હજુ પરીક્ષાને એક દિવસની વાર હતી. શંકરલાલ પટેલે પરીક્ષા પતી જાય પછીના દિવસે વિધાનસભાની મુલાકાત ગોઠવવાનું આયોજન કર્યું હતું. આમ બીજો દિવસ અમારા માટે ખાલી હતો. આગલા દિવસની માફક જ નાસ્તો-પાણી પતાવી અમે બાપ-દીકરો બેરિસ્ટર સાહેબના નિવાસ સ્થાનેથી બહાર પડ્યા. મુંબઈમાં ચોમાસું વિદાય લઈ રહ્યું હતું. આમ છતાંય ક્યારેક ક્યારેક વરસાદનું એક જોરદાર ઝાપટું પડી જતું. હજુ સુધી એનો અનુભવ નહોતો થયો, પણ અમે લોકલ ટ્રેનમાં બેઠા અને એકાદ સ્ટેશન વટાવ્યું ત્યાં તો જોરદાર વરસાદ તૂટી પડ્યો. “મૂશળધાર વરસાદ કોને કહેવાય ?” એની મારી આખીયે વ્યાખ્યા બદલાઈ ગઈ. જોરદાર વરસાદનું ઝાપટું તો સિદ્ધપુરમાં પણ પડતું હતું, પણ આ વરસાદની સાથે એની કોઈ સરખામણી થાય તેમ નહોતું. આવો જોરદાર વરસાદ પડી શકે એ અનુભવ્યું ત્યારે જ સમજાયું. આમ તો મારા બાપા પાસે છત્રી હતી, પણ અમે બહાર હોત તો હું નથી માનતો એ છત્રી અમને બચાવી શકી હોત. થોડીવારમાં તો આજુબાજુ જ્યાં નજર નાખીએ બધે પાણી થઈ ગયું. વાતાવરણમાં પણ એક ભીનાશભરી ઠંડક પ્રસરી ગઈ. ભેજના કારણે જે બફારો વર્તાતો હતો તેમાંથી મોટી રાહત મળી. આ ઉતરતો ભાદરવો મહિનો હતો. જો બેસતા ચોમાસે આવ્યા હોત તો શું થાત ? એ આજે કલ્પના કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. જો કે, અમારી ટ્રેન દાદર પહોંચી ત્યાં સુધીમાં તો પેલું ઝાપટું પસાર થઈ ગયું હતું અને બહાર વાદળીયો તડકો મુંબઈને ઉજાળી રહ્યો હતો. અમે મુંબઈ સેન્ટ્રલ ઉતરીને ત્યાંથી આજુબાજુ બસ અથવા ટ્રામથી જવાના હતા. દાદર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બહુ સમય ન લાગ્યો. અમે મુંબઈ સેન્ટ્રલ ઉતરી બહાર નીકળ્યા અને તારદેવ તરફનો રસ્તો લીધો ત્યારે જીવનમાં પહેલીવાર મચ્છીમાર્કેટ જોવા મળ્યું. શાકમાર્કેટ પણ ત્યાં જ હતી. જાતજાતની માછલીઓ - કેટલીક લટકાવેલી તો કેટલીક બરફની લાદી પર સુવડાવેલી. એ માછલીબજારમાંથી ઉઠતી તીવ્ર દુર્ગંધ ને કારણે ઘડીભરતો ઉબકો આવી જાય તેવું થઈ ગયું. અમે પહેલી મુલાકાત લીધી મહાલક્ષ્મી મંદિરની. મહાલક્ષ્મી મંદિર ભુલાભાઈ દેસાઈ રોડ પર મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલું મુંબઈનું એક જાણીતું મંદિર છે. લક્ષ્મીદેવીના મંદિરની સ્થાપના હિંદુ વેપારી ધાકજી દાદાજી (1760-1846) દ્વારા 1831માં કરવામાં આવી હતી. મંદિર મહાલક્ષ્મી રેલ્વે સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે છે. મહાલક્ષ્મી આમ તો મુંબઈની સ્થાનદેવી ગણી શકાય. માતાજીના દર્શન કરી અમે બહાર નીકળ્યા. એ વિસ્તારમાં બીજું કાંઈ હતું નહીં એટલે વળી પાછા ટ્રેન પકડી ચર્ચગેટ ભેગા થયા. આ વખતે અમે ગેટ વે ઑફ ઈન્ડિયાથી ઊંધી દિશાનો રસ્તો પકડ્યો. લગભગ 1 થી 1.5 કિલોમીટર જેટલું ચાલ્યા ત્યાં તો વળી પાછા દરિયાલાલનાં દર્શન થયા. સાઈઠના દાયકા સુધીનાં હિંદી પિક્ચરોમાં આ વિસ્તાર ઘણી વખત જોયો હશે. લગભગ દરિયાકિનારાને સમાંતર એક સરખાં કહી શકાય એવાં બાલકનીવાળાં મકાનો આ વિસ્તારને તે સમયે મુંબઈના અતિ સંપન્ન વિસ્તારની છાપ મારે છે. દરિયાને સમાંતર દોડતો રસ્તો અને એ રોડ પર અવિરત ચાલ્યો જતો વાહનોનો પ્રવાહ જોઈને સ્તબ્ધ થઈ જવાયું. દરિયાની પાળીને અને રસ્તાને જોડતી વિશાળ ફૂટપાથ ખૂબ આકર્ષક લાગતી હતી. આ જ રસ્તે આગળ જઈએ તો મુંબઈની વિખ્યાત ચોપાટી આવતી હતી. દરિયા ઉપરથી આવતો પવન સૂસવાટા મારતો હતો. બપોરની ભરતી હજુ પૂરેપૂરી શમી ન હતી એટલે દરિયાના મોજાં કિનારાની આ દિવાલ સાથે ટકરાઈને નાનાં-નાનાં જળબિંદુઓમાં પરિવર્તિત થઈ ખૂબ આછું ભીંજવતા હતા. થોડોક સમય દરિયાનું આ સ્વરૂપ આખું ને આખું સ્મરણ પર અંકિત કરી દેવું હોય એ રીતે જોયા કર્યું. દૂરદૂર સ્ટીમરો દેખાતી હતી. નાની મછુઆર અને મોટરબોટ આ સપાટી પર સરકી રહી હતી.
થોડે આગળ વધ્યા ત્યાં જમણી બાજુ એક બિલ્ડિંગ જોયું. ઘણા લોકોની અવરજવર ઉપરથી લાગ્યું કે, આ કોઈ જોવા જેવી જગ્યા છે. બિલ્ડિંગ ઉપરનું બોર્ડ વાચ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, આ તો મુંબઈનું સૌથી જૂનું 1951માં સ્થપાયેલ તારાપુરવાલા માછલીઘર હતું. અમે રસ્તો ઓળંગી એ તરફ જવા માટે પ્રવૃત્ત બન્યા. કોઈ માછલીઘર અથવા વિવિધ પ્રકારની જીવતી માછલીઓ જોવાનો મારા માટે આ પહેલો પ્રસંગ હતો. પ્રવાસ એ ખૂબ મોટો શિક્ષક છે એવું કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે. સરસ્વતી નદીના વહેતા પાણીમાં તરતી નાની-નાની માછલીઓની સરખામણીમાં અહીંયા 300 કરતાં પણ વધારે જાતની માછલીઓ હતી. આ માછલીઓમાં ખારા તેમજ મીઠા પાણીની માછલીઓ હતી. પંદર-વીસ માણસોનું ટોળું થાય એટલે માછલીઘર વિશે સમજ આપતો ભોમીયો હીંદી ભાષામાં સમજાવતો. માછલીઓની અનેક જુદી જુદી પ્રજાતિઓ અને તેમાંય શાર્ક તેમજ વ્હેલ વિશે એણે રસપ્રદ વાતો કરી જેમાંનું મોટાભાગનું અત્યારે યાદ નથી પણ એક વાત મગજમાં બિલકુલ ચોંટી ગઈ છે. અમને કહેવામાં આવી રહ્યું હતું કે, મીઠા પાણીની માછલી ખારા પાણીમાં જીવતી નથી તે જ રીતે ખારા પાણીની માછલી મીઠા પાણીમાં જીવતી નથી. આવું બીજા જીવોના કિસ્સામાં પણ હશે જ. એક માણસ જ એવો છે જે પરિસ્થિતિને અનુકૂળ બની જીવી નાખવાની ક્ષમતા ધરાવે છે. તારાપુરવાળા માછલીઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે સાંજનો સૂરજ દરિયામાં ડૂબવાની તૈયારી હતી. ખૂબ રમ્ય દ્રશ્ય હતું. અનિમેશ નજરે હું આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. સૂરજદાદા જળરાશીને ખોળે અદ્રશ્ય થઈ રહ્યા હતા.
અમે થોડું આગળ ચાલ્યા એટલે સરસ મજાનો રેતાળ પટવાળો તટ આવ્યો. સાંજ ઢળી ચૂકી હતી. અહીંયાં મુલાકાતીઓ તેમજ પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં હતા. ચોપાટી તો મુંબઈની ઓળખ હતી. દરિયો સારો એવો દૂર ચાલી ગયો હતો. આ રેતમાં આડા પડીને કેટલાક લોકો આરામ કરતા. બાળકો જાતજાતની રમતો રમતાં હતાં. ઊંટ અને ઘોડા જેવાં પ્રાણીઓ પણ સવારી માટે ઉપલબ્ધ હતાં. તમે કદાચ જૉની વૉકર ગાય છે તે ફિલ્મ “પ્યાસા”નું ગાયન –
“સર જો તેરા ચકરાયે,
યા દિલ ડૂબા જાયે,
આજા પ્યારે પાસ હમારે,
કાહે ઘબરાય, કાહે ઘબરાય”
સાંભળ્યું હશે. “પ્યાસા” ફિલ્મ એ જ અરસામાં રિલિઝ થયેલી અને આ ગાયન ખૂબ પ્રચલિત બન્યું હતું.
ચોપાટી ઉપર તેલ-માલિશ ચંપીવાળાઓની ફૌજ પણ જોવા મળતી. એવું કહેવાય છે કે, દિવસરભરનો થાક ઉતારવા માટે કેટલાક ખાસ ચંપી કરાવવા અહીંયા આવતા. ચોપાટી ગયા હોઈએ અને ભેળ ન ખાઈએ એ કેમ ચાલે ? મુંબઈની ભેળનો પહેલો સ્વાદ ચોપાટીએ મને કરાવ્યો. વાળ કરતાં પણ ઝીણી સેવ હોઈ શકે અને તેની સાથે સુંવાળી જેવી કડક પૂરીથી માંડી બાફેલાં બટાકાં અને મમરા સુધીની વસ્તુઓ ભેળવી મીઠી અને તીખી ચટણી તેમજ કાંદા નાખી ભેળ બનાવતા. મુંબઈમાં અમારે બીજો ખ્યાલ ખરચાનો રાખવાનો હતો. ગાડીભાડું તો સરકારે આપ્યું હતું, પણ સહેજે સોએક રૂપિયા બીજો ખર્ચો થશે એમ સમજી મારા બાપાએ આમ-તેમથી જે કાંઈ હતું તે પૈસા ભેગા કરેલ એનો મને ખ્યાલ હતો. એટલે સુધી કે, છેલ્લે થોડા ખૂટતા હતા તે ઘટ પૂરી કરવા તાંબા-પિત્તળના વાસણની ફૂટ પણ વેચી આવ્યા હતા.
આ બાબતો તો મારી જાણ બહાર નહોતી. ઘરમાં પૈસો ક્યાંથી અને કેવી રીતે આવે છે તેની સમજણ છોકરાંઓને પણ પડે છે. બાળક જ્યારે જૂએ છે કે, એક એક પાઈ પૈસા માટે એના બાપ અથવા મા-બાપને મજૂરી કરવી પડે છે અને ખાસ્સો પરસેવો પડે ત્યારે પૈસો ઘરમાં આવે છે તે પછી એને બહુ સમજવાનું રહેતું નથી. નાની ઉંમરે જ બાળક પોતાની પહોંચમાં ન હોય એવી વસ્તુઓ તરફથી મ્હોં ફેરવી લેતાં શીખી જાય છે.
આથી ઊલટું જ્યારે ઘરમાં અઢળક પૈસો આવતો હોય અને તે પણ અનીતિના રસ્તે આવતો હોય ત્યારે બાળક પણ બેફામ ખર્ચા કરવાનું બાળપણથી જ શીખે છે.
અમે બાપ-દિકરાએ આઠ આનાની ભેળ લીધી. ચોપાટીની રેતીમાં પલાંઠી વાળીને જમાવ્યું અને છપ્પનભોગ આરોગતા હોઈએ એ રીતે એ ભેળનો સ્વાદ માણ્યો. અહીંયાં બીજો એક નવો શબ્દ શીખવા મળ્યો. કાવડની માફક બનાવેલી બે પલ્લામાંથી એકમાં શિંગ અને બીજામાં શેરડી છોલીને લગભગ એકાદ ઈંચ લંબાઈના ગોળ ટુકડા વેચનાર અમારી બાજુમાંથી “શેંઘાગંડેરી - શેંઘાગંડેરી” એમ રાડો પાડતો પસાર થયો ત્યારે હું તર્ક લગાવીને સમજી શક્યો કે, આ માણસ ગંડેરી શબ્દ શેરડી માટે વાપરે છે. મેં મારા બાપાને પૂછીને ખાતરી કરી તો હું સાચો હતો.
ચોપાટી ભેળપૂરીની સાથે આઈસક્રીમ અને કૂલ્ફી તેમજ સરસ મજાના પાન માટે પણ પ્રખ્યાત છે. આમારા કોર્સ બહારની આ વસ્તુ હતી એટલે “જો મિલા ઉસે હી મુકદ્દર સમજ લીયા” માની સંતોષપૂર્વક આગળ વધ્યા. ત્યાંથી ચાલતાં ચાલતાં થોડે દૂર જ ખૂબ પગથિયાંવાળું એક શિવાલય છે. આ શિવાલય તે મુંબઈનું પ્રખ્યાત બાબુલનાથ મંદિર. અમે ત્યાં પહોંચ્યા ત્યારે સાંજના દર્શન માટેની અવરજવર ચાલુ હતી. બાબુલનાથના મંદિરનો પણ એક ઈતિહાસ છે. તે વખતે પુજારીજી પાસેથી થોડુંક જાણ્યું હતું, પણ આજે આ લખું છું ત્યારે બાબુલનાથના મંદિર વિશેની માહિતી મળી રહે તે હેતુથી ખાસ ચીવટ રાખીને નેટ ઉપર ઉપલબ્ધ માહિતી મેળવી છે જે મુજબ –
એક સમયે આ મુંબઈનું ઊંચામાં ઊંચું સ્થળ ગણાતું. સાગરની સપાટીથી બાબુલનાથ મંદિરની શિખર સુધીની હાઈટ ૧,૦૦૦ ફીટની હતી. ૧૯૬૦માં વીજળી પડવાથી શિખરના ઉપરના ભાગને નુકસાન થયું એ પછી તેની ઊંચાઈ એકાદ માળ જેટલી ઓછી કરવામાં આવી. લોકવાયકા મુજબ ગુજરાતના રાજા ભીમદેવે ૧૨મી સદીમાં અહીં શિવસ્થાપન કર્યું હતું. સમય જતાં મૂર્તિ અને મંદિર ભૂમિગત થઈ ગયાં. આ જમીન પર બબૂલ વૃક્ષો ખૂબ હતાં. ૧૭૮૦ની સાલમાં પાંડુરંગ નામના ધનિક અને ઘાસચારા માટે વપરાતી આ જમીનના માલિકને અહીં શિવલિંગ હોવાના સમાચાર મળ્યા. ગણેશ અને હનુમાનની મૂર્તિઓ પણ મળી. તે જ વર્ષે આ ટેકરી પર શિવમંદિરની રચના થઈ. આ મંદિરમાં શરૂઆતમાં ભાવકોની આવનજાવન મર્યાદિત રહી. વર્ષો સુધી એ સાધુબાવાઓ માટેનો મુકામ રહ્યું. આજે પણ મંદિરનાં પગથિયાં ચઢતાં વચ્ચેના સ્તરે ગુફાઘરોમાં રહેતા સાધુઓ જોવા મળે છે. ૧૮૮૦માં પારસીઓ સાથેના જમીનવિવાદમાં સફળતા મળ્યા પછી મુંબઈના ગુજરાતી શ્રેષ્ઠીઓ તથા વડોદરાના મહારાજા ગાયકવાડે ૧૮૯૦માં આ મંદિરનું પુન:નિર્માણ કર્યું ત્યારથી અહીં નિયમિત પૂજા-અર્ચના થાય છે અને બારેમાસ શ્રદ્ધાળુઓની ભીડ રહે છે.
મહાલક્ષ્મી મંદિર છે એ જ રીતે બાબુલનાથ, સિદ્ધિવિનાયક અને બાણગંગા મુંબઈનાં બીજા ધાર્મિક સ્થાનો છે. બાબુલનાથ અને મહાલક્ષ્મીનાં દર્શન થયાં. આજે દિવસ હતો શિવ અને શક્તિના આશીર્વાદ લેવાનો અને એમાંય બાબુલનાથના મંદિર સાથે તો હું જ્યાંથી વતો હતો તે સિદ્ધપુર ઉપર શાસન કરનાર બે બે રાજવીઓ બારમી સદીમાં રાજા ભીમદેવ અને ત્યારબાદ 1890માં શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ બંને નામ જોડાયેલાં છે. બાબુલનાથના દર્શનનો લ્હાવો અદભુત હતો. ત્યાંથી દૂર દૂર સુધી મુંબઈના ઘણા બધા વિસ્તારો દેખાતા હતા. રાતનાં અંધારા અવની ઉપર ઉતરી આવ્યાં હતાં, પણ મુંબઈ તો ઝળહળાટ રોશનીથી ઝળકી રહ્યું હતું. અદભુત નઝારો હતો આ. મુંબઈના બદલાતા જતા સ્વરૂપો – ગઈકાલે ગેટ વે ઑફ ઈન્ડિયા, આજે ચોપાટીનો સૂર્યાસ્ત અને અત્યારે બાબુલનાથથી દ્રષ્ટિગોચર થતું ઝળહળતું મુંબઈ. આ શહેર માટે એવું કહેવાતું કે, મુંબઈ ક્યારેય ઊંઘતું નથી. એના રસ્તાઓ પર હંમેશાં ચહલ-પહલ રહે છે. ઋતુ બદલાય તેમ અથવા પછી રાત-દિવસ કે સાંજ-સવાર મુંબઈનો દબદબો, એની રોનક આંખોને આંજી દે છે. એક એવા કુટુંબનો વિદ્યાર્થી કે જેના ઘરમાં વીજળી તો ઠીક, પણ કેરોસીન વધારે ન વપરાઈ જાય તે માટે ફાનસ પણ જવલ્લે જ સળગાવાતું હતું. એની નજર સામે એક જાદુઈ નગરી જેવી અદભુત દુનિયા અચાનક આવી ઊભી હતી. બાબુલનાથના મંદિરના પ્રાંગણમાંથી જ્યારે એણે બહાર નજર નાખી તો જાણે કે આ નગરી એને બોલાવી રહી હતી, “ચાલ્યો આવ.... અહીં બધું જ છે, જે વ્યક્તિ જે કાંઈ ઈચ્છે એને મળી રહે છે. જો તક્દીર હોય તો ! ”
આવતીકાલ તક્દીરને તરાશવાનો દિવસ હતો.
સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના મહાલયસમા મકાનામં મારે પરીક્ષા આપવાની હતી.
શું પુંછાશે ? શેની પરીક્ષા લેશે ? કશો જ ખ્યાલ ન હોતો.
અમાસની રાત્રે આંખે પાટા બાંધીને ઘાસની ગંજીમાંથી સોય શોધવાનું કામ મારે કરવાનું હતું.
આમેય અત્યાર સુધી તૈયારી કરીને કોઈ પરીક્ષા મેં આપી નહોતી.
આ વખતે પણ કોઈ જ તૈયારી નહોતી કરી.
જોઈએ...
પડશે તેવા દેવાશે
આથી વધુ વિચારવાની કોઈ આવડત પણ નહોતી અને સમજ પણ નહોતી.