Thursday, July 9, 2015

છેલ્લા થોડા દિવસો બાકી હતા. વડોદરાના મારા વસવાટ દરમિયાન ઘણા બધા લાગણીના તાણાંવાણાં ગૂંથાયા હતા. જ્યાં એ ગૂંથાયા એમાંનું એક મોટું કેન્દ્ર હતું પંચમુખી મહાદેવની પોળ પાસે અમદાવાદી પોળનું બસ સ્ટેન્ડ. હું બે વરસ માટે વડોદરાથી દૂર મુંબઈ ગયો એ સિવાયનું લગભગ સાત આઠ વરસનું મારા મિત્રમંડળ માટેનું એ મિલનસ્થાન. એકવખત અમદાવાદી પોળના અમારા આ સમૂહ મિલનમાં હાજરી ન પૂરાવીએ તો ચેન ન પડે. સરળ ગુજરાતી ભાષામાં કહીએ તો ખાવાનું ન પચે. અમદાવાદી પોળ એ પાંચ પોળ તરીકે ઓળખાતા આ વિસ્તારનું હૃદય હતું. થોડે દૂર જ ટાઉનહોલ અને થોડા આગળ જાવ એટલે સુરસાગર. અમદાવાદી પોળથી સ્ટેશનની બસ પણ દોડે અને વાડી કે માંડવીથી સ્ટેશન જતી બસો પણ અહીં ઉભી રહે. આ કારણથી અવર-જવર માટે પણ આ અનુકૂળ જગ્યા. બધા મિત્રો ભેગા થઈએ, ટોળટપ્પાં ચાલે, ક્યારેક ટાઉનહોલની બાજુમાં જ આવેલ ઉદ્યાનમાં કોઈ નેતાનું ભાષણ હોય તો એ પણ સાંભળવાની અનુકૂળતા. આજુબાજુ ઓછામાં ઓછા અડધો ડઝન જેટલાં થિયેટર અને નાની મોટી અનેક દુકાનોથી ધમધમતા આ વિસ્તારની એક અલગ રોનક અને ખૂમારી હતી. અમારા મિત્ર અને સહાધ્યાયી હરીશ ઉપાધ્યાયનું ઘર પણ પંચમુખી મહાદેવની પોળમાં એટલે બાજુમાં જ. હરીશના પિતાશ્રી ભવાનીશંકરભાઈ ઉપાધ્યાય વડોદરાના એક સિદ્ધહસ્ત અને અતિપ્રસિદ્ધ દસ્તાવેજ લખનાર તરીકે આખા શહેરમાં ખ્યાતિપ્રાપ્ત. બાજુમાં જ થોડેક આગળ જઈએ એટલે એ જમાનાના વડોદરાના બેતાજ બાદશાહ ડો. ઠાકોરભાઈનું દવાખાનું આવે. આ ડો. ઠાકોરભાઈ આગળ જતાં ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. એ જમાનામાં વડોદરામાં કહેવાતું કે એ શહેરમાં મામો, ભાણો અને નાનો કરે તે જ થાય. એમની ઈચ્છા વગર કે મરજીથી વિરુદ્ધ પાંદડુ પણ ન હલે. શહેરની રાજનીતિ પર અને જાહેરજીવન પર જબરજસ્ત પકડ ધરાવતી આ ત્રિપુટીમાં “મામો” એટલે સ્વ. મગનલાલ શંકરભાઈ પટેલ, “ભાણો” એટલે ડો. ઠાકોરભાઈ પટેલ અને “નાનો” એટલે શ્રી નાનાલાલ ચોક્સી. વડોદરાના રાજકારણમાં આ ત્રિપુટીનો સૂરજ સોળે કળાએ તપતો હતો. ઘણા લાંબા સમય સુધી આ ત્રણેયનું એકચક્રી રાજ ચાલ્યું. અમે જે યુનિવર્સીટીમાં ભણતા હતા તે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીનાં કેટલાંક હળવા હૈયે નિરાંતના સમયે કોઈક નવરા માણસે કરેલ જુદાં જુદાં નામાભિધાન પણ પ્રચલિત હતા. એમાંનું એક મગન શંકર યુનિવર્સીટી પણ હતું. કેટલાંક બીજાં નામકરણો પણ પ્રચલિત બન્યાં હતાં. જેવાં કે “મેરેજ સેટલમેન્ટ યુનિવર્સીટી” અને “મારા સસરાની યુનિવર્સીટી” ! આમાં છેલ્લા ત્રણ ચાર દાયકામાં બીજાં સંશોધનો ઉમેરાયાં હોય તો ખ્યાલ નથી.

અમદાવાદી પોળના અમારા આ અડ્ડે લગભગ સાંજના સાડા છથી રાતના સાડા નવ દસ સુધી નિર્દોષ મજાકમસ્તી અને દુનિયાભરનાં ટોળટપ્પાં ચાલે. કેટલાક મિત્રો નોકરી કરતા હોય તે ક્યારેક મોડા વહેલા થાય પણ અમે બધા નવરાઓ તો સમયપાલનના ખૂબ આગ્રહી એટલે હાજર જ હોઈએ. આમાં વચ્ચે વચ્ચે કોઈકને પરિક્ષામાં સારા માર્ક આવ્યા હોય, કોઈ નોકરીયાતને પ્રમોશન મળ્યું હોય કે સાવ ક્ષુલ્લક લાગતું કોઈપણ કારણ શોધીને એકાદાને યજમાન બનાવાય. થોડું તો થોડું પણ એ ભાઈના ખરચે સીંગદાણા, વડોદરાની પ્રખ્યાત ચણાદાળ, ચણાજોરગરમ કે પછી સામે જ વિષ્ણુરામની દુકાનેથી લીલો ચેવડો અથવા બાલુભાઈના ખમણની બાદશાહી જાફત ઉડે. એ સમયે આમાં બે રુપિયાનો ખરચો તો અધધ થઈ જતો. આઠ આનામાં મસાલા ઢોંસો અને ચાર આનામાં ઈડલી સંભાર મળતા એવો એ જમાનો હતો. આ રાત્રિસભા વિખેરાય એટલે સ્ટેશનની બસ પકડવાની અને ત્યાંથી પંડ્યા હોટલ ઉતરી લગભગ નવેક વાગ્યાના અરસામાં હોસ્ટેલ ઉપર પહોંચીએ ત્યારે રડ્યા ખડ્યા જમનારા બાકી રહ્યા હોય તે મેસમાં જમતા હોય. આથી મોડું થાય તો મહારાજ સાથે અમારી વણલખી સમજૂતી હતી તે પ્રમાણે થાળી ઢાંકી રાખે. મેસના નોકરોમાં પણ એક બે ખાસ અનુયાયીઓ ઉભા કરેલા જે દર રવિવારે કપડાં ધોઈ જાય અને અમારું ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખે. ત્રણ હોસ્ટેલનાં મેસ એક જ બિલ્ડીંગમાં, એક જ છત નીચે એટલે બાજુની કોઈપણ મેસમાં કોઈ સારી વાનગી કે શાક હોય ત્યારે અમારા આ અનુચરો વાટકી વ્યવહાર માટે પણ કામમાં આવે. આમ અમદાવાદી પોળની અમારી રાત્રિસભા મને લાગે છે કે મારા વડોદરાના વસવાટનું એક ખૂબ મહત્વનું અંગ હતી. આજે જ્યારે જ્યારે ત્યાં ઉભા રહીને ફકીરીની વચ્ચે પણ ભોગવેલી અમીરી અને ક્યારેક સોલ્જરી કરીને માણેલ જાફતો યાદ આવે છે ત્યારે ફરી એકવાર સમયચક્ર પાછું ફરી જાય તો કેવું એ વિચાર મનમાં ઝબકી જાય છે. ખ્યાલ આવે છે આવું નથી થવાનું ત્યારે નિસાસો નાંખી મનોમન બોલી જવાય છે “તે હિ નો દિવસા ગતાઃ” ગયા એ બધા દિવસો !હજુ આજે પણ ક્યારેક એ સ્થળેથી પસાર થઉં છું ત્યારે એ બધા મિત્રોની યાદ આવે છે. આમાંના કેટલાક દૂર દૂર વિદેશની ધરતી પર છે તો કેટલાક પેટીયું રળવા વડોદરા છોડી ગયા છે તો ભાઈ હરીશ ઉપાધ્યાય અને બિપીન તમાકુવાલા જેવા મિત્રો આજે હયાત નથી. આ બધાનું સ્મરણ થાય ત્યારે મનમાં પેલું ગીત જાણે કે સજીવ થઈ ઉઠે છે – “કોઈ લોટા દે મેરે બિતે હુએ દિન....”

અગાઉ લખ્યું તેમ ડો. ઠાકોરભાઈ પટેલનો સૂરજ વડોદરામાં સોળેકળાએ તપતો હતો. એમની સામે ચૂં કે ચાં ન થઈ શકે એ જમાનો હતો. આ સ્થિતિમાં અમદાવાદી પોળના અમારા બસ સ્ટેન્ડે બનેલ એક નાની ઘટના ડો. ઠાકોરભાઈ પટેલને બરાબર નડી ગઈ. બન્યું એવું કે એમનો કોઈ માણસ એમના કૂતચરાને બહાર ફરવા માટે લઈ જતો હતો. કૂતરાને શું સૂઝ્યું કે એણે ત્યાં ફૂટપાથ પર ઉભેલા એક ખૂમચાવાળા ઉપર વગર વાંકે હૂમલો કર્યો. એનો બધો માલ ઢોળાઈ ગયો, કપડાં પણ ફાટ્યાં અને નખના ઉઝરડા પડ્યા. નસીબજોગે કૂતરો કરડી શક્યો નહીં. આ ઘટના ત્યાં ઉભેલા સહુ કોઈને તાજુબ કરી ગઈ, કહો કે હચમચાવી ગઈ. આજે ખૂમચાવાળાનો વારો આવ્યો કાલે આપણો નહીં આવે એની ખાતરી શું? પણ સામે ઠાકોરભાઈ જેવા ધુરંધરને કહેવા જઈ વાઘની બોડમાં માથું કોણ નાંખે? અમારી આ નવરા બટાલીયનમાંથી બે ચાર જણાનું લોહી ઉકળ્યું. એમણે પેલા ફેરીયાને લઈને સીધો ઠાકોરભાઈના દવાખાનાનો રસ્તો પકડ્યો. આ મિત્રો પાંચ પોળ વિસ્તારના જ હતા અને ઠાકોરભાઈના ચૂંટણી અભિયાનમાં પણ પ્રવૃત્ત રહેલા એટલે એમને એવું હતું કે સાહેબ એમની વાત સાંભળશે અને દિલસોજી આપશે. પણ બળ અને સત્તાનું અભિમાન જ્યારે માણસના મગજનો કબજો લઈ લે ત્યારે આવું બનતું નથી. ડોક્ટરે ગુસ્સે થઈ આ રાવ ખાવા ગયેલા યુવાનોને બરાબર તતડાવી નાંખ્યા. પેલો ફેરીયો તો ડઘાઈ જ ગયો. કદાચ કૂતરા કરતાં આ હૂમલો એને વધારે ઘાતક લાગ્યો હશે. પણ સામે યુવાન લોહી એટલે આ મિત્રોએ પણ સામે સંભળાવ્યું કે તમારી ચૂંટણીમાં ઘણી મહેનત કરીએ છીએ એટલે તમે અમને સાંભળશો એ આશાથી આવ્યા હતા. સામેથી સણસણતો જવાબ મળ્યો “તે નહીં કરવાની. આ વિસ્તારમાંથી મારો કૂતરો ઉભો રહે તો પણ કોઈની મજાલ નથી એને હરાવી શકે.” બસ આ વાત ફેલાઈ ગઈ. ડો. ઠાકોરભાઈને ત્યારે ખ્યાલ પણ નહીં હોય કે જે ગાંઠ વાળીને આ યુવાનો પાછા ગયા છે એ એમને ખૂબ ભારે પડશે. આગળની ચૂંટણીમાં “મારો કૂતરો પણ ઉભો રહે તો ચૂંટાઈ આવે” વાક્ય ઠાકોરભાઈ સામે મોટું હથિયાર બનીને અફળાયું. જેની કલ્પના પણ ના થાય તે થયું. ઠાકોરભાઈ હાર્યા. આમાંથી માત્ર એટલો જ બોધ મળે છે કે ગમે તેટલા શક્તિશાળી હોવ, ઘમંડ જેવું મોટું ઘાતક કોઈ નથી. અત્યારે ડો. ઠાકોરભાઈનું આ દવાખાનું ડો. આનંદરાવ સંભાળે છે જે મારી હોસ્ટેલમાં સાથે રહ્યા અને આજે પણ મારા અચ્છા મિત્ર છે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles