શાસ્ત્રીજીની પાઠશાળા – સંસ્કૃત મહાવિદ્યાલય એ મારું બીજું ઘર હતું. અહીંયા બધું જ હતું. મૃત્યુંજય મહાદેવનું મંદિર. જે સ્થાનક પર મારા માતા-પિતાને અસીમ શ્રદ્ધા હતી. અમારા તરફથી દર શિવરાત્રીએ અહીંયા અભિષેક થતો. આખો શ્રાવણ મહિનો અમારી પૂજા ચાલતી. શ્રાવણ મહિનામાં આ મંદિરમાં અખંડ દિવો રહેતો. પહેલાં એનું પરિસર કાચું હતું, પણ પછી સરસ મજાનો ચોક અને ચો તરફ પાળી બાંધવામાં આવી. સામે જ એક પીપળાનો છોડ વાવ્યો હતો જે અત્યારે મોટું વૃક્ષ થઈ ગયું છે. એક બાજુ બીલી અને ઉત્તર તરફના પડખે મોટું લીમડાનું ઝાડ. દક્ષિણ તરફના પડખે એક ઉમરાનું ઝાડ વાવ્યું હતું જે આજે પણ હયાત છે. એની બરાબર બાજુમાં અમારું વોલીબોલનું મેદાન હતું. આ શિવાલય પશ્ચિમાભિમુખ છે અને એની સામેથી ખડાલિયા હનુમાન તરફ જવાનો રસ્તો પસાર થાય છે. એ રસ્તા ઉપર એક લોખંડનો મજબૂત ઝાંપો અને પાઠશાળાનું પ્રવેશદ્વાર આવેલું હતું. આ પ્રવેશદ્વારમાંથી દાખલ થઈએ એટલે એ સમયે ઈંટોના નિભાંડાનો છારું કોટીને બનાવેલ રસ્તો અંદર આવતો. આ રસ્તા ઉપર મહાદેવને લગભગ સમાંતર એવો એક આકર્ષક ડિઝાઈનવાળો ગોળ ચોતરો બાંધેલો હતો જેની ઉપર લગભગ એકાદ ફૂટની ત્રિજ્યાવાળું મથાળું હતું. આ બાંધકામને અમે ગોલંબર તરીકે ઓળખતા. બરાબર ત્યાંથી આગળ નાકની દાંડીએ આગળ જઈએ એટલે દોઢસો એક ફૂટના અંતરે એક બીજો રસ્તો એને કાટખૂણે મળતો. આ જગ્યાએથી થોડું પૂર્વમાં અખાડો અને મલખમ હતા. જ્યારે દક્ષિણ તરફ અધ્યયન મંદિર અને ઉત્તર તરફ લાયબ્રેરી તેમજ અન્નક્ષેત્રના મકાનો હતા. એના સુવર્ણકાળની ચરમસીમાએ અહીંયા સિત્તેર-એંસી વિદ્યાર્થી અભ્યાસ કરતા. આ વિદ્યાર્થીઓને રહેવા માટે ચારેય ખૂણે ઓરડીઓ બાંધેલી હતી. પાઠશાળામાં પાણીની સવલત માટે કૂવો હતો, જેમાં બારેય માસ મીઠું પાણી હિલોળા લેતું. મુખ્ય પ્રવેશદ્વારેથી દાખલ થઈ ગોલંબરવાળા રસ્તે આવીએ એટલે રસ્તાની બંને બાજુ લાલકરણ, લીમડો તેમજ એક બે ઝાડ સેતૂરના એવી વનરાજી હતી. જ્યારે અધ્યયન મંદિરની લાયબ્રેરી તરફ જવાના રસ્તે હારબંધ લીમડીનાં ઝાડ હતા. અંબાજી માતાના ખૂણા તરફની ઓરડીઓ પાસે એક સરળ લાલ સેતૂરનું ઝાડ હતું. જ્યારે મહાદેવ તરફના ખૂણે ઊભેલી ઓરડીઓ પાસે ખૂબ સરસ વેલમોગરો અને આંબો હતા. પાઠશાળામાં મહાદેવના મંદિર પાછળ લાયબ્રેરી તરફ જવાના રસ્તે પણ એક આંબો હતો. લાયબ્રેરી અને અન્નક્ષેત્રની સામે તેમજ કૂઆ ઉપર આંબાના વૃક્ષો હતાં. એક મોટો સરગવો પણ હતો. આ ઉપરાંત વાડમાં ગુંદી, બોરડી તેમજ કણજી જેવા ઝાડ ઉછર્યા હતા. આજે માત્ર લીમડાઓ સિવાય કશું જ નથી. લાયબ્રેરીના ચોકને ખૂણે એક સરસ મજાની ચમેલીની વેલ હતી અને કૂઆ તરફ જતાં એક પારીજાતકનું ઝાડ પણ હતું. એક જમાનામાં અહીંયા કોસ ચાલતો હતો (મેં નથી જોયો) ત્યારે પાણીની છત વખતે આ બધો વૈભવ વિસ્તર્યો હશે. ત્યારપછી વિદ્યાર્થીઓએ કૂઆના હેન્ડપંપથી પાણી ખેંચીને માથે ઉપાડી ઝાડને પાણી પાઈ જીવતા રાખવાનો પ્રયત્ન કરેલો, પણ વિદ્યાર્થીઓ ઘટતા ગયા તેમ ધીરે ધીરે ઝાડ ખલાસ થતા ગયા. એમાં સૌથી પહેલો ભોગ આંબાનો લેવાયો.

જ્યારે વધારે વિદ્યાર્થીઓ હશે તે સમયે સિદ્ધપુરમાંથી પણ જુદા જુદા વિષય નિષ્ણાતો ભણાવવા આવતા હશે અને આ સૌને જમવા માટે અન્નક્ષેત્રનું રસોડું ધમધમતું હશે. ધીરે ધીરે વિદ્યાર્થીઓ ઓછા થતા ગયા તે કારણ હોય કે નાણાંકીય પ્રવાહ ઘટ્યો તે કારણ હોય, પણ અન્નક્ષેત્ર બંધ થયું. મારા બાળપણના સમયમાં જ્યારે હજી પણ પાઠશાળા સારી ચાલતી હતી ત્યારે આ વિદ્યાર્થીઓ પગમાં લાકડાની ચાખડી, સ્વચ્છ ધોયેલું ધોતીયું, અંગવસ્ત્ર તરીકે લાલ ગમછાનો રુમાલ અને હાથમાં થાળી-વાટકી વગેરે સાથેની ભિક્ષાજોડી લઈને સિદ્ધપુરમાં બ્રાહ્મણ ગૃહસ્થના ત્યાં માધુકરી લેવા જતા. બળબળતો બપોર હોય કે ચોમાસું દિવસમાં એક વખત લગભગ અગિયાર-સાડા અગિયારના સુમારે આ વિદ્યાર્થીઓ ભિક્ષા લેવા જાય અને એક થી દોઢ વાગ્યાના સુમારે પાછા આવે. ખૂબ કઠિન જીવન હતું એમનું. પણ સિદ્ધપુરના સદગૃહસ્થ બ્રાહ્મણ પરિવારોમાં આ વિદ્યાર્થીઓને ભિક્ષા આપવાની વૃત્તિ અને ભાવ પણ ગજબનાં હતાં. ક્યારેક જરૂરત કરતા વધારે ઘરોમાંથી ભિક્ષા આપવા માટે માંગણી આવે ત્યારે રાહ જોવી પડે એ સ્થિતિ હતી જે આ પાઠશાળામાં ઘણા ઋષિકુમારો ઉપર ગૃહસ્થ બ્રાહ્મણ કુટુંબોનો કેટલો ભાવ હતો તેનું ઉદાહરણ છે.

આ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા. જયદત્ત શાસ્ત્રીજી ભણાવતા પણ શ્રી જ્યંતિભાઈ શાસ્ત્રી જેવા સીનીયર વિદ્યાર્થીઓ પણ માર્ગદર્શન આપતા. સવારે આ બધા ગુરુજી પાસે ભણવા માટે પહોંચી જતા પછી ભિક્ષા લઈ આવે. જમી લે અને ગુરુજીને ત્યાં નાનું મોટું કામ હોય તો તે પણ કરી નાંખે. શાસ્ત્રીજીની સેવા કરવાનો લ્હાવો લેવા ઘણીવાર હરિફાઈ થતી. આ વિદ્યાર્થીઓ સાથે સાંજે લાઠીના દાવ શીખવાનો પણ મોકો મળ્યો અને લગભગ ત્રણ-ચાર વરસ એક ઉસ્તાદજી ત્યાં આવીને રહેતા ત્યારે અમને મલખમ અને કુસ્તીના દાવ શીખવાનો પણ મોકો મળેલો. ખાસ કરીને શિયાળામાં કસરત પર વિશેષ ધ્યાન અપાતું. અખાડામાં પાણી છાંટીને એને ખૂબ ખાંપી ખાંપી ખોદી માટી માખણ જેવી થઈ જાય તેટલી ચીવટથી અમે અખાડો ખોદતા. અખાડો ખોદવો એ પણ એક કસરત છે એવું અમને કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંજ પડે હુતુતુથી માંડી ગીલ્લીડંડા સુધીની રમતો રમાતી અને છેક અંધારુ થાય ત્યારે માંડ માંડ એ સમેટી ઘરે જવું પડે તે ખરેખર કષ્ટદાયક હતું. આ પાઠશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આઠમ અને એકમ એમ બે તિથિ રજા રહેતી જેને એ લોકો “અનધ્યાય” કહેતા.

આ સોબતમાંને સોબતમાં સંસ્કૃત માટેનો પ્રેમ ક્યારે જાગૃત થયો તે ખબર નથી. રામ શબ્દના પચ્ચીસ રુપ ગોખતાં પહેલી લાઈન રામઃ રામૌ રામા પ્રથમાથી છેલ્લે હે રામ! હેરામૌ! હે રામાઃ! સંબોધન પણ અહીં જ શીખ્યો અને લઘુ સિદ્ધાંત કૌમુદી જેવા પુસ્તકોથી શરુ કરીને શાકુંતલ, રામચરિતમાનસ, ધર્મસાગર, શ્રીમદ્ ભાગવતજી, ગીતાજી, મૃચ્છકટીક અને મુદ્રારાક્ષસ જેવા શબ્દો/ગ્રંથો સાથે પરિચય ધીરે ધીરે વધતો ગયો. કેટલાક બનારસ વિદ્યાલયની પરીક્ષા આપવા બ્યાવર જતા કારણ કે સિદ્ધપુરમાં કેન્દ્ર નહોતું. જ્યંતિભાઈ શાસ્ત્રીએ પણ આ શાસ્ત્રીની પરીક્ષા પસાર કરી એટલે અટક બદલી. શાસ્ત્રી અથવા કાવ્યતીર્થની પરીક્ષા માટે તૈયારી કરનાર વિદ્યાર્થીઓમાં કેટલાક સિદ્ધપુર શહેરમાંથી પણ આવતા. મોટાભાગે આ બધા શિક્ષણ ક્ષેત્રે જવાને પ્રયત્નશીલ રહેતા. જ્યંતિભાઈ શાસ્ત્રીએ પણ પાલનપુર શિક્ષક તરીકે જોડાઈને વિદ્યામંદિર સ્કુલમાં શરુઆત કરેલી. પણ આગળ જતાં એમણે જ્યોતિષ ક્ષેત્રે ખૂબ મોટું નામ કાઢ્યું અને સદ્ધર પણ થયા. પાલનપુરના જૈન શ્રેષ્ઠી પરિવારોમાં પણ એમનું નામ સારું હતું. તેમના ભાઈ લાભશંકરભાઈ પણ આજ પાઠશાળામાં ભણ્યા. જો કે જ્યંતિભાઈ જેવા તેજસ્વી ન હતા. આ બન્ને ભાઈઓના વૃદ્ધ માતૃશ્રીનું નામ શાંતાબેન. ક્યારેક ક્યારેક શાંતાબેન પોતાના દિકરાઓની ખબર લેવા આવતાં અને તેમની સાથે રોકાતાં પણ ખરાં. ખૂબ ઉદ્યમી જીવ. રહે ત્યાં સુધી કંઈકનું કંઈક સીવવા-ભરવાનું કામ કરતા જ રહે. એમની પાસે વાતોનો મોટો ખજાનો હતો. એમનું કામ કરતા જાય અને વાત કરતા જાય. શાંતાબેન રહેવા આવે તે અમને બધાને બહુ ગમતું.

આ વિદ્યાલયમાંથી ભણીને જે અનેક વ્યક્તિઓએ શિક્ષણ ક્ષેત્રે કારકીર્દી પસંદ કરી તે મારી સાથેના લૉટમાંથી શ્રી કાન્તિભાઈ વ્યાસ (આદર્શ હાઈસ્કુલ, ડીસા), શ્રી પ્રભાશંકર ઠાકર (હાઈસ્કુલ, ચંદીગઢ), શ્રી ભાનુભાઈ દવે (અંબાજી), શ્રી ચંદ્રશેખર જોષી (અડવાળ) વિગેરે નામોનો સમાવેશ થાય છે.

કેટલાક હિન્દીની પરીક્ષા પણ આપતા. એમની સાથે મેં પણ હિન્દી ભાષા તરફ ધ્યાન આપ્યું અને ગુજરાત વિદ્યાપીઠની વિનીત તેમજ ભારતીય વિદ્યાભવનની રાષ્ટ્રભાષા રત્ન પરીક્ષાઓ પસાર કરી. એમ કહી શકાય કે એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરતા પહેલાં હિન્દી ભાષામાં મેં સ્નાતકની સમકક્ષ ડિગ્રી મેળવી લીધી હતી. જેમ ફાઈનલ પાસ કરવા પાછળ પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી મેળવવાની આશા હતી તે જ રીતે રાષ્ટ્રભાષા રત્ન પસાર કરવા પાછળ આગળ જતાં કોઈક હાઈસ્કુલમાં ઠેકાણું પડી જાય એવી ભાવના હતી.

પહેલાં પ્રાથમિક શિક્ષણ પછી માધ્યમિક શિક્ષણ. એક પછી એક લાયકાતોનાં પગથિયાં કંડારતો કંડારતો હું મારી ભાવિ કારકીર્દી અંગેની ચિંતા તેમજ તે દિશામાં આગળ વધતાં આ નાનાં પગથિયાં કંડારતા જવાની સૂઝ વિશેષ કારણભૂત હતી તેમ હું માનું છું. બેકાર રહેવું કોઈપણ સંયોગોમાં પોષાય તેમ નહોતું. મને હજુ પણ આ વિષયને સ્પર્શતો શ્લોક યાદ છે.

 

शनेः पंथा,

शनैः कंथा,

शनैः पर्वत लंघनम् ।

शनैः विद्या,

शनैः वितम्,

पंचेतानि शनैः शनैः ।

આનો સરળ ભાવાર્થ એ થાય કે એવરેસ્ટ શિખર પર ચઢવું હોય તો પણ શરુઆત તો એક નાનું ડગલું ભરવાથી જ થાય. આવાં નાનાં નાનાં ડગલાં ભરવાનું કામ કરતાં કરતાં હું મોટો થતો જતો હતો તે ખ્યાલ મોડો આવ્યો.

શાસ્ત્રીજીની પાઠશાળા

વિદ્યાર્થીઓ

સંસ્કૃત અને સંસ્કૃતિનો અભ્યાસ

ગુરુકુળ જેવું તાજગીપ્રદ અને પ્રેરક વાતાવરણ

મૃત્યુંજય મહાદેવનું સાનિધ્ય

શેતુર, ગુંદા, કેરી, કરમદા, બોર જેવો ફળોનો ખજાનો

લીમડો, કણજી, સરગવો, પીપળો જેવાં વૃક્ષો

પારિજાત, મોગરો, ચમેલી, જૂહી, કરેણ જેવાં પુષ્પો

હુતુતુ, લંગડી, ગીલ્લીડંડા..... ઘણી બધી રમતો

અને નર્યો રઝળપાટ

મેં શાસ્ત્રીજીની પાઠશાળામાં ઘર કરતાં પણ વધુ સમય વ્યતિત કર્યો છે. આજે પણ મને કોઈ પૂછે તો જરાય ખચકાટ વગર કહી શકું

1947-1962 સુધીનો આ સમય

મારા જીવનનો સુવર્ણકાળ હતો


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles