી સે જ્યાદા વફાદાર હૈ
ખાતાં હે કૌડ઼ા ભી, રહતા હૈ ભૂખા ભી
ફિર ભી વો માલિક પેકરતા નહીં વાર હૈ
ઔર ઈન્સાન યે
માલ જિસકા ખાતા હૈ
પ્યાર જિસ સે પાતા હૈ, ગીત જિસ કે ગાતા હૈ
ઉસકે હી સીનેમેં ભૌંકતા કટાર હૈ
એ ભાઈ જરા દેખ કે...”
પંક્તિઓ ઘણીવાર જીવનમાં થયેલા ઘણાં બધાં અનુભવો મને યાદ કરાવી જાય છે. ક્યારેક દુઃખતી રગ દબાવી જાય છે અને ત્યારે એની છેલ્લી પંક્તિઓ –
“રહતા હૈ જો કુછ વો
ખાલી-ખાલી કુર્સિયાઁ હૈં
ખાલી-ખાલી તમ્બૂ હૈ
ખાલી-ખાલી ઘેરા હૈ
બિના ચિડિયા કા બસેરા હૈ
ના તેરા હૈ, ના મેરા હૈ”
વાસ્તવિક જીવનથી રૂબરૂ કરાવે છે. માણસનું પોતાનું કશું જ નથી. એ સવારે જાગે છે ને રાત્રે ઊંઘે છે ત્યાં સુધી જે કાવાદાવા કે ખટપટો કરે છે અને પરિણામે જે ભેગું કરે છે તે બધું જ અહીંનું અહીં રહી જાય છે. આમાંથી કશું જ સાથે નથી આવતું અને આમ છતાં પોતાના નાનકડાં સ્વાર્થ ખાતર માણસ જેના પર તેણે વિશ્વાસ મૂક્યો છે તેની પીઠમાં ખંજર મારતાં જરાય વિચાર નથી કરતો. “મેરા નામ જોકર” પ્રમાણમાં ભલે ઓછું સફળ થયું હોય તો યે નીરજની રચના એવા આ એક ગીત પર સો-સો સમરકંદ અને બુખારા ન્યોછાવર છે.
પંડિત નરેન્દ્ર શર્મા, પ્રદીપજી, ભરત વ્યાસ, રાજેન્દ્ર કૃષ્ણ, શાહિર લુધિયાનવી, શૈલેન્દ્ર, હસરત જયપુરી, જાંનિસાર અખ્તર, કૈફી આઝમી, ગુલઝાર, મઝરૂહ સુલ્તાનપુરી, સમીર, ફૈઝ અનવર વિગેરે જેવાં શાયરો અને કવિઓએ માણસની સંવેદનાને જે રીતે ઢંઢોળી છે કદાચ આજનો સમય એવાં શાયરો અને કવિઓને પેદા નથી કરી શકતો. આજના સમયની ઘટતી જતી સંવેદનાનું આ પણ એક કારણ હોઈ શકે.
વળી પાછા મૂળ વાત પર આવીએ. “ફેકલ્ટી ડે”ની ઉજવણી પૂરી થાય, બીજા દિવસે રજા હોય એ એક વિશિષ્ટ પ્રસંગ દર વરસે એક વખત આવતો અને અમે એને પૂરા જોશ અને આનંદથી માણતા.
આવો જ પ્રસંગ “હૉસ્ટેલ ડે”નો રહેતો. દરેક હૉસ્ટેલ પોતાનો એક દિવસ ઉજવતી. એ દિવસે હૉસ્ટેલને શણગારવામાં આવતી. બપોરે “બડાખાના” એટલે કે ફીસ્ટ હોય અને સાંજે લગભગ પાંચેક વાગ્યાથી હૉસ્ટેલની ટેરેસ પર આ પ્રસંગની ઉજવણી શરૂ થતી. એ જમાનામાં “કમ સપ્ટેમ્બર” પિક્ચરના સંગીતની ધૂનનું લગભગ યુવા પેઢીને ઘેલું લાગ્યું હતું અને એવું જ બીજું ગાયન હતું, “શુગર શુગર.., હની હની”. અમારે ત્યાં ઑવરસીઝ વિદ્યાર્થીઓ અને અન્ય રાજ્યોનાં હાઈપ્રોફાઈલ કુટુંબોમાંથી આવતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં રહેતા. આ કારણથી ડાન્સ કરવાથી માંડીને ગીટાર અથવા માઉથ ઑર્ગન કે બીજા વાદ્યો વગાડવા સુધીની લગભગ મૉનોપૉલી એમની રહેતી. જો કે, હિન્દી ગાયનો ગાવામાં સ્થાનિક વિદ્યાર્થીઓ અને હિન્દી ભાષી રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ સારો રસ લેતા. મારી હૉસ્ટેલની એક આખી વિંગ થાઈલેન્ડના વિદ્યાર્થીઓની હતી. એમની ભાષા કે સંગીતમાં કોઈ સમજણ નહોતી, પણ અત્યંત ખેલદિલીપૂર્વક આ વિદ્યાર્થીઓ પોતાનું સાંસ્કૃતિક જ્ઞાન પણ પ્રસ્તુત કરતાં. સરવાળે મજા આવતી. વૉર્ડન અને બીજા મહાનુભાવોની હાજરીમાં ધામધૂમપૂર્વક “હૉસ્ટેલ ડે” ઉજવાતો. એ દિવસે સાંજે મેસમાં રજા રહેતી, પણ ઉજવણીનાં ભાગ રૂપે સારો એવો ભારે નાસ્તો મળતો. રાત્રે લગભગ નવ – સાડા નવે વિખરાઈએ ત્યારે આ સાંજના મીઠાં સંભારણાં ઘણાં લાંબા સમય સુધી વોગાળતાં રહીએ એવાં અનુભવ સાથે છૂટા પડતા.
“ફેકલ્ટી ડે” અને “હૉસ્ટેલ ડે” – આ બંને વડોદરાના વિદ્યાર્થી જીવનનાં બે મહત્વના પ્રસંગો હતા. આ પ્રસંગો મનોરંજન અને આનંદ તો પૂરો પાડતાં, પણ સાથોસાથ કોઈક ને કોઈક રીતે વ્યક્તિત્વ ઘડતરમાં પણ મદદરૂપ થાય તે પ્રકારની તક પૂરી પાડતા.
“ફેકલ્ટી ડે” એટલ કે...
જે તે વિદ્યાશાખાનો વાર્ષિકોત્સવ, ઉમંગ અને આનંદનો ઊભરો આવે,
અભ્યાસ અને પરીક્ષાની ચિંતા વિસારીને પોતાના અસ્તિત્વને
ક્યાંક ને ક્યાંક આ પ્રવૃત્તિ સાથે જોડી ઓગાળી દેવાનો
એક સરસ મજાનો પ્રસંગ એટલે “ફેકલ્ટી ડે”
અભ્યાસ ઉપરાંત અમારા સાથીઓમાં
સંગીત અને વકૃત્વ કળાથી માંડીને નેતૃત્વ અને નાટ્યકળા સુધીની
જે ક્ષમતાઓ પડેલી હતી તેની એક આછેરી ઝલક
પૂરી પાડતો પ્રસંગ એટલે “ફેકલ્ટી ડે”
પોતાની વિદ્યાશાખા, પોતાનાં સહાધ્યાયીઓ, પોતાનાં પ્રોફેસરો,
પોતાનાં કર્મચારીઓ, ટૂંકમાં જે તે વિદ્યાશાખાનો એક પરિવાર અને
આ પરિવારનાં મિલન માટેના સુંદર અવસરને
આનંદ તેમજ ઉલ્લાસથી ઊજવવાનો પ્રસંગ એટલે “ફેકલ્ટી ડે”
વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં એ જમાનામાં
સાચા અર્થમાં એક ELITE એટલે કે અગ્રિમ શિક્ષણ સંસ્થા હતી.
અહીં ભણવા માટે ભારતભરમાંથી અને એથીયે આગળ
કેન્યા, યુગાન્ડા કે પછી નેપાળ અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી વિદ્યાર્થીઓ આવતા.
સાચા અર્થમાં એક વૈશ્વિક સમાજનું જાણે કે લઘુ સ્વરૂપ અહીંયાં ભેગું થતું.
આ કારણથી એટલે “ફેકલ્ટી ડે”ની ઉજવણીમાં પણ માત્ર ગુજરાતીને જ નહીં,
ભારતનાં જ નહીં, પણ વૈશ્વિક સંસ્કૃતિઓની ક્ષમતાઓની ઝલક જોવા મળતી.
આ કારણથી એમ. એસ. યુનિવર્સિટીમાં ભણેલ વિદ્યાર્થી
દુનિયાના ગમે તે ખૂણે જાય
પોતાનો મારગ સક્ષમતાથી ગોતી લેતો.
હું યુનિવર્સિટીમાં દાખલ થયો અને મારો વિદ્યાર્થીકાળ પૂરો થયો
એ દરમિયાનમાં
મારા વ્યક્તિત્વ વિકાસ અને ઘડતરમાં
જે અનેક પરિબળો કારણભૂત હતાં
તેમાંનું એક અને અતિમહત્વનું પરિબળ હતું –
એમ. એસ. યુનિવર્સિટીમાં કૉસ્મોપોલિટન વાતાવરણ.
“ફેકલ્ટી ડે” અને એવાં પ્રસંગો એકબીજા સાથે વધુ નીકટથી જોડાવવાની તક પૂરી પાડતા.
જાણે-અજાણે આ તક વિવિધ સંસ્કૃતિઓનાં આદાન-પ્રદાન માટેની પણ ઉત્તમ તક બની જતી.
“હૉસ્ટેલ ડે” એ આવી જ રીતે હૉસ્ટેલનાં સહાધ્યાયીઓ સાથે હળવા મળવા
અને એમને નીકટથી ઓળખવા માટેની તક હતી.
સરરેશા એક હૉસ્ટેલમાં બસ્સો કરતાં વધારે વિદ્યાર્થીઓ રહેતા.
દરેકના કૉલેજ સમય જુદા જુદા હોય
ફાઈન આર્ટ્સ અને શિલ્પકામ જેવા વિષયના વિદ્યાર્થીઓ તો એમનાં સ્ટુડિયોમાં જ પડ્યા-પાથર્યા રહેતા.
તેવે સમયે “હૉસ્ટેલ ડે” સૌને એક પ્લેટફોર્મ પર લઈ આવવા માટેનું સાધન બની જતો.
આજે પણ “કમ સપ્ટેમ્બર” ના ટ્યૂન પર
હૉસ્ટેલની ટેરેસ પર થતા એ ડાન્સ અથવા
વાંસળીની ધૂન કે માઉથ ઑર્ગનની ટ્યુન પર
ઝૂમી ઊઠવાનો એ સામૂહિક અનુભવ
“હૉસ્ટેલ ડે” સિવાય શક્ય ન બન્યો હોત.
“હૉસ્ટેલ ડે” અને “ફેકલ્ટી ડે”
ભણતરની સાથે આનંદ પ્રમોદ કરતાં
જીવન ઘડતર અને વ્યક્તિત્વ વિકાસની
તક પૂરી પાડતા ઉત્સવ હતા એમાં કોઈ શક નથી.