(૧)
કંસે કૃષ્ણને મથુરા બોલાવવાની યોજના ઘડી. તેણે અક્રુરજીને બોલાવી ગોકુળ જવા કહ્યું. ગોકુળમાં તો અક્રુરજી કૃષ્ણને લેવા આવ્યા છે તે વાત સાંભળતા જ ગોપીઓ અને રાધા કાનને મળવા આવી હતી. કાન આજે ગોકુળ છોડી જાય છે તો આપણે માતા યશોદાને મદદ કરીએ.
બધાયની આંખો રડીરડીને સૂઝી ગઇ હતી. રાધાજી વિચારે છે કે હું કાન વિના રહી નહીં શકું. રાધા રથનાં પૈડાં નીચે સૂઇ જાય છે. રાધા અક્રૂરજીને કહે છે કે તમારે કાનને મથુરા લઇ જવો હોય તો આ રથને મારા શરીર પરથી ચલાવીને લઇ જજો.
બહુ જ ભરે હૈયે યશોદા કાનને વિદાય આપવાની તૈયારી કરે છે. યશોદાએ કૃષ્ણના કપાળમાં તિલક કર્યું. માળા પહેરાવી. કૃષ્ણએ મા યશોદાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
કૃષ્ણ કહે છે, ‘એક માએ જન્મ આપી ત્યજ્યો, બીજી માએ મારા તોફાન સહન કર્યાં. જગતને બાંધનાર “હું” તારા હાથે બંધાયો. જ્યાં પણ જઇશ, તારા પ્રેમને નહીં ભૂલું. મા ! એકવાર આશિષ આપ.’ કૃષ્ણએ મા યશોદાના આંસુ પોતાના ખેસ વડે લૂછ્યા.
કૃષ્ણે પૂછ્યું, ‘મા, ગોપીઓ ક્યાં છે? રાધા ક્યાં છે?’
રાધા તો રથના પૈડાં નીચે સૂતાં છે.
કૃષ્ણ રાધા સૂતા હતા ત્યાં પૈડાં પાસે બેસી ગયા અને કહે, ‘રાધા ઊભી થા.’
વૃષભાનુ રાજાની દીકરી રાધાએ કૃષ્ણનો પ્રેમ સંપાદન કર્યો. તેને કાનનો વિરહ લાગ્યો.
રાધા કહેવા લાગી, ‘હું નહીં ઊભી થાઉં. અક્રૂરજી ! મારા શરીર પરથી રથને ચલાવો. કાન ! તારો વિયોગ મારાથી નહીં સહેવાય. હું તારા વિના રહી નહીં શકું. તું મને વૈકુંઠ લઇ જવાનું કહેતો હતો. આજે હું તારી સાથે આવવાની છું. તારા વિના ગોકુળ, વૃંદાવનનું જીવન નકામું છે. મારા પરથી રથ ચલાવી દો.’
વાતાવરણ ગમગીન હતું. રાધાને કેમ સમજાવવું? કૃષ્ણ રથના પૈડાં પાસે બેસી, ‘રાધે, રાધે, રાધે’ કહી સમજાવતા હતા.
કૃષ્ણએ બંસરી કાઢી, ‘હે રાધે ! તારા નામ સાથે હું ઘોષણા કરું છું કે આજ પછી બંસરી નહીં વગાડું.’
ગોપીઓએ અને વ્રજવાસીઓએ ભગવાનની આરાધના કરી, ગગનભેદી અવાજ થવા લાગ્યા. ‘કૃષ્ણ કનૈયા લાલ કી જય.’ ભગવાન રથમાં બેસી ગયા અને અક્રૂરજીએ રથ ચલાવ્યો.
રાધાજીએ તો કૃષ્ણનો વિયોગ સહ્યો.
પણ...
કૃષ્ણ તો રાધાજી અને બંસરી બંનેથી વિખૂટા પડ્યા.
(૨)
રાધાજીને અને વાંસળીને બંનેને ત્યાગીને મથુરા અને ત્યાંથી પછી દ્વારકા. કાન્હામાંથી દ્વારકાધીશ.
એ સમય પણ વહી જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ થાય છે અને અચાનક એક દિવસ સ્વર્ગમાં વિચરણ કરતા રાધા અને કૃષ્ણ સામસામે આવી જાય છે. એ બે વચ્ચે જે સંવાદ થાય છે તેણે રજૂ કરતી એક અદભૂત રચના મારા ફેસબુકના એક મિત્ર દ્વારા મને મોકલવામાં આવી છે. લેખકનું નામ અજ્ઞાત છે. જેની પણ આ કૃતિ હોય તેના ઋણસ્વીકાર સાથે એ જેમની તેમ અહીં રજૂ કરું છું.
એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા રાધા અને કૃષ્ણ સામસામે આવી ગયા.
રાધા કૃષ્ણને પૂછે છે :
'કેમ છો દ્વારકાધીશ..?
આ સાંભળીને કૃષ્ણ કહે :
રાધા હું તને ખૂબ યાદ કરતો હતો.
તારી યાદમાં આંખમાંથી આંસુ આવી જતા હતા..!
રાધા જવાબ આપે છે
મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી..!
જે ભૂલી જાય એને યાદ કરવું પડે..
હું તો તને ભૂલી જ નથી
મને આંખમાં આંસુ પણ નથી આવ્યા..!
કારણ કે મારી આંખમાં તું જ હતો…
મને બીક લાગતી કે આંસુ આવશે તો આંખમાંથી તું વહી જઈશ..
તને ખબર છે...
કાનામાંથી દ્વારકાધીશ તું બન્યો એમાં તે કેટલું બધું ગુમાવ્યું છે…?
તે એક આંગળી ઉપર ભરોસો મુકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું…
પણ બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો..
દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું..?
તું કાના જ રહ્યો હોત તો સુદામાને ઘેર તું દોડીને ગયો હોત…
પણ..
દ્વારકાધીશ બન્યો એટલે સુદામાને તારી પાસે આવવું પડ્યું..
કાના…
તે ભગવત ગીતા લખી એમાં કયાંય મારા નામનો તે ઉલ્લેખ કર્યો નથી..
છતાં ભગવત ગીતાના પાઠ પછી લોકો..
રાધે રાધે…
શું કામ બોલે છે..?
કાના..
તું યમુનાનાં મીઠા જળ છોડીને છેક દ્વારકાના દરિયાના ખારાં પાણી સુધી પહોંચ્યો..!
કાનામાંથી દ્વારકાધીશ બનવામાં તે ઘણું બધું ગુમાવ્યું છે…
..ને દ્વારકાધીશ કા'નો રડી પડ્યો..!'