Monday, February 13, 2017
અગાઉ ઉલ્લેખ કર્યો તે મુજબ સાત વરસ સુધી હું ભિક્ષુક નામ લઈ અને જીવ્યો. ભિક્ષુક એટલે યાચક. એ સમયની માન્યતા મુજબ મારા કપડાંથી માંડી બધું જ કોઈકને કોઈક આપી જતું. ત્યાં સુધી કે મારી મા એ જમવા બેસતી વખતે ઘરનું અન્ન પણ મા પાસેથી ભિક્ષા મેળવીને ખાઉં છું એ ભાવના મનમાં જીવંત રહે તે હેતુથી મને શીખવાડેલું.
“अन्नपूर्णें सदापूर्णें शंकर प्राण वल्लभे ।
ज्ञान वैराग्य सिध्यर्थं भिक्षां देहि च पार्वति ।।
माता च पार्वति देवी पिता देवो महेश्वरः ।
बान्धवा शिव भक्ताश्च स्वदेशो भुवनत्रयम् ।।”
કલ્પના સાથે મા પાસે ભિક્ષા માંગવાની. ક્યારેક કોઈના ત્યાં જમવાનું થાય તો પણ આ ભીક્ષાન્ન દેહિની ભાવના તો મનમાં બોલીને ધારણ કરી જ લેવાની. જેનાં બાળકો ન જીવતાં હોય એ ક્યારેક આ પ્રકારે ભીખો નામ રાખે, ક્યારેક કચરો રાખે, ક્યારેક પુંજો રાખે, ક્યારેક ગાંડો રાખે. આવાં નામ સાંભળો ત્યારે માની લેવાનું કે આ વ્યક્તિ ઘણી બાધા આખડી પછી એની મા ની કૂખે જન્મી છે. મારું નામ પણ ભીખો રાખ્યું હોત પણ કદાચ પાસે જ જયદત્ત શાસ્ત્રીજીની સંસ્કૃત પાઠશાળા હતી એને કારણે આવું સુસંસ્કૃત અને ગામડાનાં છોકરાંને બોલવામાં અઘરુ પડે એવું નામ “ભિક્ષુક” મારે ભાગે આવ્યું હશે.
આ ભીખો એટલે કે ઘરનું કશું ન ખપે એવો જીવ. માત્ર માણસ પૂરતો જ મર્યાદિત રહે એવું થોડું બને ? હું સરકારમાં જોડાયો ત્યારે એક હાસ્યટૂચકો મારા સાંભળવામાં આવેલો. પહેલાં તાલુકાના હાકેમ એટલે કે મામલતદાર સાહેબ ઘોડા ઉપર ડિસ્ટ્રીક્ટમાં જતા. જે ગામમાં એમનું મુકામ હોય ત્યાં સરકારી ચોરે બધી વ્યવસ્થા સ્થાનિક તલાટી કરે. પણ આ વ્યવસ્થામાં પહેલું કામ પસાયતો સાહેબના ઘોડાને સારામાં સારું નીરણ મળે તેની વ્યવસ્થા કરવાનું ખાસ ચીવટથી કરે. બધે આ સાહેબ માટે એવી ગમ્મત પ્રચલિત થઈ ગઈ હતી કે સાહેબે ઘોડાને ભીખલો કર્યો છે. નીરણ/ચંદી ક્યારેય ઘરની ખવરાવતા જ નથી !
આ હળવાશની પળોની વાત થઈ. પણ કેવી કેવી માન્યતાઓ પ્રવર્તતી હોય છે એનું ઉદાહરણ આ ભીખા, ગાંડા, કચરા, પુંજા જેવા નામધારીઓ છે.
ખેર, મારું નામ તો સાત વરસે બદલાઈ ગયું અને લટકામાં જોધપુર સ્ટેટના પ્રધાનમંત્રી અને રાજસ્થાન રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એવા સ્વનામધન્ય જયનારાયણ વ્યાસજીનો હું છાયા નામધારી બન્યો. હવે મને લાગે છે કે ભિક્ષુકને ભીખમાં બીજું બધું તો મળ્યું પણ એના શિરપાવરુપે છેવટે એના અક્ષયપાત્રમાં જે પીરસાયું તે આજીવન એને ધન્ય કરી દે એવું હતું. ઉપરવાળો જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે તે આનું નામ.
રાજપુરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી તરીકે મારો અભ્યાસ શરુ થયો. શાળાને ત્રણ ઓરડા હતા. ઉપર મેંગ્લોરી નળિયાંની છત હતી અને સરસમજાનું કમ્પાઉન્ડ હતું. શાળાની બરાબર પાછળ ખરવાડ હતી જેમાં એક ઘેઘુર વડલો વિસ્તર્યો હતો. આ ત્રણ ઓરડામાં છ ધોરણ બેસતાં. કુલ મળીને સીત્તેર-એંશીથી વધારે વિદ્યાર્થીઓ નહીં હોય. ત્રણ શિક્ષકો હતા. એ સમયના વિદ્યાર્થીઓ પણ ખાસ્સા પહોળા પહોંચતા. આ બધા વચ્ચે રમકડા જેવો હું કક્કો, બારખડી અને એકડો ઘુંટતો. મારા શિક્ષક વાસુદેવ ઠાકર સાહેબ દૂરના સંબંધે મારા બાપાને મામા કહેતા. એકવડીયો બાંધો, ધોતિયું-ઝભ્ભો અને એના ઉપર સફેદ ટોપી. ચહેરો તેજસ્વી, દ્રષ્ટિ આરપાર વીંધી નાંખે તેવી. એ જમાનામાં માનવ અધિકારવાદીઓ કે બાળકો પ્રત્યે હિંસાનો વિરોધ કરવાવાળા એનજીઓ અસ્તિત્વમાં નહોતા. સોટી વાગે ચમચમ-વિદ્યા આવે ઝમઝમનો જમાનો હતો. અમારા સાહેબ સીસમની કાળી આંકણી રાખતા. મસ્ટરમાં કે રજીસ્ટરમાં લીટીઓ દોરવા એ કામમાં લેવાતી પણ વખત આવે હથેળીમાં પણ સબકારી દેતા. ઠાકર સાહેબની બીજી એક વિશીષ્ટતા એ હતી કે તે સાથળમાં જોરદાર ચુંટલો ભરી શકતા. લીલું ઝામું પડી જાય તેવો. ક્યારેક કપાળમાં હાથથી એવો ધક્કો મારે કે માથું પાછળ દિવાલને ટકરાય. ક્યારેક ઢીમણું પણ થઈ જાય. કેટલાક વિદ્યાર્થીઓ એમની આ વિશીષ્ટ કૃપા માટે ખાસ પસંદગી પામતા (શાહબુદ્દીનભાઈના વનેચંદની જેમ !). પણ કોઈ છોકરાનાં મા-બાપ ક્યારેય ફરીયાદ કરતાં ના આવે. ઉલટાનું એ સામેથી પોતાના દિકરાને ઠપકો આપે “સાહેબ તને લડ્યા કે સજા કરી એવું બન્યું જ કેમ ? તે કંઈક ગરબડ કરી હશે.”
જો કે હું તો હજુ સરસ્વતી આરાધનાની શરુઆત કરતો હતો અને પ્રમાણમાં ઝડપથી શીખી રહ્યો હતો એટલે મારે ભાગ પ્રસાદી આવવાનો સવાલ ઉભો નહોતો થતો. ધીરે ધીરે કલમના ક અને ખડીયાના ખ થી આગળ વધી કક્કો અને ત્યારબાદ બારખડી પર હાથ બેસવા માંડ્યો હતો. એકથી સો સુધીના આંકડા હવે ઓળખતો અને લખતો થયો હતો. વાસુદેવ ઠાકર સાહેબના હાથ નીચે મેં મારી સરસ્વતી આરાધનાનો પ્રથમ તબક્કો સુપેરે શરુ કર્યો.
પણ, આ નિશાળમાં મળતા શિક્ષણની વાત થઈ. ઘરે મારા શિક્ષણનો હવાલો લગભગ પાંચમા ધોરણ સુધી મારી મા ના હાથમાં હતો. રાત પડે એટલે અમુક કાર્યક્રમ નક્કી જ હોય. કક્કો બારખડી બોલવાનાં, ઘડીયા બોલવાના અને ત્યારબાદ અચૂક પ્રાર્થના બોલવાની. શરુઆતના તબક્કે કક્કો બારખડી કે ઘડીયા સાવ સરળ અને ઝડપથી પુરી કરી શકાય તેવી આઈટમ હતી. પણ, પ્રાર્થનાને મુદ્દે મારી મા કંઈકને કંઈક નવું કરતી રહેતી.
શરુઆત થઈ......
ઓ ઈશ્વર ભજીએ તને
મોટું છે તુજ નામ પ્રાર્થનાથી
ધીરે ધીરે ઉમેરાયું
રઘુપતી રાઘવ રાજા રામ
પતિત પાવન સીતારામ
એક-બે ભજન પણ આમાં જોડાયાં. એમાંનું એક હતું –
સુખ દુઃખ મનમાં ન આણીએ
ઘટ સાથે રે ઘડીયાં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે
રઘુનાથનાં જડીયાં
વચ્ચે વચ્ચે ધ્રુવ, પ્રહલાદ, સત્યવાન સાવિત્રી, અનસૂયા, કંસ અને કૃષ્ણ, નરસિંહ મહેતા, મીરાબાઈ જેવાં પાત્રો ઉપર પણ વાત આવે. ખાસ કરીને જે તહેવાર હોય એનું મહાત્મ્ય સમજાવતી વાત મારી મા અચૂક કહે. બોળી ચોથને દિવસે ઘઉં કેમ નહીં ખાવાના એ વાત જ્યારે ઘઉલો નામના વાછરડાને અણસમજુ વહુએ ભુલમાં મારી નાંખ્યો અને ત્યારબાદ એ પુનર્જીવીત થયો એ વિગતો સાથે સમજાવે. મહાશિવરાત્રીનો મહિમા, હોલીકા દહન અને પ્રહલાદનો અદભૂત બચાવ જેવી વાર્તાઓ જે તે તહેવારનું મહાત્મ્ય સમજાવતાં એ અચૂક કહે.
ક્યારેક એના વ્રતમાં પણ ભાગીદાર થવું પડતું. કેવડા ત્રીજે એ જાગરણ કરે, એનાં જાગરણમાં અમે ત્રણ-ચાર બાળકોની ટુકડી ચોપાટબાજી જમાવીને જોડાઈએ. ક્યારેક મારા બાપા પણ રમવા બેસી જાય. મારી મા કેરમ સારું રમતી. જાગરણના દિવસે અમે કેરમનો પણ વારો કાઢતા. આજ રીતે વૈશાખ મહિનામાં એ અલુણું કરતી. અલુણું એટલે મીઠું ખાધા વગર બનાવેલ વસ્તુ ખાઈને કરેલ વ્રત. એ સમયે ઓખાહરણ સાંભળવાની ઓર મજા આવતી. રાંધણછઠ્ઠ અને શીતળા સાતમ અમારે માટે દિવાળી જેવા તહેવારો હતા. રાંધણછઠ્ઠને દિવસે મારી મા જાતજાતનાં વ્યંજન બનાવતી. અજમાવાળી તીખી પુરીથી લઈને ભજીયાં, કંકોડાનું શાક, બાજરીનાં વડાં તો ખરાં જ પણ સાતમને દિવસે સરસમજાની કુલેર અને ફણગાવેલા મગ તેમજ બાજરીનો પ્રસાદ મળે. એ દિવસે ઘરમાં ચુલો ન સળગે. ચુલાને ગારમાટીથી લીંપી એમાં સાથિયો પુરી આંબાના પાન અને પૈસો સોપારી મુકી શીતળા માના વ્રત તરીકે એ દિવસે ચુલો ન સળગાવે.
બીજા દિવસે જન્માષ્ટમી વળી પાછી રાજગરાના કે શિંગોડાના લોટના શીરાથી માંડી વઘારેલા મોરૈયા અને કઢી ધબકાવવાનો દિવસ. બહુ ધર્મમાં સમજણ નહોતી પડતી પણ આ ફરાળ એટલું સ્વાદિષ્ટ બનતું કે આપણે રામ પણ ગોકળ આઠમનો ઉપવાસ કરી નાંખતા. મગજમાં એવું ફીટ બેસાડી દેવાયું હતું કે જન્માષ્ટમીનો ઉપવાસ કરો અને ત્યારબાદ અગિયારસ ન કરો તો ગોકુળમાં ગધેડુ થવું પડે. આ બીકે અગિયારસ પણ ખેંચી કાઢતા. એ વખતે એ સમજ નહોતી કે કેટલો પુણ્યશાળી આત્મા હોય ત્યારે એને ભગવાન શ્રીકૃષ્ણની લીલા ભૂમિ ગોકુળમાં જન્મ મળે. કદાચ એટલે જ હવે હું અગિયારસ નથી કરતો કારણકે એકનો એક જનમ બીજી વખત નથી મળતો !!
ગોકુળ આઠમનો મેળો ભરાતો. ચકડોળ, ચકરડી લાગતાં. માનવ મહેરામણ ખાસ કરીને ગામડેથી દર્શન કરવા ઉમટતો. જો કે ઉત્તર ગુજરાતમાં આનો જે દબદબો કે મહિમા છે એનાં કરતાં સૌરાષ્ટ્રમાં અનેકગણો વધારે દબદબો છે. મેં બે-ત્રણ વખત આ જન્માષ્ટમી મારા મોસાળ વિરમગામમાં કરી છે. વિરમગામમાં ભરવાડી દરવાજે અને અન્યત્ર જે મેળો લાગતો તેના પ્રમાણમાં સિદ્ધપુર ઘણું નાનું પડે.
આમ ઘરે મારા ઘડતર અને શિક્ષણનો હવાલો શરુઆતના તબક્કે મારી મા પાસે હતો. એણે ઘણી જહેમત કરી મારો પાયો મજબૂત નખાય તેમાં યોગદાન આપ્યું છે. એના મન શિક્ષણ એટલે માત્ર વર્ગખંડમાં ભણાવે છે એવું નહોતું. બાળકના કુમળા મનમાં સદવિચાર અને સદાચાર વાવવા જોઈએ એ એની મથામણ રહેતી. એનું ભણતર ઓછું હતું પણ ઘડતર ઉત્તમ હતું. કહેવતોનો અને ઉખાણાનો એની પાસે અખૂટ ખજાનો હતો. અમે ક્યારેક મોસાળ જઈએ ત્યારે આ કારણથી મારા મામાનાં સંતાનો રોજ રાત પડે ફોઈબાને વાત કહેવા અથવા ઉખાણા પૂછવા માટે ઘેરી લેતાં. બહુ મોટી વાતને એકાદ વાક્યમાં ખૂબ ચતૂરાઈપૂર્વક એ સમજાવી શકતી.
એ મનોવૈજ્ઞાનિક પણ હશે એવું મારું માનવું છે. કોઈના પણ ચહેરા પરથી એ માણસ કળી લેતી. માણસની પરખમાં મારા બાપા ઘણીવાર ભુલ ખાઈ જતા પણ મારી માએ ભુલ ખાધી હોય એવું સ્મરણમાં નથી.
આમ, દિવસે નિશાળમાં વાસુદેવ ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ અને રાત્રે મારી મા ની ઘરશાળામાં મારું ઘડતર થઈ રહ્યું હતું. બાળપણનો એ સમય ગમ્મત સાથે ઘડતરનો હતો કારણકે મારી મા વાર્તાઓ ખૂબ સરસ રીતે કહેતી. પંચતંત્રની તેમજ હિતોપદેશની વાર્તાઓ ઘણી બધી એને કંઠસ્થ હતી. એણે આ બધું જ્ઞાન નિશાળે ગયા વગર કઈ રીતે અને ક્યારે મેળવ્યું હશે તે મારા માટે હંમેશા આશ્ચર્યનો વિષય હતો.
પ્રાથમિક શાળાની કેળવણીમાં ધીરે ધીરે એક પછી એક ધોરણના પગથિયાં હું ચડી રહ્યો હતો. ચોથા ધોરણમાં પહોંચતા સુધીમાં તો આ તાલીમને પરિણામે હું વર્ગમાં પહેલા નંબરે આવતો વિદ્યાર્થી બની ચુક્યો હતો. આની સાથોસાથ અમારા સહાધ્યાયીઓમાંથી કેટલાકની સાથે મૈત્રી પણ બંધાવા માંડી હતી. તે સમયે અમે કોઈપણ વિદ્યાર્થીને પુરું પણ ન કહેવાય અને અધુરું પણ ન કહેવાય એ રીતે ઓળખતા. એનું નામ અને બાપાનું નામ બન્ને જોડવાનું, નહીં તો પછી આત્મિયતાના ભાવ સાથે નામની પાછળ ‘ડો’ લગાડવાનું. આ અમારી ગામઠી રીત હતી.
પ્રાથમિક શાળાના શિક્ષણ દરમ્યાનની બે-ચાર વિશીષ્ટ બાબતો પણ સ્મરણપટલ પર ઉભરી આવે છે. રાજપુર એટલે મૂળ ખેતી ઉપર નભતું ગામ. બાળકને નિશાળે મોકલી બાકીનું નાનું મોટું કામ પરવારી મા ખેતરે જાય. પણ જતાં જતાં બાળકને સૂચના આપવા સ્કુલમાં આવે. ખાસ્સા ગામઠી લહેકામાં એ પોતાના બાળકને સૂચના સંભળાવે –
“રોટલો ન ગોળ કોઠીમાં મેલ્યા હ
સાહ લેવી હોય તો ઢોંચી હ
નેહાળથી સુટી ન નાશ્તો કરી લેજ
ડોબાને હવાડે પાણી પઈ આવજે
પાસો રમવા ના જતો રહેતો બેહર
તારી મા તરશે મરશે (આ ભેંસ માટે વપરાયેલ શબ્દ છે)
નકર ઘેર આઈ ન ટોંટીયો ભાજી નાંખોય”
આ જનરલ સૂચનાપ્રથા એ અમારી નિશાળની જીંદગીનો એક ભાગ હતી.
બીજું
કેટલાક બાળકો પોતે નબળાં પણ એમના ભા (દાદા) જબરા. એક ચોક્કસ બાળકના ભા જ્યારે પ્રગટ થાય ત્યારે ત્રાસવાદી આવ્યા હોય એનાથી વધારે આતંક ફેલાઈ જાય.
ચોં જ્યો લ્યા જ્યાંતિડો ?
ચમ માર્યો તો મારા સોકરાન
(જ્યંતિડો જવાબ આપે એ પહેલાં તો એક અડબોથ રસીદ થઈ ગઈ હોય)
અમને અને ખાસ કરીને મને આ ડોહાની બહુ બીક લાગતી.
આ બધા ત્રાસમાંથી એક દિવસ અમારી સંપૂર્ણ મુક્તિ થઈ ગઈ.
બિલીયાના વતની મોતીરામભાઈ પટેલ સાહેબ અમારી શાળામાં નિમાયા.
છઠ્ઠા ધોરણના એ મારા વર્ગશિક્ષક.
એમણે જોડાયા બાદ પહેલાં જ અઠવાડીયે ફતવો બહાર પાડ્યો
કોઈપણ પ્રકારના સંદેશા કે અન્ય કોઈ કારણસર કોઈપણ વ્યક્તિએ શાળાના કમ્પાઉન્ડમાં પગ મુકવો નહીં.
જો આમ કરશો તો.......
તમારું બાળક નહીંતર કાયમી ધોરણે નિશાળમાંથી કાઢી મુકીશ.
મોતીરામ સાહેબ ખૂબ સરસ ભણાવતા. શિસ્તના પણ એટલા જ આગ્રહી. કસાયેલું અને કસરતી શરીર. કોઈની પણ ડખલગીરી ચલાવી લે નહીં. મારા મત પ્રમાણે મોતીભાઈ પટેલ સાહેબ એક ઉત્તમ અને આદર્શ શિક્ષક હતા. વિદ્યાર્થીઓના કમનસીબે એમણે લાંબો સમય શિક્ષકની નોકરી કરી નહીં. નોકરીમાંથી રાજીનામું આપી એ સિદ્ધપુર ગંજબજારની પેઢીમાં જોડાઈ ગયા. એમના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને મળવો જોઈતો હતો તેને બદલે વાણિજ્યિક પ્રવૃત્તિને મળતો થયો. હું માનું છું કે ગંજબજારની પેઢીને તો મોતીરામભાઈ પટેલનો વિકલ્પ મળી રહ્યો હોત પણ આવનાર એક આખીય પેઢી આવા ઉત્તમ શિક્ષકથી વંચિત રહી ગઈ જેનું મને હંમેશા દુઃખ રહ્યું છે.
વાસુદેવ ઠાકર સાહેબ અને મોતીરામ પટેલ સાહેબ બન્ને મારા માટે અત્યંત આદરણીય વ્યક્તિત્વ હતાં. આજે પણ મારા મનમાં એક આદર્શ શિક્ષક કે ગુરુ તરીકે એમના માટેનું માન અને લાગણી અકબંધ છે. વાસુદેવ ઠાકર સાહેબની તો બીજી એક વિશીષ્ટતા હતી. પરીક્ષાને ત્રણેક મહિના રહે એટલે એ નબળા વિદ્યાર્થીઓને સિદ્ધપુરમાં એમના નિવાસસ્થાને બોલાવે. એકપણ પૈસાનું ટ્યુશન કે બદલાની કોઈપણ અપેક્ષા વગર ઘરનાં ગોદડાં અને ઘરની લાઈટો વાપરી એ આ બધાં છોકરાંને ભણાવે. આજના જમાનામાં જેની કલ્પના પણ શક્ય નથી એવું આ રાત્રિ ટ્યુશનવૃંદ વાસુદેવ સાહેબના ત્યાં ભણી અને પરીક્ષા આપે. એમના વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા જીવનના જુદાં જુદાં ક્ષેત્રોમાં આગળ વધ્યા છે. અમારી સ્કુલમાં છ ધોરણ સુધી ભણેલ લક્ષ્મણ પટણી અસારવામાંથી બે કે ત્રણ ટર્મ ધારાસભ્ય બન્યા. બીજો લક્ષ્મણ પટણી અને ચુતરજી ઠાકોર પોસ્ટ ઓફિસમાં પ્રમાણમાં સારા હોદ્દે પહોંચ્યા. સુરત જઈને અબજપતિ બન્યા હોય એવા તો એમના એકાદ ડઝન વિદ્યાર્થી મળી આવે. છેક નિવૃત્ત થયા ત્યારસુધી ઠાકર સાહેબે રાજપુર પ્રાથમિક શાળામાં જ ભણાવ્યું. ઘણો લાંબો સમય મુખ્ય શિક્ષક રહ્યા. બિલકુલ નિષ્કલંક અને નિઃસ્વાર્થ જીવન. રાજપુર ગામમાં નાનું મોટું સહુ કોઈ આજે પણ એમનું નામ આદરથી લે છે. આ ઠાકર સાહેબ મારી તાલીમની ઈમારતનો પાયો નાંખનાર હતા એ મારે માટે ગૌરવની વાત છે. આ થઈ માત્ર શિક્ષણની વાત.
શિક્ષણની સાથોસાથ અમારી વાનરવેડાની પ્રવૃત્તિઓ પણ ચાલતી રહેતી. આ પ્રવૃત્તિઓનું સ્મરણ આજે પણ રોમાંચીત કરી દે છે.
અદભૂત હતો એ સમય
ટન ટન ટન ટન
શાળાનો ઘંટ વાગે અને અમે દફ્તર ખભે નાંખીને દોડી જતા
પાટી અને પેનનો જમાનો હતો
શ્રુતલેખન અને પલાખાંનો જમાનો હતો
પરીક્ષા આવે વગર ટ્યુશને ભણવાનો જમાનો હતો
શિક્ષક માટે આદર અને સન્માનનો જમાનો હતો
સોટી વાગે ચમચમ – વિદ્યા આવે ઝમઝમનો જમાનો હતો
શિક્ષક એના વર્ગખંડનો કુલમુખત્યાર હતો
નિશાળનું કમ્પાઉન્ડ એનું સામ્રાજ્ય હતું
ભલભલા ચમરબંધીની પણ આ મર્યાદા તોડવાની હિંમત નહોતી
ત્યારે શિક્ષક ખરેખર ભણાવતો
તે વખતે કોઈ શાળા વ્યવસ્થાપન સમિતિઓ નહોતી
નહોતી સીઆરસી કે બીઆરસીની વ્યવસ્થા
આમ છતાંય રાજપુર જેવા નાના ગામની પ્રાથમિક શાળામાં ઉત્તમ ભણતર મળતું હતું.
મંત્રી બન્યા બાદ ગુણોત્સવમાં શાળાઓની મુલાકાત લેવાનું બન્યું છે.
અપવાદ હોઈ શકે પણ....
મહદઅંશે શાળાનાં સુંદર મકાનો અને સવલતો ઉભાં થયાં છે
પણ.....
એનો આત્મા એવો શિક્ષક અને.....
એની આરાધના એવી સરસ્વતી ક્યાંક ખોવાઈ છે
આજે વાસુદેવ ઠાકર સાહેબ કે મોતીરામ પટેલ સાહેબ શોધવા અશક્ય નહીં હોય પણ અત્યંત મુશ્કેલ તો છે જ.