એન્ટ્રંસ ટેસ્ટ માટેની તૈયારી શરૂ કરી. થોડાંક દિવસોમાં મને ખ્યાલ આવ્યો કે આ માટે પણ સ્પેશિયલ કોચિંગ ચાલતું હતું. માત્ર એક સવા એક મહિનાના આ કોચિંગ માટે વિષયદીઠ ૫૦૦ રૂપિયા ખર્ચો આવે. મારી આ કોચિંગ માટે ખર્ચો કરવાની કોઈ ક્ષમતા નહોતી. મને એ પણ સમજાવા માંડ્યુ હતુ કે એન્ટ્રંસ ટેસ્ટની આ પ્રક્રિયામાં મારે આ ઉપરાંત મારાથી વધુ માર્કસ હોય પણ ધાર્યા મુજબની બ્રાંચમાં ડાઇરેક્ટ એડમિશન ન મળ્યું હોય તેવા વિદ્યાર્થીઓની પણ હરીફાઈ કરવાની હતી. આ તો માત્ર અડધી જ વાત થઈ. આ એન્ટ્રંસ ટેસ્ટ આખા દેશમાંથી વિદ્યાર્થીઓને આકર્ષતું. એટલે સંખ્યાની દ્રષ્ટિએ પણ હવે હરીફાઈ માત્ર ૬૦૦ વિદ્યાર્થીઓથી ઓછા સ્પર્ધકો સાથે નહોતી પણ લગભગ ૧૬૦૦થી ૧૭૦૦ વિદ્યાર્થીઓ સાથે હતી. આમાંના મોટાભાગના મુંબઈ, દિલ્લી જેવાં શહેરોમાંથી સારી કોલેજમાં ભણીને M.S. યુનિવર્સિટીમાં એડમિશન લેવા પ્રયત્ન કરતા એટલે એમનું અંગ્રેજી તો સારું હોય જ તે ઉપરાંત વિષયજ્ઞાન પણ મોટેભાગે સારું રહેતું. આ બધી બાબતે હવે ચિંતા કરવાનો કોઈ અર્થ નહોતો. મા વારંવાર એક કહેવત કહેતી. 

“દે દરિયામાં દૌટ કે રાખણહારો રામ”

મારી હિંમત આ કહેવત યાદ કરું ત્યારે થોડી વધુ દ્રઢ બનતી. બને તેટલું વધુ ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરીને હું તૈયારીમાં લાગ્યો હતો. કેટલાક મિત્રો જે કોચિંગમાં જતા હતા તેમની પાસેથી પણ થોડું ઘણું માર્ગદર્શન તેમજ મટીરિયલ મળી રહેતું. આમ પુરુષાર્થ મારો પૂરો હતો, ફળ આપવાનું ઈશ્વરના હાથમાં હતું. કોઈપણ આપત્તી આવે ત્યારે એ કંઈકને કંઈક શીખવાડી જાય છે. મારી આ મુંઝવણમાં મને કેટલાક એવા પણ મિત્રો મળ્યા કે જેમની સાથે મારી દોસ્તી અને સંબંધ આજીવન રહ્યા. આમાં મુકુંદ સિધ્ધપુરીયા, જશભાઇ ભગત અને ઇન્દ્રવદન શાહનાં નામ મૂકી શકું. સિધ્ધપુર પાસે કહોડાના વતની ચતુરભાઈ એમ. પરમાર મિકેનિકલ એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતા હતા. તેમજ એલ. એસ. હાઈસ્કૂલના જ વિદ્યાર્થી અને મારા સિનિયર શ્રી રમેશભાઈ હરિપ્રસાદ શુકલ તેમજ એમના મિત્રો શ્રી મહેન્દ્ર પટેલ, શરદ પટેલ, પંડ્યાજી વિગેરેની પણ હુંફ સારી હતી. ઉનાળાની અસહ્ય ગરમી હતી. રૂમમાં પંખો તો હોય જ નહીં એટલે રૂમનું બારણું ખુલ્લુ રાખી કુદરતી હવા આવે તેને સહારે વાંચવાનું ખાસું અસુવિધાજનક હતું. મારા માટે વડોદરાનો આ પહેલો ઉનાળો હતો. ઘરે તો ખુલ્લા આકાશ નીચે ચોકમાં ખાટલા પાથરીને સૂઈ જતા. અગિયાર-બાર વાગે ત્યાં સુધીમાં તો સરસ મજાની ઠંડકનો અનુભવ થાય. ચાંદની રાત હોય અથવા અંધારા પખવાડીયાના પહેલા દસેક દિવસ હોય, મોડી રાત્રે ચંદ્રની ચાંદનીનું સૌંદર્ય અને શીતળતા બંને મનમોહક રહેતાં. ચોકની ચારે તરફ આંગણામાં વાવેલા લીમડા થોડી પણ વાયરી આવે એટલે જાણે વીંઝણો નાખતા હોય તેવા શીતળ પવનનો અનુભવ કરાવતા. પાણીનું એક નાનુ માટલું જેમાં રાત વીતે તેમ પાણી ઠરતું જાય. આ રીતે સરસ મજાનું ઠંડુ પાણી છેક સવારના અગિયારેક વાગ્યા સુધી પીવા માટે તૈયાર કરી આપતું. વાગોળ, ચીબરી, ઘુવડ જેવાં નિશાચર પક્ષીઓની ઊડાઊડ ક્યારેક આ વાતાવરણથી ટેવાયેલ ન હોય તેને ગભરાવી મૂકે તેવી રહેતી. દૂર દૂર જંગલી કુતરાંના ભસવાના અવાજો અને શિયાળીયાંની લાળી રાત વીતે તેમ જાણે નજીકમાંથી જ આવાજ આવતો હોય તે રીતે સાંભળી શકાતી. ક્યારેક દૂરના અરડૂસાનાં ઠૂંઠા પર બેઠેલા ઘુવડનું ઘુ ઘુ પણ સાંભળવા મળતું. આ સિવાય સંપૂર્ણ શાંતી અને સ્તબ્ધતા એ ઉનાળાની સિધ્ધપુરમાં ગાળેલી રાતોનું આગવું લક્ષણ હતું. ગોદડાં વહેલા પાથરી દઈએ એટલે સુવાના સમય સુધીમાં ઠરીને ઠંડાં થઈ જાય. ખાટલામાં પડો એટલે થોડા જ સમયમાં ઘસઘસાટ ઊંઘી જવાય. 

