દાંતા સ્ટેટ સમયથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાની પૂજા કરે છે

પૂજા કરવા માટે ભટ્ટજીએ દીક્ષિત બનવું પડે છે

 

અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી ૫૧ શક્તિપીઠોમાંનું એક છે. ‘તંત્ર-ચુડામણી’માં આ ૫૧ શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. પુરાણના ઉલ્લેખ મુજબ દક્ષ પ્રજાપતિએ ‘બુહ્સ્પતિક’ યજ્ઞ કરેલો, જેમાં પોતાના જમાઈ ભગવાન શંકરને નિમંત્ર્યા ન હતા. તેમના વિરોધ છતાં દક્ષપુત્રી સતીદેવી ત્યાં ગયા. જ્યાં પિતાના મુખે પોતાના પતિની નિંદા સાંભળી યજ્ઞકુંડમાં પ્રાણ ત્યજી દીધો. ત્યારે ભગવાન શિવે સતીદેવીનો નિશ્ચેતન દેહ જોઈ તાંડવ કર્યું. સતીદેવીને ખભે લઈ ત્રિલોક ઘૂમવા લાગ્યા ત્યારે સૃષ્ટિ નાશ થશે તેવા ભયથી વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી સતીદેવીના ટુકડા કરી પૃથ્વી પર આંતરે-આંતરે વેરાવી દીધા. આ શરીરના તથા આભૂષણના ભાગ ૫૧ સ્થળે પડ્યા જ્યાં દરેક જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે કારણકે અહીં માનું હ્રદય પડ્યું હતું.

અંબાજીમાતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે. વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે. અહીં મૂર્તિના સ્થાને વિસાયંત્રની પૂજા થાય છે. આરસની તકતી ઉપર સુવર્ણ જડિત યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ, વાઘ, હાથી, નંદી, ગરૂડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે જેથી માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર કર્મ પૃષ્ઠવાળું સોનાનું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. યંત્ર સ્થાન નજરથી જોવાનો નિષેધ હોય આંખે પાટા બાંધી યંત્ર પૂજા કરવામાં આવે છે. દર મહિનાની આઠમે યંત્રની પૂજા થાય છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. મંદિરની સામેની બાજુમાં ચાચરચોક આવેલો છે. અંબાજી માતા ચાચરના ચોકવાળી માતા તરીકે પણ જાણીતા છે. અહીં ચોકમાં હોમ હવન કરાય છે.

પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના સંઘ પગપાળા તેમજ વાહનો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાદરવી પુનમના દિવસે અહી મેળાનું આયોજન થાય છે. અંબાજી ગામ શણગાર સજે છે. આ દિવસે ‘શતચંડી યજ્ઞ’ કરવામાં આવે છે અને માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. અંબાજી દેવસ્થાનની પશ્ચિમ દિશામાં ત્રણેક કિમીના અંતરે ગબ્બર આવેલો છે. આ સ્થળ માતાજીનું પ્રાગટ્ય સ્થળ હોવાની માન્યતા છે. ભાગવતના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રીકૃષ્ણની બાબરી-ચૌલકર્મ વિધિ આ સ્થળે કરાઈ હતી. પગથિયા તેમજ રોપ-વે દ્વારા ગબ્બર પર જઈ શકાય છે, જ્યાં અંખડ દીપ જ્યોત અવિરત ઝળહળે છે. આ જ્યોત અંબાજી મંદિરમાંથી પણ નરીઆંખે જોઈ શકાય છે.

અંબાજી મંદિરનો વહીવટ આઝાદી પહેલાં દાંતા રાજ્ય તરફથી થતો હતો. આઝાદી બાદ દાંતા રાજ્ય ગુજરાતમાં ભળી જતા ૧૯૮૫થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું જેના અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના કલેક્ટરને નિયુક્ત કરાયા છે. જ્યારે વહીવટદાર તરીકે નાયબ કલેક્ટરની નિયુક્તિ કરાય છે.

અંબાજી મંદિરમાં જગત જનની જગદંબાની આરતી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા થાય છે. સ્નાનાદિ વિધિ બાદ આરતી કરવા પહોંચતા ભટ્ટજી મહારાજને અડવા પર નિષેધ છે. સાંજે મશાલચી દ્વારા મશાલ જગદંબાને અર્પણ કર્યા બાદ જ આરતી શરૂ થાય છે. દાંતા સ્ટેટના સમયથી સિદ્ધપુરના ભૂદેવો ભટ્ટજી પરિવારને જ આરતી અને પૂજાવિધિના હક મળેલા છે. સવારે મંગળા આરતી, સાંજે સાયં આરતી, બપોરે મધ્યાહ્ન આરતી થાય છે. વર્ષ દરમિયાન અખાત્રીજથી અષાઢી બીજ સુધી ત્રણ ટાઇમ આરતી કરવામાં આવે છે.

માતાજીનું સવારનું સ્વરૂપ બાળસ્વરૂપે દેખાય છે, મધ્યાહને યુવતી સ્વરૂપે અને સાંજે વૃદ્ધા સ્વરૂપે દેખાય છે. માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં મા દ્રશ્યમાન થાય છે.  

દાંતા સ્ટેટ સમયથી એટલે કે આશરે દોઢસો વરસથી સિદ્ધપુરના બ્રાહ્મણો અંબાજી માતાના ભટ્ટજી પૂજારી તરીકે નિમણૂંક પામેલા છે. માધવલાલ લલ્લુભાઈ પાધ્યા, છોટાલાલ મંગળજી ઠાકર, રામશંકર મંગળજી ઠાકર, કાંતિલાલ મોહનલાલ ઠાકરના પરિવાર પૂર્વજોનો વારસો સંભાળી આજે પણ પૂજાવિધિ કરી રહ્યા છે. આ પૂજામાં રહેતા ભટ્ટજી મહારાજ એમના પરિવાર સાથે રહેતા નથી એવી એમની પરંપરા રહેલી છે. આવી જ પરંપરા બદ્રીનારાયણ મંદિરમાં પણ છે. માતાજીની પૂજા દીક્ષિત પૂજારી ભટ્ટજી પરિવારવાળાને ગુરુ પરંપરા પ્રમાણે દીક્ષા મળ્યા પછી જ માતાજીની પૂજા કરવાની છૂટ મળે છે.   


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles