આમ તો મુંબઈનું અમારૂં કામ પૂરું થયું હતું, પણ મારા બાપાએ આયોજન જ એ રીતે કર્યું હતું કે મુંબઈના જોવાલાયક સ્થળો નિરાંતે થોડા વધુ દિવસ રોકાઈને જોઈ શકાય. લગભગ ચારેક દિવસનો સમય હતો એટલે વધુમાં વધુ જેટલું ફરી શકાય અને જોઈ શકાય તે જોવાનો અમારો ઉદ્દેશ્ય હતો. પહેલી પ્રાથમિકતા વિધાનસભા જોવા માટેની હતી. કારણ કે એ મુલાકાત બીજા દિવસે ચોક્કસ સમયે શંકરભાઈ દ્વારા આયોજીત કરવામાં આવી હતી. અમારે લગભગ અગિયાર વાગે ત્યાં પહોંચવું એવું નક્કી થયું હતું. નિર્ધારિત સમય મુજબ અમે મુંબઈ વિધાનસભા પહોંચી ગયા. ગેટપાસ વિગેરે શંકરભાઈએ આયોજીત કરી રાખ્યું હતું એટલે સરળતાથી અમે આ પરિસરમાં દાખલ થઈ શક્યા. આજનું ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકનો અમુક ભાગ ભેગો મળી તે સમયનું મુંબઈ રાજ્ય બનતું હતું. વિધાનસભાનું સેશન તે સમયે ચાલુ નહતું. ગૃહમાં દાખલ થવા માટેના વિશાળ દરવાજાને ખોલીને અમને અંદર લઈ જવાયા. અંદર એક ચોક્કસ ડિઝાઈન મુજબ ખુરશીઓ ગોઠવેલી હતી. સફેદ ગાદી અને સફેદ ખાદીના કવરવાળી પીઠ સાથેની ખુરશીની સામે એક નાનું મેજ હતું, જેના ઉપર માઈક્રોફોન લગાડેલાં હતાં. સામે થોડાક ઊંચા પ્લેટફોર્મ ઉપર અધ્યક્ષ મહોદયની ખુરશી અને તેની સામે ટેબલ તથા માઈક હતા. એ પ્લેટફોર્મની બરાબર નીચે વિધાનસભાના સચિવ અને તેમનો સ્ટાફ બેસતો હતો એવું કહેવામાં આવ્યું. વિધાનસભાનો આ હૉલ એની સુઘડતા તેમજ બેઠક વ્યવસ્થા વિગેરેને કારણે ખૂબ જ પ્રભાવી લાગતો હતો. વિધાનસભા અંગેની સામાન્ય સમજ પેલા સાથે આવેલા ભાઈએ આપી. વચ્ચે વચ્ચે શંકરભાઈ પણ પૂરક માહિતી આપતા જતા હતા. લગભગ અડધો એક કલાક અમે ત્યાં રોકાયા. આ આખીયે મુલાકાત અત્યંત પ્રભાવિત રહી. આખા મુંબઈ રાજ્યનું શાસન અહીંથી ચાલતું હતું એટલે એક અર્થમાં કહીએ તો અમે રાજદરબારની મુલાકાત લઈ આવ્યા. રાજાઓનું શાસન હતું ત્યારે એક જ રાજા હતા. હવે લોકશાહીમાં આટલા બધા રાજાઓ ભેગા થઈને શાસન ચલાવે છે અને દર પાંચ વર્ષે ફરી પાછા પ્રજા પાસે પોતાનો પટો લંબાવી આપવા માટે જાય છે તે વાત એ સમયે બહુ તથ્યપૂર્ણ લાગતી હતી. આજે આ વિષયને લઈને ખાસ્સો મોહભંગ થયો છે તેમ કહું તો જરાય ખોટું નથી.
વિધાનસભા જોયા બાદ અમે શંકરભાઈથી છુટા પડ્યા. એ દિવસે અમે મુંબઈનો “હેંગિંગ ગાર્ડન” જે મલબાર હિલ વિસ્તારની ઉપરની બાજુએ કમલાનહેરૂ ઉદ્યાનની સામે આવેલ એક બગીચો છે અને “ફિરોઝશાહ મહેતા ઉદ્યાન” તરીકે પણ ઓળખાય છે તેની મુલાકાત લીધી. મુંબઈ આવો અને હેંગિંગ ગાર્ડન ન જાવ તો મુંબઈની મુલાકાત અધૂરી છે તેમ કહેવાય. ખાસ્સી ઊંચાઈ પર આવેલા આ બગીચામાંથી દરિયાનો ખૂબ સરસ નજારો જોઈ શકાય છે. મુંબઈ શહેરની પણ એક ઝલક જોવા મળે છે. અહીંયાં ગમબૂટના આકારનું એક બૂટહાઉસ છે જેની અંદરનાં પગથિયાં થકી છેક ઉપર સુધી જઈ શકાય છે. આ બૂટ હાઉસમાં ત્રણ-ચાર વખત ઉપરનીચે ચડઉતર કર્યું. ખૂબ મજા આવી. એ પછી જ્યારે જ્યારે હેંગિંગ ગાર્ડન જવાનું થયું છે ત્યારે આ બૂટહાઉસે મને આકર્ષ્યો છે. મોટા ન થઈ ગયા હોત તો આ બૂટ હાઉસમાં દાખલ થઈ પગથિયાં ચઢવાની મજા લૂંટી શકાત. ક્યારેક મને મનમાં પ્રશ્ન ઊઠે છે કે, માણસ મોટો શું કરવા થતો હશે ? બાળપણને અલવિદા કહીને એ કેટલું બધું ગુમાવે છે એનો કોઈ અંદાજ મૂકી શકાય એમ નથી. ભલે ઉંમર આપણને મોટા બનાવી દેતી હોય. કારણ કે સમય કોઈના માટે રોકાતો નથી, પણ બાળસહજ નિર્દોષતા અને કુતૂહલ જાળવી રાખવાનું તો આપણા હાથમાં છે ને ? ઘણા બધા અંશે આ બંને અસ્ક્યામતોનો ખજાનો મેં જાળવી રાખ્યો છે. આજે પણ નિર્દોષ બાળકની માફક ખડખડાટ હસી શકું છું અને આયુષ્યવૃદ્ધ એવા વ્યવહારડાહ્યાઓને બાલિશતા લાગે તે રીતે બાળકો સાથે ગમ્મત પણ કરી શકું છું. મને પૂછો તો વધતી ઉંમરે મારામાં બહુ ડહાપણ નથી આવ્યું, પણ સાથોસાથ બાળસહજ નિર્દોષતા અને નાની નાની વાતોમાં ખુશ થઈ જવાની ક્ષમતા ઈશ્વરકૃપાથી હજુ સુધી જળવાઈ રહી છે.
હેંગિંગ ગાર્ડનથી અમે જીજામાતા ઉદ્યાન અને જૂહૂ તરીકે જાણીતા ભાયખલા વિસ્તારમાં આવેલા પ્રાણીબાગ પહોંચ્યા. વચ્ચે ટ્રામ સવારીનો પણ આનંદ માણી લીધો. ઝુ અમદાવાદમાં પણ જોયું હતું, પણ અહીંયાં વનરાજીનું વૈવિધ્ય અને જાળવણી પ્રભાવિત કરી દે તેવી હતી. ત્યાં એક બોર્ડ પર લખેલી વિગતોમાંથી મારા બાપાએ મને જણાવ્યું કે, ડેવિડ સાસૂન નામના એક યહૂદી વેપારીએ આ પ્રાણીબાગ મુંબઈને ભેટ આપ્યો હતો. આ ડેવિડ સાસૂને “ડેવિડ સાસૂન લાયબ્રેરી”, “વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ” અને સુંદર “વિક્ટોરિયા ટાવર” પણ ભેટ આપ્યા હતા. મજા આવી.
એજન્ડા પર બીજું કાંઈ નહોતું એટલે અમે બોરીવલીની વાટ પકડી. બોરીવલી સ્ટેશનથી અમે જ્યાં ઉતર્યા હતા ત્યાં જવાના રસ્તાના નાકે જ મોહન થિયેટર કરીને એક સિનેમાગૃહ હતું. શૉ શરૂ થવાને હજુ પોણો કલાકની વાટ હતી. અમે વળી પાછું બાજુમાં આવેલી એક રેસ્ટોરાંમાં પૂરી-શાક જમ્યા. હવે બરાબર શૉનો સમય થઈ ગયો હતો. “કઠપૂતળી” ચલચિત્ર ચાલતું હતું. ટિકિટબારીએથી લૉઅર ક્લાસની દસ આનાવાળી ટિકિટ લઈ અમે થિયેટરમાં દાખલ થયા. મુંબઈમાં કોઈ થિયેટરમાં ચલચિત્ર જોવાનો મારો આ પહેલો અનુભવ હતો. રાત્રે શૉ છુટ્યા બાદ ઘરે પહોંચ્યા. બેરિસ્ટર સાહેબને કોઈ અગત્યના કેસ બાબત તૈયારી કરવાની હશે એટલે એ જાગતા હતા. એમણે બીજા દિવસે અમને બોરીવલી નેશનલ પાર્ક તેમજ અંધેરીમાં આવેલ હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલ, જેમાં સ્કોલરશીપ મેળવી દાખલ થવા માટે પરીક્ષા આપવા હું આવ્યો હતો તે જોઈ આવવા કહ્યું. બોરીવલી નેશનલ પાર્ક તરીકે ઓળખાતા આ ઉદ્યાનમાં કન્હેરી ગુફાઓ આવેલી છે જે બૌદ્ધ કલા બતાવે છે. અમને કહેવામાં આવ્યું કે, અહીંયા કુલ 109 જેટલી ગુફાઓ છે. મુખ્ય આકર્ષણ લગભગ 23 ફૂટ ઊંચી બૌદ્ધ ભગવાનની પથ્થરમાંથી કોતરેલી મૂર્તિ છે. આ લખું છું ત્યારે મેળવેલ વિગત મુજબ બોરીવલીનો આ નેશનલ પાર્ક 1942માં સ્થપાયો. તેમાં આવેલી કન્હેરી ગુફાઓ બૌદ્ધ કલા દર્શાવે છે. કન્હેરી શબ્દ કૃષ્ણાગિરિ એટલે કે બ્લેક માઉન્ટેન (કાળો પર્વત) પરથી આવ્યો છે. આ ગુફાઓને મોટા બેસાલ્ટના ખડકોમાંથી બનાવેલ છે. મૌર્ય અને કુશાન સામ્રાજ્ય દરમિયાન કન્હેરી એ યુનિવર્સિટી સેન્ટર તરીકે જાણીતું હતું.
વળી પાછા મૂળ વાત પર આવીએ. નેશનલ પાર્કની વનરાજી ચોમાસું હજું હમણાં જ વિદાય લઈ રહ્યું હતું એટલે ઠેકઠેકાણેથી વહેતા ઝરણાં અને ક્યાંક ક્યાંક પડતાં નાના ધોધનો લયબદ્ધ અવાજ એક ગજબની શાંતિનો અનુભવ કરાવતો હતો. ત્યાં ઉગેલી વનરાઈનાં સ્વચ્છ – લીલા પાન સૂર્યપ્રકાશમાં અત્યંત આકર્ષક લાગતા હતા. થોડા અંદર ગયા એટલે એક સ્થળે બાંધેલો નાનો બંધ અને એના ઉપરથી વહી રહેલું પાણી તેમજ જળાશયનું દ્રશ્ય ખુબ સુંદર હતું. આ પાર્કમાં અનેક વખત ફિલ્મોનું શુટીંગ થતું. ભાગ્યે જ કોઈ દિવસ એવો જાય કે જ્યારે અહીંયા કોઈ ફિલ્મનું શુટીંગ ન થતું હોય. કદાચ આ અપવાદ અમારે માટે બન્યો હોય તેમ એ દિવસે કોઈ ફિલ્મનું શુટીંગ જોવાનો મોકો મળ્યો નહતો.
અહીંયાંથી નીકળી અમે અંધેરી હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલ જોવા માટે ગયા. બહુ સાચું કહું તો આ પબ્લિક સ્કૂલ કઈ બલાને કહેવાય અને આમાં દાખલ થવાથી શું ફાયદો થાય ? આવી કોઈ સમજ મારામાં નહોતી. અમે આ સ્કૂલના ભવ્ય પરિસરમાં જઈ પહોંચ્યા ત્યારે મને લાગ્યું કે જાણે કોઈ વિદેશની ધરતી પર ઊભા છીએ. ખૂબ સુંદર અને વિશાળ પરિસર, સરસ મજાનું શાળાનું બિલ્ડીંગ, ફૂટબોલ, ક્રિકેટ વિગેરે માટેનાં એકદમ ઉત્તમ કહી શકાય તેવાં મેદાનો એક સ્કૂલમાં આ બધું હોઈ શકે એવું મને સ્વપ્નેય સૂઝ્યું નહોતું. અહીંયા વિદ્યાર્થીઓને ફરજીયાત હોસ્ટેલમાં રહેવું પડતું અને એ માટેની સુંદર હોસ્ટેલ વ્યવસ્થા પણ હતી. રમત-ગમત ઉપરાંત ઘોડેસવારી પણ શીખવાડતા. આવી સ્કૂલમાં આપણને ભણવા મળશે એ ખ્યાલ માત્રથી રોમાંચિત થઈ જવાયું.
મેં આ લેખ લખતાં આ સ્કૂલની સ્થાપના તેમજ અન્ય વિગતો મેળવી તે મુજબ શેઠ હંસરાજ મોરારજી અને તેમના પત્ની શ્રીમતી બાઈ કબીબાઈ શૂન્યમાંથી સર્જન કરીને અતિ શ્રીમંત બન્યાં હતાં. શ્રી હંસરાજ મોરારજી ગુજરાતમાં પોતાના વતનમાંથી દોરી-લોટો લઈને મુંબઈ આવ્યાં હતાં. મૃત્યુ પહેલાં એમણે ખૂબ મોટી સ્થાવર અને જંગમ મિલ્કતો તેમના પત્ની બાઈ કબીબાઈને વીલ કરીને આપી. તેમને કોઈ સંતાન નહોતું. પોતાના સગાં-સંબંધીઓની સલાહથી બાઈ કવિબાઈએ 1939માં એક ટ્રસ્ટ કરી આ બધી જ મિલ્કત એના નામે કરી દીધી. આ ટ્રસ્ટની રચના પાછળનો એક ઉદ્દેશ્ય પબ્લિક સ્લૂકની સ્થાપનાનો હતો. મુંબઈ રાજ્યનાં તત્કાલિન ગૃહમંત્રી ડૉ. કે. એમ. મુન્શી આ ટ્રસ્ટના ચેરમેન હતાં. હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં પ્રાયમરી, જુનિયર, સિનિયર સ્કૂલનાં વર્ગો ચલાવવામાં આવતા હતા. આજે પણ ગિલબર્ટ હિલની તળેટીમાં લગભગ 50 એકર જમીનમાં પથરાયેલી આ સ્કૂલ શિક્ષણનું એક ઉત્તમ કેન્દ્ર છે. સંપૂર્ણ અંગ્રેજી માધ્યમની આ સ્કૂલ દેશની એક અગ્રગણ્ય પબ્લિક સ્કૂલ ગણાય છે.
સ્કૂલ પરિસરની મુલાકાત બાદ અમે અંધેરીથી ટ્રેન પકડી દાદર પહોંચ્યા અને ત્યાં ઉતરી ચાલતા ચાલતા સિદ્ધિ વિનાયક ગણેશજીનાં દર્શન કર્યાં.
પછીના દિવસોમાં કેટલાક સિદ્ધપુરના વતની હોય એવા અથવા મારા બાપાથી પરિચિત હોય એવા કુટુંબોની મુલાકાત લેવા હું ગયો. આમાં મુખ્યત્વે બાણગંગા-વાલ્કેશ્વર ખાતે રહેતા શ્રી નારાયણજી આદિત્યરામ પાધ્યા અને એ જ મકાનમાં રહેતા સ્વાતંત્ર્ય સેની શ્રી છોટુભાઈ પંડિતના કુટુંબી બાબુલાલ પંડિત (ઈન્દુભાઈ)નો સમાવેશ થતો હતો. નારાયણજી પાધ્યાના પિતાશ્રી આદિત્યરામ પાધ્યાએ સંન્યાસ લીધો હતો. ઉપલબ્ધ માહિતી મુજબ, બિંદુ સરોવરમાં દાખલ થતાં જ તેમની સમાધિ આવેલી છે. નારાયણજી પાધ્યા આદમજી પીરભાઈ એન્ડ કું.માં નોકરી કરતા હતા અને એમના હસ્ત નેરળ – માથેરાન રેલ્વેલાઈન નંખાઈ હતી. આદરણીય નારાયણજીભાઈ સ્વયંપાકી હતાં અને જીવ્યા ત્યાં સુધી તેમણે પોતે પોતાની રસોઈ કરીને જ ખાધું. 1960 આસપાસ એમણે પણ સંન્યાસ લઈ લીધો. એમની સમાધિ વાલ્કેશ્વર – બાણગંગા ઉપર છે.
એક અન્ય મહાનુભાવ જેમને મારા બાપા ખાસ જાણવા માટે લઈ ગયા હતા તે શ્રી ભાઈશંકરભાઈ દવે હતા. મુંબઈ સરકારે તેમને “જસ્ટીસ ઑફ પીસ” એટલે કે “જેપી”નો ઈલ્કાબ આપ્યો હતો. દેવકરણ નાનજી કંપનીમાં તેઓ વહીવટદાર હતા અને દેવકરણ મેન્શનમાં બીજા માળે રહેતા. સિદ્ધપુરનો કોઈ પણ યુવાન મુંબઈ નોકરી અર્થે જાય તો તેને ઠેકાણે પાડવામાં મદદરૂપ બનતાં. એટલું જ નહીં, પણ એનો પહેલો પગાર ન આવે ત્યાં સુધી નિભાવતા. ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સમાં પણ એમની સારી વગ હતી.
આવું જ એક વિશિષ્ટ વ્યક્તિત્વ જેને મળવાનું હતું તે હતા શ્રી કાન્તિલાલ બળદેવરામ વ્યાસ. મૂળ વિરમગામના વતની. ઈકોનોમિક્સ અને ગુજરાતીમાં એમ.એ. કરી એમ.ટી.બી. કૉલેજ સુરતથી લેક્ચરર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ડૉ. કે. બી. વ્યાસ કાકા એલ્ફીસ્ટન કૉલેજ મુંબઈમાં 23 વરસ સુધી ગુજરાતી વિભાગના વડા રહ્યા. 60ના દાયકાની મધ્યમાં તેઓ એમ.એન. કૉલેજ, વિસનગરના પણ પ્રિન્સિપાલ હતા. એમનાં પત્ની વિદ્યાબેન મારી માને કાંઈક સગાં થતા હતાં. એટલે હું એમને વિદ્યામાસી કહેતો. ખૂબ જ વિદ્વાન કાન્તિકાકા માયાળુ પણ એટલા જ હતા. વિદ્યામાસી પણ ખૂબ જ માયાળુ. એ દિવસે આગ્રહ કરીને સાંજનું ભોજન એમના ત્યાં જ રાખ્યું અને ખૂબ પ્રેમથી જમાડ્યા.
શ્રી કાન્તિલાલ શર્મા. એમના પત્નીનું નામ અન્નપૂર્ણા માસી. મૂળ વિરમગામના વતની. વાલ્કેશ્વરમાં સુભદ્રા મેન્શન બિલ્ડીંગમાં એમનું ભવ્ય અને સુવિધાપૂર્ણ ફ્લેટ હતો. મૂળ વિરમગામનાં વ્યાસ પણ કોઈ કારણસર શર્મા અટક લખવાનું ચાલુ કરેલું. મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ખૂબ સક્રિય અને પ્રમુખપદ સુધી પહોંચેલા મોરારજીભાઈ દેસાઈ અને સદોબા પાટીલથી માંડી અનેક સિનિયર આગેવાનો એમના ત્યાં આવે. પ્રભાત પેટ્રોમેક્સ અને સ્ટવ બનાવતી કંપનીમાં તેઓ ભાગીદાર. ખૂબ સંપન્ન પરિવાર. એમના ત્યાં સવારના સમયે જવાનું થયેલું અને અન્નપૂર્ણા માસીએ ખૂબ આગ્રહ કરીને જમાડ્યા બાદ જ અમને ત્યાંથી વિદાય થવાની મંજૂરી આપેલી. શર્માજી એ જમાનામાં ખૂબ મોટા માણસ હતા.
તે દિવસે સાંતાક્રૂઝ ઉતરી એરપોર્ટ પર પણ ગયા. અત્યારે છે એવી કોઈ ચહલપહલ નહોતી. એરપોર્ટના પહેલા માળેથી અગાસીમાં જઈ ખૂબ નજદીકથી બધું જોઈ શકાતું હતું. લગભગ દોઢેક કલાક ત્યાં ગાળ્યો. અમદાવાદનું એરપોર્ટ જોયા બાદ આ બીજા એરપોર્ટની મારી મુલાકાત હતી.
મુંબઈની મુલાકાતનો આ છેલ્લો દિવસ હતો. અમે એ મનભરીને માણ્યો.
બીજા દિવસે સાંજની એક્સપ્રેસ ગાડીમાં અમદાવાદ માટે નીકળવાનું હતું. બે આઈસ હલવાનાં પેકેટ સિવાય મુંબઈથી કોઈ ઝાઝી ખરીદી કરી ન હતી. રાત્રે અમારો સામાન બરાબર ગોઠવી દીધો, જેથી બીજા દિવસે અડધો-પોણો દિવસ મુંબઈ દર્શનમાં વિતાવી શકાય. ઘણું બધું જોવાઈ ગયું હતું. આમ છતાં જૂહૂ બીચ રહી જતું હતું જે અમે બીજા દિવસે જોઈ નાખ્યું. બપોર બાદ ઘરે આવી સામાન બાંધી બેગ-બિસ્તરાં લઈને અમે બોરીવલી સ્ટેશને જવા નીકળ્યાં. બેરિસ્ટર સાહેબને ચરણ સ્પર્શ કરી પગે લાગ્યો અને આટલા દિવસોમાં જેમની સાથે ખાસ્સી આત્મીયતા બંધાઈ ગઈ હતી તે મહારાજ તેમજ સહાયક/રામા વિગેરેને “આવજો” કહી અમે બોરીવલી સ્ટેશનનો રસ્તો પકડ્યો.
મુંબઈની મારી પહેલી મુલાકાત પૂરી થવા આડે માત્ર ગણતરીની મિનિટો રહી હતી. અમે પ્લેટફોર્મ પર પહોંચ્યા એની થોડી વારમાં જ અમદાવાદ એક્સપ્રેસનું એન્જિન ધમધમાટ કરતું પ્લેટફોર્મમાં પ્રવેશ્યા. અમારી પાસે કોઈ રીઝર્વેશન હતું નહીં. જો કે, ગાડીમાં ગીરદી પણ ખાસ નહોતી. અમે સામાન વિગેરે ગોઠવીને જગ્યા લીધી એટલી વારમાં તો ગાડી ઉપડી.
બોરીવલીનું પ્લેટફોર્મ છુટી રહ્યું હતું.
આ એ બોરીવલી હતું જેણે મારી મુંબઈની પહેલી મુલાકાતમાં મને સરસ મજાની આશરો આપ્યો.
બેરિસ્ટર સાહેબના ઘરે રહીને દસ દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી.
મુંબઈ આખું લગભગ ફરી લીધું.
મેં પણ નહોતું કલ્પયું કે આવડા મોટા મુંબઈમાં મારા બાપા આટલું બધું દેખાડશે.
અમે બંનેએ બાપ-દીકરા તરીકે અને સહપ્રવાસી તરીકે મુંબઈથી પરિચિત થવાનો આ પ્રવાસ ખેડ્યો.
મારા બાપા સાથે આટલું લાંબુ એકલા રહેવાનો આ પહેલો પ્રસંગ હતો.
મુંબઈનો પરિચય તો થયો જ.
પણ એથીયે વધુ મારા બાપાનો પરિચય થયો.
બાપા પણ માયાળુ હોઈ શકે એ પ્રત્યક્ષ પાઠ મુંબઈએ મને શીખવાડ્યો.
પાઈ-પાઈ પૈસાની કસકસર કરનાર
પેટે પાટા બાંધીને કહી શકાય તેવી આર્થિક ભીડમાં જીવનાર
મારા બાપા મુંબઈમાં મને તાતા-બિરલા કરતાં પણ મોટા લાગ્યા.
હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલનું જે થવાનું હશે તે થશે.
જિંદગીની પબ્લિક સ્કૂલે મને મારા બાપા વિશે ઘણું ભણાવ્યું.
કદાચ, મારી પહેલી મુલાકાતની મુંબઈએ મને આપેલ આ મોટી ભેટ હતી.
ગાડી હવે ગતિ પકડતી જતી હતી .
બોરીવલીના દીવા પાછળ છૂટતા જતા હતા.
વિરાર આવ્યું અને ગયું.
આંખો હવે ઘેરાવવા માંડી હતી.
પણ બરાબર ત્યાંજ...
ધમ ધમ ધમ અવાજથી જાણે કે વાતાવરણ ગાજી ઉઠ્યું.
અમે વસઈની ખાડીના પૂલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
કદાચ મુંબઈ સાથેનો આ છેલ્લો તાંતણો બે-પાંચ સેકન્ડમાં તૂટી જવાનો હતો.
ફરી આવવાનું થશે કે કેમ ?
આ બધા તર્કવિતર્ક કરતાં કરતાં આંખ મિચાઈ ગઈ.
કદાચ ઊંઘમાં પણ મારા મ્હોં પર મુંબઈની આ પહેલી મુલાકાતનાં મીઠાં સંભારણાનું સ્મિત મલકી રહ્યું હોય તો નવાઈ નહીં.
જાગ્યો ત્યારે ટ્રેન અમદાવાદના પ્લેટફોર્મ પર પ્રવેશી ચૂકી હતી.