આની તદ્દન વિરુધ્ધ હોસ્ટેલની રૂમમાં જાણે ભઠ્ઠી આગળ બેઠા હોઈએ તેવી ગરમી. માટલામાં પણ નવાયું કહી શકાય તેવું પાણી આખો દિવસ લોબીમાં પાણીયારે તડકો આવે એટલે તપ્યું હોય. આટલું જાણે ઓછું હોય તેમ માંકડનો પુષ્કળ ઉપદ્રવ. ક્યારેક તો દીવાલ પર આખી લાઇન ફરવા નીકળી હોય તેવું દેખાય. આનાથી બચવા ખુરશીના સાંધાઓમાં અને ટેબલના પાયાની આજુબાજુ કેરોસીન નાંખી દઈએ અને છતાંય કોઈ રડ્યો ખડ્યો આવી ચડે તો સ્યાહીના ખડીયામાં અડધું કેરોસીન ભરીને રાખવાનો, માંકડને પકડીને સીધો ખડીયાને હવાલે. આમ, એક તરફ પરીક્ષાની તૈયારી અને બીજી તરફ આ માંકડ સેનાનો ઉપદ્રવ જેને ખાળવા સારો એવો સમય કેરોસીન અને ક્યારેક થોડું ઘણું લોહી વપરાતું. સિધ્ધપુર અમારે ત્યાં કાથીના વાણના ખાટલા હતા. દિવસે ચોકમાં પડેલા ખાટલા અને ગોદડાનો થપ્પો ઉનાળાની આગ ઝરતી ગરમીમાં તપે એટલે આ માંકડ નામના લોહીચૂસ જંતુનો ઉપદ્રવ અને એનો સામનો મારા માટે નવાં હતાં.

સુખે દુખે દિવસો પસાર કરતાં છેવટે પરીક્ષાનો દિવસ આવી ગયો. ફિઝીક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટીક્સ અને બાયોલોજી એમ ચાર વિષયની પરીક્ષા આપવાની રહેતી. પરીક્ષાના એ ચાર દિવસ પણ પૂરા થયા. પેપર પ્રિ.સાયન્સની વાર્ષિક પરીક્ષા કરતાં સારાં લખાયાં હતાં. એટલે કંઈક આશા બંધાતી હતી. પોતાની પસંદગી અને મેરીટ પ્રમાણે કોને શેમાં એડમિશન મળ્યું તેનું લીસ્ટ લગભગ પંદર દિવસ પછી એન્જીનિયરીંગ કોલેજ જેને Faculty of Technology and Engineering અથવા કલાભવનના નામથી ઓળખતા ત્યાં મૂકાવાનું હતું. વચ્ચેના સમયમાં બીજું કાંઇ કરવાનું નહોતું એટલે ફરી પાછું આ મીની વેકેશન માણવા સિધ્ધપુરની વાટ પકડી.

મે મહિનાના અંતનો આ સમય એટલે વૈશાખ મહિનો અધવાર્યો હોય એ સમય
દેશી કેરીના અમારા આંબે કેરીઓ ઝૂલતી હોય તે સમય.
કોયલના ટહુકા અવિરત સંભળાતા હોય તે સમય.
કેરીની સાખ પાડવાની તૈયારી હોય તે સમય.
સિધ્ધપુરની બજારોમાં આજુબાજુથી...
અને ખાસ કરીને બનાસકાંઠાના ધાંધાર વિસ્તારમાંથી કેરીની આવકો શરૂ થવા માંડે તે સમય.
સંડેસરી પાસે આવેલા ધારકરના આંબાવાડીયાની કેરી મેળવવા કોઈકને ભલામણ કરવી પડે તે સમય.
રાજાપુરી કેરીનાં કટકાં અને છીણ કરી મા અથાણું અને છુંદો બનાવે તે સમય.
કરાંને છાશમાં પલાળી એનું અથાણું નખાય તે સમય
રાગુંદા એટલે કે મોટા ગુંદાનું અથાણું થાય તે સમય
બટાકાની કાતળી અને ચોખાનાં પાપડ કે ઘઉંની સેવ તૈયાર થતી હોય તે સમય
શાસ્ત્રીજીની પાઠશાળામાં મુંબઈથી આવેલા મહેમાનો સાથે રાતની ઠંડકમાં બટકાવાડા, પેટીશ, કચોરી કે પછી કોઠીનો આઇસક્રીમ જાતે બનાવી પાર્ટીઓ ચાલતી હોય તે સમય
લગનસરાનો સમય અને એ જમાનામાં અમારા સાથે ભણતા અથવા જુનીયર બાર-તેર વરસના પટેલના દીકરાઓનાં લગન લેવાય, રાજપુરમાંથી વેલડાં જોડાય અને જાન જાય તે સમય
બહારગામથી આવેલ જાનને ઢબકતા ઢોલે ચોક્કસ ફટાણાં સાથે આવકારાય તે સમય.
અખાત્રીજના હાળોતરાં થઈ ગયાં હોય અને ખેતરમાં ખાતર નખાતાં હોય તે સમય
બરફના ગોળા, ગોવિંદલાલનો આઇસક્રીમ કે લાલુમલની લસ્સી માણવાનો સમય
લખમણ માસ્તરના ગોટા અને શ્રીખંડ ચપોચપ ઉપડી જતા હોય તે સમય
વહોરવાડમાં બહારથી આવેલ મોંઘું બેન્ડ અને આતશબાજી સાથે વ્હોરાજી ઘોડે ચઢતા હોય તે સમય
ફાલસા, રાયણ અને ગુંદા બજારમાં દેખાતાં થાય તે સમય
સિધ્ધપુરનો ઉનાળો અને તેમાંય વૈશાખ-જેઠનું વેકેશન
આ તો માત્ર અડધું પડધું જ લીસ્ટ થયું !
કેટકેટલી ઘટનાઓ બનતી હતી
દિવસો પત્તાં, વેપાર કે સોગઠાબાજી રમવામાં ક્યાંય વીતી જતા
મા રાડો પાડતી હોય છતાં ખરા બપોરે પગમાં જોડા વગર રખડતા ફરીએ તેની કંઈક ઓર જ મજા
એટલે આ દસ-બાર દિવસ સિધ્ધપુર પહોંચી જઈને
ખોવાઈ જવું હતું આ મસ્તમજાની પ્રવૃત્તિઓમાં.
ટેસ્ટ આપી દીધો હતો.
પરિણામ હવે આપણા હાથમાં નહોતું.
ક્યારેક મગજમાં અમારા ગુજરાતીના સાહેબ-
બાબુભાઇ એમ. ભટ્ટ સાહેબ વિચાર-વિસ્તાર માટે પરીક્ષામાં પૂછતા તે પંક્તિઓ
“પાસા ફેંકે જેનો સર્વદા
દા દેવો હરી હાથ છે”
ઝબકી જતી.
આપણે પાસા ફેંક્યા હતા
જોઈએ ભાવિના ગર્ભમાં શું લખ્યું છે?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles