14 SEPTEMBER - HAPPY BIRTHDAY SUHASINI

૧૪ સપ્ટેમ્બર : હેપ્પી બર્થ ડે સુહાસિની

માણસની જિંદગીમાં પોતાના જન્મદિવસનું એક વિશિષ્ટ મહત્ત્વ હોય છે.

એક નાનકડી છોકરી. કુલ મળીને ત્રણ ભાઈબહેન. એમાં એ સૌથી મોટી ખરી પણ મારા કરતા તો નાની. અમે લગભગ આઠ-દસ બાળકોનું જૂથ હતું. એમાં મારા સમવયસ્ક શાસ્ત્રીજીના બે બાળકો મદનીશભાઈ પટેલના, એક હું અને આમ ત્રણ ભાઈબહેન પણ માંડ માંડ અમારા સમકક્ષ આવે એવી આ એક જ છોકરી. ભારે કામગરી.

ઉનાળો આવે એટલી એની મા ગામડે જાય. યજમાનોને ત્યાંથી ખાસ્સા ઘઉં ઉઘરાવી લાવે. પણ પંદરેક દિવસ રહેવું પડે. એ દરમિયાનમાં આ છોકરી એના ઘરની કેપ્ટન બની જાય. બાપા સાવ અલગારી. એમની જીવનજરૂરિયાતની વસ્તુઓની એક દુકાન ભરબજારમાં ધમધોકાર ચાલે. એ સિવાય આ માણસને બીજું કાંઈ આવડે નહીં. ઘરના વ્યવહારો સુધ્ધાં પત્નીના હસ્તક અને ત્યારે આ નાનકડી છોકરી જેને અમે ‘બેબલી’ કહેતાં તે રસોઈ પણ બનાવે, ઘર ચોખ્ખુંચણાક રાખે. કંઈક અંશે અનાડી કહી શકાય એવા ભાઈબહેનને પણ જાળવે. ભણે પણ ખરી.

એ ઉંમરે અમે બધાં સાવ અલ્લડ. ઘરે ખાવા સિવાયનું કોઈ કામ નહીં. માબાપની ઉપર ઉપકાર કરતા હોઈએ તે રીતે ભણીએ અને બાકીનો સમય ક્રિકેટ, ગિલ્લીદંડા, હુતૂતૂ જેવું કંઈક રમ્યા કરીએ. અમારી આ અલગારી દુનિયા અને એ અલગારી દુનિયામાં અમારું એક અલગ વિશ્વ, જેમાં ચિંતા કોને કહેવાય તે ખબર નહીં. સવારે ઉઠવાનું, નાહી-ધોઈ તૈયાર થઈ બહાર પડવાનું, બપોરે જો ક્યાંક જમવાનો વેંત ના પડ્યો હોય તો ઘરે જમવાનું અને પાછા બહાર તે રાત્રે અંધારું થવા આવે એટલે ઘરે પાછા આવવાનું.

જાતજાતની જગ્યાએ રખડવાનું. એમાં વગડાનાં ખેતરો આવે, ગુરુના પગલાં કે ખડાલિયા હનુમાનનું મંદિર આવે. શાસ્ત્રીજીની પાઠશાળા તો અમારું હેડક્વાર્ટર.. અને ક્યારેક ડોડિયાવાળો વાઘો પાર કરીને કાંતિ ભાઈચંદનું ખેતર કે પછી જયંતિ અંબારામ સાથે માખણ ચાયડે. શેરાવાળું, રફીવાળું ખાટિયું, હનમાનિયું આવાં બધાં સીમનાં વિસ્તારોના નામ. ક્યારેક એ પાર કરી દઈએ તો બાજુનું રેલવે સ્ટેશન ધારેવાડા સુધી પણ ચક્કર મારી આવીએ.

અમારા બધામાં સૌથી વધારે નિયમન શાસ્ત્રીજીના બાળકો ઉપર. શાસ્ત્રીજીની જોરદાર બીક. એ ક્યાંક બહારગામ ગયા હોય ત્યારે જ આ બંને બાળકો અમારી રખડું જિંદગીમાં સામેલ થઈ શકે નહીં તો નહીં. પેલી છોકરી ક્યારેક ક્યારેક શાસ્ત્રીજીના ત્યાં રહેવા આવે એટલે અમારી કંપનીમાં એક વધારો થાય. ઉનાળાની રાત્રે અમે સોલ્જરી કરી ફિસ્ટ કરીએ. બટાકાવડા, પેટીસ ક્યારેક આઇસક્રીમની કોઠી. ક્યારેક ભજિયાં – અમારો આ ઉદ્યમ રાત્રે ૯.૦૦ કલાકે ચાલુ થાય અને - અમે બધું તૈયાર થઈ જાય એટલે વહેંચી અને જમવા બેસીએ ત્યારે ખાસ્સો એક વાગ્યો હોય.

ઉનાળાના વેકેશનમાં શાસ્ત્રીજીનાં દીકરી મીનાબહેન, જમાઈ બાબુલાલ અને એમનો દીકરો યતીશ અને એનો મરાઠી મિત્ર પ્રેમચંદ આવે એટલે બધું ભર્યું ભર્યું લાગે. પેલી છોકરીની ખાસ વિશિષ્ટતા. એના હાથ એકદમ ગુલાબી અને માથાના વાળ ખૂબ લાંબા. શાસ્ત્રીજી ક્યારેક હસતા હસતા પૂછે પણ ખરા કે, ‘આ સાચા છે કે બનાવટી?’

આ છોકરી ભણતાં ભણતાં મોટી થતી ગઈ. સિદ્ધપુર ગયા હોઈએ ત્યારે એના ઘરે આંટો મારવો તે લગભગ નિયમ થઈ ગયો. એની મા પણ બહુ માયાળુ. એ વિસ્તારમાં ગોવિંદકાકાનો આઇસક્રીમ વખણાય. જ્યારે એના ઘરે જવાનું થાય ત્યારે અચૂક આ આઇસક્રીમ આવે જ. આ છોકરીના બાપા જયદત્ત શાસ્ત્રીજીના સાળા થાય. સંસારી સંબંધે સાળા થાય એટલે એમના સંતાનો સાથે અમે બધાં જ એમને મામા કહીએ અને એની માને મામી.

ક્યારેક એવું પણ બને કે સહસ્રકળા માતાજીનાં મંદિરે ગયા હોઈએ ત્યારે નદીના ઢાળેથી તે સમયે પ્રખ્યાત લક્ષ્મણ માસ્તરના ગોટા, બાબુલાલ પંડ્યાજી ખાસ યાદ કરીને લે અને પછી ગોવિંદ માધવના મ્હાઢમાં કનુમામાને ત્યાં બેસીને અમે એની જ્યાફત માણીએ. ઉપર ગોવિંદકાકાનો આઇસક્રીમ.

અમારી આગતા સ્વાગતા અને આઇસક્રીમ વગેરેની વ્યવસ્થા કરવા માટે આ છોકરી દોડમદોડ કરે અને ક્યારેક શાસ્ત્રીજીના ત્યાં રહેવા માટે એ તેના કપડાં થેલીમાં ભરી અમારી સાથે ચાલી નીકળે. માની ગેરહાજરીમાં ઘર ચલાવવાનું અને પોતાનાં નાના ભાઈબહેનને સંભાળવાની તેના અદ્ભુત આવડત.

સમય વીતતો નથી ઊડી જાય છે. એમ કરતાં કરતાં મારા માટે સિદ્ધપુર છૂટી ગયું. અમારો બધાનો સંપર્ક વેકેશનના એ દોઢેક મહિના પૂરતો મર્યાદિત થઈ ગયો. એ સમયગાળા દરમિયાન પંડ્યાજી પણ મુંબઈથી આવે. હવે એમણે એમ્બેસેડર ગાડી લીધી હતી. ડ્રાઇવરનું નામ ચંદુ. એ પંડ્યાજીને તાલીમ આપતો. જે શબ્દો બોલતો તે ‘ક્લચ સોડા, આણી ગ્યાસ ધ્યા.’ એટલે કે ક્લચ છોડો અને એક્સીલેટર દબાવો. હજુ પણ એવા ને એવા યાદ છે.

બેઠી દડીનો ચંદુ મરાઠો હતો. મજાનો માણસ. એ સમય દરમિયાન ગાડીનું બોનેટ ખોલી રેડીયેટરમાં પાણી કેમ નાખવું વગેરે પ્રાથમિક બાબતો શીખ્યો. ચંદુ કહેતો, ‘તમને ગાડી જલદી આવડી જશે.’

પણ.. ચંદુ એમાં ખોટો પડવાનો હતો. મને મોટર ચલાવતા ક્યારેય ના આવડી તે ના જ આવડી. હવે અમે અંબાજી, બહુચરાજી, શક્ટંબા ગાડીમાં જતા. આપણું સ્થાન આગળની સીટમાં ચંદુ પાસે નક્કી. ખૂબ મજા આવતી. બાળપણ પૂરું થઈ રહ્યું હતું અને યુવાની ધીરે ધીરે ડગ માંડી રહી હતી. એ સમય ઉનાળાની ભરબપોરે તડકામાં મૂકેલો બરફ જેમ ઓગળી જાય તેમ ઓગળીને ઊડી જતો. જે દોસ્તારો ત્યાં રહીને ભણ્યા તે શાંતુ, જગો અને પાઠશાળામાં ભણતા કાંતિ અને પ્રભાશંકર નસીબદાર હતા. પણ અમારું એ સહજીવન જલદી છૂટી ગયું. બધાં વેરવિખેર થઈ ગયા. હું વડોદરા અને ત્યાર પછી મુંબઈ ગયો. પતંજલિ મદ્રાસ ગયો.

હવે વેકેશન પણ બધાનાં એક સાથે નહોતાં પડતાં એટલે માંડ થોડા દિવસ સાથે ગાળવા મળતા. જોકે હું વડોદરા હતો ત્યાં સુધી દિવાળી અને ઉનાળાનું વેકેશન અચૂક સિદ્ધપુર જાય. દરમિયાનમાં શાસ્ત્રીજીનું દેહાવસાન થયું અને રાજપુર પાસેની એસ. જે. એન્ડ કોમર્સમાં ભણતી એમની ભત્રીજી શાસ્રીજીના બંગલે રહી ભણવા માંડી. આ મુગ્ધાવસ્થાના સમયમાં અમે વધુ નજીક આવ્યાં. વાતોના ગપાટા મારતાં મારતાં એ નજદિકી ક્યારેક અમને એક અતૂટ સંબંધ તરફ દોરી ગઈ તે ખ્યાલ પણ ના રહ્યો.

હજુ એ જમાનો નહોતો આવ્યો કે જ્યારે છોકરો કે છોકરી પોતાના માટેનું પાત્ર પસંદ કરી અને ઘરે કહી શકે. આ કામ શાસ્ત્રીજીનાં નાની દીકરી વ્રજેશ્વરી અને મારા એક મિત્ર કાંતિએ ઉપાડ્યું અને થોડા નાના મોટા ધરતીકંપના આંચકા આવ્યા પણ સુપુરે પાર પાડ્યું. ૧૯૬૯ની વસંતપંચમીના દિવસે શાસ્ત્રીજીના બંગલે જ મારી મા અને મોટા માસીએ એને સગાઈની સાડી ઓઢાડી. હવે એ ‘બેબલી’ મારી વાગ્દત્તા બની, એનું નામ હતું ‘સુહાસિની.’ અમે પરણી ગયાં ૧૯૭૦માં અને ત્યાર પછી મારા જીવનમાં બે ઘટનાઓ બની.

સુહાસિની મારા ઘરમાં આવી તે દિવસે ચમત્કારિક રીતે મારું તકદીર પલટાયું. કોઈ ઓળખાણ વગરનો એક સામાન્ય કુટુંબનો માંડ બે ટંક રળી ખાય અને પતરાનાં છાપરાવાળા ઘરમાં રહે એવા નર્મદાશંકર વ્યાસનો આ છોકરો યુનિવર્સિટીમાં પોતાના ઈલેક્ટિવમાં પહેલા નંબરે પાસ થયો. આઈઆઈટી જેવી દેશની સર્વોત્કૃષ્ટ યુનિવર્સિટીમાં ભણ્યો. સરકારમાં કોઈ ઓળખાણ કે લાગવગ તો હતી જ નહીં અને આમ છતાંય ખૂબ ઊંચી પોસ્ટ પર પહોંચ્યો. બેવકૂફી કરી એ નોકરી પણ છોડી અને આમ છતાંય ભગવાનની દયા અને એના પુણ્યના પ્રતાપે ચાર વખત ધારાસભ્ય અને ત્રણ વખત કેબિનેટ મિનિસ્ટર બન્યો.

વચ્ચે કોઈ જ્યોતિષી જેવા વ્યક્તિએ આગાહી કરી હતી કે માસ્તરી અર્થાત હું કોલેજમાં ભણાવતો હતો તે લાંબુ નહીં ચાલે. ત્યારબાદ હું જે કાંઇ કરીશ એ સરકાર સાથે જોડાયેલુ હશે. અને એ સાચું પણ પડ્યું.  

હંમેશાં એનાં મોઢે ગમે તેવી કટોકટી હોય એક જ વાક્ય સાંભળ્યું છે, ‘ભગવાન બધું સારું કરશે.’ અને સારું થયું છે પણ ખરું.

આ મારી જીવનસંગિની સુહાસિનીનો ૧૪ સપ્ટેમ્બર, ૧૯૫૦ જન્મદિવસ છે. મારા અસ્તિત્વ સાથે એ કાયમી ધોરણે જોડાયેલી છે. અતીતમાં આંખો ફાડીને હું હજુય એની શોધ્યા કરું છું. ક્યારેક મૂંઝવણ તો ક્યારેક હતાશા સમયે એનું એ વાક્ય ‘ભગવાન બધું સારું કરશે’ મારા કાનમાં હજુય પડઘાય છે. મૃત્યુંજય મહાદેવ, ગોવિંદ માધવરાયજી, લક્ષ્મીજી અને સિદ્ધેશ્વરી મા ઉપર એને અપ્રતિમ શ્રદ્ધા હતી.

છેલ્લે છેલ્લે એ મા ગાયત્રીની ભક્તિ તરફ વળી હતી. કંઈ પણ સારું થાય એટલે એ ભક્તિઘટમાં સવા રૂપિયાથી માંડી પાંચ રૂપિયાની રકમ અચૂક નાખે. અમે બધા જ ગમ્મતમાં કહીએ પણ ખરા કે, ‘આ તારા ગાયત્રી માને તું સસ્તામાં મનાવી લે છે.’

એ હસી પડે અને કહે કે, ‘આ તો આપણી શક્તિ પ્રમાણેની ભક્તિ છે. એને ત્યાં તો અખૂટ ભંડાર ભર્યા છે!’

એ ગુસ્સે થાય અને ગુસ્સે થવા માટેનું કારણ હોય, હું સમયસ૨ જમ્યો ના હોઉં અથવા શરીરની ચિંતા વિસારીને દોડાદોડ કર્યા કરતો હોઉં ત્યારે એણે એના આરાધ્યદેવ પાસે હંમેશાં મારા સમેત આખા કુટુંબનું દીર્ઘાયુષ્ય અને સુખ ખોળો પાથરીને માગ્યું, જે આજે અમે ભોગવીએ છીએ.

તા. ૧૪ સપ્ટેમ્બર અને ગુરુવાર એનો જન્મદિવસ. મૃત્યુંજય મહાદેવમાં અભિષેક થશે. કહ્યું છે,

જાનેવાલે કભી નહીં આતે,

જાનેવાલે કી યાદ આતી હૈ.

હું એમ નહીં કહું કારણ કે ૧૬ માર્ચ, ૨૦૨૧ બાદ એની ગેરહાજરીનો અનુભવ મેં ક્યારેય નથી કર્યો.

સુહાસિની મારી સાથે છે અને અંતિમ શ્વાસ સુધી રહેશે, કારણ કે, અમે બંનેએ એકબીજાને અખંડ સાથે આપવાનું વચન આપ્યું છે. જન્મ અને મરણ એક ઘટના છે. ક્યારેક ઈશ્વરના ત્યાં પણ સારા માણસોની જરૂર હોય છે. ઈશ્વરને પણ તમે એકદમ સુખી હો એ કદાચ નથી ગમતું જેથી તમને દુઃખ શું છે તેનો ખ્યાલ આવે.

..અને એટલે સુહાસિની મારી સાથે છે અને રહેશે. ઈશ્વરના આશીર્વાદ એના પર સતત વરસતા રહે. શાંતિ અને સુખ એની સાથે રહે. બાકી, હું... અને અમારાં બાળકોનો પરિવાર તો સાથે છીએ જ.

‘હેપ્પી બર્થ ડે સુહાસિની!!'

અમારા જીવનમાં હંમેશાં લાગણી અને સ્નેહનાં અજવાળાં પાથરવા માટે સાચા દિલથી તને ‘જન્મદિવસ મુબારક.’

‘તુ હૃદયસ્થ છે અને છેલ્લા શ્વાસ સુધી રહીશ.’


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles