Monday, December 19, 2016
જ્યારે તમે કોઈપણ રમત જીતશો એ શક્યતાઓ લગભગ નામશેષ થઈ જતી હોય ત્યારે આવું સાહસ કરવાની હિંમત આપોઆપ આવી જતી હોય છે. સામે છેડેથી સાહેબનો એ જ સત્તાવાહી રણકાર સાથેનો ‘હેલો’ એવો અવાજ સંભળાયો. મેં ગભરાતાં ગભરાતાં મારી સાથે જે કંઈ બન્યું હતું તે વાત કહી અને ઉમેર્યું “સાહેબ !મેનેજમેન્ટનો અભ્યાસ કરવાની ખૂબ ઈચ્છા છે. હું ગ્રેજ્યુએટ થયો ત્યારે આઈઆઈએમમાં દાખલ થઈ શક્યો હોત. પણ તે સમયે આઈઆઈટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા દરેક વિદ્યાર્થીને મહિને છસ્સો પચાસ રુપિયા સ્કોલપશીપ મળતી હતી. આ રકમમાંથી મારું તો નભી જાય પણ સાથે થોડી ઘણી મદદ ઘરે પણ કરી શકું તેમ હતું એટલે મેં આઈઆઈટીને પસંદગી આપી. પણ હજુય મનમાં મેનેજમેન્ટનો અનુસ્નાતક કોર્સ કરવાની અદમ્ય ઈચ્છા છે. આ તક છે. આપ જો મદદ કરો તો મારું સપનું સાકાર થાય તેમ છે. સાહેબ, મને એડમીશન પણ મળી ગયું છે. હું મારું જે કંઈ કામ છે તે પુરી ધગશથી કરીશ. કોઈપણ ફરીયાદ નહીં આવવા દઉં. આપ જ મને આમાં મદદ કરી શકો તેમ છો. આપે જે સલાહ આપી હતી તે મુજબ આ કોર્સ કરવાથી મારા માટે કેરીયરની પણ નવી તક ખુલશે એમ હું માનું છું. સર ! પ્લીઝ આટલી મદદ કરો ને !” મારા અવાજમાં બને તેટલી નમ્રતા લાવી મેં મારી વાત કમિશ્નર સાહેબને સમજાવી. જીવનમાં ક્યારેક એવી ક્ષણો આવે છે જ્યારે તમે પોતાની જાતને નિઃસહાય મહેસૂસ કરો છો અને કોઈકને એમાંથી ઉગારનાર તારણહાર ગણી એની સામે કાલાવાલા કે કાકલૂદી કરો છો. ક્યારેક આપણે આવું ભગવાન સામે પણ કરીએ છીએ. આને પ્રાર્થના ગણો કે વિનંતી એ જ્યારે મંજૂર થાય ત્યારે આનંદ આનંદ થઈ જાય છે. સામે છેડેથી થોડીક ક્ષણ કોઈ જવાબ ન મળ્યો. બ્લડપ્રેશર શું કહેવાય તે એ ઉંમરે ખબર નહોતી પણ હૃદયના ધબકારા ચોક્કસ વધી રહ્યા હતા કદાચ બ્લડપ્રેશર પણ. એ થોડીક ક્ષણો યુગ જેવી લાગી. સામે છેડેથી સાહેબનો જવાબ મળ્યો. “મેં કહ્યું હતું એ સાચું પડ્યું ને ? કોઈનો પણ ફાયદો પોતાને નુક્સાન ન થતું હોય તો ય ન જોઈ શકનાર આ જમાત છે. પરપીડનવૃત્તિ એ એમની પ્રકૃતિ છે.
સારું ! કાલે હું વાત કરી લઈશ. મંજૂરી નહીં આપવાનું આવું વાહિયાત કારણ ટકી શકે નહીં.”
આભાર સર ! કહીને મેં વાત પુરી કરી. તીર બરાબર નિશાન પર વાગ્યું હતું. ફોન ક્રેડલમાં લટકાવીને નાચી ઉઠવાનું મન થયું. જો આ પીસીઓ જાહેર સ્થળે ન હોત તો મેં જરુર આમ કર્યું હોત. મનમાં ઝવેરચંદ મેઘાણીના ગીતની પંક્તિઓ પડઘાઈ રહી હતી.
મોર બની થનગાટ કરે
આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
મારું મન મોર બની થનગાટ કરે
મેં ઘરનો રસ્તો પકડ્યો. સંધ્યાકાળનું આછું અંધારું જમીન પર ઉતરી રહ્યું હતું પણ ઝબોઝબ ઝળકી ઉઠેલ મરક્યુરી લાઈટોએ એને ક્યાંય ભગાડી દીધું હતું. ચારેબાજુનો ઝળહળાટ આજે મને કંઈક વધુ તેજસ્વી લાગતો હતો. વ્યાસ સાહેબનો આ સધિયારો મારા જીવનમાં એક નવું જ પ્રકરણ શરુ થવા જઈ રહ્યું છે એનો ઈશારો કરતો હતો. તે વખતે કદાચ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે ખ્યાલ નહોતો. આગળ જતાં પેલા આગાહી કરનારની છેલ્લી આગાહી “દુસરે બેટે કે જન્મ કે બાદ તીન મહિને મેં આપ યે શહર છોડ દેંગે” સાચી પડવાનો પાયો આ ક્ષણે નંખાઈ ચુક્યો હતો.
વિચાર આવે છે આ જીંદગીમાં ક્યાં પહોંચવું હતું મારે ? શું ધ્યેય હતું મારું ? અને આજે એમાંથી શું નીપજ્યું છે ?
જરા ફાસ્ટ ફોરવર્ડ કરીએ. થોડાંક વરસ પહેલાં ભાઈ અંકિત ત્રિવેદીએ મને એક લેખ લખી આપવા માટે લગભગ મજબુર કરી દીધો હતો. તેના જવાબમાં મેં એક લેખ લખ્યો પણ ખરો. એનું શીર્ષક હતું –
“હું તો બસ ફરવા આવ્યો છું !”
આજે મેં જે કંઈ લખ્યું છે તે અહીંયા જેમનું તેમ ઉતારું છું.
“હું તો બસ ફરવા આવ્યો છું !
ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ મોટું ગજુ કરી ગયેલા ભાઇ અંકિત ત્રિવેદી પોતે એક અચ્છા કવિ, સાહિત્યકાર અને ઉદઘોષક છે. હું એમનો ચાહક અને પ્રશંસક છું (અને રહેવાનો પ્રયત્ન કરીશ). માણસના એકબીજા સાથેના સંબંધો ઋણાનુબંધથી જોડાયેલા હોય છે અને એ હિસાબે એ એકબીજા સાથે લેણદેણ સરભર કરતો રહે છે એવું તત્વચિંતકો માને છે. આવા જ કોઇ કારણથી અંકિત ત્રિવેદી મારા જીવનનું સૂત્ર શોધવાનું અઘરું કામ મારી પાસે કરાવવા કોઇ છૂપો બદલો લેવાની ભાવનાથી પાછળ પડયા છે એવું હું માનુ છું. ઘણું મનોમંથન કર્યું પછી લાગ્યું કે આમાં લખીને છૂટી જવાતું હોય તો જોખમ પ્રકાશકને અને વાંચવાવાળાને છે. આપણે લખી નાંખો ! એટલે આ લેખ સાથે તંત્રી, પ્રકાશક બંને સંમત હોઇ શકે પણ હું વર્તમાનકાળમાં સંમત છું ભવિષ્યની કોઇ ખાતરી મારા તરફથી ગણવી નહીં.
નાનપણમાં અમે એરગનથી નિશાન ટાંચવાની પ્રેક્ટિસ કરતા હતા. એક પૂંઠા ઉપર ચિતરામણ કરી એને નિશાન બનાવાતું. આમ તો ગોળી એના કેન્દ્રમાં વાગવી જોઇએ પણ એમાંય મેં એક સંશોધન કર્યું હતું. આપણી ગોળી જયાં વાગે તેની આજુબાજુ સર્કલ દોરી દેવાનું એટલે ધાર્યું નિશાન પાર ! મોટાભાગે માણસ કાંઇક મેળવી લે પછી એ જયાં નિશાન વાગ્યું હોય ત્યાં વર્તુળો દોરવાનું લાયસન્સ પ્રાપ્ત કરી લે છે અને એમાંથી કયારેક સામાન્ય માણસ પ્રેરણા પણ લેતો હોય એવું બનતુ હોય છે બાકી આ જીવનમાં કોઇ સૂત્ર લઇને જનમતુ નથી અને સફળ થયા બાદ સૂત્ર વગર મરતુ નથી.
મારા જીવનમાં પણ કાળક્રમે એક સૂત્ર ઉપસ્યું છે. ટકી રહો બાકીનું બધું આવી મળશે. કોઇ મોટા ક્રિકેટરે કહયું છે - " ઇફ યુ હેવ એ કેપેસીટી ટુ સ્ટે એટ ધ વિકેટ રન્સ વીલ ફોલો " આમાં બે વાત આવી જાય છે. એક સાચા મજદૂર તરીકે વિકેટ પર ટકી રહેવાનું એટલે કે જીવનમાં ઝઝૂમવાનું કામ કરતો રહે ( જો આઉટ નહીં થઇ જવાય તો ). નાનો મોટો સ્કોર થયા જ કરશે. આને કર્મનો સિધ્ધાંત કહેવો કે મજબૂરી એ હજુ સમજણ પડી નથી પણ જે કોઇ કામ હાથમાં લીધું તેમાં વિકેટ પર ટકી રહેવાનો પ્રયત્ન અને વિકેટ અધિરાઇમાં નહીં ફેંકી દેવાની ધીરજ મેળવી શકાઇ એને ઇશ્વરની કૃપા ગણું છું અને એટલે જીવનનું સૂત્ર જાણે અજાણે કાંઇક એવુ બની ગયું છે કે -
મને શેની ફિકર હો રામ !
ગાડું મારું તું હાંકનારો, હું તો
બેઠો આમ ...
આમેય જીવનને હળવાશથી લેવાની અને છતાંય સંપૂર્ણ સંવેદનાથી જીવવાની આ મથામણમાં મને કવિ નિરંજન ભગતની પંક્તિઓ હંમેશા દીવાદાંડી સમી બની દોરતી રહી છે -
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.
આ સાવ સાચી વાત કહી. સફળ થયા પછી સૂત્રો તો મળી જ જતાં હોય છે કારણ કે તમેજ સૂત્રધાર બની જાવ છો ! અને નિષ્ફળ નીવડેલાને કોઇ પૂછતું પણ નથી. આ મેં દિલની વાત કહી. કદાચ આ સંગ્રહમાંથી પણ જીવનમાં સરિયામ નિષ્ફળ ગયેલા વ્યક્તિનું જીવનસૂત્ર શોધવાનો કોઇ પ્રયાસ આપને હાથ નહીં લાગે. શું નિષ્ફળતા મળે એ વ્યક્તિનું કોઇ ધ્યેય કે સૂત્ર નહીં હોતું હોય ?”
મેં આ લેખ અહીંયાં એટલા માટે મુક્યો કે જીવનના એક તબક્કે પહોંચ્યા બાદ એ કહેવું ખૂબ સરળ છે કે અમુક ઉંમરે મેં નક્કી કરી નાંખેલું કે મારે તો આ જ બનવું છે અને સખત પરિશ્રમ તેમજ મહેનત કરી હું આ ધ્યેયસિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો. હોઈ શકે. કોઈક કિસ્સામાં આવું બનતું પણ હશે. પણ, મારા કિસ્સામાં જે બન્યું અને મહદઅંશે મારી આજુબાજુ જે બનતું મેં જોયું છે તેનો જવાબ નીચેની પંક્તિઓ સરસ રીતે આપે છે.
કોઈનું મીંઢળ કોઈના હાથે
કોઈનું ભાવિ કોઈના સાથે
કોઈના રથનો કોઈ સારથિ
કોઈને હાથ લગામ
આ તો રમત રમાડે રામ
આજે હાઉસીંગ કમિશ્નર સાહેબે મારા ભાવિની લગામ હાથમાં લીધી હતી.
જોઈએ કાલ સારી જ ઉગશે.