ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)
અફઘાનિસ્તાન પર તાલિબાનના શાસનને ૧૫ ઓગસ્ટના રોજ બે વર્ષ પૂરા થયા. આ દરમિયાન તેમના લાંબા સમયના સાથી અને પાડોશી પાકિસ્તાન સાથે સંબંધો વધુને વધુ વણસેલા દેખાય છે. અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાનના આદિવાસી વિસ્તારમાં થયેલા ઘાતક હુમલા માટે ઈસ્લામાબાદ કાબુલને દોષી ઠેરવે છે. જુલાઇના અંતમાં બાજૌર જિલ્લામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ૫૪થી વધુ લોકો માર્યા ગયા હતા. ISIS સાથે સંકળાયેલી ISKP (અથવા ISIS-K) દ્વારા એની જવાબદારી લેવામાં આવી હતી. પાકિસ્તાને તાલિબાન વહીવટીતંત્ર પર આરોપ મૂક્યો છે કે તે સરહદ પાર કરી પાકિસ્તાનમાં આતંક ફેલાવતા સશસ્ત્ર જૂથોને નિયંત્રિત કરવા માટે પૂરતી કાર્યવાહી નથી કરી રહ્યું.
પાકિસ્તાનના તત્કાલીન વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે જો અફઘાન સત્તાવાળાઓ કાર્યવાહી નહીં કરે તો અમે પોતાનો બચાવ કરવા આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાર્યવાહી કરીશું, જેમાં અફઘાનિસ્તાનમાં અંદર ઘૂસી કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાની સેનાના વડા જનરલ સૈયદ અસીમ મુનીરે પણ બાજૌર હુમલા પછી તેને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે હાનિકારક ગણાવીને પાકિસ્તાનની ધરતી પર હુમલા કરવામાં અફઘાન નાગરિકોની સંડોવણીની નિંદા કરી હતી. તેમણે ધ્યાન દોર્યું કે અફઘાન ભૂમિ પરથી થતા હુમલાઓ તાલિબાન અને અમેરિકા વચ્ચેના ૨૦૨૦ દોહા શાંતિ કરારનું ઉલ્લંઘન છે.
જોકે, તાલિબાન પ્રશાસને પાકિસ્તાની આરોપોનું ખંડન કરવાનું ચાલુ રાખ્યું છે. તાલિબાન વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પોતાની સુરક્ષાને મજબૂત કરવાને બદલે અફઘાનોને દોષી ઠેરવે છે. અમે કોઈને પણ અફઘાનિસ્તાનની ધરતીનો પાકિસ્તાન વિરુદ્ધ ઉપયોગ કરવાની મંજૂરી આપીશું નહીં. જોકે, પાકિસ્તાનના વિસ્તારમાં થતા હુમલાઓને રોકવાની જવાબદારી અમારી નથી.
બંને દેશો વચ્ચેનું આ વાકયુદ્ધ ઝડપથી બગડતા સંબંધોને દર્શાવે છે. પાકિસ્તાનમાં કર્મચારીઓ તેમજ સામાન્ય લોકો પર હુમલાઓ સતત વધી રહ્યા છે. સત્તાવાર માહિતી મુજબ, ખૈબર પખ્તુનખ્વા પ્રાંત, જેમાં બાજૌરનો સમાવેશ થાય છે, ત્યાં ૨૦૨૩માં ૩૦૦થી વધુ હુમલાઓથી થયા છે, જેમાંના મોટાભાગના હુમલાઓ તેહરીક-એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) દ્વારા કરવામાં આવ્યા છે, જે એક પ્રતિબંધિત જૂથ છે. ૨૦૦૭માં અસ્તિત્વમાં આવેલું ટીટીપી વૈચારિક રીતે તો અફઘાન-તાલિબાન સાથે જોડાયેલું છે પરંતુ અલગથી કામ કરતું હોવાનું જણાય છે. તેની ઘણી માંગણીઓમાં, ઇસ્લામિક કાયદાનો કડક અમલ, સરકારી કસ્ટડીમાંના તેના સભ્યોની મુક્તિ અને ખૈબર પખ્તુનખ્વાના ભાગોમાં પાકિસ્તાની સૈન્યની હાજરી ઘટાડવાની માંગ સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ૯૦ ટકાથી વધુ હુમલા TTP સાથે જોડાયેલા હતા. પાકિસ્તાનને અપેક્ષા હતી કે તાલિબાન સરકાર ટીટીપી પર કાર્યવાહી કરશે, પરંતુ તાલિબાન તેમ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ISKP પાકિસ્તાનના આદિવાસી સરહદી વિસ્તારોમાં મજબૂત બની રહ્યું છે.
તત્કાલિન સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના નેતૃત્વમાં એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ ફેબ્રુઆરીમાં વાટાઘાટો માટે કાબુલ ગયું હતું ત્યારબાદ મે મહિનામાં અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ઇસ્લામાબાદની મુલાકાતે આવ્યા હતા. પરંતુ ચર્ચાઓનો કોઈ અર્થ સર્યો નહોતો. ટીટીપી દ્વારા એકલા જુલાઈ મહિનામાં ૯૦થી વધુ હુમલાઓ કરવામાં હતા.
પાકિસ્તાન પ્રાદેશિક સુરક્ષાના પડકારોને પહોંચી વળવા માટે અમેરિકાની મદદ લઈ રહ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડનું નેતૃત્વ કરી રહેલા જનરલ માઈકલ એરિક કુરિલા સાત મહિનામાં પાકિસ્તાનની બીજી મુલાકાત દરમિયાન ગયા મહિને પાકિસ્તાનના આર્મી ચીફને મળ્યા હતા. પાકિસ્તાની સૈન્યના નિવેદન અનુસાર, અધિકારીઓએ પ્રાદેશિક સુરક્ષા અને સંરક્ષણ સહયોગ સંબંધિત બાબતો પર ચર્ચા કરી હતી.
પાકિસ્તાનના અફઘાનિસ્તાન સાથે જોડાયેલા આદિવાસી પટ્ટામાં હાલ અશાંતિનો માહોલ છે. પાકિસ્તાન માટે TTP ચિંતાનો મુખ્ય વિષય બન્યો છે. અમેરિકા આને આંતરિક મામલો ગણી રહ્યું છે. તાલિબાનો પણ ટીટીપીને પાકિસ્તાનની આંતરિક બાબત તરીકે ખપાવા માંગે છે, ત્યારે તાલિબાન અને પાકિસ્તાન વણસતા સંબંધો જોતાં લાગે છે કે પાકિસ્તાન પોતે જ ખોદેલા ખાડામાં પડી રહ્યું છે.