featured image

૧૪ એપ્રિલ ૨૦૨૩

સત્તે પે સત્તા

ઈશ્વર કૃપાથી ૭૭મા વરસમાં વાજતે ગાજતે પ્રવેશ

 

૧૪ એપ્રિલ ફરી એકવાર આવી.

 

એક વર્ષનું ચક્ર પૂરું થયું.

 

જીવનમાં એક વરસ ઉમેરાયું,

 

આયખામાંથી એક વરસ બાદ થયું.

 

જન્મદિવસ એટલે?

 

એવો દિવસ જ્યારે મેં દુનિયામાં પહેલો શ્વાસ લીધો,

 

પહેલીવાર રડ્યો,

 

માના પડખાની હૂંફ પહેલીવાર અનુભવી.

 

માતાપિતા માટે આ દિવસ વિશિષ્ઠ હતો કારણ કે મારે કોઈ ભાઈબહેન નહોતા.

 

એકમાત્ર સંતાન તરીકે કેટલાક વિશિષ્ટ અધિકારો ભોગવ્યા.

 

રમવા માટે ને ઝગડવા માટે કોઈ ભાઈબહેન નહોતું,

 

એકલા એકલા એકલવાયાપણાની ગમગીનીને

 

વેઠતાં વેઠતાં મોટો થયો.

 

દુનિયાદારીની સમજ પડવા માંડી.

 

નાનું બાળક ઊંઘમાં હસે ત્યારે કહેવાય છે કે વિધાતા એને હસાવે છે

 

પણ રડે ત્યારે?????

 

એમાં ક્યાંય વિધાતાનું નામ નથી આવતું.

 

બધાની જેમ વિધાતા પણ સારું હોય એને જ સાથ આપે છે.

 

તમે રડો છો તો તમારી સાથે નથી વિધાતા રડતી કે નથી દુનિયા રડતી.

 

માણસમાં આ સમજણ અનુભવે ઊભી થાય છે.

 

સમજણ એટલે સારુંનરસું સમજવાની ઓછી

 

પણ...

 

કાવાદાવા સમજવાની અને કરવાની વધારે.

 

એટલે જ કહ્યું છે કે -

 

“રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે

રાખનાં રમકડાં, રમકડાં …

 

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે

આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,

રાખનાં રમકડાં, રમકડાં …

 

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા

એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે

રાખનાં રમકડાં, રમકડાં” …

 

આ રમકડાંને પણ સર્જનહારે રાખમાંથી જ બનાવ્યું હશે

 

અને એ રાખમાં જ ભળી જશે.

 

૭૬ વરસ આંખ મીંચીને ઉઘાડતામાં વીતી ગયા.

 

ઘણું બધું મળ્યું

 

મળેલામાંથી ઘણું બધું છૂટી ગયું.

 

મા-બાપ એમાં પહેલાં હતાં

 

ત્યારબાદ સુહાસિની આજથી બેએક વર્ષ પહેલાં દુન્યવી માયા સંકેલીને હૃદયસ્થ બની.

 

જેમની સાથે હુતુતુતુથી માંડીને અનેક રમતો રમ્યા હતા તે બચપણના મિત્રો...

 

એક પછી એક ઘણા બધા ઈશ્વરના દરબારમાં હાજરી આપવા પહોંચી ગયા.

 

આમેય દોડમાં હું છેલ્લો આવતો!

 

હવે નવી પેઢી અને એનીય પેઢી ઉછરી રહી છે.

 

પરિચિતો કે મિત્રો ઘટ્યા છે

 

નવા ચહેરા વધ્યા છે.

 

કહેવાય છે કે આ દુનિયાનો નિયમ છે.

 

૧૪ એપ્રિલ ૨૦૨૩ના દિવસે આમ તો ૭૬ વરસ પુરાં થશે...  

 

છેલ્લે જૂન ૨૦૨૧માં યમરાજાની ડેલીએ ટકોરો મારી પાછો આવ્યો,

 

કદાચ ત્યાં પણ હાઉસફુલ હતું,

 

મારી જરૂર નહોતી!!!

 

વળી પાછી એ જ સરસ મજાની જિંદગી ચાલવા માંડી.

 

દુન્યવી ડહાપણ હજુ પણ નથી આવ્યું.

 

મિત્રો ક્યારેક ગુસ્સે થાય ત્યારે કહે છે –

 

‘તું બહુ ભોળો છે એટલે છેતરાયા કરે છે’

 

પણ દોસ્તો! આ છેતરાવવામાં પણ મજા આવે છે.

 

આપણી મૂર્ખામી કોઈને રાજી કરતી હોય તો એમાં શું કરવા કંજુસાઈ કરવી????

 

અને એટલે મારું ભોળપણ અને પારદર્શક રહેવું મને ગમે છે.

 

આજે પણ મારે ૭૬ વરસના વૃદ્ધ નથી બનવું

 

મારામાં એક બાળક જીવે છે અને...

 

ઉંમર ભલે ગમે એટલી વીતે પણ એ બાળકને જ જીવતો રાખવા માંગું છું.

 

પાછળ નજર કરું છું તો ઈશ્વરે મને હેસિયત કરતાં ઘણું વધુ આપ્યું છે

 

એટલે એની પાસે શું માંગવું?

 

આ જન્મદિવસે પણ મૃત્યુંજય મહાદેવનો અભિષેક થશે જ.

 

પણ...

 

સાવ માંગ્યા વગર થોડું છોડી દેવાય છે?

 

એટલે ભગવાન ભોળાનાથ, બાબા અને મા શક્તિ પાસે....

 

એટલું જ માંગું છું –

 

“વહો એવી નિત્ય

મુજબ જીવનની સર્વ ઝરણી

દયાના પુણ્યોના

તું જ પ્રભુ મહાસાગર ભણી”

 

અત્યાર સુધી સાવ બેફિકરાઈથી જીવ્યો છું

 

એ પણ ખબર છે કે કોઈ અમરપાટો લખાવીને આવ્યું નથી

 

પણ એની દયા છે ત્યાં સુધી આનંદમાં છું

 

ક્ષણે ક્ષણ એના અસ્તિત્વની અનુભૂતિ થાય છે

 

ક્ષણે ક્ષણ એની કૃપા અને અનુકંપા અનુભવું છું

 

અને ત્યારે....

 

આજથી ૭૬ વર્ષ પહેલાં ઢળતા બપોરના આશરે સાડા પાંચ વાગે

 

દવેની ખડકી, ઝંડિયા કુવે

 

મેં મામાના ઘરે આ દુનિયામાં પહેલો શ્વાસ લીધો

 

મામીએ રાજીના રેડ થઈને ટહુકો કર્યો – ‘ભાણાભાઈ અવતાર્યા છે’

 

એ ઘટના હજુ ગઈકાલે જ બની હોય એવું લાગે છે.

 

૧૪ એપ્રિલ ૨૦૨૩

 

૭૬ વર્ષ પૂરાં કરી ૭૭માં વરસમાં પ્રવેશ થશે.

 

આમેય ૭ મારો પ્રિય આંકડો છે. અને ૭૭ તો વધુ પ્રિય!!

 

આ નિર્ધારિત ગતિએ ચાલતી ઘટમાળનો એક ભાગ છે.

 

મને ઈશ્વરના આશીર્વાદ અને તમારી સૌની શુભેચ્છા આજ સુધી પ્રેરણા અને બળ પૂરું પાડતી રહી છે.

 

એ જ ભાવના આવનાર સમયમાં પણ જળવાઈ રહે એવું પ્રાર્થુ છું.

 

જિંદગીનું વળી એક નવું વરસ ૧૪મી એપ્રિલ ૨૦૨૩એ શરૂ થશે ત્યારે મારા સહુ કોઈ હિતેચ્છુઓ અને મિત્રો તેમજ સ્નેહીઓ પાસેથી મારા માટે સર્વ શક્તિઓને પ્રાર્થના કરે એ જ માંગણી છે.

 

છેલ્લાં બે વરસથી આ પ્રસંગે કોઈપણ પ્રકારની ઉજવણી નથી કરતો - મારા સહુ હિતેચ્છુ મિત્રોની જાણ સારું. આપની શુભેચ્છા એ જ મારા માટે સર્વસ્વ છે.

 

મારા તરફથી સહુ સુખી થાય, સહુના પર ઈશ્વરની કૃપા ઉતરે, એવી ભગવાનને પ્રાર્થના.

 

મારા માટે હંમેશા હૂંફ પૂરી પાડતું મારું પરિવાર, મારા મિત્રો, મારા સહ કાર્યકરો અને શુભેચ્છકોને સવિશેષ યાદ કરી આ ખુશીમાં જોડું છું.   

 

હર મહાદેવ           

જય સાંઈનાથ         

જય માતા દી


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles