દસમા ધોરણમાં પાર્વતીજી અને લક્ષ્મીજી વચ્ચેનો આ સંવાદ મારા મગજની હાર્ડડિસ્કમાં સ્ટોર થયો હતો. આ વાત માનવીય સંબંધો અંગેના મારા વ્યાખ્યાનમાં ગુસ્સે થયા વગર અણગમતા પ્રશ્નો કે પરિસ્થિતનો ઠંડે કલેજે જવાબ આપીને પરિસ્થિતિ આપણી તરફેણમાં કઈ રીતે પલટાવી શકાય તેના ઉદાહરણરૂપ શીખવું છું. આ જ ક્ષમતાનું અસ્તર જે પાધ્યા સાહેબે મારા ઉપર ચઢાવ્યું હતું તે અનેક તબક્કે – સરકારી અધિકારીથી માંડી પ્રોફેસર તરીકે અને જાહેર જીવનના વ્યાખ્યાતાથી માંડી ટેલિવિઝન ઉપરની ધારધાર ચર્ચાઓમાં જરાય મગજ ગુમાવ્યા વગર મેં ઉપયોગમાં લીધું છે. અરણવ ગોસ્વામી હોય કે રાજદીપ સરદેસાઈ ક્યારેય પણ મને ઉશ્કેરીને મારી પાસેથી એક શબ્દ ખોટો કઢાવી શક્યા નથી. ડિબેટમાં મારી સામે ભાગ લેનાર ગમે તેટલા ઉગ્ર બને અથવા ક્યારેક ભાષાનો વિવેક ચૂકી જાય ત્યારે પણ પેલું સંપૂર્ણ સ્વસ્થતાનું હળવાશભર્યું સ્મિત તમે હંમેશા મારા મ્હોં પર રમતું જૂઓ છો તેનું સાચું રહસ્ય આજે છતું કરી દઉં છું. વાણીનો જ્યાં ઉપયોગ કરવાનો હોય ત્યાં પાર્વતી હંમેશા મારૂં રૉલમૉડલ રહ્યાં છે. શિવને છોડીને બીજે જાય એવું સતી પાર્વતીને કહેવાય એનાથી વધારે ગુસ્સે કરે તેવી પરિસ્થિતિ કોઈ ચર્ચામાં આવી શકે જ નહીં. જ્યારે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે પાર્વતીજીનો પેલો જવાબ – “ચપલે નાહં પ્રકૃત્યાત્વઃ” મારા મગજમાં બીકોન લાઈટની માફક ઝળક્યો છે. પાધ્યા સાહેબે મગજમાં ફીટ કરેલી વાણી સંયમની આ લાલ લાઈટ ક્યારેય કોઈ કાયદાથી હટાવી શકાવાની નથી.
આવું ઘણું બધું હાઈસ્કૂલ કક્ષાએ અમારા શિક્ષક સાહેબોએ એ રીતે શીખવાડ્યું છે કે, જીવનભર માટે એ મગજમાં જડબેસલાક ગોઠવાઈ ગયું છે.
આ જ રીતે સંસ્કૃત શ્લોક બાલમુકુંદ જોષી સાહેબ શીખવાડતા. શરૂઆત “યા કુન્દેદુતુષારહારધવલા...” જેવી પ્રાર્થનાથી થતો. આજે ઘણી જગ્યાએ પ્રમાણમાં સારી કહી શકાય એવી સ્કૂલોમાં અથવા પ્રમાણમાં એક ગજાનો કાર્યક્રમ કહી શકાય એવા કાર્યક્રમમાં આ સરસ્વતિવંદના સાંભળું છું અને જ્યારે તે બેસૂરી ગવાતી હોય અથવા એનાં ઉચ્ચારણોમાં દોષ આવે ત્યારે સીધો કાળજે ડામ દેવાય છે. મા સરસ્વતી કે શારદાની પ્રાર્થનામાં ક્યારેય ક્ષતિ ન થાય, કોઈ દોષ ન હોવો જોઈએ એવી લાગણી હંમેશાં રહી છે.
ગુજરાતીના અમારા શિક્ષકોમાં શ્રી એમ. આઈ. પટેલ સાહેબ પાસે ગુજરાતી ભણવું એ એક લ્હાવો હતો. પ્રમાણમાં અઘરૂં લાગતું વ્યાકરણ અને છંદ વિગેરે પણ એ એવી સરસ રીતે ભણાવતા કે આજે પણ એમણે ફીટ કરેલી ચાવીઓ –
“રસે રૂદ્રે છેદી યમનસભ લાગે શિખરીણી”
તે જ રીતે
“મંદા ક્રાંતા મભનતતગેગે યુરગે તુરકે ચ અશ્વે”
અને
“જસ જસ ય લેગથી વસુ નવાંક પૃથ્વી બને”
છંદને પારખવાની અને તેમાં ક્યાં વિરામ આવે સરળ રીતે તેમણે શીખવાડી તે હાઈસ્કૂલ છોડ્યા પછી કોઈ દહાડો કવિતા સાથે પનારો પડ્યો નથી, પણ મગજમાં બિલકુલ સ્પષ્ટ રીતે અંકાયેલ છે.
આ માત્ર ઉદાહરણ ખાતર દાખલો આપ્યો. અમારા બી. એમ. ભટ્ટ સાહેબ ખૂબ સરસ રીતે ગુજરાતી શીખવતા. થોડું વિષયાંતર કરી લઉં તો ધોતિયાને છટાદાર પાટલી વાળી કઈ રીતે પહેરી શકાય એ ભટ્ટ સાહેબ પાસેથી શીખવું પડે. અમારી શિક્ષક મંડળીના એ વરણાગીયા સાહેબ હતા. ભટ્ટ સાહેબને ક્યારેય પણ મેં લઘરવઘર પહેરવેશમાં કે ઢીલા મ્હોંએ જોયા નથી અને એટલે હું ઘણીવાર વિચારતો કે પેલી પ્રચલિત પંક્તિઓ –
“ઢીલાં શાં ધોતિયાં અને...
વીલાં શાં મ્હોં
રખે ને ભાઈ તમે...
માસ્તર હો.”
નો જોરદાર અપવાદ અમારા બાબુભાઈ ભટ્ટ સાહેબ હતા. પાતળી દેહયષ્ટિ, સહેજ ખૂલતો વાન, ચમકદાર આંખો, પ્રભાવી ચહેરો, મધ્યમ કદ, ધોતિયું, ખમીસ અને ઉપર કોટ તેમજ માથે સફેદ ટોપી બાબુભાઈ ભટ્ટ સાહેબની ઓળખ.
આ બાબુભાઈ ભટ્ટ સાહેબ માટે એક જ નકારાત્મક વાત કહી શકાય. એમણે ગુજરાતીનું પેપર તપાસ્યું હોય એટલે સાઈઠ માર્ક લાવતાં લાવતાં પસીનો છૂટી જાય. માર્ક આપવામાં મહાકંજૂસ. એ વાત સાચી કે, પ્રિલિમિનરી પરીક્ષામાં બી. એમ. ભટ્ટ સાહેબે જેટલા માર્ક આપ્યા હોય તેનાથી ઓછા માર્ક ગુજરાતી વિષયમાં બોર્ડની પરીક્ષામાં ન આવે. ભટ્ટ સાહેબ થોડાં વરસો પૂર્વે જ દિવંગત થયા. મારા માટે એક વિદ્યાર્થી તરીકેનો એમનો પ્રેમ અને આશીર્વાદ આજીવન જળવાઈ રહ્યાં એ ખૂબ આનંદની વાત છે.
