હૉસ્ટેલ પ્રવેશની સાથે જ જેમ કરસનકાકા સાથે પનારો પાડવાનો આવ્યો તે જ રીતે ભોલે અને અમારા વૉર્ડન સાહેબ એ બે પાત્રો લગભગ એક સાથે અમારી હૉસ્ટેલની જિંદગીમાં સામે મળ્યા.
ભોલે આમ તો સ્વીપર કમ રૂમ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો હતો. સવાર પડે એટલે ખાખી ચડ્ડી અને ઉપર બનિયનધારી ભોલેનાં દર્શન થાય. એના એક હાથમાં સાવરણી હોય અને બીજા હાથમાં નાનકડું ડસ્ટબીન. ભોલે રૂમમાં આવે એટલે એની ટકટક શરૂ થાય - “કેટલો કચરો પાડ્યો છે ? નાસ્તો કરો તો નીચે કાગળ રાખો ને સાહેબ !” પણ આ ટક્કરમાં કોઈ કડવાશ કે દ્વેષ નહીં. ભોલે હંમેશા હસતો હોય. એનાં કામબાબત છ વરસના મારા હૉસ્ટેલવાસ દરમિયાન ક્યારેય એને ટોકવો પડ્યો નથી. ભોલે એટલે માત્ર સ્વીપર કમ એટેન્ડન્ટ જ નહીં, પણ એક મલ્ટીપરપઝ, મલ્ટીટાસ્કીંગ પ્રતિભા હતી. કોઈકના રૂમમાં મહેમાન આવે એટલે ભોલેના નામનો પોકાર પડે. ભોલે કેન્ટીનમાંથી ચા-નાસ્તો લઈ આવે. કોઈ રૂમ બંધ હોય અને એના મહેમાન ખાસ કરીને કોઈ વડીલ આવ્યું હોય તો ભોલે એમને સમજાવે – “જો સાહેબ બે વાગે આવશે. હજુ સાડા બાર થયા છે. તમારે આજુબાજુમાં ક્યાંક જવું હોય તો જઈ આવો અને ન જવું હોય તો બેસો.” એમ કહી એ કરસનકાકાની રૂમ બંધ હોય તો ખોલી આપે. લાઈટ કરે. પંખો કરે અને પાણીનો ગ્લાસ પણ આપે. આમ, ભોલે આવા નાના-મોટા પ્રસંગો જાળવી લે. કામ કરીને એ લગભગ ત્રણેક વાગે નવરો પડે એટલે કોઈકની સાયકલ સાફ કરીને ઑઈલિંગ વગેરે કરવાનું હોય તો કરી આપે. ખૂબ ઉદ્યમી જીવ. બેઠી દડીનું શરીર. લગભગ પિસ્તાલીસ વરસની આસપાસની ઉંમર હશે. સ્ફૂર્તિ સારી અને એથીયે વિશેષ તો સતત કોઈ ને કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહેવાની એની આદત. ટૂંકા પગારમાં સ્વાભાવિક રીતે બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ પડે એટલે આવાં નાનાં-મોટાં કામ કરી અને એ વધારાની આવક ઊભી કરી લેતો. કોઈ વ્યસન ન હોવાના કારણે એની પાસે થોડી ઘણી બચત પણ રહેતી. ભાગ્યે જ ભોલે રજા પાડે. મજા એ હતી કે, એ પહેલા કરસનકાકા પાસે જાય અને કોઈ કિસ્સામાં કરસનકાકા રજા આપવાની ના પાડે તો ભોલે વૉર્ડન સાહેબ પાસે ન જાય. એ સીધો જાય બા પાસે.
બા એટલે અમારા ડૉ. મહેતા સાહેબનાં માતુશ્રી. ખૂબ કષ્ટી કરીને એમણે એમના આ દીકરાને ઉછેર્યો અને ભણાવ્યો હતો. અનાવિલ બ્રાહ્મણ. આમેય એવું કહેવાય છે કે, “અનાવિલ બ્રાહ્મણ ઘર બહાર શૂરવીર. ઘરમાં એ મીયાંની મીંદડી થઈ જાય તો જ રહી શકે.” જો કે, આ તો કોઈકે અનાવિલ બ્રાહ્મણના નામે ચઢાવી દીધું છે. બાકી બીજાઓ વિષે ન કહેવાય, પણ અમારા ભૂદેવોમાં તો બધે જ આવું હોય છે. મોટા મોટા રાજનાં દીવાનપદાં કરનાર પણ ઘરે કોઈ રૂઆબ ઝાડી શકતા નથી. કદાચ એવું શૂરાતન ચઢે તો સામેથી પેલી વીસનખી ઘૂરકીયું કરે એટલે સુલેહના સફેદ ઝંડા ફરકી જાય !
માજી કડે ધડે હતા. દિલના ખૂબ ઋજૂ. માજીનો વિદ્યાર્થીઓ પણ વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરી લેતા એ વાત આગળ જોઈશું, પણ અત્યારે તો ભોલેની કથા ઉપર પાછા આવીએ.
ભોલે સીધો જાય બા પાસે. મહાનાટકીયો જીવ. જેટલી શક્ય તેટલી બધી કરૂણા એણે મ્હોં પર ઠાલવી અને બાને વિનંતી કરે કે, ત્રણેક દિવસ તો આ પ્રસંગમાં મારે જોતરાવવું જ પડે ને ? બાને કાંઈક કહેવા જેવું લાગે તો ભોલેને ઝાટકી નાંખે, પણ આ બધું કર્યા બાદ બાની સુપ્રિમ કોર્ટમાં પોકાર પડે – “ભીખા ! ક્યાં છે તું ? સાંભળે છે ?’ અને મહેતા સાહેબ પ્રગટ થાય એટલે રીતસર બાનું ફરમાન છૂટે, “આ ભોલેની સાસરીમાં લગન છે. નાના માણસને સમાજમાં વળગીને તો રહેવું જ પડે ને ! તું મોટો માણસ થઈ ગયો છે તે ક્યાંય ન જાય તો ચાલે ! આ બિચારા નોકરને થોડું ચાલે ?” આ આખોય ડાયલૉગ ચાલે ત્યારે ભોલે નીચું માથું ઘાલીને જમીન સામે દયામણાં મ્હોંઢે જોઈ રહે. બા ત્યારબાદ પોતાનો ચૂકાદો સંભળાવે – “જો ભીખા, ભોલેને મેં કહ્યું છે, ત્રણ દિવસથી વધારે ગેરહાજર નહીં રહે. ત્રણ દિવસમાં શું આકાશ-પાતાળ તૂટી પડવાનું છે ?” અને ભોલેની રજા મંજૂર થઈ જાય. ભોલેને માજી પાસે વૉર્ડન સાહેબને કઈ રીતે દબડાવવા અથવા ઠપકો અપાવવો તે કળા સારી રીતે હસ્તગત થઈ ગઈ હતી અને સમયાંતરે એ આ કળાનો ઉપયોગ પણ કરતો. આ બધું થાય તો પણ ભોલેનો બીજો ગુણ હતો સંપૂર્ણ વફાદારીનો. એ ખૂલેઆમ કહેતો, “સાહેબ મારા માટે ભગવાન છે. સાચા અર્થમાં રાજા માણસ છે.” આમ, ભોલે બીજા બધા અમારા જેવા તુચ્છ જીવો માટે તો આર. એન. મહેતા સામેનું અભેદ્ય કવચ હતો.
હવે, ભોલે પ્રકરણ પૂરૂં કરી આપણે ભીખુભાઈ ઉપર આવીએ. ભીખુભાઈ. ભીખુ ચડ્ડી. ડૉ. આર. એન. મહેતા ગુજરાતના જ નહીં, પણ દેશના એક ખ્યાતનામ પુરાતત્વવિદ્ હતા. સાબરકાંઠામાં બૌદ્ધ સંસ્કૃતિ અંગેનું એમનું સંશોધન આજે પણ અદ્વિતીય ગણાય છે. પડછંદ અને કસરતી શરીર. એવું કહેવાતું કે, શહેરમાં પહેલાં એ જે વિસ્તારમાં રહેતા ત્યાંનાં અસામાજિક તત્વો એમના નામ માત્રથી ધ્રૂજતાં. એમણે એક આલ્સેશન કૂતરો રાખેલો. સવારે એને લઈને આંટો મારવા નીકળે. એક હાથમાં પેલા આલ્સેશનની સાંકળ હોય, બીજા હાથમાં એક દંડીકો અને ખાખી ચડ્ડી તેમજ ઉપર જરસી એવો એમનો ડ્રેસ. આ આખી ચડ્ડીને કારણે ભીખુભાઈનું ઉપનામ “ભીખુ ચડ્ડી” પડી ગયું અને તે ત્યારબાદ હૉસ્ટેલની પેઢી દર પેઢી ચાલુ રહ્યું.
આ મહેતા સાહેબની એક ખાસિયત હતી. હૉસ્ટેલમાં સાઈઠ વૉલ્ટ કે સો વૉલ્ટ જેવા બલ્બ વાપરવા ઉપર પ્રતિબંધ હતો. ઈસ્ત્રી, પંખો, હીટર વિગેરે પણ વાપરી શકાતાં નહીં. લગભગ છએક મહિને એક વાર મહેતા સાહેબ અને ભોલે ચેકીંગમાં નીકળતા. સમય સામાન્ય રીતે રાતના નવ વાગ્યાની આજુબાજુનો રહેતો. રૂમનું બારણું ખખડાવે. પૂછે, “સાઈઠ વૉલ્ટ કે એની ઉપરના બલ્બ વાપરો છો ?” જો લાઈટ ચાલુ હોય એમાં આવો બલ્બ દેખાય તો ભોલે સ્વીચ બંધ કરી આ બલ્બ કાઢી લે અને સાથેની એક ડોલમાં નાખે. વળી, સરઘસ આગળ ચાલે. મજા એ હતી કે, સાહેબ જ્યારે બલ્બ ચેક કરતા હોય ત્યારે નજર સામે ઈસ્ત્રી પડી હોય કે ટેબલ ફેન પડ્યો હોય અથવા વૉટર હીટર પડ્યું હોય તો એના તરફ જૂએ પણ નહીં. બલ્બ એટલે બલ્બ ! બધા બલ્બ ડોલમાં ભેગા થાય. સાહેબનો જ્યારે રાઉન્ડ પતવા આવવાનો હોય એ પહેલાં અમે બા પાસે પહોંચી જઈએ. દયામણા મ્હોંઢે કહીએ કે, “પરીક્ષા નજીકમાં છે. હમણાં જ આ બલ્બ નવો લાવ્યા હતા. સાહેબ લઈ ગયા. પૈસા ખર્ચાઈ ગયા છે બા, તો આટલી વાર અમને જતા કરો ને ! ફરી આવું નહીં કરીએ.” બા અમને પણ તતડાવે. કહે, “બધા નકામા છો. આવો બલ્બ લાવ્યા ત્યારે ભીખો લઈ ગયો ને !” થોડી કાકલૂદી કર્યા બાદ અમે ફરી વચન આપીએ કે, આટલી વાર જવા દો. હવે આવું નહીં કરીએ.
બરાબર સીન ગોઠવાઈ જાય. સાહેબ પાછા આવે એટલે બા એમને સલાહ આપે, “આ છોકરાઓ હવે સાઈઠનો કે એથીયે મોટો બલ્બ નહીં લાવે. અત્યારે પરીક્ષા છે. છોકરાઓ વાંચશે કઈ રીતે ? આટલી વખત જવા દો.”
આ બધી વિદ્વતાપૂર્ણ ચર્ચાઓ બાદ મહેતા સાહેબ માની જાય. આગળ ડોલમાં જપ્ત કરેલા બલ્બ લઈને ભોલે અને પાછળ અમારૂં ટોળું કોમન રૂમમાં પહોંચે. ટેબલ ટેનિસના ટેબલ પર ભોલે આ ડોલ મૂકે અને કહે કે, “જેના હોય તે લઈ લો.” બસ, આટલી જ રાહ હોય તેમ બધા બલ્બ ચપાચપ ઊપાડી લે. મજા એ થાય કે, જેમનાં હોય તે રહી જાય અને ન હોય તે લઈ જાય. ફરીવાર સાહેબ ચેકિંગમાં નીકળે અને પૂછે કે, “આ સાઈઠનો બલ્બ કેમ ચાલે છે ?” તો એનો અમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જવાબ આપીએ – “સાહેબ ! આ તો તે દિવસે આપે પરત કરેલા તેજ બલ્બ છે. હજુ ચાલે છે.” જપ્ત કરેલો બલ્બ એ સાઈઠ અથવા સોનો બલ્બ વાપરવાનું લાયસન્સ બની શકે એ મૌલિક સંશોધન અમે મહેતા સાહેબના રાજમાં કરેલું. બાકી અમારા વૉર્ડન સાહેબ ગુજરાતના ગણમાન્ય પુરાતત્વવિદોમાંના એક તરીકે ખ્યાતિપ્રાપ્ત હતા અને આજે પણ છે. સુબ્બારાવ જેવા મોટા ગજાનાં પુરાતત્વવિદ બાદ એમણે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના વડા તરીકેની જવાબદારી સંભાળી (1962 થી 1982). ગુજરાતના સાંસ્કૃતિક વારસા અંગેનો ઊંડો અભ્યાસ અને ગૌરવ ધરાવતા ડૉ. મહેતાએ ગુજરાતના ગામેગામના પુરાતત્વના સરવે દ્વારા જોડીને ઈતિહાસને ઉજાગર કરવાનું કામ કર્યું. મધ્યયુગીન પુરાતત્વનો અભ્યાસ તેમના સમયમાં ચાલુ થયો અને આજે જેને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્વીકૃતિ મળી છે તે ચાંપાનેરનો પુરાતત્વ વારસો ઉજાગર કરનાર મહાનુભાવ તે ડૉ. આર. એન. મહેતા. પુરાતત્વીય સંશોધન અને ખનન અંગેના અનેક અહેવાલ તેમજ અંગ્રેજી અને ગુજરાતીમાં આ અંગેના પુસ્તકોના તેઓ લેખક હતા. ગુજરાતના આવા અગ્રગણ્ય પુરાતત્વવિદ અમારા વૉર્ડન છે એ ગતાગમ ત્યારે નહોતી. કેવા ખ્યાતિપ્રાપ્ત મહાનુભાવોની છત્રછાયા હેઠળ અમે રહીએ છીએ એનું કોઈ ભાન ત્યારે નહોતું અને એથીયે વિશેષ આવડો મોટો માણસ એની મા પાસે સાવ બાળક બનીને નમ્રતાસહ એ કહે તે સાંભળી લેતો હતો એવું મહાન અને સંસ્કારી વ્યક્તિત્વ ડૉ. આર. એન. મહેતા મારા વૉર્ડન હતા. એ વાત આજેય હું એમના વિશેની માહિતી – ટૂંક પરિચય મેળવીને લખું છું ત્યારે સમજાય છે. અમારામાં તે વખતે એ પરિપક્વતા નહોતી કે આવા પુરાતત્વવિદની પાસેથી કોઈક બે શબ્દો પામી શકીએ.
હા ! એક શિખામણ અથવા બોધ જીવનમાં હંમેશ માટે કોતરાઈ ગયો છે અને તે એમને “અલ્યા ભીખા....!” કહી અમારૂં ઉપરાણું લઈ તતડાવતાં એમના મા. માજીનો એ વાત્સલ્યસભર ચહેરો હજુ આજે પણ નજર સામે એવો ને એવો દેખાય છે. એકનો એક દીકરો હતો. ખોટનો દીકરો હશે એટલે એનું બાળપણનું નામ “ભીખો” પાડ્યું હશે. ડૉ. આર. એન. મહેતા સાહેબને કદાચ આ એક જ વ્યક્તિ એવી હતી જે આટલી બધી આગળ વધ્યા પછી પણ “અલ્યા ભીખા....!” કહીને બોલાવી શકે અને હકથી ખખડાવી પણ શકે. બા અમારા માટે તો એ સંકટ સમયની સાંકળ હતાં. ડૉ. મહેતા સાહેબ “સાહેબ” હતા, પણ બા તો અમારાં પણ બા હતાં. માજીને એક જ દીકરો ભગવાને આપ્યો, પણ એમણે એમના વાત્સલ્ય અને લાગણીની હૂંફથી એમ. વી. હૉલમાં રહેતા અથવા રહી ચૂકેલા અનેકને પોતાના દીકરા બનાવી દીધા. ક્યારેક એક દીકરો હોય ત્યારે ઘરડાંઓ આશીર્વાદ આપતા કહે છે, “એકના અનેક થજો.” માજીના વ્હાલ અને હૂંફે એક ભીખો હતો તેને બદલે અનેક ભીખા મેળવી આપ્યા હતા એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
ડૉ. આર. એન. મહેતા,
પ્રોફેસર અને હેડ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ, એમ. એસ. યુનિવર્સિટી,
એમ. વી. હૉલના વૉર્ડન,
પડછંદ અને કદાવર શરીર,
માયાળુ હૃદય,
ઈતિહાસના ભેદને ઉકેલતી પુરાતત્વવિદ તરીકેની તીવ્ર બુદ્ધિશક્તિ.
એ પણ એક જમાનો હતો જ્યારે...
એમ. એસ. યુનિવર્સિટીમાં એક એકથી ચઢિયાતા રાષ્ટ્રીય કે વૈશ્વિક સ્તરના વિદ્વાનો શિક્ષણ અને સંશોધનકાર્યમાં રત હતા.
આજે આ બધું વિચારીએ છીએ ત્યારે પેલા ગીતની પંક્તિઓ કાનમાં પડઘાય છે.
“મેરા સુંદર સપનાં બીત ગયા”
હા ! ભીખુભાઈ, ડૉ. આર. એન. મહેતા અને બા,
અમારા એ સુંદર સપનાનાં દેવદૂત હતા.
આ સપનું ક્યારનુંય પૂરૂં થઈ ગયું છે
અને એટલે જ
કહ્યું છે....
“સપને હૈ સપને કબ હુએ અપને
આઁખ ખુલી ઔર તૂટ ગયે
અંધિયારે કે થે યે મોતી
ભોર ભઈ ઔર ફૂટ ગયે
સપને હૈ સપને કબ હુએ અપને”.
જીવનની શરૂઆતની ઉગતી પરોઢ પણ ન કહી શકાય,
પણ ચઢતા દિવસે આવેલું અને ખાસ્સા છ વરસ ચાલેલું,
જીવનની વીતી રહેલી સવારનું એ સપનું એટલે...
એમ. વી. હૉલમાં વીતાવેલાં છ વરસ.
રૂમ નંબર છત્રીસ અને સાડત્રીસનો સુવાંગ હવાલો,
એકના બારણા પર લખ્યું હતું “ગેંગસ્ટર્સ” (છત્રીસ),
અને...
બીજાના બારણા ઉપર લખ્યું હતું “યંગસ્ટર્સ” (સાડત્રીસ).
દુનિયામાં કશું જ શાશ્વત નથી.
રૂમ નંબર સાડત્રીસના બારણા પર
“યંગસ્ટર્સ” લખનારને ત્યારે કદાચ અહેસાસ નહોતો કે આ ટાઈટલ શાશ્વત નથી,
પણ આજે....
જીવનની ઢળતી બપોરે જો એ જ શબ્દો
શિલાલેખ પર કોતરાયેલ લખાણની માફક
વળી વળીને મગજમાં જીવંત થતા હોય તો
એવું કહી શકાય કે, “યંગસ્ટર્સ” એટલે કે યુવા
જીવનની શાશ્વત અવસ્થા છે.
તમે ઘરડા નથી જ થતા,
તમે બાળક અને યુવા નથી જ મટી જતા.
જ્યાં સુધી તમે તમારા હાથે કરીને એ સુંદર સવારને
તમારા અસ્તિત્વમાંથી ઉખેડીને ફેંકી નથી દેતા
એ રીતે...
જય નારાયણ વ્યાસ રૂમ નંબર સાડત્રીસ “યંગસ્ટર્સ”
આજે પણ એવા જ છે.
તરંગી અને નફીકરા
કેટલાક લોકો ક્યારેક એમના પર
ટાઈટલ ચીપકાવી દે છે – “અવ્યવહારૂ”
એટલે કે ભોટનુ !