Friday, February 17, 2017
નિશાળમાં મોટાભાગે સાથી વિદ્યાર્થીઓ રાજપુર ગામના અને ખાસ કરીને ખેતી પર નભતી પટેલ કોમના હતા. મારા સહાધ્યાયીઓના પૂરાં નામ મને આજે પણ યાદ છે. મારા વર્ગમાં સાથી વિદ્યાર્થીઓ તરીકે બાબુલાલ ડાહ્યાભાઈ પટેલ, બાબુભાઈ રામાભાઈ પટેલ,દશરથલાલ પ્રભુદાસ પટેલ (ઓલા શેઠ), કાન્તિલાલ ભાઈચંદદાસ પટેલ (હાલ અમેરીકા),બાબુલાલ ભગવાનદાસ પટેલ, જ્યંતિલાલ બેચરદાસ પટેલ (ઝવેરી), જ્યંતિલાલ અંબાલાલ પટેલ (બહારવટીયો), મફતલાલ મંગળદાસ પટેલ, શાન્તુભાઈ શંકરલાલ પટેલ, ઈશ્વરલાલ શંકરલાલ પટેલ, મફતલાલ મોતીરામ પટેલ (મીયાંહુસૈન), જ્યંતિલાલ નારણદાસ પટેલ, હિરાભાઈ શંકરલાલ પટેલ (ઝવેરી), ઈશ્વરલાલ શંકરદાસ પટેલ (આભડેટ), ભગવાનભાઈ મૂળચંદદાસ પટેલ, ભગવાનભાઈ પ્રભુદાસ પટેલ, નરસિંહભાઈ વિઠ્ઠલદાસ પટેલ, દલસંગજી ધીરાજી ઠાકોર, ઘેમરજી બાજુજી ઠાકોર, નનીયો પટણી,સાયબો જીવરાજ પટણી, ત્રિભુવનદાસ હરગોવનભાઈ સુથાર, ધનશંકર પુરુષોત્તમદાસ સુથાર, શંકરલાલ મૂળચંદદાસ સુથાર, રવિન્દ્ર મદનીશભાઈ પટેલ, મહેન્દ્ર કાન્તિલાલ ઠાકર, ચંદ્રકાન્ત ઠાકર (આ બન્ને વાસુદેવ ઠાકર સાહેબના સગા હતા અને સિદ્ધપુરથી ભણવા આવતા), માધવલાલ કાળીદાસ પટેલ, હરિભાઈ મંગળદાસ પટેલ, શિવરામ ધુળાભાઈ રોહિત. આમાંથી બન્ને ઠાકોર, બન્ને પટણી અને શિવરામ રોહિત અડધેથી અભ્યાસ છોડી ગયેલા. ભાઈશ્રી ઈશ્વરલાલ શંકરદાસ પટેલ, ધનશંકર સુથાર, શંકરલાલ સુથાર, જ્યંતિલાલ અંબારામ પટેલ (બહારવટીયા) અને ભાઈ સાયબો જીવરાજ પટણી અને ઘેમરજી બાજુજી ઠાકોર આજે હયાત નથી. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. તેમની સાથેના સહવાસના મધુર સંસ્મરણોની મહેંક આજે પણ તાજી છે.
શંકર મૂળચંદ સુથાર ચિત્રકામ સરસ કરતો. નિશાળમાં ચિત્રકામની પ્રેક્ટીસ અને બરૃના કિત્તાથી મરોડદાર અક્ષરે કોપી કઈ રીતે લખાય એ બધી બાબતો એને સુંદર રીતે હસ્તગત હતી. ચિત્ર વિષય માટેનો એ અમારો હિરો હતો. મારે અને ચિત્રને ખાસ બનતું નહીં તેમાંય પદાર્થચિત્ર મારા માટે માથાનો દુઃખાવો હતો. કેરોસીનનો ડબ્બો સામે મુકી કલાકોના કલાકો હું એનું ત્રિપરીમાણીય ચિત્ર દોરવા પ્રયત્ન કરતો પણ મને આ ડબ્બામાં એક જ બાજુ દેખાતી. હું ગાયનું ચિત્ર દોરું તો નીચે ગાય છે એવું લેબલીંગ કરવું પડતું નહીંતર એમાંથી ગધેડાથી માંડી હાથી સુધીનો કોઈપણ આકાર જોઈ શકાતો. માણસનો ચહેરો દોરતાં હું છેક નવમા ધોરણ સુધી ના શીખી શક્યો. શંકર મૂળચંદ આ બધામાં નિષ્ણાત હતો. એની સાથે બીજા એક અમારાથી સીનીયર પિતામ્બરભાઈ ગિરધરદાસ સુથાર અમને ચિત્ર શીખવાડવા આવતા. મારે ચિત્ર સાથે જરાય લહેણું નહોતું. આજે પણ મને ચિત્ર દોરતાં નથી આવડતું એમ કહેવામાં જરાય સંકોચ નથી થતો. અમારા ઘરમાં મારી પૌત્રી વિહાંગી ચિત્ર ખૂબ સરસ દોરે છે. એણે આઠમું પાસ કર્યું તે પહેલાં ગુજરાત સરકારની ઈન્ટરમીજીએટ પરીક્ષા ખૂબ ઉંચા ગુણાંક સાથે પસાર કરી છે. ચિત્રો એટલાં સરસ દોરે છે કે આપણે બે ઘડી જોઈ જ રહીએ. મારી બીજી પૌત્રી વિહા પણ ચિત્રકામ સારું કરે છે. આ બન્ને દિકરીઓએ મને ચિત્ર ન આવડ્યું એનો અફસોસ ધોઈ નાંખ્યો છે.
ચિત્ર જેવો જ બીજો મુશ્કેલ વિષય મારા માટે સુરેખલેખન એટલે કે બરૃના કિત્તાને કાળી શાહીમાં બોળી મરોડદાર અક્ષરે કોપી લખવાનો હતો. મારા અક્ષરો આમેય બહુ સારા નથી. કદાચ આ કારણથી જ પૂજ્ય બાપુ વિશેનો પાઠ જ્યારે અમે ભણતા અને તેમાં એમના અક્ષરો સારા નહોતા તેવું આવતું ત્યારે મનમાં એક છુપો આનંદ થતો. હાશ ! મહાન બનવાનું એક લક્ષણ તો ભગવાને આપણને આપ્યું છે !! કદાચ આ કારણસર જ મેં મારા અક્ષર સુધારવાનો પ્રયાસ માંડી વાળ્યો હશે. આજે અઠવાડીયામાં ત્રણ વાર મારો દિકરો મને સંભળાવે છે કે તમારી સહી રોજ બદલાય છે ! હું એની અને બેંકવાળાની તકલીફ સમજી શકુ છું પણ હવે પાકી કોઠીએ કાના ચડે એવી કોઈ શક્યતા નથી.
ત્રીજો વિષય જે મને હેરાન કરતો તે હતો ઉદ્યોગ. એક ગાંધીવાદી જેમને અમે બધા ગુરુજી કહેતા (મૂળ નામ કેશવલાલ ભાવસાર) તે અમને રુ પીંજવાથી માંડી પૂણી બનાવવી,કાંતવું અને એની ફાળકા ઉપર ચડાવી આંટી તૈયાર કરવી વિગેરે શીખવાડતા. મને પૂણી બનાવતાં નહોતી આવડતી કારણકે એમાં આવડતની જરુર પડતી. રેંટિયાથી કાંતતા આવડતું હતું પણ તકલીથી નહીં. આ કાંતણકામના વિષયમાં અમારા સહાધ્યાયીઓમાંથી સહુથી સારી આવડત જ્યંતિ બેચરમાં હતી. શંકર સુથાર પણ ઠીક ઠીક કૌશલ્ય ધરાવતો. ગાંધીજ્યંતિના દિવસે કાંતણ હરિફાઈ થાય એમાં તાલુકા કક્ષાએ અમારા આ બન્ને મિત્રો ઈનામ લઈ આવતા. મેં ફાળકાનો જેટલો ઉપયોગ કાંતેલા સૂતરની ત્રાક ઉપરથી એને ઉતારી આંટી બનાવવા કર્યો તેનાથી વધારે એ જ ટેકનોલોજી દશેરા વખતે સાંકળઆઠ અથવા ડોકા ચાળીસની રીલ ઉપરથી દોરાને આંટી બનાવી સરેશમાં બોળવા માટે તૈયાર કર્યો છે. આ વિષયમાં મેં સારી એવી મહારત પ્રાપ્ત કરી હતી. અમદાવાદ કે સુરતમાં જે રીતે લુગદી બનાવીને માંજો ઘસાય છે તે અમારી પદ્ધતિ નહોતી. અમે લોખંડના એક ડબલામાં સરેશ, રંગ, વિલાયતી ગોખરુ અને કુવરપાઠુ નાંખી ઉકાળતા. કેટલાક આમાં ઈંડુ પણ નાંખતા. અમારે માટે એ પ્રતિબંધિત હતું. પેલી ફાળકા પર તૈયાર કરેલ દોરાની આંટીને આ સરેશના દ્રાવણમાં બોળી એક વ્યક્તિ બે હાથમાં એને બરાબર ટાઈટ રીતે પકડી (પહેરી) ઉંધા પગલે કાળજીપૂર્વક દોરાનો તાર છૂટતો જાય તે રીતે એક ખૂંટાથી બીજા ખૂંટા વચ્ચે ચાલતો. દોરી એકદમ પાકી બને એટલા માટે લોખંડની ખાંડણી અને પરાળથી અમે સોડા વોટરની બાટલીનો કાચ ખાંડી એને એકદમ દળેલી ખાંડ જેવો કરી નાંખતા. આ કાચ એક કપડાની ગડીમાં રાખી એક માણસ પેલા લીલા તારને કાચ વળગે તે રીતે આગળ વધે. એની પાછળ બીજો માણસ કોરા કપડાની ગડી વાળી તારને એમાંથી પસાર થવા દે એટલે વધારાનો કાચ આપોઆપ નીકળી જાય. સરેશ ઝડપથી સૂકાય એટલે પંદર-વીસ મિનિટમાં આ કાચ પાયેલો દોરો તૈયાર થઈ જતો જેને અમે ફીરકી પર વીંટી દેતા. મેં જ્યાં સુધી પતંગ ઉડાડ્યો દોરો જાતે જ તૈયાર કરવાનો નિયમ હતો. મારા મિત્રોને પણ મારી દોરી રંગવાની આવડત પર વિશ્વાસ હતો એટલે પતંગની સીઝન દરમ્યાન રજાના દિવસો મોટાભાગે દોરી રંગવાના પુણ્યકાર્ય માટે સમર્પિત રહેતા.
સિદ્ધપુરમાં તે સમયે પતંગ માત્ર દશેરાના સમયે ઉડતા. અમારી સીઝન બળેવ જાય એટલે શરુ થતી અને દશેરાના બીજા-ત્રીજા દિવસે પુરી થતી. સિદ્ધપુર-પાલનપુર પંથકમાં ઉત્તરાયણ નહીં પણ દશેરાના દિવસે કેમ પતંગ ઉડે છે એની મારી પાસે કોઈ આધારભૂત માહિતી નથી પણ એવું કહેવાય છે કે પાલનપુરમાં નવાબનું રાજ્ય હતું અને ત્યારથી દશેરાની સવારી નીકળે તે દિવસે પતંગ ચગાવવાનો રિવાજ સિદ્ધપુર-પાલનપુર પંથકમાં પડી ગયો હશે. જોકે હવે સિદ્ધપુરમાં ઉત્તરાયણને દિવસે પણ પતંગ ઉડે છે. મારા મત પ્રમાણે પતંગને લાગેવળગે છે ત્યાં સુધી આજનું સિદ્ધપુર બાવાના બેય બગડ્યાં એ સ્થિતિમાં છે. હવે નથી દશેરા ઉપર જોરદાર પતંગ ચગતા કે નથી ઉત્તરાયણ ઉપર. સિદ્ધપુરને આ દશેરા અને ઉત્તરાયણનું વિભાજન એવું તો નડ્યું છે કે એના આકાશમાં રમાતી પતંગબાજી ક્યાંક ખોવાઈ ગઈ છે.
ઓગણીસસો પચાસના દાયકામાં “ભાભી” ચલચિત્ર આવ્યું હતું જેનું ગાયન –
“ચલી ચલી રે પતંગ મેરી ચલી રે
ચલી બાદલો કે પાર હોકે ડોર પે સવાર
લગે પતલી કમર બડી ભલી રે
ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...”
દશેરા વખતે લાઉડસ્પીકર ઉપર ધૂમ મચાવતું હતું. આ ગાયનની એકેએક પંક્તિ આજે પણ સાંભળવી અને સાથે ગુનગુનાવવી ગમે છે.
વળી રાજપુરની પ્રાથમિક શાળામાં પાછા જઈએ. ક્યારેક ક્યારેક કોઈ જાદુગર કે કઠપૂતળીવાળો એનો ખેલ લઈ શાળામાં આવી ચડતો. ક્યારેક સ્વરચિત રાષ્ટ્રભક્તિની કવિતાઓની નાનકડી પુસ્તિકા લઈ કોઈ બારોટજી આવી ચડતા. અમારા શિક્ષક અમને એક આનો (આજના છ પૈસા) લઈ આવવા કહેતા. એકદમ ગરીબ વિદ્યાર્થી હોય અથવા કેટલાકનાં મા-બાપ કાઠાં હોય અને પૈસા ના લાવે તો કંઈ વાંધો નહીં. આ પૈસા જાદુગરને કે કઠપૂતળીવાળાને આપી દઈએ એટલે ખેલ જોવા મળતો બહુ મજા આવતી. આવા કોઈપણ પ્રકારના ઉઘરાણામાં પૈસા આપવાની મારી મા એ ક્યારેય ના નહોતી કહી. ઉલટાનું એ સમજાવતી અને તેમાંય એની ખાસ પસંદીદા પંક્તિઓ –
પેટ કરાવે વેઠ
પેટ પરદેશ મોકલે
કહીને હંમેશા શીખવાડતી કે આ રીતે મહેનત કરનાર કોઈપણ માણસ પાસેથી મફતમાં કશું ના લેવાય. એ ખુશીથી એની પરચૂરણની ડબલીમાંથી એક આનાનો સિક્કો કાઢી આપતી. હું કંઈક ગૌરવની ભાવના સાથે આ પૈસા પેલા જાદુગર કે કટપૂતળીવાળાને આપતો. મનમાં ત્યારે કંઈક સારુ કર્યાનો ભાવ ઉભો થતો સાથોસાથ મફત કોઈનું કંઈ લેવાય નહીં એ ભાવનાનું દ્રઢિકરણ થતું. આજે પણ ખૂબ અંગત સંબંધ હોય તે સિવાય કોઈની પાસેથી કશું લેવાની વૃત્તિ નથી થતી તેનું બીજ આ રીતે બાળપણમાં રોપાયું હશે.
અમારી શાળા પાસે જ ગામકુવો હતો. ચોમાસું પતે એટલે મંગા પટેલ કોસ જોડીને પિયાવો ચાલુ કરે. એના થાળામાંથી અમારી સ્કુલ બાજુ પાણી આપી શકાય એવી એક પાઈપ હતી. આ કોસ ચાલતો હોય ત્યારે સ્કુલના બગીચાને પાવા માટે આ પાઈપ થકી પાણી છોડે જે અમે નીંક કરી સ્કુલમાં બગીચાને પાણી પાતા.
આજ જગ્યાએ રાજપુર ગામના તોરણ બહાર ગાંદરે આખા ગામની ભેંસો સવારે લગભગ સાડા દસ વાગ્યે ભેગી થતી. આને “ઠઈ” કહેતા. આ ભેંસોને નદીના ભાઠામાં ચરાવવા માટે માસિક અમુક રકમથી કામ સોંપાતું. ગાયનો જેમ ગોવાળ હોય છે તેમ ભેંસોના આ ટોળાને ચારવા લઈ જનારને ‘પેંડાર’ કહેતા. એક વિહાજી ઠાકોર આ કામ કરતા. દસ-સાડા દસે એ આ બધું ટોળું લઈને જાય તે સાંજે સાડા ચારની આસપાસ પરત આવે. આ ભેંસો ચરાવા લઈ જવા માટેનો એનો દૈનિક ક્રમ હતો.
ક્યારેક એકાએક ધુળાભા રોહિત (જેનું ઘર શાળાની ખૂબ નજીક હતું) ને ત્યાં ઢોલ વાગવા માંડે અને ટોળુ ભેગું થાય એટલે સમજી જવાનું કે કોઈકને એરુ આભડ્યો છે (સાપ કે કોઈ ઝેરી જીવજંતુ કરડ્યું છે). ખડચીતરો (રસેલ્સ સ્વાઈપર) અને નાગ (કોબ્રા) તેમજ ભમફોડી જેવા સાપ ઝેરી ગણાય અને એનો દંશ થયો હોય તો ભાગ્યે જ માણસ બચી શકે. પણ આંધળી ચાકૂટ, ધામરેડુ જેવા સાપ ઝેરી નથી. આ ધુળાભા ગોગા મહારાજના ભુવા હતા અને એ ધૂણતાં ધૂણતાં ઝેર ચૂસી અને જે તે વ્યક્તિને ભયમુક્ત કરતા. આ વિષય મારી સમજ બહારનો છે પણ એક વાત ચોક્કસ કહીશ કે મારા ત્યાં સાપ કે વીંછી અથવા કાનખજૂરો મારવાની સંપૂર્ણ મનાઈ હતી. મારા બાપા એવું કહેતા કે આ જંગલ તો એમનું ઘર છે આપણે અહીં રહેવા આવ્યા તો એ ક્યાં જાય ? માત્ર આટલું જ નહીં એ કોઈપણ પ્રકારનો સાપ હાથથી પકડી શકતા અને શેળો કે કાચબો દેખાય તો મને સમજાવવા માટે થેલીમાં મુકીને લઈ આવતા. મારી મા આ બધાથી નારાજ થાય પણ મને મજા આવતી અને અમારું ગાડું ગબડ્યા કરતું.
રાજપુરમાં એ સમયે એક યુવકમંડળ ચાલતું. એ ગરબા અને દાંડીયારાસ એટલા સરસ કરતું કે બીજા ગામોવાળા પણ એમને આમંત્રણ આપી પોતાને ત્યાં બોલાવતા. આજ રીતે કેટલાક ઉત્સાહી યુવાનો નાટકો ભજવવા પ્રત્યે પણ સારી રુચિ ધરાવતા. વરસમાં એકાદવાર એમનો નાટ્યપ્રયોગ પણ ભજવાતો. અમે ત્યારે આગલી હરોળમાં ગોઠવાઈ જતા. આવા જ એક નાટ્યપ્રયોગમાં અમારા એક સહાધ્યાયી મફતલાલ મોતીરામ પટેલે“મીયાંહુસૈન”નું પાત્ર ભજવેલું. એમનો અભિનય એટલો ઉત્તમ હતો કે ઘણા લાંબા સમય સુધી બધા એમને મીયાંહુસૈન કહીને જ બોલાવતા.
રાજપુરની પ્રાથમિક શાળાએ શિક્ષણની સાથોસાથ મારા બાળમાનસ માટે ઘણાં કુતૂહલ પૂરાં પાડ્યાં.
પ્રાથમિક શાળાનું અમારું જીવન નફકરાઈનું જીવન હતું.
નિર્દોષ દોસ્તીનું જીવન હતું.
ક્યારેક ઝઘડો તો ક્યારેક મનામણા
ક્યારેક કીટ્ટા
તો ક્યારેક બુચ્ચા
મુક્ત આકાશમાં મસ્તીથી ઉડી રહેલ પંખી જેવું સ્વૈરવિહારી જીવન
નિશાળમાંથી છુટીને દફ્તરને એક ખૂણામાં ચગાવી દેવાનું તે બીજો દી ઉગે વહેલો
લખોટી, ભમરડા, ગીલ્લી ડંડો જેવી અનેક રમતો માણવાનું જીવન
ભાર વગરના ભણતરનું જીવન
પેન અને પાટીનું જીવન
કોઈપણ સ્વાર્થ વગરની મૈત્રી
કોણ કૃષ્ણ ને કોણ સુદામા ?
રામ જાણે !
રાજપુર હવે સિદ્ધપુર શહેરનો ભાગ બની ગયું છે આથી....
આજે મારે એ જ શાળામાં ભણવા જવાનું હોય તો ય આ ગુણવત્તાવાળું વિદ્યાર્થીજીવન માણવા મળે એવી કોઈ શક્યતા નથી.
સમયની સાથોસાથ બધું બદલાયું છે
ભણતર ભારેખમ બન્યું છે
હુતુતુતુ, લંગડી અને આંબલી પીપળી જેવી રમતો ખોવાઈ જ ગઈ છે
યુવકમંડળ અને નાટકો ભૂતકાળ બન્યાં છે
ગામને ગાંદરે રમતા બાળકને બદલે પાનને ગલ્લે ભટકતું બાળપણ જોઈને જીવ કકળી ઉઠે છે.
કહેવાય છે આજકાલ બાળકો વહેલાં પાકટ બને છે એટલે...
બાળક બાળપણ ભોગવે તે પહેલાં જ મોટું થઈ જાય છે
કોણ જાણે કેમ આ બધું સ્વીકારવા મારું મન આજે પણ તૈયાર નથી.
આજે પણ રાજપુરના ગાંદરેથી પસાર થઉં છું ત્યારે....
ઘડી ભર ઉંમરનો આ આંચળો ફેંકી દઈને....
પાછા બાળક થઈ જવાનું મન થાય છે
પેલા મારા ભેરુઓને સાદ દઈને બોલાવાનું મન થાય છે
પેન અને લખોટી કે કરકચ્ચા રમવાનું મન થાય છે
આજ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં
આજ રાજપુરને ગાંદરે
રમતાં રમતાં....
મારું બાળપણ ખોવાયું છે
કોઈને જડ્યું હોય તો કહેજો ને....!!!