Monday, January 2, 2017

માણસની જીંદગીમાં ક્યારેક ક્યારેક અણધાર્યા બનાવો બનતા રહે છે. સોમાભાઈનું ભાંગ પ્રકરણ અને ડૉ. ઓઝાનું તેમાં લપસી જવું આજ પ્રકારના બનાવની કક્ષામાં મુકી શકાય.

હાઉસીંગ બોર્ડમાં જે રીતે સ્ટાફ અને કામગીરી સાથે પનારો પાડવાનો પ્રસંગ એક નવો અનુભવ હતો બરાબર તે જ રીતે કોન્ટ્રાક્ટરો અને તેમની સાથે પનારો પાડવાનો પ્રસંગ એક બીજો અનુભવ હતો. મને યાદ છે તે પ્રમાણે અમારા કોન્ટ્રાક્ટરોમાં વડોદરા પાસે કંડારીના વી.કે. પટેલ એન્ડ કંપની (માલિક-વલ્લભભાઈ પટેલ), તેમના સાઈટ સુપરવાઈઝર દાણી, કીકાભાઈ પુરુષોત્તમદાસ પટેલ અને તેમના ભાઈ રમણભાઈ, બાલન કન્સ્ટ્રક્શન કંપની જેવાં કોન્ટ્રાક્ટરો મુખ્ય હતા. એ સમયે મોટાભાગના ટેન્ડરોમાં સિમેન્ટ અને સ્ટીલ હાઉસીંગ બોર્ડ આપે અને બાકીનું મટીરીયલ કોન્ટ્રાક્ટર લાવે તે પ્રકારની પ્રથા હતી. સિમેન્ટની ભયંકર તંગીનો એ જમાનો હતો. હાઉસીંગ બોર્ડ થેલી દીઠ રુ. 4.50 (સાડા ચાર રુપિયા)ના ભાવે સિમેન્ટ અને રુ. 1.80 (એક રુપિયા એંશી પૈસા)ના ઈશ્યુ ભાવે કોન્ટ્રાક્ટરને સ્ટીલ આપતું. ખુલ્લા બજારમાં સિમેન્ટનો ભાવ એ વખતે 32 થી 35 રુપિયા થેલી દીઠ ચાલતો. આ કારણથી સિમેન્ટ ચોરીને કાળા બજારમાં વેચી મારી રોકડી કરવામાં સંબંધીત સહુને રસ રહેતો. કેટલીક વાર તો સિમેન્ટ સાઈટ ગોડાઉનમાં પહોંચે તે પહેલાં જ પગ કરી જતો. આ કોન્ટ્રાક્ટરોમાં મોટું કહી શકાય તેવું કામ વી.કે. પટેલ એન્ડ કંપનીનું હતું. વડોદરા પાસે કંડારી ગામના વતની વલ્લભભાઈ પટેલ એના માલિક હતા. મોટાભાગના કોન્ટ્રાક્ટરો સૂંઠના ગાંગડે ગાંધી થઈ બેઠા હોય તેવા હતા. તેમાં બે કોન્ટ્રાક્ટર જુદા પડતા. વલ્લભભાઈ પટેલ બી.ઈ. સિવિલ હોવા ઉપરાંત કાયદાના પણ સ્નાતક હતા. સ્વામિનારાયણ ધર્મ પાળતા અને ટેન્ડરને એવી એક્સ-રે દ્રષ્ટિથી માપી લેતા કે એ ભરતાં પહેલાં એમને ટેન્ડરની ખૂબીઓ અને ખામીઓ બરાબર ખ્યાલ આવી જતી. ટેન્ડરમાં બતાવેલ કોઈપણ આઈટમનો જથ્થો વાસ્તવિક છે કે ઓવર એસ્ટીમેટ અથવા અંડર એસ્ટીમેટ છે એ બાબતની એમની સમજ અદભૂત હતી. સાથોસાથ કોઈ આઈટમનું સ્પેસીફીકેશન બરાબર ન હોય કે લખવાની જ રહી ગઈ હોય તો આગળ જતાં એમાંથી વધારાની આઈટમ એટલે કે એકસ્ટ્રા આઈટમ કઈ રીતે માંગી શકાશે એ એમની બાજ નજરમાંથી છુપું રહેતું નહીં. એન્જિનિયરીંગ કોન્ટ્રાક્ટરની સાથે કાયદાની જોગવાઈઓ જોડીને કઈ રીતે ધાર્યું કરાવી શકાય તે અંગેની સમજમાં વલ્લભભાઈ અવ્વલ નંબરે હતા. આવા જ એક બીજા કોન્ટ્રાક્ટર વી.કે. કાપડીયા પોતે એમ.ઈ. સ્ટ્રક્ચર એન્જિનિયરીંગની ડીગ્રી ધરાવતા અને હાઉસીંગ બોર્ડના નાના મોટા કોન્ટ્રાક્ટની સાથે સ્ટ્રક્ચરલ ડિઝાઈન અને કન્સ્ટ્રક્શન સુપરવીઝનનું કામ કરતા. વલ્લભભાઈ એક સંપન્ન અને સ્ટાફની દ્રષ્ટિએ પણ મોટી સંખ્યા ધરાવતા કોન્ટ્રાક્ટર હતા તે સામે કાપડીયા વન મેન ઓર્ગેનાઈઝેશન એટલે કે એકલપંડે કામ કરતા યુવાન ઈજનેર હતા.

રમણભાઈ પટેલ પડછંદ શરીર અને પહાડી અવાજ ધરાવતા વ્યક્તિ હતા. વાણી અને વર્તન બન્નેમાં બરછટ. તેમની સાથે પનારો પાડતા અમારા સુપરવાઈઝરો અને ઈજનેરો ગભરાતા. તે વખતના સરકારના એક બે મુખ્ય ઈજનેરો સાથે પણ રમણભાઈને સારો ઘરોબો હતો. આ બધી ટોળી મોટા ભાગે શનિ-રવિ કોઈ ડેમ સાઈટ પર અથવા નજીકના સરકીટ હાઉસમાં ધામા નાંખી પાના રમતી એવું પણ ચર્ચાતું. પત્તાં રમવાનો શોખ તો અમારા કાર્યપાલક ઈજનેર ઠક્કર સાહેબને પણ હતો. મૂળ વાત એ છે કે રમણભાઈ પટેલના ભાઈશ્રી કીકાભાઈ પુરુષોત્તમદાસ પટેલ હાઉસીંગ બોર્ડમાં ડીરેક્ટર તરીકે નીમાયા હતા. આ કારણથી રમણભાઈના સ્ટેટસમાં પણ આપમેળે તેમણે પોતે જ વધારો કરી દીધેલો. કીકાભાઈ પટેલ અમદાવાદી પોળમાં રહેતા અને અઠવાડીયામાં એક બે વાર અમારા આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નર પણ એમને ત્યાં આંટો મારી આવતા. કીકાભાઈ પટેલ પોતે સૌમ્ય અને સજ્જન માણસ હતા. ડૉ. ઠાકોરભાઈ પટેલની પણ તેઓ નજદીક હતા.

બાલન કન્સ્ટ્રક્શન અને શીતલાની જેને આપણે ટીપીકલ કોન્ટ્રાક્ટર કહીએ તેવી મનોવૃત્તિ અને સંપૂર્ણ ધંધાદારી માનસ ધરાવતા કોન્ટ્રાક્ટરો હતા.

મેં જોયું કે ભણેલ ગણેલ અને ગણતરીબાજ કોન્ટ્રાક્ટરો ન હોય તેવા કિસ્સામાં આડેધડ પૈસા બનાવી લેવા અને શરુઆતના તબક્કે વકરો એટલો નફો ગણી ઠાઠ કરવો એવી વૃત્તિ રહેતી. સામાન્ય રીતે પાયાનું ખોદકામ અને ઈંટનું ચણતર જેવાં કામો ઝડપથી થાય અને બિલ પણ મોટું બને. થોડું નફાનું પ્રમાણ પણ સારું રહે એ તબક્કે એમને નીચા ભાવનું ટેન્ડર હોય તો પણ કોઈ વાંધો ન આવે. પણ સ્લેબ, કાસ્ટીંગ થાય ત્યારપછી પ્લાસ્ટર કરવાનું સ્ટેજ આવે ત્યાં સુધીમાં એ હાંફવા માંડતા. નાણાંકીય સાધનોની ખેંચ એમને સ્વાભાવિક રીતે કામ ધીમું કરી નાંખવા માટેનું કારણ બનતી અને ઘણા બધા કિસ્સામાં કામમાં વિલંબ અને તેને કારણે દંડ એટલે કે પેનલ્ટીનો તબક્કો શરુ થતો. બાકી રહેતો ફટકો વાયરીંગ અને પ્લમ્બીંગની કામગીરી તેમજ બારી-બારણાં અને ફીક્સર તથા ફીનીશીંગ કામ મારી દેતા અને સરવાળે કાં તો કામ અધુરું છોડી દે જેથી રીસ્ક એન્ડ કોસ્ટ એટલે કે કોન્ટ્રાક્ટરના ખરચે અને જોખમે કામ પુરું કરવાની નોબત આવે તેવું બને અથવા નુક્સાની કરીને કામ પુરું થાય. પૂરતાં નાણાંકીય સાધનો વગર ગજા કરતાં મોટાં કામો લેનારની આવી સ્થિતિ કોન્ટ્રાક્ટરના ધંધામાં આજે પણ બને છે. આયોજન અને ભણતર અથવા કોઠાસૂઝ અને ગણતરી હોય તે જ કમાય છે. કેટલીક વાર નાની બાબતોમાં કરકસર કરવાની કંજૂસવૃત્તિ પણ કામની ગુણવત્તા બગાડવા માટે જવાબદાર હોય છે. ચણતરના કામમાં લેવાતા પહેલાં ઈંટ પાણીથી તરબતર થાય તેટલી પલાળી હોય તો એ ચણતરના માલમાંથી પાણી શોષી લેતી નથી. પરિણામે જો દિવાલનું કે ઈંટના ચણતરનું કામ હોય તો એની તાકાત વધે છે. આજ રીતે ઈંટનો સાંધો કરતી વખતે માલને લેલાથી ખાંપવો જોઈએ જે થોડી બચત ખાતર થઈને આમ કરાતું નથી જેથી સાંધા પોલા રહે છે. લીંટલ અને સ્લેબને કાસ્ટીંગ પછી અમુક દિવસો સુધી પૂરતા પાણીનો છંટકાવ કરવો જોઈએ જે થતું નથી. નાની નાની બાબતો છે પણ એની મોટી અસર બાંધકામની ગુણવત્તા પર પડે છે. સરકારી બાંધકામ એટલે નબળું જ હોય એ છાપ ઉભી કરવામાં આવી નાની નાની બચત કરવાની કોન્ટ્રાક્ટરની વૃત્તિ અને સુપરવાઈઝર કે એન્જિનિયરની ઢીલી નિતિ અથવા લાલીયાવાડી ભાગ ભજવે છે.

હાઉસીંગ બોર્ડના બાંધકામની ગુણવત્તા માટે ક્યારેક હળવાશમાં એવી રમૂજ થતી કે “હાઉસીંગ બોર્ડના મકાનમાં બારીમાંથી પાણી આવે અને નળમાંથી હવા આવે !” કેટલાક વળી એવું પણ કહેતા કે “હાઉસીંગ બોર્ડના મકાનમાં જો ફોટો ટીંગાડવા દિવાલ ઉપર ખીલી મારીએ તો ખીલી, હથોડી અને હાથ બાજુવાળાના ઘરમાં નીકળે !” આ વાસ્તવિક્તા કરતાં મથરાવટી મેલી હોવાને કારણે પ્રચલિત થયેલ છાપ હતી એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે.

2001માં ગુજરાતમાં વિનાશક ધરતીકંપ આવ્યો. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવાં શહેરોમાં પણ એની મોટી અસર હતી. ઘણાં ખાનગી બાંધકામો તૂટી પડ્યાં, મોટી ખુવારી થઈ પણ હાઉસીંગ બોર્ડની એકપણ વસાહતમાં આ કહેવાતું નબળું બાંધકામ તૂટી પડ્યું નહીં એટલું જ નહીં પણ કોઈ ખુવારી પણ નોંધાઈ નહીં. સરકારી મકાનો જે પીડબલ્યુડી હસ્તક બંધાયાં તેમાં પણ કોઈ મોટી ખાનાખરાબી થઈ નહીં. સરકારનું એટલે બધું જ ખરાબ અથવા હાઉસીંગ બોર્ડ એટલે નબળું જ બાંધકામ હોય એવી બેજવાબદાર ટીકા કરનારને આ સણસણતો જવાબ છે. નોકરી દરમિયાન હાઉસીંગ બોર્ડમાં પણ સમય ગાળ્યો અને એનો પગાર ખાધો છે એટલે આજે પણ એ સંસ્થા માટે સદભાવ અને લાગણી છે. હેરોલ્ડ જીનીન નામના મેનેજમેન્ટના એક ખૂબ મોટા ચિંતકે કહ્યું છે કે “Larger is the system, Larger are the layers of Inefficiency” જ્યાં ખોટું થયું છે, જ્યાં ક્ષતિયુક્ત બાંધકામ છે એના માટે જે કોઈ જવાબદાર હોય તેના સામે દાખલારુપ કાર્યવાહી થવી જોઈએ. પણ આવી ઘટનાને સાર્વત્રિક બનાવવાનો પ્રયત્ન થાય ત્યારે સરકાર અથવા સરકારની સંસ્થાઓ પેલા શાહબુદ્દીનભાઈ રાઠોડના વનેચંદની માફક વગર વાંકે ઝટકાઈ જતી હોય એવું બને છે. આઝાદીના સાત દાયકા જેટલા વરસોમાં આપણા દેશે ઘણી પ્રગતિ કરી છે. ઘણાં બધાં કારણો એના માટે જવાબદાર છે એ વાત સાચી પણ એ કારણોમાંનું એક તત્કાલીન સરકારો અને એનાં કર્મચારીઓનું પ્રદાન પણ છે એ વાત ન ભુલવી જોઈએ. 2001નો ધરતીકંપ અત્યંત દુઃખદ અને કરુણ ઘટના હતી. એની યાદ પણ ધ્રુજાવી જાય તેવી છે. પણ એ ઘટનાએ હાઉસીંગ બોર્ડના કે સરકારી બાંધકામો જેટલાં વગોવીએ છીએ તેટલાં ખરાબ નથી તે પણ પુરવાર કરી આપ્યું. 2001ના ધરતીકંપની આ દુર્ઘટનાનાં કાળા ડીબાંગ વાદળોની આ રુપેરી કોર (સીલ્વર લાઈનીંગ) હતી તેમ કહી શકાય?

જવાબ આપના પર છોડું છું.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles