લગભગ ત્રણેક અઠવાડિયાં બાદ જવાબ આવ્યો, જેમાં પ્રાથમિક ચકાસણી માટે અમૂક ચોક્કસ તારીખ અને સમયે ધોબીતળાવ – મુંબઈ ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં હાજર થવાનું હતું. હજુ દસેક દિવસનો સમય હતો. આવી પરીક્ષા કઈ રીતે લેવાય છે ? એના માટે શું તૈયારી કરવી પડે ? એનો કોઈનેય ખ્યાલ નહોતો. રાજ્ય સરકાર આ પરીક્ષા માટે વિદ્યાર્થી તેમજ તેની સાથે જનાર વાલી અથવા એસ્કોર્ટ માટેનું આવવા-જવાનું સેકન્ડ ક્લાસનું ભાડું આપવાની હતી. મનમાં એક આનંદમિશ્રિત ભયની લાગણી ફરી વળી. આનંદ એટલા માટે કે, અત્યાર સુધી માત્ર સિનેમાના પડદે જોયેલ મુંબઈ મહાનગર રૂબરૂ જોવા અને માણવા મળશે. ભય એટલા માટે કે છેક એટલે બધે દૂર આવી પરીક્ષા કોઈ દિવસ આપી ન હોતી. પરીક્ષા કેવી હશે ? શું પૂછાશે ? તે વિશે એક વ્યક્તિ સિદ્ધપુરમાં એવી નહોતી જે માર્ગદર્શન આપી શકે. મારી પાસે મુંબઈ જેવા શહેરમાં પહેરાય એવાં કપડાં પણ નહોતાં. તાત્કાલિક બે જોડ કપડાં સીવડાવ્યાં અને બાટાના સાડા ચાર રૂપિયાવાળા સફેદ કેન્વાસના બૂટ અને આઠ આનાની એક એવી બે જોડ મોજાં ખરીદ્યાં. તૈયારીમાં બીજું તો ખાસ કશું કરવાનું નહોતું. મારી માએ થોડાં ઢેબરાં અને સુખડીનું રસ્તામાં ખાવા માટે ભાથું બનાવી આપ્યું. ઘરમાં અત્યાર સુધી જવલ્લે જ વપરાતો બિસ્તરો ઝાપટીને તૈયાર કરી દેવાયો. એમાં ગોદડું, નાનું ઓશીકું, ચાદર વિગેરે મૂકાઈ ગયું. અમારા ઘરમાં એકની એક પતરાંની ટંક હતી. એ ટંકમાં જે કાંઈ હતું ખાલી કરી મારા તથા મારા બાપાનાં લૂગડાં, એક ટૉવેલ અને પેલો ભાથાનો ડબ્બો મૂકી દેવામાં આવ્યો. અમારો સંઘ હવે મોહમયી નગરી એટલે કે મુંબઈ જવા માટે તૈયાર હતો.

રસ્તામાં આવતાં મોટા સ્ટેશન તેમજ મહી, નર્મદા, તાપી, દમણગંગા જેવી નદીઓ જોઈ શકાય તે માટે મારા બાપાએ અમદાવાદથી સવારે ઉપડતી અને લગભગ સોળ કલાક જેટલો સમય લઈ મુંબઈ પહોંચતી લોકલ (સ્લૉ) ગાડી પસંદ કરી હતી. અમે રાતવાસો અમદાવાદ મારાં માસીના ત્યાં રોકાયા અને સવારે મુંબઈ માટેની ગાડી પકડી. સદનસીબે એ દિવસોમાં ગાડીઓમાં અને તે પણ આવી લોકલ ટ્રેનમાં બહુ ગીરદી નહોતી રહેતી. અમે એક નીચેનું પાટીયું રોકી એના ઉપર બિસ્તર પાથરી દીધો. નીચે ટંક ગોઠવી દીધી. બરાબર બારી પાસે હું ગોઠવાઈ ગયો. ગાડી એના નિયત સમયે પ્લેટફોર્મ પરથી રવાના થઈ.

મારે માટે ત્રણ વસ્તુ નવી હતી. એક, બ્રોડગેજમાં આ મારી પહેલી મુસાફરી હતી. બીજું, અમદાવાદથી આગળ મુંબઈ તરફ આ મારી પહેલી મુસાફરી હતી અને ત્રીજું મુંબઈની આ મારી પહેલી મુલાકાત હતી.

મણિનગરથી ગાડી ઉપડી અને જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ પ્રમાણમાં વધુ વનરાજીવાળો પ્રદેશ આવતો ગયો. રસ્તામાં પહેલી મોટી નદી મહિસાગર આવી. આવો જબરદસ્ત પૂલ અને આવડી મોટી નદી મેં પહેલીવાર જોઈ. ધીમે ધીમે ગાડી વડોદરા પહોંચી. અમારા કેટલાક સંબંધીઓ વડોદરા રહેતા હતા. પણ એનું સ્ટેશન અને પ્લેટફોર્મ મારા માટે નવું હતું. આ પહેલાં રસ્તામાં આવેલાં મોટા સ્ટેશનોમાં નડિયાદ અને ત્યારબાદ આણંદ હતું. આ  દરેક સ્ટેશનની કાંઈક ને કાંઈક ખાસિયત હતી. નડિયાદના પ્લેટફોર્મ ઉપર ભજીયાંની લારીની સાથોસાથ નડિયાદનું ચવાણું વેચાતું. આણંદમાં તે સમયે અમુલ ડેરી અને સહકારી ડેરી વ્યવસાયનો હજુ ઉદય થઈ રહ્યો હતો. પૉલ્સન ડેરીનું માખણ હજી પણ પ્રખ્યાત હતું અને કોઈ વ્યક્તિને મસકો મારવો હોય ત્યારે “એને પૉલ્સન લગાવો” એવું કહેવાતું. અમુલ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને વ્હાઈટ રિવોલ્યુશન જેવા શબ્દો ચલણમાં આવવાને હજુ થોડી વાર હતી. ત્રિભુવનદાસ અને ડૉ. કુર્રીયનનું સંતાન કહી શકાય એવી અમુલ ડેરીની સ્થાપનાને (સ્થાપના : સને 1946) હજુ એકાદ માંડ એકાદ દાયકો વીત્યો હતો. સમગ્ર દેશમાં જેણે ડેરી ઉદ્યોગનું નામ ગાજતું કર્યું તે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (સ્થાપના : સને 1965) હજુ અસ્તિત્વમાં નહોતું આવ્યું, પણ ડેરી ઉદ્યોગનો મજબૂત પાયો શ્રી ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વ હેઠળ નંખાઈ ચૂક્યો હતો. આણંદના પ્લેટફોર્મ ઉપર ગાડી દાખલ થાય એવું ત્યાંના પ્રખ્યાત દાળવડાની લારીઓ વાળા બૂમાબૂમ મચાવી મૂકતા. આ જ રીતે વડોદરા એના ચેવડા માટે પ્રખ્યાત હતું. ગાડી આગળ વધતી ગઈ. ભરૂચ આવ્યુ. ભરૂચની સીંગ વખણાતી હતી. ગાડી ભરૂચ સ્ટેશને પહોંચી ત્યાં સુધીમાં તો સૂરજ માથા ઉપર આવી ગયો હતો. ગાડી ઊભી રહી એટલે મારા બાપાએ એમની થેલીમાંથી પિત્તળના બે ગ્લાસ બહાર કાઢ્યા અને પ્લેટફોર્મ પર નીચે ઉતરી રેલ્વેના પીવાના પાણીના નળમાંથી આ બંને ગ્લાસ ભરી લાવ્યા.

આજે બિસ્લેરીની બોટલ ખોલીએ છીએ ત્યારે ભાગ્યે જ ખ્યાલ આવે છે કે, આ કોઠો કૌસથી ખેંચાઈને થાળામાં પડતું પાણી, કૂવામાંથી ડોલ થકી ખેંચેલું પાણી, હેન્ડપંપના નળમાંથી આવતું પાણી, વગડે કોઈ તળાવડીમાં ભરેલું નિર્મળ પાણી, સરસ્વતી નદીનાં વહેતા જળમાંથી ખોબો ભરીને લીધેલું શીતળ જળ અને એલ. એસ. હાઈસ્કૂલમાં હતા ત્યારે બિંદુ સરોવર તરફ જતા ડોહજીની લાટીની બહાર મૂકેલ ચકલીનું પાણી એવા જાતજાતના અને ભાતભાતનાં પાણીથી ઘડાયો હતો. પાણીજન્ય રોગ કોને કહેવાય તેની સમજ પણ નહોતી પડતી અને આમાંના એકેય પ્રકારના પાણીએ કદી કોઈ રોગ કર્યો પણ નહોતો. શરીરની રોગ પ્રતિકારક શક્તિ બધા જ પ્રકારની અશુદ્ધિઓને પચાવી જવા માટે ઘડાઈ હતી. બે હાથનો ખોબો કરીને અથવા જમણો હાથ હોઠ નીચે હડપચી રાખીને અધ્ધર ધારે પાણી પીવાની કળા અમને આત્મસાત હતી. આજે આ પાણીની ગુણવત્તા, એમાં ક્ષાર, ફ્લોરાઈડ, નાઈટ્રેટ, બેક્ટેરિયા વિગેરે અશુદ્ધિઓનો વિચાર કરીએ છીએ ત્યારે લાગે છે કે, બિસ્લેરીની બોટલ નહતી માટે જ અમે ગમે તે ગુણવત્તાવાળું પાણી પચાવી જતા. જેટલા સ્વચ્છ અને નિયંત્રિત વાતાવરણમાં રહો તેટલી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. એટલે સમયાંતરે શરીરમાં જતી થોડી થોડી અશુદ્ધિઓ રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં કામિયાબ રહે છે તે વાત આજે સમજાય છે.

ખેર ! આજે રેલ્વે સ્ટેશનના નળમાંથી આવતું પાણી ખોબો માંડીને પી જવાની હિંમત રહી નથી. હવે ઘરેથી નીકળીએ એટલે બાપાની થેલીમાં ચૂપચાપ મુકાઈ જતા પિત્તળના પેલા ગ્લાસ પણ રહ્યા નથી. બધું બદલાઈ ગયું છે. ભરૂચ સ્ટેશને ગાડી સારો એવો સમય ઊભી રહી. દરમિયાનમાં અમારા પાટીયા નીચે મુકેલ ટ્રંકમાંથી ભાથાનો ડબલો કાઢીને થોડી થોડી પેટપૂજા પણ કરી લીધી.

અમારી ગાડીએ વળી પાછી ગતિ પકડી. પ્લેટફોર્મ છૂટ્યાના થોડાક સમયમાં તો લોખંડના તોતિંગ ગર્ડરથી બંધાયેલ પૂલ ઉપર અમે પ્રવેશી ચૂક્યા હતા. બહાર નજર કરી તો જાણે દરિયો હિલોળા લેતો હોય તેવી વિશાળ નદી ઉપરથી અમારી ગાડી પસાર થઈ રહી હતી. મારા બાપાએ એક આનાનો સિક્કો (“અત્યારના છ પૈસા”) કાઢી મારા હાથમાં આપ્યો અને નદીમાં પધરાવી શ્રદ્ધાપૂર્વક મા નર્મદાનાં દર્શન કરવા કહ્યું. મોટો થયો ત્યારે હું શીખ્યો કે, ગંગાજીમાં સ્નાન, યમુનાનું પાન અને નર્મદા મૈયાનાં દર્શન માત્ર કરવાથી મોક્ષ મળે છે. મહી કરતાં પણ નર્મદા ઘણી મોટી લાગી. કદાચ ભરતીનો સમય હતો એટલે પાણી વધારે લાગ્યું હશે. મેં એક આનાનો નદીમાં ઘા કર્યો અને મા નર્મદેને ભક્તિભાવથી માથું નમાવી વંદન કર્યાં. નર્મદા મૈયાના આ અતિપાવનકારી દર્શન મને માંડ અગિયાર-બાર વર્ષની ઉંમરે થયાં. એ કોઈ પૂર્વજન્મનાં પૂણ્ય કે વડીલોના આશીર્વાદનું પરિણામ હશે એમ હું માનું છું ત્યારે મારા બાળમાનસમાં કોઈ ખ્યાલ કે અણસારો પણ નહોતો કે આગળ જતાં મા નર્મદા સાથે ઘણા લાંબા સમય સુધી મારો પનારો પડવાનો છે.

