આજે મને કોઈ ફરી પસંદગી કરવાની તક આપે તો હું જરાય હિચકિચાટ વગર આર્ટ્સ એટલે કે વિનયન વિદ્યાશાખામાં જઉં.
મસ્તીથી મારા શોખના વિષયો ભણું.
ગુજરાતીમાં આને રાંડ્યા પછીનું ડહાપણ કહેવાય.
પરિવર્તનની કોઈ પણ પ્રક્રિયાને એનાં પોતાનાં પરિણામ હોય છે. માનસશાસ્ત્રના સિધ્ધાંત પ્રમાણે કોઈ પણ પરિવર્તન સામે મનનો પહેલો પ્રતિભાવ વત્તે-ઓછે અંશે નકારાત્મક અને અવરોધક હોય છે. મનની બીજી લાક્ષણિકતા એ છે કે, ગમે તેવી દુષ્કર અને અણગમતી પરિસ્થિતિ આવી પડે તો શરૂઆતનો પ્રતિભાવ ગમે તેટલો તીવ્રતાપૂર્ણ નકારાત્મક કે અવરોધક હોય સમય વીતે વીતે ટેવાતા જવાય છે. આ કારણથી જ “દુઃખનું ઓસડ દહાડા” એવી કહેવત બની હશે.
સિધ્ધપુરનું પર્યાવરણ અને તેમાંય ઘરનું વાતાવરણ શરૂઆતના દિવસોમાં તો કેમેય કર્યું ભૂલાતું નહોતું. વડોદરા ભણવા આવીને એક મોટી ભૂલ કરી છે એવી લાગણી અને આ વાતાવરણમાંથી ભાગી છૂટીને સિધ્ધપુર પહોંચી જવાનું ખેંચાણ ચાલ્યા કરતાં. આ પરિસ્થિતિમાં હૉસ્ટેલ અને કૉલેજ એમ બે વાતાવરણમાં ગોઠવાવાનું હતું.
કૉલેજના વાતાવરણ વિશે તો શરૂઆતમાં લખી ચૂક્યો છું. ધાણીફૂટ અંગ્રેજી બોલતા પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ વચ્ચે હું રીતસરનો જાણે કે ભીંસાઈ રહ્યો હતો. વર્ગમાં ઝાઝી સમજણ પડે નહીં. કેન્ટીનમાં ટોળી જમાવીને બેસનારા એકદમ મોટા ઘરના કે પછી ઑવરસીઝ વિદ્યાર્થીઓ વચ્ચે તો હું સાવ વનવાસી જેવો લાગું. કોઈ ઓળખાણ – પીછાણ પણ નહીં. મૂળ સિધ્ધપુરના જ બે વિદ્યાર્થીઓ મારા જ ક્લાસમાં હતા, એક રાજેન્દ્ર ભોળાનાથ વ્યાસ અને બીજો ધર્મેન્દ્ર નટવરલાલ ઠાકર. રાજેન્દ્રના પિતાશ્રી છાણી ખાતે કોઈ રાઈસ મિલમાં કામ કરતા હતા, જ્યારે ધર્મેન્દ્ર સયાજીગંજમાં જ રહેતો અને તેના પિતાશ્રી રેલવેમાં કામ કરતા. બંને આ શહેરના જ વાતાવરણમાં ભણી અને મોટા થયેલા. બંનેને ઘરના વાતાવરણમાં રહીને જ ભણવાનું હતું. રાજેન્દ્રનો મિત્ર રવિપ્રકાશસિંહ યુનિવર્સિટીમાં હિંદી વિભાગના વડા કુંવર ચંદ્રપ્રકાશસિંહનો દીકરો હતો અને એ પ્રોફેસર્સ ક્વાટર્સમાં પોતાના ઘરે જ રહેતો હતો. સાચું કહું તો આમાંથી એકેય સાથે મારે બહુ જામતું નહોતું. એમની નજદીક જવાનો પ્રયત્ન કરવા છતાં હું એમાં સફળ ન થયો એ કદાચ મારી ઉણપ હશે એમ સ્વીકારવામાં મને કોઈ જ વાંધો નથી. પ્રેપરેટરી સાયન્સમાં એફ (F) ડિવિઝન અને મારો રોલ નંબર 575 હતો. ક્લાસમાં લગભગ છેલ્લી પાટલીએ બેસતો અને
પ્રોફેસર ભણાવતા હોય ત્યારે પણ કશુંય સમજાય નહીં એટલે મૂંગોમંતર મારી દુનિયામાં ખોવાઈ જતો. હા ! મને રસ પડતો ભાષાઓના વિષયમાં. તેમાંય અમને ગુજરાતી ગદ્ય ભણાવતા પ્રો. સુરેશ જોષી ગુજરાતના એક અગ્રણી સાહિત્યકાર ઉપરાંત તેજતર્રાર વિવેચક પણ હતા. વિવેચક તરીકેની સુરેશભાઈની ડિક્શનરીમાં લેખક માટે દયા અને સૌજન્ય જેવા શબ્દો કદાચ નહીં હોય એટલે આગળ જતાં પણ એમને જ્યારે જ્યારે વાંચ્યા, સંપૂર્ણ બેરહેમીથી કત્લેઆમ કરતા જલ્લાદની માફક એ ભલભલા સાહિત્યકારોની કૃતિઓના હાલ-હવાલ કરી નાંખતા. મને સુરેશભાઈ ખૂબ ગમતા. અમારા અભ્યાસક્રમમાં પુસ્તક હતું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કૃત “માણસાઈનાં દીવા”. બાબરદેવો, ભીખો કાવીઠાવાળો અને ભાઈ જેવાં પાત્રો તેમજ પૂજ્ય રવિશંકર મહારાજ સુરેશભાઈના વિશ્લેષણ વખતે સંપૂર્ણ જીવંત થઈ જતા. એક વખતે ચર્ચા કરતા એક પ્રસંગ, જેમાં પાટીદાર આગેવાન જેને આખું ગામ “ભાઈ” તરીકે ઓળખતું હતું, તેના શરીરમાં બાબરદેવો નજદીકના અંતરેથી જ એક સાથે બે ગોળીઓ ધરબી દે છે અને તોયે ભાઈનો પડછંદ દેહ નીચે નથી પડતો ત્યારે બાબરદેવો એને બંદૂકનો કૂંદો મારી નીચે પાડે છે. મૂળ વર્ણન કાંઈક આ પ્રમાણે છે.
“ધોરીભાઈ એક શ્રીમંત પાટીદાર હતો. કણજટ એના સસરાનું ગામ. સસરો ના-વારસ ગુજરી ગયો. જમાઈ ધોરીભાઈ કણજટમાં સસરાની મોટી ઈસ્કામતનો વહીવટ કરવા માટે ઉચ્છેદે આવીને વસ્યો ને એને એક ઓરતને કારણે બાબર મોતી સાથે વેર બંધાયું. એક સ્ત્રીનું દિલ પરણેલા – પસટેલા પાટણવાડિયા બાબર મોતી પર કેમ લટી પડ્યું એ કોણ જાણે ! કમરે ફૂમતાં ઝૂલાવતી છરી બાંધનાર બાબર મોતીની સાથે એ યુવતી બાપ અને પતિ – બેઉનાં ઘરોની સા’યબીનો ત્યાગ કરી ચાલી નીકળી હતી. બંને જણાં બીજે કોઈક ગામ રહેતાં હતાં. વર્ષો વહી ગયાં. ધોરીભાઈની બીકે કણજટ છોડી ગયેલા મોતીની પાસે વતનમાં પાછા જઈ વસવાનો એક માત્ર ઈલાજ હતો : ધોરીભાઈનું પોતાના બનેવીને હાથે કાસળ નીકળે તો જ જવાય.
દિવસ-વેળા હતી. સસરાના ખેતરમાં ધોરીભાઈ નીંદામણ કરાવતો મજૂર પર પહાડ-શો ઊભો હતો, એવે કોઈકે આવીને ચેતવણી આપી, “ધોરીભાઈ, નાસો: તમારૂં ખૂન કરનાર છે.”
“કોણ ?” વણગભરાટે આ પડછંડ, નિર્ભય પાટીદારે પૂછ્યું.
“બાબર દેવો : બાબર મોતીનો ચડાવ્યો આ ચાલ્યો આવે. નાસો !”
“માર્યાં માર્યાં ! આવવા દે : એ કોળાં શું કરવાનાં હતાં ! એ કોળાંઓ જેવાં તો મારા પેટમાં કરમિયાં છે !”
એટલું જ કહીને જવાંમર્દ પાટીદાર ત્યાં ખેતરમાં જ ઊભો રહ્યો. બાબર દેવા ધસી આવ્યો. સામસામી ગાળો દેવાઈ અને બાબરે બંદૂક છોડી. પહેલી ગોળી ચોંટી, પણ ધોરીભાઈ એવો ને એવો ટટ્ટાર ખડો રહ્યો. બીજી ગોળી છાતીમાં ચોંટી છતાં ધોરીભાઈ પડતો નથી. છેવટે બાબરે આવીને એને બંદૂકનાં કૂંદા વડે ધક્કો દઈ પાડ્યો ત્યારે એ પડ્યો.” – “માણસાઈના દીવા” પૃષ્ઠ 135-136
આ આખાયે પ્રસંગ ઉપર કટાક્ષ કરતાં સુરેશભાઈના કહેલા શબ્દો મને એમના એમ યાદ છે – “અતિશયોક્તિની પણ કોઈ હદ હોય. બે બે ગોળી વાગવા છતાં માણસ એમનો એમ ઊભો રહે એવું બને ખરૂં ?” અને પછી એમની હળવાશભરી શૈલીમાં ઉમેરતા “પાછળ મેઘાણી હાથ દઈને ઊભા હશે !” સુરેશભાઈ પાસે “માણસાઈના દીવા” જેવી ઝવેરચંદ મેઘાણીની નવલકથા ભણવાનું થયું એ મારા મત પ્રમાણે જીવનનો એક મોટો લ્હાવો હતો.
અમને પદ્ય એટલે કે કવિતા કવિ કુમાર શીખવાડતા. કવિ હૃદય આમેય ભાવુક હોય અને એમાં એ “ચક્રવાત મિથુન” કાવ્ય ભણાવે. ડૂબતા જતા સૂર્યની સાથે ચકવો અને ચકવી આકાશમાં ઊંચે ને ઊંચે ચઢતા જાય. ચાંચમાં ચાંચ નાંખીને, પાંખમાં પાંખ ભીડીને એ યુગલ આવી રહેલી વિરહની રાત્રિને ટાળવા મથે એનું વર્ણન કરતા કરતાં કવિ ખૂદ એમાં એવા ઓતપ્રોત થઈ જતા કે વર્ગખંડની છત સામે જોઈને આ બેલડીનું વર્ણન કરે ત્યારે ચૂપચાપ ક્લાસમાં કેટલાક છોકરાઓ પોતાની બહેનપણી ઉપર નજર નાંખી દેતા અને એમ કરવા જતાં ક્યારેક કોઈક બીજા દોસ્તારની નજર એમની ચોરી પકડી પણ પાડતી. “અતિ જ્ઞાન” અને “ચક્રવાત મિથુન” જેવી કવિતાઓ કવિ કુમાર પાસે ભણવી એ એક લ્હાવો હતો. ડૉ. રણજીતરામ પટેલ “અનામી” પણ થોડાક પિરિયડ ભણાવી ગયેલા. ત્યારથી તેમની સાથે બંધાયેલા સંબંધ હંમેશા આત્મીયતાના બની રહ્યા. કિશનસિંહ ચાવડા એ જેવા બળુકા સાહિત્યકાર ગુજરાતી વિભાગના વડા.
એ જ રીતે હરિવંશરાય બચ્ચન કે નિરાલાની રચના અથવા પ્રેમચંદજીનું “હોરી કે ઘર ગાય” કુંવર ચંદ્રપ્રકાશસિંહ પાસે ભણવું એ ભણવા કરતા એક જુદા જ પ્રકારના આનંદની અનુભૂતિ હતી. હું તો આમેય હિંદીમાં “વિનિત” અને “રાષ્ટ્રભાષા રત્ન” પાસ કરી ચૂક્યો હતો એટલે મારા માટે આ ભણતર મજાનું હતું. મને અંગ્રેજીમાં ટપ્પી નહોતી પડતી તેનાથી તદ્દન વિપરીત ગુજરાતી અને હિન્દીમાં મજા આવતી. હિન્દીનો પિરિયડ ક્યારે આવે એની આતુરતાપૂર્વક રાહ જોતો. પ્રેપરેટરી સાયન્સને બદલે કદાચ જો હું આર્ટ્સમાં ગયો હોત તો એક જુદા જ જય નારાયણ વ્યાસનું સર્જન થયું હોત એમ મને હંમેશા લાગ્યું છે. હું એન્જિનિયરિંગથી માંડી મેનેજમેન્ટ, કાયદો અને અર્થશાસ્ત્ર ભણ્યો, પણ આજેય મારો જીવ તો સાહિત્ય સાથે જ જોડાયેલો છે. પ્રમાણિકતાપૂર્વક કહું તો આ કારણથી મારૂં સર્વોત્કૃષ્ટ હું ક્યારેય આ વિષયોને આપી શક્યો નથી.
મને લાગે છે કે, જીવનના એ તબક્કે આપણે કારકિર્દી અંગેનો નિર્ણય કરીએ છીએ, જ્યારે નથી આપણે પરિપક્વ હોતા, નથી આપણને સલાહ આપનાર પરિપક્વ અથવા સક્ષમ હોતા, પરિણામે એક અખતરો થાય છે એમાંથી પાસ ઉતરનાર ડાહ્યો ગણાય છે અને નહીં ઉતરી શકનાર ડોબામાં ખપે છે.
મારી સાથે એસ.એસ.સી. પરીક્ષામાં આખા ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં બીજા નંબરે ઉત્તીર્ણ થઈને વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં પ્રેપરેટરી સાયન્સમાં દાખલ થનાર વિદ્યાર્થી કદાચ મારી જેમ જ આર્ટ્સ ભણવા સર્જાયો હશે એટલે પ્રેપરેટરી સાયન્સમાં ફેઈલ થયો ! પછી આર્ટ્સમાં ગયો અને ખૂબ મોટા વિદ્વાન તરીકે નામ કાઢ્યું. કોઈ અગમ્ય કારણોસર આપણે આર્ટ્સ વિદ્યાશાખાની અવગણનાની ભાવનાથી જોઈએ છીએ. મારા મત પ્રમાણે બેઝિક એટલે કે પાયાના જ્ઞાન વગરનું કોઈ પણ જ્ઞાન નકામું છે અને એટલે બી.એ., બી.કોમ. કે બી.એસસી. પછી અન્ય વિદ્યાશાખામાં ભણવું હોય તો ભણી શકાય, પણ માણસે સ્નાતક તો પોતાને અનુરૂપ અને ગમતી વિદ્યાશાખામાં જ થવું જોઈએ. આજે મને કોઈ ફરી પસંદગી કરવાની તક આપે તો હું જરાય હિચકિચાટ વગર આર્ટ્સ એટલે કે વિનયન વિદ્યાશાખામાં જઉં અને કોઈ પણ પ્રકારના બોજ વગર મસ્તીથી મારા શોખના વિષયો ભણું. ગુજરાતીમાં આને રાંડ્યા પછીનું ડહાપણ કહેવાય. બરાબર ને ?
આમ, કૉલેજના મારા વર્ગખંડોમાં હું મુંઝાતો, અકળાતો અને અહીંથી તહીં અથડાતો હતો. વિદ્યાર્થી તરીકે પણ મારા ક્લાસમાં જે પ્રકારનાં કપડાં, ભાષા, વ્યક્તિત્વ અને સામાન્ય જ્ઞાનવાળા વિદ્યાર્થીઓ હતો એમની સરખાણીમાં હું સાચા અર્થમાં સંપૂર્ણ ગામડીયો હતો. આ વાત ફરી ફરીને એટલા માટે લખું છું કે, ત્યારપછીના સમયમાં મારામાં જે પરિવર્તનો આવ્યાં તે કોઈ અગમ્ય કારણોસર કે દૈવી સહાય અથવા આશીર્વાદના કારણે આવ્યાં હશે. બાકી હું પ્રેપરેટરી સાયન્સમાં દાખલ થયાના પ્રથમ થોડાક મહિનાઓ તો સાવ “ઢબ્બુનો ઢ” હતો.
કૉલેજના મારા ક્લાસમાં ભણાવાતા ઝૂલૉજી, બોટની, ફિઝિક્સ, મેથેમેટીક્સ, કેમેસ્ટ્રી આ વિષયો મારી સમજ બહારના હતા. હું સદાફૂલી (સદા)ને નજદીકથી ઓળખતો હતો, પણ પેલી “વિન્કા રોઝિયા”ને નહીં ! મને એકદળ અને દ્વિદળ વનસ્પતિ બીજનો ખ્યાલ હતો પણ પેલા “મોનોકોટલીડોન” અને “ડાઈકોટલીડોન”નો નહીં ! “ફાઈલમમોલ્યુસકા” અને “સબફાઈલમ વર્ટીબ્રેટા” જેવા અઘરા શબ્દો દેડકાના કૂળનું વર્ણન કરવા માટે વપરાય અને દેડકાને “રાના ટીગ્રીના કે ટાઈગ્રીના” કહેવાય તે મારી સમજ બહાર હતું. મારો અત્યાર સુધી પનારો ત્રિકોણ, ચતુષ્કોણ અને ખૂણા સાથે પડ્યો હતો, પણ ત્રિગોનોમેટ્રીમાં વપરાતા ટેનથીટા, સાઈનથીટા, કૉસથીટા મારા માટે સમજાય નહીં તેવી ભાષા હતી. ઘર્ષણ અને પડઘો ભણ્યા હતા, પણ અહીં તો રેઝોનન્સ અને કોએફિશિયન્ટ ઑફ ફ્રિક્શન “મ્યૂ” થી પનારો પડવાનો હતો. હું એક શબ્દ પણ અતિશયોક્તિ નથી કરતો. આમાંનો કક્કોય મને સમજાતો નહોતો. પોતાના બાળકને તમે ભણતરની બાબતમાં એની પૂરી સમજ અને પસંદગી જાણ્યા વગર માત્ર દેખાદેખીથી કોઈ કૉલેજમાં કે વિદેશ ભણવા મોકલી દો તો ક્યારેક એનું સમગ્ર અસ્તિત્વ જોખમમાં આવી પડે અથવા કદાચ ભૂંસાઈ પણ જાય એવી સ્થિતિનું નિર્માણ તો નથી કરતા ને ? કોઈ પણ વિદ્યાશાખા સારી અથવા વધુ કે ઓછી શક્યતાઓવાળી નથી હોતી. ક્યારેક ડૉક્ટર કે ઈજનેર બનવામાં નિષ્ફળ જનાર માણસ અર્થશાસ્ત્રી કે વકીલ તરીકે ઝળકી ઊઠે છે. સવાલ એ છે કે, એ વ્યક્તિ કારકિર્દી માટે જે વિષય પસંદ કરે તેમાં સર્વોત્કૃષ્ટ સ્થિતિએ પહોંચે. “THERE IS ALWAYS A ROOM AT THE TOP.”
કૉલેજના શરૂઆતના મહિનાઓ.
વર્ગખંડોમાં ભણાવાતા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટોની કે ઝૂલૉજી
મારા માટે સાચા અર્થમાં ગ્રીક અને લેટીના જેવાં હતાં.
સિધ્ધપુર 11મા ધોરણ સુધી મારૂં અંગ્રેજી બહુ સારૂં છે એવા ભ્રમમાં હતો.
આ ભ્રમ એમ.એસ.યુનિવર્સિટીના પ્રેપરેટરી સાયન્સના રોલ નં. 575 બન્યા પછી ધડામ દઈને તૂટી ગયો.
મારી સાથે ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વ્યક્તિત્વથી માંડીને ઘણી બાબતોમાં મારાથી ક્યાંય આગળ હતાં.
સિધ્ધપુર બહારની દુનિયા જૂદી જ હતી.
માત્ર આર્થિક નહીં, પણ સામાન્ય જ્ઞાનથી માંડીને સમજ સુધીની બધી બાબતમાં હું ઘણો પાછળ હતો.
આ કાળાં ડિબાંગ વાદળોની વચ્ચે એક રજતરેખા હોય તો
તે હતી ગુજરાતી અને હિન્દીનો વિષય.
આ બંને ક્લાસ અને તેમાંય ડૉ. સુરેશ જોશી અને કવિ કુમારની ભણાવવાની રીત અદભૂત હતી.
કુંવર ચંદ્રપ્રકાશજી પાસે નિરાલા, હરીવંશરાય બચ્ચન કે પ્રેમચંદ ભણવા એ એક લ્હાવો હતો.
આમ, મારી કૉલેજ લાઈફની શરૂઆત બહુ સારી નહોતી થઈ.
વળી પાછા હૉસ્ટેલ તરફ પાછા આવીએ તો ત્યાં કાંઈક ઠરવાવાળું હતું.
મારા રૂમ પાર્ટનર ઉપરાંત બાજુના રવિન્દ્રનાથ ટાગોર હૉલમાં
એલ. એસ. હાઈસ્કૂલના મારા બે સિનિયર વિદ્યાર્થીઓ રહેતા હતા
એક...
શ્રી રમેશ હરિપ્રસાદ શુક્લ અથવા સદગત ડૉ. રમેશભાઈ શુક્લ (નાઝર)
અને...
બીજા કહોડાના ચતુરભાઈ એમ. પરમાર
જે મિકેનિકલ એન્જિનિયર તરીકે પી.ડબલ્યુ.ડી.માંથી નિવૃત્ત થઈને વડોદરા સેટલ થયા છે.
આમ, જેમ ડૂબતાને તરણું મળે તેમ એક સહારો હૉસ્ટેલમાં આ પણ હતો
ડાહ્યાલાલ મહારાજ તો હતા જ,
સયાજીગંજમાં શૈલેષ અને વિરેન્દ્ર પણ હતા
એટલે...
પ્રમાણમાં હૉસ્ટેલની જિંદગી વધુ ઝડપથી થાળે પડતી હતી.
હવે મેસની રસોઈ સાવ ખરાબ કે ન ભાવે તેવી નહોતી લાગતી
મારી મા ખાવા બાબત હું નખરાં કરૂં ત્યારે ઘણી વાર કહેતી –
“હૉસ્ટેલમાં જશો એટલે ખબર પડશે.”
“પારકી મા કાન વીંધે.”
ડાહ્યાલાલ મહારાજના કારણે આ પારકી માએ કાન વીંધતા કમસેકમ લોહી નહોતું કાઢ્યું.
વૉર્ડન અને ભોલેની વાત થઈ ગઈ
હવે મળીશું અમારા નાનુ ધોબી અને મોચીને
બ્રેડ બટર અને બન બિસ્કીટવાળો છોકરો છનિયો પણ મજા પડે તેવું પાત્ર છે
સાથે સાથે વસંત મરાઠે પણ ક્યાંક ક્યાંક દેખાશે
“બાના” સ્વાહિલી ભાષાનો શબ્દ છે
આ “બાના” ઓથી પણ પરિચિત થઈશું
હવે પછી.