Wednesday, January 25, 2017
અગાઉ લખ્યું તેમ મારી મા ઝાઝું ભણી નહોતી પણ એની કોઠાસૂઝ ગજની હતી. ત્રેવડ ત્રીજો ભાઈ છે એ શીખવું હોય તો અનેક દાખલા મારી મા જે રીતે ઘર ચલાવતી તેમજ વ્યવહારો આટોપતી તેમાંથી મળી રહે.
હા અમે રહેતા હતા બંગલામાં.
એક જમાનામાં એના માલિકે પોતાને રહેવા માટે બનાવ્યો હશે.
પણ પછી જંગલની આ વિષમતાઓએ એમને અહીં રહેવા આવતા રોક્યા હશે.
મારા જન્મ પહેલાંથી 1970 સુધી આ બંગલો અમારું નિવાસસ્થાન રહ્યું.
એટલે લગભગ પાંત્રીસેક વરસનો પંખીમાળાનો આ સધિયારો અને અમારે માથે છાપરું એટલે નટવર ગુરુનો બંગલો. આ બંગલાની અંદર રહેતા કુટુંબ વિશે બહાર તો બધે એવું જ હતું કે ભલે બહુ પૈસો નહીં હોય પણ સારી રીતે જીવી શકે એટલી ક્ષમતા તો હશે જ.
આ કારણસર મારા લેંઘાને કે શર્ટ/બુશર્ટને થીગડું મારેલું હોય ત્યારે અમારા પાડોશીઓ મને ‘કંજૂસ’ કહીને ચીડવતા પણ ખરા.
મારી મા આ સામે એક જ શીખામણ આપતી “ફાટ્યાં લૂગડે અને ઘરડાં મા-બાપે કોઈ શરમ ન હોય.”
કપડું થીગડા મારેલું હશે તો ચાલશે એ મેલું ન હોવું જોઈએ.
અને.......
મારી મા ના હાથમાં જાદુ હતો.
એ કપડાં બગલાની પાંખ જેવા ધોતી
અને......
વાસણ ઝગઝગાટ ઉટકતી
મારે ત્યાં પિત્તળનાં વાસણોમાં માત્ર બહાર ઝગઝગાટ હોય એટલું નહીં અંદરથી પણ એ એટલું જ ઝગઝગાટ હોય.
સ્વચ્છતા અને ઘરમાં જે તે વસ્તુ એની જગ્યાએ જ પડી હોય એ પ્રકારની લગભગ દુરાગ્રહ કહી શકાય તેવી મારી મા ની વ્યવસ્થા પદ્ધતિને કારણે એનું શરીર ચાલ્યું ત્યાં સુધી મારા ઘરમાં ઘરની સફાઈથી લઈને ગાદલાં-ગોદડાં, વાસણ-કુસણ વિગેરે બધું જ ચોખ્ખુંચણાક રહેતું.
બરાબર મારી મા ના દિલ જેવું જેમાં મેં ક્યારેય મેલ જોયો નહોતો.
મારા માટે પણ ઘણું બધું અનુશાસન હતું.
દર રવિવારે માથે અને ડીલે સાબુ દઈને એ મને ઉટકતી
અને પછી એમ.એમ. ખંભાતવાળાની પડીમાંથી હાથે બનાવેલ ધુપેલ તાળવે ઘસી માથું ઓળી આપતી.
લગભગ પ્રાથમિક શાળા પુરી કરી ત્યાં સુધી આ ચાલ્યું.
પછી ધીરે ધીરે હું આઝાદ થતો ગયો
અને.......
બગડતો ગયો.
હવે લાગે છે કે થોડાં વધુ વરસ નાનો રહીને પેલું ધુપેલ તાળવે ઘસાવ્યું હોત તો વાળ કદાચ થોડા મોડા ધોળા થયા હોત અને માથામાં આજે ઉજ્જડ વેરાન પ્રદેશ એટલે કે ટાલ વિક્સી છે તે પણ કદાચ મોડી પડી હોત.
ખેર.....
આ બધું ડહાપણ આપણને અવસર વીત્યે જ સૂઝતું હોય છે બરાબરને ?
મારી મા ઘરની આંતરિક વ્યવસ્થાઓમાં પણ જબરજસ્ત ક્ષમતા ધરાવતી. અમારે ત્યાં ક્યારેક એવું પણ બનતું કે સવારે ખાધું હોય તો સાંજનો વેંત વિચારવો પડે.
જંગલ હતું. કોઈ મહેમાન આવે ત્યારે ઘરમાં દાળ કે શાક ન હોય તો ન ચાલે.
મારા ત્યાં મહેમાનોનો ધસારો તો રહેતો.
તેવે સમયે કબાટમાં ક્યાંક કપડાંની ગડીમાં સંતાડેલી એની સેવિંગ્સ બેંકમાંથી એ બે-પાંચ રુપિયા ઉપાડી લેતી અને પ્રસંગ જાળવી લેતી.
મારા ઘરે ક્યારેય મહેમાન આવે તો મારી મા ને મેં મોઢું કટાણું કરતી જોઈ નથી.
વિકટ પરિસ્થિતિમાં પણ એનો આવકાર મોટો.
એ કહેતી “રોટલાનો ખાનાર રોટલો ખાઈ જશે ઘર નહીં લઈ જાય”
તો ક્યારેક એ મને શીખામણ પણ આપતી –
“ભાઈ ઘરનો રોટલો બહાર ખાવાનો છે. ઘર ભલે નાનું હોય દિલ નાનું ન હોવું જોઈએ. મહેમાન તો નસીબદારના ત્યાં જ આવે છે.”
એની શરીરશક્તિ કંઈ બહુ સારી નહોતી.
એને પરિસ્થિતિએ પણ તાવી હતી. બિમારીઓએ પણ તાવી હતી.
આમ છતાંય મેં મોડી રાત્રે પણ કોઈ મહેમાન આવ્યું હોય તો બે સગડી એકસાથે સળગાવી એના પર ભાખરી-શાક બનાવી નાંખી મહેમાનને જમાડ્યા છે. મારે ત્યાં મોડી રાત્રે આવેલ મહેમાન પણ કદીય ભૂખ્યું ન રહ્યું હોય તો એ મારી મા ના મનની અમીરાત અને કદાચ એના પિયરમાંથી દાયજામાં લઈ આવેલ ખાનદાની હતાં.
મારી મા એ મારી મા જ હતી.
એણે કોઈ ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, ફાયનાન્સિયલ મેનેજમેન્ટ કે જનરલ એડમીનીસ્ટ્રેશનનો કોર્સ નહોતો કર્યો પણ અમારું ઘર જે રીતે એણે સંભાળ્યું અને ચલાવ્યું એ આ બધા કોર્સ કર્યા હોય તો પણ ફેલ થવાય એવી અઘરી બાબત હતી.
આ કારણથી જ આગળ જતાં શ્રી શરુ રાંગણેકર જેવા મેનેજમેન્ટ ગુરુનું એક પ્રવચન “લર્નીંગ મેનેજમેન્ટ ફ્રોમ યોર વાઈફ” મેં સાંભળ્યું ત્યારે મનમાં માત્ર મારી મા જ નહીં પણ મારી પત્ની સમેત બધી જ ગૃહિણીઓ કઈ રીતે મારા બાપ જેવા કે મારા જેવા રેઢિયાળ અને ગૃહ વ્યવસ્થાપન પ્રત્યે બેજવાબદાર પતિઓને નિભાવે છે તેનો તાદૃશ ચીતાર મળેલો. શરુ રાંગણેકરનું આ પ્રવચન મળે તો સાંભળવા જેવું છે.
ઘણીવાર એવું પણ બનતું કે સિદ્ધપુર સ્ટેશને બે માલગાડીનું ક્રોસીંગ હોય અને ગાડી કલાકેક રોકાવાની હોય તો ફટાફટ રસોઈ કરીને ગાર્ડ અને ડ્રાયવરને જમવાની વ્યવસ્થા થઈ જતી. અમારે ત્યાં કૂકર, ગેસનો ચુલો કે આધુનિક કહી શકાય એવાં રસોઈના કોઈ સાધનો નહોતા. આ બધા માટે ચુલો અને સગડીઓ કામે લેવાતા. મજા એ આવતી કે એ સગડીમાં જાળી નીચે એક-બે બટાકાં કે શક્કરીયું સેરવી દેતો. એ શેકાયેલ કંદમૂળનો સ્વાદ અને મીઠાશ અદભૂત રહેતાં. મા ની રસોઈ ચાલતી હોય ત્યારે મારું આ બોનસ કુકીંગ હતું.
ક્યારેક આમાં મદદરુપ થવાની તક મળે તો એ મારે માટે મજાનો પ્રસંગ હતો. આમ કરતાં કરતાં જ માત્ર દાળ, ભાત, શાક નહીં પણ ચણાના પુડલા, બટાકા વડા, ગોટા, ભજીયાં, સમોસા અને ફ્રૂટસલાડ કે માલપુડા જેવી આઈટમો બનાવતાં હું ક્યારે શીખી ગયો એનો મને પણ ખ્યાલ નથી. હા, રોટલી-ભાખરી વણવામાં ફાવટ ના આવી તે ન જ આવી.
મારી મા તેના વ્યવહાર થકી એક બીજી બાબતની એ અનાયાસે પ્રેરક બની. અમારો પાડોશ ભરથરી અને ઠાકોર ભાઈઓનો. એમનાં છોકરાંમાંથી લગભગ અડધો ડઝન મારે ત્યાં રહીને ભણ્યાં અને સંસ્કારો પણ પામ્યા. એમાંથી કેટલાંક તો ન કલ્પી હોય તેવી પ્રગતિ સુધી પહોંચ્યાં. આમાં મણાજી ઠાકોર જે ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યૂરોમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજરના હોદ્દા સુધી પહોંચ્યા, ચંદુ અને મંગો બન્ને રિલાયન્સ નરોડામાં યાર્ન ખાતામાં નોકરી કરી નિવૃત્ત થયા. આજે એમનાં છોકરાં ગ્રેજ્યુએટ થયાં છે અને અમદાવાદમાં નરોડા ખાતે પોતાના મકાન તેમજ આર્થિક પ્રવૃત્તિ કરી સારું જીવન વ્યતિત કરે છે. વિનુ ડગરા ગ્રેજ્યુએટ ન થયો એનાં પાછળ એની બેજવાબદારી, કૌટુંબિક કારણો કે પછી વહેલા લગ્ન કરી નાંખવાના સામાજીક કુરિવાજો જવાબદાર હશે. આજે એ મારી સાથે ડ્રાયવર તરીકે કામ કરે છે. આ ઉપરાંત પણ મારા સમયવયસ્ક ઠાકોર પરિવારનાં સંતાનોમાં સદગુણો અને સદવિચાર વાવવાનું કામ મારી માએ કર્યું છે. એની પાસે ઠાકોર હોય, ભરથરી હોય, વાઘરી હોય કે પછી ભરવાડ સારા-ભલા પ્રસંગે સલાહ લેવા બધાં આવતાં.
વ્રત/તહેવારોમાં આ બધાને ભેગાં કરી મારી મા કથાવાર્તા પણ સંભળાવતી. એમના આર્થિક વ્યવહારોમાં ઢોરઢાંખર વેચ્યું હોય કે ખરીદ્યું હોય નાણાંનો હિસાબ પાકો કરાવવા એ લોકો મારી મા પાસે આવતા. નાના બાળકને કોઈ તકલીફ હોય ત્યારે અચૂક એની સલાહ અને તે કહે તે પ્રમાણેની દવાઓ પણ કરાતી. મારા ઘરમાં એક ફર્સ્ટ એઈડ બોક્સ રહેતું જેમાં ટીંચર આયોડિન, ટીંચર બેન્ઝીન, પોટેશીયમ પરમેંગ્નેટ, આંખનાં ટીપાં જેવી પ્રાથમિક ઉપયોગ માટેની દવાઓ રહેતી. અમારા ખેતરમાં વાંસમાંથી ટોપલા, ટોપલીઓ વિગેરે બનાવનાર વાદી અથવા વાંસફોડીયા પણ પડાવ નાંખતા. આ લોકોને કામ કરતાં છરી વાગે તો એના ઉપર ટીંચર બેન્ઝીનનું પુમડું મુકી હું ડ્રેસીંગ કરી આપતો. વીંછી કરડે ત્યારે ડંખ ઉપર પોટેશીયમ પરમેગ્નેટના બે-ત્રણ ક્રીસ્ટલ મુકી એના ઉપર લીંબુના રસનું ટીપું પાડવાથી ખદખદીને જે ઉભરો આવે તે કેમિકલ રીએક્શનમાં નીકળતી ગરમી આ ડંખને બાળી નાંખતી. આજ રીતે ગડગુમડ થયું હોય અને ફૂટતું ન હોય તો એના ઉપર કબુતરની અઘાર પાણીમાં ખદખદાવી સહી શકાય તેટલો ગરમ લેપ કરી એને બાંધી દઈએ તો સવાર સુધીમાં એ ગુમડું પકવીને ફોડી નાંખતું, પગમાં બાવળની શૂળ કે થોરનો કાંટો ભાંગી ગયો હોય તો એને જરા ખોતરી એના ઉપર થોરનું દૂધ ભરી દઈએ તો કાંટો પાકીને એકાદ દિવસમાં દબાવવાથી બહાર આવી જાય તેમ થતું. આ લોકો ક્યારેક એક યા બીજા કારણસર કંઈક દાઝે તો અમારી પાસે બર્નોલ કરતાંય વધારે અકસિર થુવર અથવા ખરસાંડીનું દૂધ ઉપલબ્ધ હતું જેને દાઝેલા ભાગ પર લગાવવાથી ફોલ્લા ન ઉઠે અને બળતરા શાંત થઈ જાય તેવું બનતું. આવા અનેક નાના મોટા દેશી ઉપચાર મારા બાપા કે મા પાસે હાથવગા રહેતા અને હું તેમાં આનંદપૂર્વક કંપાઉન્ડર તરીકે કામ કરતો. સ્વાભાવિક રીતે આ બધાં કારણોસર આજુબાજુ વસતાં ઠાકોર, ભરથરી, વાઘરી અને વાંસફોડીયા કુટુંબોમાં મારી મા દેશી વૈદા માટે જાણીતી હતી. બાળકને આફરો ચડ્યો હોય કે વરાધ (ન્યૂમોનિયા) થયો હોય તે કિસ્સામાં પણ એના દેશી ઉપચારો અસરકારક બની રહેતા. આઝાદી પછી જે સરકારો આવી એ બધી બહુજન હિતાય બહુજન સુખાય સર્વસમાવિષ્ટ વિકાસની યોજનાઓ લાવતી રહી છે. આવી યોજના પાછળનો ઉદ્દેશ પણ સારો હોય છે પણ કોઈપણ પ્રકારના સ્વાર્થ કે બદલાની અપેક્ષા વગર મારી મા ની આ દરિદ્ર નારાયણ સેવા લગભગ ચાળીસેક વરસ ચાલ્યા કરી. આમાંથી જ કોઈના આશિષનો લાભ મને પણ મળ્યો હશે. કારણકે એક તાલીમબદ્ધ કંપાઉન્ડરની માફક ડ્રેસીંગનું કામ હું સારી રીતે કરી શકતો હતો. મારી માના વ્યક્તિત્વનું બહારની દુનિયામાં બહુ ઓછું જાણીતું આ જમાપાસું આજે પણ મને વંચિતો માટેની હમદર્દી અને જ્યાં જ્યાં તક મળે તેમના માટે કંઈક કરી છુટવાની વૃત્તિ તરફ દોરતું રહ્યું છે.
જ્યાં સુધી રસોઈને લાગેવળગે છે મારી મા ના હાથમાં કોઈ અદભૂત ક્ષમતા હતી. એણે બનાવેલી પુરણપોળી હોય કે પછી દાળઢોકળી, લાડુ હોય કે પછી થેપા, માલપુડા હોય કે પછી મગદળ, ઘુઘરા હોય કે પછી બીરંજ આજે પણ એનો સ્વાદ જાણે કે મોંમાં તાજો છે. એમાંય દૂધના લોટમાં કણક બાંધીને બનાવાતી ભાખરી જેને અમે દશમી કહેતા કે પછી મેથી અથવા દૂધીની છીણના મુઠીયા, અજમો અને હિંગ નાંખીને બનાવેલ ખારી પુરી કે દાળઢોકળી એની ખાસ વિશીષ્ટતા હતી. મારે ત્યાં ભજીયાં બને ત્યારે અજમાનું પાન અને આંખફૂટીનાં લીલાં પાનનાં કે પોઈના પાનનાં ભજીયાં ખાસ બનતાં. મારા પિતાજીને પણ આ ભાવતી વાનગી હતી એટલે જ્યારે ભજીયાં બને ત્યારે રીંગણ, બટાકા, મરચાં, ગલકાં, કેળાં વિગેરે બધું મળી દસ-બાર જાતનાં ભજીયાં બનતાં. ટેસડો પડી જતો. રાજગરાના લોટનો શીરો કે પછી ઘઉંનો શીરો બનાવવાની એની પદ્ધતિ અને આવડત એટલી પાકી હતી કે શીરામાંથી ઘી છૂટે અને એ તાવેથાને કે કઢાઈને ક્યાંય ચોંટે પણ નહીં. અગિયારસ, જન્માષ્ટમી કે મહાશિવરાત્રી હું એટલા માટે કરતો કે એ દિવસે રાજગરાનો શીરો, રાજગરો અથવા શિંગોડાના વડા, બટાકાની સૂકી ભાજી, વઘારેલો મોરૈયો અને કઢી જેવી વાનગીઓનો રસથાળ ખાસ હું ઉપવાસ કરું છું માટે બનતો. મારી મા અનેક વ્રત કરતી પણ એના ઉપવાસમાં આવો કોઈ વૈભવ ના હોય. સીંગદાણા અને ગોળ એ જ એનું ફરાળ. પોતાને માટે એણે ક્યારેય કોઈ ખાસ વસ્તુ બનાવી હોય એવું મને યાદ નથી. હું હાઈસ્કુલમાં ભણવા લાગ્યો અને રસોઈની કેટલીક વાનગીઓ ઉપર હાથ બેઠો એટલે ખાસ મારી મા ચાખે એના માટે મેથીના ગોટા, બટાકા વડા, પેટીસ કે કટલેસ બનાવતો. ગરમાગરમ એની સામે મુકીએ અને એ એમાંથી ખાય એ મારી એક નાનકડી પૂજા કે આરાધના હતી.
મને હજુય એ પ્રસંગ યાદ છે કે ઘરે દહીં જમાવીને એનો મઠ્ઠો શ્રીખંડ બનાવવા માટે હું છીણતો હતો. મારી મા સામે ઢોલડીમાં બેઠી હતી અને એને સ્ટ્રોકનો હુમલો આવ્યો. એ જમાનામાં મોબાઈલ કે ટેલીફોન નહોતા. પ્હેરે કપડે લગભગ ત્રણ કિલોમીટર કરતાં વધુ દોડતા જઈને ડોક્ટર સંતદાસાનીને બોલાવી આવ્યો હતો. સદનસીબે મારી મા એમાંથી હેમખેમ બહાર આવી ગઈ. મારી મા ને આ રીતે નિઃસહાય જોવાનો મારા માટે પહેલો પ્રસંગ હતો. મારી વાઘ જેવી મા ત્રાડ નાંખવાની વાત તો બાજુએ રહી સરખું બોલી પણ નહોતી શકતી. પરિણામ સારું આવ્યું એટલે કદાચ બધું વિસરાઈ ગયું. ત્યારપછી દિવસો સુધી મારા મનમાં વળીવળીને એક જ પ્રશ્ન પડઘાયા કરતો હતો – “મારી મા ને કંઈક થઈ ગયું હોત તો” આ પહેલાં પણ ઘણીવાર હું વ્યવહારમાં કે કોઈ પ્રસંગમાં કોઈના ત્યાં જવાની ના કહું ત્યારે મારી મા સમજાવતી કે એકનો એક છોકરો છે. અત્યારે તો અમે બધે દોડીએ છીએ પણ અમે નહીં હોઈએ ત્યારે શું કરીશ ? હું આ વિષય વિચારવા પણ નહોતો માંગતો. મા ન હોય એ કડવી વાસ્તવિક્તા મને ત્યારે સ્વીકાર્ય નહોતી અને એટલે હું એની વાત ઉડાવી દેતો. કહેતો – “હમણાં ક્યાં ભગવાનને ત્યાં તારા માટે જગ્યા ખાલી પડી છે. માથું ના ખા.” પરિણામે સામાજીક રીતરિવાજો અને વ્યવહારની દ્રષ્ટિએ હું સાવ ડોબો રહ્યો. છેક 1980માં મારી મા દેહાવસાન પામી ત્યારે પહેલીવાર મેં શબ જોયું અને પહેલીવાર હું સ્મશાનમાં ગયો. એની ચિતા ગોઠવાતી હતી ત્યારે પણ હું મનોમન કહી રહ્યો હતો આ લાકડાં એક ફાંસ વાગી હોય તો પણ ન સહી શકનાર મારી મા ને ખૂંચશે તો નહીં ને ?
યોગાનુયોગ 1980ના ફેબ્રુઆરીની ચૌદ તારીખે સરસ્વતીના કાંઠે મારી મા ને અગ્નિદાહ દીધો અને એનાં અસ્થિને મા સરસ્વતી વહાવી ગઈ ત્યારબાદ આજ સુધી ચોમાસામાં જવલ્લે આવેલ પૂરને બાદ કરતાં ફેબ્રુઆરીમાં સરસ્વતી નદીમાં ક્યારેય પાણી રહ્યું નથી. મારી મા ગઈ તેની સાથે મા સરસ્વતીમાં વહેતો પ્રવાહ પણ અદ્રશ્ય થઈ ગયો છે. જાણે કે મેં એકસાથે બબ્બે મા ગુમાવી છે. પણ.....
આ પૂર્ણ સત્ય નથી
મા સરસ્વતી હંમેશા મારા વિચારો અને વાણીને પ્રેરતી રહી છે
સદાય મારી સાથે રહી છે
અને મારી દુન્યવી મા ?
એનાં પીંડમાંથી તો આ દેહ બંધાયો છે
એ મને છોડીને ક્યાં જવાની હતી
એના આશીર્વાદ અને બોધ.....
આજન્મ મને દોરતાં રહેશે.