હિંદી અંગે મેં અગાઉ લખ્યું છે કે, વિગતે વાત આગળ જતાં કરીશું. મારા બાપાના મગજમાં મારા માટે કારકિર્દીની સીડીનાં પગથિયાં ઘડવાનું કામ અવિરત ચાલ્યા કરતું. નોકરી કે આવકનું સાધન ન હોય ત્યારે શું પરિસ્થિતિ થાય એનો એમનો જાત અનુભવ વાપરીને એમના દીકરા તરીકે મારે આવું વેઠવાનું ન આવે તે કાળજી એમણે સતત લીધી. પહેલું પગથિયું બનાવ્યું સાતમા ધોરણની સાથોસાથ ફાઈનલની પરીક્ષા અપાવીને. તે સમયે ફાઈનલ પાસ કરો એટલે પ્રાથમિક શાળામાં સરકારી નોકરી મળી જતી. આમ, પ્રાથમિક શિક્ષક માટેની નોકરીનું પહેલું પગથિયું એમણે કંડાર્યું. હવે એમણે નજર ઠેરવી માધ્યમિક શિક્ષક તરીકે નોકરી કઈ રીતે મળે તેના ઉપર. આ આયોજનના ભાગરૂપે આઠમા ધોરણથી જ મને સંસ્કૃત અને હિન્દી પરીક્ષાઓ અપાવવાનું શરૂ કર્યું. પદ્મભૂષણ પં. શ્રીપાદ દામોદર સાતવલેકરજી દ્વારા સ્થાપિત “સ્વાધ્યાય મંડળ પારડી” દ્વારા લેવાતી “પ્રારંભિણી” પરીક્ષા મેં આઠમા ધોરણમાં પસાર કરી. સાથોસાથ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી “પ્રથમા” પણ પસાર કરી. સંસ્કૃતમાં ગાડી બહુ આગળ ન વધી, પણ હું દસમા ધોરણમાં હતો ત્યારે મેં ગુજરાત વિદ્યાપીઠની “વિનીત” પરીક્ષા પાસ કરી ત્યારબાદ ભારતીય વિદ્યાભવનની “રાષ્ટ્રભાષા રત્ન“ પરીક્ષામાં બેસવા માટે પ્રયત્ન કર્યો અને SSCમાં હતો ત્યારે “રાષ્ટ્રભાષા રત્ન” પરીક્ષા પણ પાસ કરી. આમ, SSCની પરીક્ષા આપી ત્યારે હું હિન્દીમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટની સમકક્ષ પરીક્ષા પસાર કરી ચૂક્યો હતો. મારા બાપાએ હિંદીમાં મારૂં નામ અને ડિગ્રી લખેલો સિક્કો ખૂબ ઉમંગથી બનાવડાવ્યો, જેમાં લખ્યું હતું –
“ जय नारायण व्यास
विनीत, राष्ट्रभाषा रत्न ”
SSC થયા પહેલાં ગ્રેજ્યુએટ થવાનો આનંદ સ્વાભાવિક રીતે હતો, પણ એના કરતાંય વિશેષ પ્રેમચંદજીના ઉપન્યાસ તેમજ શ્રી સૂર્યકાંત ત્રિપાઠી (નિરાલા) થી માંડી મુન્શી પ્રેમચંદ અને હરિવંશરાય બચ્ચન તેમજ મૈથિલીશરણ ગુપ્ત જેવા મૂર્ધન્ય સાહિત્યકારો વાંચવાનો અને એમની કૃતિઓ માણવાનો મોકો મળ્યો. આજે પણ મારી સાથે હિંદી ભાષી વ્યક્તિ વાતચીતમાં પરોવાય ત્યારે હું ગુજરાતી છું તે માનવાને ધરાર તૈયાર નથી થતો. આનાં બે કારણ છે – પહેલું, મારૂં નામ રાજસ્થાની છે. કારણ કે જોધપુર સ્ટેટના પૂર્વ પ્રધાનમંત્રી અને ત્યારબાદ રાજસ્થાનના મુખ્યમંત્રી મા. શ્રી જયનારાયણ વ્યાસજીના નામ પરથી પાડ્યું છે એટલે એ રાજસ્થાની કે ઉત્તર ભારતીય લાગે છે અને બીજું, મારો હિંદીભાષા ઉપરનો પ્રમાણમાં સારો કહી શકાય તેવો કાબૂ. મારી સાથે “રાષ્ટ્રભાષા રત્ન” પસાર કરનાર ભાઈ કાન્તિલાલ વ્યાસ તેમજ ભાઈ પ્રભાશંકર ઠાકર અનુક્રમે ડીસા સર્વવિદ્યાલય તેમજ ચંડીસર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા.
હું હિન્દીનો શિક્ષક ન બન્યો, પણ હિંદી ભાષાનો અભ્યાસ મને આજે પણ ડિબેટથી માંડી અનેક જગ્યાએ કામમાં આવે છે. મારી “રાષ્ટ્રભાષા રત્ન”ની ઉપાધિ (ડિગ્રી) એ મારા બાપાએ મારા કેરિયર પ્લાનના આયોજનમાં કંડારેલું બીજું પગથિયું હતું. હિંદીના મારા શિક્ષકોમાં થોડાક સમય માટે એલ. એસ. હાઈસ્કૂલમાં નોકરી કરી ગયેલ શ્રી અમૃતભાઈ કે. મોદી સાહેબ અને ત્યારબાદ શ્રી વિજુભાઈ શાહ સાહેબ આવે. હિંદી ભાષાની મારી સ્કૂલની ચોપડી મને ક્યારેય અઘરી ન લાગી. કારણ કે પ્રેમચંદજી અથવા હરિવંશરાય બચ્ચનને વાંચ્યા બાદ SSCમાં ભણાવાતું હિંદી (લૉઅર લેવલ) મારા માટે ડાબા હાથની રમત હતી. વિજુભાઈ સાહેબ એક હરફન મૌલા વ્યક્તિત્વ. આગળ જતાં વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય બન્યા અને “બૉસ”ના હુલામણા નામથી જાણીતા બન્યા. વિજુભાઈ સાહેબ સાથે પણ મારો સંપર્ક એમના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન જળવાયેલો રહ્યો. વાંકડિયા વાળ, પ્રમાણમાં ઊંચી દેહયષ્ટિ, સહેજ પાકો રંગ, ગળામાંથી ઘૂંટાઈને આવતો હોય એવો અવાજ અને વેધક આંખો એ વિજુભાઈના વ્યક્તિત્વનાં આગવાં લક્ષણો હતાં. અત્યંત પ્રેમાળ, સરળ અને આમ છતાંય શિસ્તની મર્યાદા ન ઓળંગવા દે એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ એટલે વિજુભાઈ શાહ સાહેબ. એમની સરળતાને કે ખેલદિલિને ભૂલેચૂકેય હળવાશથી લેવાનો કોઈ પ્રયત્ન કરે તો એની શાન ઠેકાણે લાવી દેતાં એમને ઝાઝી વાર નહોતી લાગતી. કદાચ –
“સબસે બડા નાદાન વોહી હૈ
જો સમજે નાદાન મુઝે
કૌન કૌન કિતને પાની મેં
સબકી હૈ પહચાન મુઝે”
વિજુભાઈ સાહેબનું વ્યક્તિત્વ આ પંક્તિઓ સારી રીતે વર્ણવે છે.
અમને વિજ્ઞાન શીખવાડનાર સાહેબોમાં શ્રી પ્રેમશંકર વાસુદેવ ઠાકર સાહેબ અને શ્રી બાલકૃષ્ણ ગો. પંડ્યા સાહેબ તેમજ આગળ જતાં શ્રી બી. જે. સોની સાહેબનો સમાવેશ થાય. બી. જે. સોની સાહેબ, પંડ્યા સાહેબ પછી સૌથી સિનિયર શિક્ષક. અંકગણિત તેમજ ફિઝિક્સ, કેમિસ્ટ્રી વિષય ઉપર સરસ પકડ, ભણાવવાની ખૂબ સુંદર શૈલી. એમનો પિરિયડ ક્યાં વીતી જાય તે ખબર જ ન પડે. ખૂબ મિતભાષી, માથું સહેજ ઊભું ઓળાવે. ચહેરાના પ્રમાણમાં થોડી મોટી આંખો, નાની મ્હોં ફાડ. સારી કહી શકાય એવી ઊંચાઈ ધરાવતા સોની સાહેબ ભાગ્યે જ ગુસ્સે થતા, પણ જ્યારે ગુસ્સે થાય ત્યારે વિદ્યાર્થીનું માથું નીચું દબાવી એના બરડામાં બે-ચાર ગડદા ફટકારી દેતા. જો કે, બી. જે. સોની સાહેબના કિસ્સામાં આ જ્વાળામુખી વિસ્ફોટ ક્યારેક જ થતો. અમારા આચાર્ય ધનશંકરભાઈ પંડ્યા જેવો કાયમ ધધખતો જ્વાળામુખી સોની સાહેબ નહોતા. આમ છતાંય ધાક તો એમની પણ હતી.
બાલકૃષ્ણભાઈ પંડ્યા સાહેબ એક વિશિષ્ટ વ્યક્તિવ. પ્રમાણમાં ઓછી કહી શકાય તેવી ઊંચાઈ. માથે શીખા રાખે. નિયમિત પૂજાપાઠથી જ એમની દિનચર્યા શરૂ થાય. ધોતિયું-ઝભ્ભો અને પગમાં ચપ્પલ, સહેજ નાની કહી શકાય એવી આંખો અને પ્રમાણમાં પાતળી કહી શકાય એવી દેહયષ્ટિ. કોઈ વિજ્ઞાનનો શિક્ષક ચોટલીથી બ્રહ્માંડ સાથે અનુસંધાન સાધી શકાય એમ કહે તો કેવું લાગે ? કડકડતી ઠંડીમાં પણ સવારે સરસ્વતી નદીમાં ડૂબકી મારીને મંદિરે દર્શન જાય અને પૂજાપાઠ કરે તો કેવું લાગે ? બાલકૃષ્ણ પંડ્યા સાહેબ ઉર્ફે બા. ગો. પંડ્યા સાહેબ આવા અડધા આધ્યાત્મવદી અને અડધા આ ધરતીના માણસ હતા. એક શબ્દમાં કહેવું હોય તો કહી શકાય – “ઓલિયા” જેવા માણસ. ન ગુસ્સે થાય, ન કોઈને મારે, ન કોઈ અળવીતરૂં કરતું હોય તો એના તરફ ધ્યાન આપે. બા.ગો.પંડ્યા સાહેબના ક્લાસમાં લોકશાહીની વ્યાખ્યા સદૈહે જીવંત થઈ હોય તેવું લાગતું. જો કે, એમણે અમને ખૂબ થોડો સમય ભણાવ્યું.
આમ, માસ્તર એટલે મા ની તાલિમ બાદ તમારા પર વિવિધ પ્રકારની ક્ષમતાઓનાં આવરણનું અસ્તર ચઢાવનાર વ્યક્તિ. એલ. એસ. હાઈસ્કૂલના મારા અભ્યાસ દરમિયાન પાધ્યા સાહેબ અને પંડ્યા સાહેબની માફક કેટલાક મારા ઉપર આવું અસ્તર ચઢાવવામાં સફળ રહ્યા, પણ દિનેશભાઈ કડિયા સાહેબ જે અમને ચિત્ર શીખવાડતા હતા તે સદંતર નિષ્ફળ રહ્યા. મને એ ચિત્ર ન શીખવાડી શક્યા અને આજેય ચિત્ર મને ન આવડતા હોય એવા વિષયોમાંનો એક વિષય છે. મને સાહિત્યમાં રસ લેતો કર્યો –શંકરલાલ વૈજનાથ પાધ્યા સાહેબ, બાલમુકુંદ જોષી સાહેબ, એમ. આઈ. પટેલ સાહેબ અને હિંદીની ડિગ્રી લેવાના રવાડે ચઢાવનાર મારા બાપાએ, પણ સૌથી પાકું અસ્તર આ ચઢ્યું છે – ભાષા અને સાહિત્યનું. ભાષા અને સાહિત્યના વિદ્યાર્થી હોવાના કારણે સાહજીક રીતે સંવેદનશીલતા પણ મારા વ્યક્તિત્વનો ભાગ બની છે. પબ્લિક સ્પિકિંગ એટલે કે જાહેર સંભાષણ અને ટેલિવિઝનથી માંડીને વિધાનસભા સુધીની ચર્ચાઓ એટલે કે ડિબેટમાં મોટા ભાગે હું સફળ રહ્યો હોઉં તો તેનું કારણ એલ. એસ. હાઈસ્કૂલના મારા અભ્યાસકાળ દરમિયાન અંગ્રેજી, હિંદી, સંસ્કૃત અને ગુજરાતી ભાષા તરફ હું સતત આકર્ષાતો રહ્યો, ઘડાતો રહ્યો. આગળ જતાં પ્રથમ પંક્તિના વિવેચક અને મૂર્ધન્ય સાહિત્યકાર ડૉ. સુરેશ જોષી, કવિકુમાર તેમજ ડૉ. રણજીતરામ પટેલ “અનામી” પાસે ગુજરાતી તેમજ કુંવર ચંદ્રપ્રકાશસિંહ પાસે હિન્દી ભણવાનો મોકો મળ્યો અને તેની સાથોસાથ આ બધી જ ભાષાઓમાં લખાયેલા ઉત્તમ પુસ્તકો વાંચવા હું પ્રેરાયો તેને ગણું છું.
માસ્તરની વ્યાખ્યા આપણે જોઈ.
હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ઘણાં બધાં અસ્તર ચઢ્યાં.
વિજ્ઞાન, ગણિત અને ભાષાઓનાં એમાં સમાવેશ થાય,
પણ....
સૌથી વધુ પાકું જો અસ્તર ચઢ્યું હોય તો તે –
ગુજરાતી અને હિન્દી ભાષા પ્રત્યેનાં આકર્ષણનું અને...
ઊંડા અભ્યાસનું
સંસ્કૃત માટેના મારા પ્રેમનાં બીજ પણ અહીં ઘવાયા.
સંસ્કૃત દેવોની ભાષા છે.
જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળામાં
અધ્યયન મંદિરના પ્રવેશદ્વારે લખાયેલું મને યાદ છે
તે વાક્ય હતું –
“સર્વેષા મધુરાં મુખ્યાં ગીરા ગીરવાણ ભારતી”
એલે કે ભાષાઓમાં સૌથી મધુર અને મુખ્ય ભાષા સંસ્કૃત છે.
એક બાજુ જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળાનું વાતાવરણ
જ્યાં સતત સંસ્કૃતના મંત્રઘોષ ગૂંજતા રહેતા.
જ્યાં લઘુસિદ્ધાંત કૌમુદી, શાકુંતલ, મુદ્રા રાક્ષસ જેવા ગ્રંથોનું પઠન થતું
અને બીજી બાજુ,
શંકરલાલ વૈજનાથ પાધ્યા – “શંકર કાવ્યતીર્થ”
જેવા સંસ્કૃતનાં પ્રખર વિદ્વાન
ઉત્તમ કોટીમાં મૂકી શકાય એવા શિક્ષકો મને મળ્યા.
આમ છતાંય...
હું સંસ્કૃતમાં ઝાઝું ઊકાળી શક્યો નહીં.
હા ! SSC માં મારા સંસ્કૃતના માર્ક સૌથી વધુ હતા, પણ
હજુયે ક્યારેક મનમાં થાય છે કે, કદાચ
“રાષ્ટ્રભાષા રત્ન”ની માફક હું કાવ્યતીર્થ બની શક્યો હોત તો !
આપણી સંસ્કૃતિની પાયાની ભાષા
દેવોની ભાષા
સંસ્કૃતમાં હું આગળ ન ભણી શક્યો.
આજે પણ મને એનો અફ્સોસ છે.
મારૂં એ અસ્તર કાચું છે.