ભાવસાર સાહેબ પ્રિન્સિપાલ હોય એવો ખૂબ ઓછો સમય મારા એલ. એસ. હાઈસ્કૂલમાં અભ્યાસનાં ચાર વરસ દરમિયાન રહ્યો. આમ છતાંય ચૂસ્ત ગાંધીવાદી, ખાદીધારી અને મૃદુભાષી ભાવસાર સાહેબની મારા મગજમાં એક વિશિષ્ટ છાપ અંકિત થઈ. આમ તો આઠમા ધોરણના વિદ્યાર્થીને શાળાના પ્રિન્સિપાલ સાથે ભાગ્યે જ સીધો સંપર્ક રાખવાનું બને, પણ યુનિફોર્મને લઈને વિદ્યાર્થી હડતાળનો જે પ્રસંગ બન્યો તે દિવસે શાળાના દરવાજે વિદ્યાર્થી આગેવાનો સામે આંખમાં આંખ પરોવીને સ્પષ્ટ ભાષામાં વાત કરતા ભાવસાર સાહેબની છબી આજે પણ આંખ સામે એ જ રીતે ઉપસી આવે છે. મહાત્મા ગાંધીજી કહેતા, “મારું જીવન એ જ મારો સંદેશ. તેઓ માનતા અને સમજાવતા કે મણ ઉપદેશ આપવા કરતા અઘોળ આચરણ શ્રેષ્ઠ છે.” આ વાક્યને ભાવસાર સાહેબે ચરિતાર્થ કરી બતાવ્યું. જરાય ગુસ્સા કે રોષ વગર વિદ્યાર્થી આગેવાનોને પોતાના આચરણના દ્રષ્ટાંતથી સમજાવીને તેઓ જે રીતે સાચા માર્ગે લઈ આવ્યા તે વાત આજે પણ હું મારા વર્ગમાં “CRISIS MANAGEMENT AND RESOLUTION OF CRISIS” જેવો વિષય ભણાવતો હોઉં ત્યારે મને પ્રેરણા પૂરી પાડે છે. મોટા ભાગે કહેણી અને કરણી જુદી જુદી હોય તેવું મેનેજમેન્ટ ક્યારેય ઊભી થયેલી કટોકટીને સફળતાથી સુલઝાવી શકતું નથી તે વાત આ બનાવે મારા મગજમાં જડબેસલાક ઘુસાડી દીધી છે.
વળી પાછા ધોરણ 8-ક અને અભ્યાસની વાત પર પાછા આવીએ. પ્રવિણકુમાર શામળદાસ પરીખ એટલે કે પી. એસ. પરીખ સાહેબ અમને ગણિત અને વિજ્ઞાન ભણાવતા. “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી” એ સૂત્ર તેમણે આત્મસાત કરી લીધું હતું. એમની ભણાવવાની પદ્ધતિ ખૂબ સારી અને અત્યંત સાહજીકતાથી વિદ્યાર્થીના મગજમાં વાત ઉતારી દે તે પ્રકારની હતી. પોતે મહેનત કરતા અને એમનો વિદ્યાર્થી પણ એટલી જ મહેનત કરે એવી અપેક્ષા રાખતા. ગૃહકાર્ય ન કર્યું હોય અથવા પુનરાવર્તન સમયે કોઈ પ્રશ્ન પૂછે અને ન આવડે તો ગુસ્સે થઈને હાથમાં ડસ્ટર હોય તો ડસ્ટર છૂંટું મારતા. પણ આ ગુસ્સો બહુ લાંબો ચાલતો નહીં. સામાન્ય રીતે તેઓ એક સૌમ્ય અને પ્રેમાળ શિક્ષક હતા. ધોરણ 8-કનું પરિણામ સૌથી સારૂં આવવું જોઈએ અને મારા વિદ્યાર્થીનો દેખાવ શ્રેષ્ઠ હોવો જોઈએ એ લગભગ ઘેલછા કહી શકાય એ હદ સુધીની એમની અપેક્ષા રહેતી. પરિણામે અમારા ક્લાસમાં એક એકથી ચઢે એવાં નંગ એમણે શોધી શોધીને ભેગાં કર્યા હતાં. આ વર્ગમાં મારે માધુભાઈ ચેલદાસ પટેલ, હિંમત જીવણલાલ શાહ, નૂરમહંમદ પોલરા જેવા કેટલાક વિદ્યાર્થીઓ સાથે પરિચય થયો. આગળ જતાં એ પરિચય મૈત્રીમાં પરિણમ્યો. પરીક્ષામાં સારો દેખાવ થાય તે માટે અમે તનતોડ મહેનત કરતા. પણ એ સ્પર્ધામાંથી ક્યારેય ઈર્ષા કે અદેખાઈ ઊભી નહોતી થઈ. હરીફાઈ હતી, પણ નિર્દોષ. હાઈસ્કૂલના આ પહેલા વર્ષ દરમિયાન ઘણું જોવા અને જાણવા મળ્યું. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સરખામણીમાં હવે અમે થોડા મોટા અને પરિપક્વ થયા હતા. સિદ્ધપુર શહેર ઉપરાંત આજુબાજુના ગામડેથી પણ વિદ્યાર્થીઓ એલ. એસ. હાઈસ્કૂલમાં ભણવા માટે આવતા. સિદ્ધપુર શહેર અને તેમાંય ખાસ કરીને ભૂદેવોમાંથી ઘણા બધા એ જમાનામાં અખાડામાં જવાવાળા અને કૂસ્તી લડવાવાળા હતા. ગામડાના વિદ્યાર્થીઓ ખો ખો અને હુતુતુ જેવી રમતોમાં અથવા દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો જેવી વ્યક્તિગત એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં સારો દેખાવ કરતા. આ ઉપરાંત શાળામાં ક્રિકેટ અને વૉલિબોલ રમનાર ખેલાડીઓ પણ હતા. ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓમાંથી વૉલિબોલની એક સરસ ટીમ બની હતી. શ્રી હરેશભાઈ મેવાડા સાહેબ - જે વિજ્ઞાન અને ગણિત શીખવાડતા, ખૂબ સારો વૉલિબોલ રમતા. એમાં પણ નેટ પાસેથી ઊંચે કૂદીને પ્રેસ મારવાની તેમની આવડત અદભૂત હતી. સહેજ ગોરો કહી શકાય એવો ઘઉંવર્ણો રંગ, સપ્રમાણ શરીર અને સિનેમાના એક્ટર જેવી હેરસ્ટાઈલ ધરાવતા મેવાડા સાહેબનું વ્યક્તિત્વ ખૂબ આકર્ષક હતું. તેમનો ભાઈ કમલેશ મારા ક્લાસમાં હતો. તેની સાથે મારે સારૂં બનતું. મેવાડા સાહેબ અત્યંત વિદ્યાર્થીપ્રિય શિક્ષક હતા. કમનસીબે એ બહુ લાંબો સમય એલ. એસ. હાઈસ્કૂલમાં ન ટક્યા. શિક્ષણના વ્યવસાયને કાયમી ધોરણે તિલાંજલિ આપી એ રાજ્ય સરકારના મેલેરિયા વિભાગમાં જોડાયા. શાળાએ એક સારો શિક્ષક અને શાળાની વૉલિબોલ ટીમે એક સારો કોચ અને ખેલાડી ગુમાવ્યો.
મારી બાજુના ક્લાસમાં વર્ગશિક્ષક પ્રેમશંકર વાસુદેવ ઠાકર એટલે કે. પી. વી. ઠાકર સાહેબ હતા. હાઈસ્કૂલમાં નવા નવા દાખલ થયેલા અમે બધા પોતાના મિત્રોને હવે નામને બદલે પહેલી બે ઈનિશિયલથી બોલાવતા હતા. આને કારણે બાબુ ડાહ્યાને બદલે બી.ડી. અને માધા કાળુને બદલે એમ.કે. કહેતા થયા. નવું નવું હતું. આ રીતે બોલાવવામાં મજા પણ આવતી હતી અને કાંઈક અંશે હવે આપણે હાઈસ્કૂલના વિદ્યાર્થી છીએ એવું અનુભવીને પોરસ પણ ચઢતો હતો. મારી બાજુના ક્લાસમાં કે.વી., બી.ડી., પી.વી. (વર્ગશિક્ષક) પોતે અને કે. જે. ઈનિશિયલવાળા પાત્રોને ભેગા કરીને અમે ધોરણ 8-બ માટે વાક્ય બનાવ્યું હતું, “કેવી બીડી પીધી કેજે ?” બહુ સાહજીકતાથી અને નિર્દોષતાપૂર્વક આ વાક્ય માત્ર ઈનિશિયલ્સની ગોઠવણીની રમત કરી બનાવી દીધેલું. આગળ જતાં આ પી. વી. ઠાકર સાહેબનો ભાઈ મહેન્દ્ર એટલે કે એમ. વી. ઠાકર પણ મારો ક્લાસમેટ બન્યો.
અમારા વર્ગના ત્રણ વિદ્યાર્થીઓ માટે મને ખૂબ અહોભાવ હતો. ક્યારેક થોડીક ઈર્ષા પણ થતી. આ ત્રણ વિદ્યાર્થી એટલે કે, શ્રી કિરીટ પ્રભાશંકર ઠાકર, શ્રી રમેશ ચીમનલાલ વાળંદ અને શ્રી નરેન્દ્ર રામશંકર પાધ્યા. કિરીટ છટાદાર ભાષણ આપી શકતો અને શાળાનાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એક કુશળ કલાકાર તરીકે છવાઈ જતો. પ્રમાણમાં દેખાવડો અને ચપળ કિરીટ જ્યારે જ્યારે સ્ટેજ પર આવે ત્યારે હું અહોભાવથી એને જોઈ રહેતો. આંજી નાખે તેવા વ્યક્તિત્વનું કિરીટ ઉદાહરણ હતો જેની બરાબર વિરૂદ્ધ મારૂં વ્યક્તિત્વ હતું. નરેન્દ્ર રામશંકર પાધ્યા અને રમેશ વાળંદ સારૂં ગાઈ શકતા. એસ.સી.એ. (સોશિયલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી) ના પિરીયડ દરમિયાન તેમજ નિશાળના સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન આ બંને પોતાના સૂરીલા કંઠથી કાંઈક ને કાંઈક રજૂ કરતા. રમેશ કઠપૂતળી ફિલ્મનું “બોલ રી કઠપૂતળી ડોરી કૌન સંગ બાંધી રે... સચ બતલા તું નાંચે કીસ કે લિયે ?” ગીત સારી રીતે ગાતો. નરેન્દ્ર અને રમેશે ભેગા થઈને એક કાર્યક્રમમાં કરેલી રજૂઆત, “આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે” સૌને મંત્રમુગ્ધ કરી ગઈ હતી. આ આઈટમ પતી એટલે દર્શકોની તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગાજી ઉઠેલું. આ બંને પણ મારા હીરો હતા.
ક્યારેક તમે નાટક જેવી પ્રવૃત્તિમાં એકદમ ઓતપ્રોત થઈ જાઓ ત્યારે સામાન્ય જીવન વ્યવહારમાં પણ નાટકીય ઢબ પગપેસારો કરી દેતી હોય છે. કિરીટના પિતા શ્રી પ્રભાશંકર કાકા મારા પિતાશ્રીના સારા મિત્ર હતા. કદાચ આ કારણથી મારે અને કિરીટને સારૂં બનતું હશે. પ્રભાશંકર કાકાની લાટી હતી. રજાના એક દિવસે હું એ બાજુથી નીકળ્યો ત્યારે કિરીટને ત્યાં જોયો એટલે લાટીમાં ઘૂસ્યો. બહાર ગાદી ઉપર બેઠા-બેઠા અમે વાતો કરતા હતા. પ્રભાશંકરકાકા અંદરની કેબિનમાં આરામ ફરમાવતા હતા. બરાબર તે સમયે એક ગ્રાહક આવ્યો. એણે પૂછ્યું, “ભાઈ સાંઈઠેક ફૂટ લાંબો વાંસ જોઈએ છે. હશે તમારે ત્યાં ?” ગામડાના ગ્રાહકને કિરીટે નાટકના તક્તા પર હોય તે રીતે અદાથી જવાબ આપ્યો – “સાઈઠ ફૂટ લાંબો વાંસ ?
અને તે પણ આ લાટીમાં.
અશક્ય !, અશક્ય ! !”
પેલો માણસ વિદાય થઈ ગયો હોત, પણ તેટલામાં આ ડાયલોગ સાંભળી પ્રભાશંકરકાકા બહાર આવ્યા. એમણે બાજી સંભાળી લીધી. એક પીઢ વેપારીની માફક પેલા ગ્રાહકને એમણે કહ્યું, - “જો ભાઈ સામે બધા વાંસ પડ્યા છે. તમારે જે સાઈઝનો જોઈએ છે એ એમાંથી જ મળી રહેશે. જાતે પસંદ કરીને લઈ આવો પછી ભાવ કરીએ.”
પેલો ગ્રાહક વાંસનો જે જથ્થો હતો તેમાંથી તેના મતે સાઈઠ ફૂટ જેટલી લંબાઈનો વાંસ લઈ આવ્યો. ભાવ નક્કી કર્યો અને પૈસા ચૂકવી વિદાય થયો. એના ગયા પછી પ્રભાશંકરકાકાએ કિરીટને પણ ઘી-ગોળના બે શબ્દો કહ્યા, જેનો સાર હતો કે “ધંધામાં નાટકીયાવેડા ન ચાલે !”
કિરીટ અમારો હીરો હતો. માણસ તરીકે પણ સરળ. અમે એસ. એસ. સી. સુધી સાથે એક જ વર્ગમાં ભણ્યા. એ સિદ્ધપુર કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયો અને બેંકની નોકરીમાં જોડાયો. ત્યારબાદ ક્યારેક ક્યારેક મળવાનું થતું. સંસારની આધિ – વ્યાધિ અને ઉપાધિએ કિરીટના વ્યક્તિત્વને થપાટો મારીને ધોઈ નાખ્યું હતું. છેલ્લે એ મને મળ્યો ત્યારે અત્યંત કૃશકાય થઈ ગયો હતો. જાણે આ પેલો અમારો રાજકુમાર જેવો કિરિટ જ નહોતો. આજે એ હયાત નથી. એ જ રીતે ભાઈ નરેન્દ્ર પાધ્યા પણ ગ્રેજ્યુએટ થઈને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની નોકરીમાં જોડાયો. ખૂબ નાની ઉંમરે એણે પણ આ દુનિયામાંથી વિદાય લીધી. આ બંને મિત્રોના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે. કદાચ એના દરબારમાં પણ સારા કલાકારોની ખોટ પડી હશે. મારા આ બે મિત્રોને એણે ઉપાડી લીધા.
આઠમા ધોરણમાં અભ્યાસ સારી રીતે આગળ વધી રહ્યો હતો ત્યાં એક દિવસ મારી સ્કૂલની ઑફિસમાંથી મને પંડ્યા સાહેબે બોલાવ્યો. આ પંડ્યા સાહેબ એટલે ઈશ્વરલાલ પંડ્યા. અમારા હેડક્લાર્ક. એમણે મને એક ફોર્મ આપ્યું. એ વખતે દ્વિભાષી મુંબઈ રાજ્ય હતું. ગુજરાતનું અલગ રાજ્ય હજુ બન્યું નહોતું. રાજ્ય સરકાર તેજસ્વી વિદ્યાર્થીઓને હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલ, મુંબઈમાં - હૉસ્ટેલમાં રહીને ભણવા માટેની સ્કોલરશીપ આપતી હતી. સમગ્ર રાજ્યમાંથી સ્પર્ધાત્મક ધોરણે વિદ્યાર્થીઓની પસંદગી થતી હતી. એની પરીક્ષા મુંબઈ રાજ્યનું શિક્ષણ વિભાગ લેતું. જે માટે મુંબઈ જવું પડતું. પંડ્યા સાહેબે મને કહ્યું, “તારે આ પરીક્ષા આપવાની છે.” આમ તો દર ત્રણ મહિને પંડ્યા સાહેબ પાસે મારે ફરજિયાત જવું પડતું. કારણ કે, હાઈસ્કૂલ સ્કોલરશીપની મારી શિષ્યવૃત્તિનો હપ્તો આવે એટલે ચૂકવણી ત્યાંથી થતી. મેં ફોર્મ લઈ લીધું અને આ વળી કઈ નવી પરીક્ષા હશે વિચારતો બહાર નીકળ્યો.
ઘરે આવી આ ફોર્મ મારા બાપાને બતાવ્યું. તેમણે એ જોયા પછી કહ્યું, “પરીક્ષા આપવા જેવી છે. જો પાસ થઈ જવાય તો આ સરસ સ્કૂલમાં મુંબઈ રહીને ભણવાનું મળે. ભવિષ્ય સુધરી જાય.” જો કે, મારી માનો અભિપ્રાય જુદો પડ્યો. તેણે કહ્યું, “એટલે બધે છેક મુંબઈ આ ઉંમરે ભણવા જઈને શું કામ છે ? ઘરમાં પાણીનો પ્યાલો તો હાથે લેતો નથી.” ખેર! હાલ પૂરતું તો આ ફોર્મ ભરીએ પછી આગળ વિચારીશું એવો નિર્ણય થયો. બીજે દિવસે ફોર્મ ભરી પંડ્યા સાહેબને બતાવી દીધું અને સ્કૂલ થકી એને આગળ રવાના કર્યું.