ભરૂચથી આગળ વધતી અમારી ગાડી સુરત સ્ટેશને પહોંચી. અહીંયાં તો પ્લેટફોર્મ પર ખારી, નાનખટાઈ, ખમણ, સેવખમણી અને ઘારી જેવી અનેક વસ્તુઓ વેચાતી હતી. મારા માટે નાનખટાઈ, ખારી (પડવાળી) અને બટર બિસ્કીટ (ફરમાશુ) નવા શબ્દો હતા. મેં જીદ કરીને મારા બાપા પાસે થોડું થોડું આ બધું લેવડાવ્યું. મને આ બધામાં નાનખટાઈ સૌથી વધારે સ્વાદિષ્ટ લાગી. સુરતની આ બધી સ્પેશ્યાલિટી હતી જેને હું પહેલીવાર માણી રહ્યો હતો. અત્યાર સુધીની મુસાફરી મજેદાર રહી.

લોકલ ટ્રેનના ત્રણ ફાયદા છે – પહેલો ભાડું ઓછું થાય, બીજો ગીરદી ઓછી હોય અને ત્રીજો ગાડી દરેક સ્ટેશને ઊભી રહે એટલે એ સ્ટેશન સાથે પણ પરિચિત થવાનો મોકો મળે. અમદાવાદ મુંબઈ વચ્ચે આ પછી અનેક વખત મુસાફરી કરી છે, પણ ક્યારેય મારી આ પહેલી મુસાફરીમાં જેવો આનંદ મળ્યો તેવો આનંદ મળ્યો નથી. ભરૂચ વટાવ્યા પછી તો અત્યંત મનોરમ્ય એવી વનરાજી અને વચ્ચે વચ્ચે આવતાં નાનાં-મોટાં નદીનાળામાં વહેતાં પાણી આંખને ઠારે છે. બારેમાસ લીલોછમ રહેતો આ પ્રદેશ “ગુજરાતનો બગીચો” કહેવાય છે એવું હું પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન ભણ્યો હતો. આજે પણ ભૂગોળના મારા એ પુસ્તકમાંનાં કેટલાંક ચિત્રો જેવાં કે “ચરોતરનો દૂધારો”, “અમલસાડનું આંબાવાડિયું”, શેરડી અને તમાકુની ખેતી નજર સામે તરવરે છે. એમાંય અમલસાડના આંબાવાડિયામાં કેરીથી ઝૂકી ગયેલ આંબાની ડાળ એટલી નીચી હતી કે, હાથથી કેરી તોડી શકાય. મનમાં ત્યારે પણ થયેલું કે, કોઈક વખત આવા આંબાવાડિયામાં જઈ ચઢીએ તો કેવી મજા આવે ! એ વખતે ચાલતું ભૂગોળનું એ પુસ્તક આજે પણ જો મળી જાય તો ફરી એક વાર “ચરોતરનો દૂધારો” કે “અમલસાડનું આંબાવાડિયું” જોવું છે.

અમારી ગાડી આગળ વધતી વધતી વાપી પસાર કરીને મહારાષ્ટ્રની હદમાં પેઠી અને દહાણુ રોડ સ્ટેશન આવ્યું. અહીં બોલી પણ બદલાણી, પહેરવેશ પણ બદલાણો અને વાતચીત કરવાની ઢબ પણ બદલાણી. પહેલીવાર મરાઠી ભાષા સાથે મારો પરિચય થયો. આ વિસ્તાર પણ રમણીય છે. થોડા આગળ પહોંચ્યા ત્યાં ધીરે ધીરે સૂરજ ઢળવા મંડ્યો અને સંધ્યાકાળ શરૂ થયો. આગળની મુસાફરીમાં હવે દિવસ જેવી મજા નહોતી પડવાની. ખેર ! આમ છતાંય આ દસ-અગિયાર કલાકમાં ઘણું જોવા અને જાણવા મળ્યું હતું. લગભગ મુંબઈ પહોંચવા થયા એટલે દરિયાની ખાડી ઉપરથી ગાડી પસાર થઈ. આ તો નર્મદાના પટ કરતાં પણ વિશાળ પટ હતો. ખાડીનાં પાણી બે ટૂકડે વહેંચાઈને રેલ્વેલાઈન ક્રોસ કરતાં હતાં એટલે મોટાભાગ ઉપર મોટો અને નાના ભાગ ઉપર નાનો એમ બે પૂલ હતા. ઝાઝું દેખાતું નહોતું, છતાંય દરિયા ઉપરથી પસાર થતી ગાડીએ મારો પહેલો પરિચય દરિયાલાલ સાથે કરાવી જ દીધો. હવે અમારે જ્યાં ઉતરવાનું હતું તે સ્ટેશન તરફ અમે આગળ વધી રહ્યા હતા. વચ્ચે નાનાં-મોટાં સ્ટેશનો આવતાં ગયાં, પણ મુંબઈની પહેલી ઝલક મને ગાડી વિરાર સ્ટેશને પહોંચી ત્યારે દેખાઈ. પશ્ચિમ રેલ્વેનું આ સ્ટેશન ચર્ચગેટ અને વિરાર વચ્ચે ગુંથાયેલા મુંબઈના પરાંઓને જોડતી ઈલેક્ટ્રીક સબરબર્ન ટ્રેનના કારણે જાણીતું છે. આ ટ્રેનો મોટા ભાગે વિરાર – ચર્ચગેટ વચ્ચે દોડે છે. અમારી ગાડી આગળ વધી રહી હતી તે સમયે પાછળથી આવતી પરાની ઈલેક્ટ્રીક ટ્રેન ધમધમાટ આગળ થઈ જતી હતી. તે પહેલાં થોડો સમય બંને ગાડીઓ સમાંતર ચાલતી તે જોવાની મજા જ જૂદી હતી. આ પરાંની ગાડીને બંને બાજુ એન્જિન હોય છે, પણ રેલ ગાડીને એન્જિન હોય છે એવું નહીં. એનો બહારનો દેખાવ પણ લગભગ ડબ્બા જેવો હોય છે. મેં મનોમન કહ્યું, “આ ખરી નાક વગરની બૂચી ગાડી છે. મુંબઈના પરાનો ઝળહળાટ હવે દેખાવા માંડ્યો હતો. મારા બાપાએ બિસ્તરો વાળીને બરાબર બાંધી દીધો. અમારે બોરીવલી ઉતરવાનું હતું. બોરીવલી વેસ્ટમાં શ્રી મોહનલાલ બેરિસ્ટરને ત્યાં રોકાવાનું હતું. લગભગ રાતના દસ વાગ્યે અમે બોરીવલીના પ્લેટફોર્મ ઉપર પગ મૂક્યો. કૂલીની પાસે સામાન ઉંચકાવી બહાર નીકળ્યા અને ટેક્ષી પકડી શ્રી મોહનલાલ બેરિસ્ટરના નિવાસ સ્થાને જવા રવાના થયા. આ બેરિસ્ટર સાહેબ દૂરના સંબંધે મારા માસા થતા હતા અને બોરીવલી વેસ્ટમાં એમનો બંગલો હતો.

મુંબઈની ધરતી પર પગ મૂક્યો.

મુંબઈ એક એવી નગરી છે જ્યાં રોજ....

હજારો લોકો પોતાનું નસીબ અજમાવવા આવે છે.

ખાલી ખિસ્સે દોરી-લોટા સાથે આવેલ કેટલાક....

મોટા ઉદ્યોગપતિ અને શેઠીયા બની જાય છે

તો કેટલાક....

મોટા ફિલમ કલાકારો કે નેતા બની જાય છે.

મુંબઈમાં જેનાં સ્વપ્નાં ફળે એ ન્યાલ થઈ જાય છે

પણ...

આ એ શહેર છે જ્યાં રોટલો મળે છે, પણ ઓટલો નથી મળતો.

આંખમાં સપનાં આંજીને આવેલ અનેક બરબાદ થઈને પાછા જાય છે

અથવા...

મુંબઈમાં જ ખપી જાય છે

આ મુંબઈ છે

માયાવી એવી મોહમયી મુંબઈ

આ મુંબઈના એક પરા બોરિવલીના સ્ટેશને

રાતના દસ-સાડા દસના સુમારે

હું ઉતર્યો.

થોડોક ડઘાયેલો, થોડોક થાકેલો તો થોડોક મૂંઝાયેલો

મારી આંખમાં પણ એ દિવસે ઊંઘ નહીં, એક સપનું હતું

આ પરીક્ષા પાસ કરીને....

હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં દાખલ થવાનું.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles