આજે આપણે ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિક વ્યવસ્થાના યુગમાં જીવીએ છીએ દુનિયાના કોઈપણ છેડે ઘટતી ઘટનાઓ લગભગ આખી દુનિયાને એક યા બીજી રીતે અસર કરે છે.
આવી ઘટનાઓમાં અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર હોય કે પછી તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવની પરિસ્થિતિ પેદા થઇ છે તે હોય. આપણી અર્થવ્યવસ્થાને આ બધી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક તો દઝાડી જાય છે.
વાત કરીએ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલી.
3 જાન્યુઆરી 2020 ના દિવસે ઈરાનના અતિ મહત્વ ધરાવતા કુદ્ર ફોર્સના સુપ્રીમ કમાન્ડર જનરલ સુલેમાનીની અમેરિકા દ્વારા બગદાદમાં હત્યા કરી નાખવામાં આવી. આ હત્યા અમેરિકાના પ્રમુખ ટ્રંપની મંજૂરીથી કરવામાં આવી હતી.
આ બનાવને કારણે ઈરાન અને ઈરાક ઉપરાંત તે વિસ્તારના તેલ ઉત્પાદક દેશો ઉપર પણ મોટી અસર થઈ છે. ઉપરોક્ત પરિસ્થિતીના પરિપેક્ષમાં આવનાર સમયમાં અત્યારે લથડિયા ખાઇ રહેલી ભારતીય અર્થવ્યવસ્થા પર શું અસર થાય તે અંગે સમજવું જોઈએ.
ભારત પોતાની જરૂરીયાતના ૮૦ ટકા કરતાં વધારે ક્રૂડ ઓઇલ આયાત કરે છે. 2018-19માં આપણી આ જરૂરિયાતના લગભગ ૧૨ ટકા એટલે કે 22.8 મિલિયન મિલિયન મેટ્રિક ટન ઓઇલ ઈરાન પાસેથી આયાત કર્યુ હતું. ઈરાન પાસેથી આયાત કરવાના ફાયદા હતા તેમાંનો પહેલો ફાયદો ઈરાન આપણને 60 દિવસ જેટલી ક્રેડિટ આપતું હતું અને બીજું ચુકવણી રૂપિયામાં કરવાની. પણ આ ફાયદો 2019માં અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે છીનવાઇ ગયો. 2019માં અત્યાર સુધી માત્ર 22.8 એમએમટીને બદલે માત્ર 1.9 એટલે કે આપણી જરૂરીયાતના માત્ર બે ટકાથી પણ ઓછી કરી શકાય એટલી આયાત કરી શકાઈ. આમ ઈરાન આપણું મુખ્ય સપ્લાયર રહ્યું નહીં. સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે તો પછી અમેરિકા ઈરાન વચ્ચેનો ઝઘડો વધ્યા કરે એમાં ભારતને શું નુકસાન થાય?
જવાબ છે, નુકસાન બહુ મોટું થાય ઓઇલની કિંમતોમાં ઘણો મોટો વધારો આવે જે દિવસે જનરલ સુલેમાનીની હત્યા થઈ ત્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 66.10 ડોલર પ્રતિ બેરલ હતો આજે માત્ર ત્રણ દિવસમાં 6 ડિસેમ્બર 2020ના દિવસે ક્રૂડ ઓઈલનો ભાવ 69.6 ડોલર પ્રતિ બેરલ એટલે કે 3.28 ડોલર પ્રતિ બેરલ વધી ગયો. રૂપિયો નબળો પડ્યો અને ડોલર સામે 71.97 રૂપિયાનું તળિયું પકડ્યું.
ક્રૂડની કિંમતમાં એક ડોલર વધે તો ભારતનું આયાત બેલ 10,700 કરોડ વધી જાય. આમ થાય તો ભારતમાં ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં વધારો થાય આને કારણે ટ્રાન્સપોર્ટ અને ઉત્પાદન કિંમત વધે એટલે મોંઘવારી વધે. કરંટ એકાઉન્ટ ડેફિસીટ વધે. નાણાકીય ખાધ એટલે કે ફિસકલ ડેફિસીટ વધે.
કુલ મળીને આ બધાની અસર દેશની આર્થિક વ્યવસ્થાની વૃદ્ધિ ઘટાડામાં થાય. જીડીપી વિકાસદર ઘટે આમેય ભારતનો જીડીપી વિકાસ દર છેલ્લા છ ત્રિમાસિક ગાળામાં ઘટતો રહ્યો છે. ભારતમાં મંદી નહીં પણ મહામંદીમાંથી પસાર થઈ રહ્યું છે. આ મંદી જો આગળ ચાલે તો આપણું શું થાય એ વિચારવાનો વિષય રહે.
જો અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી મર્યાદિત યુદ્ધમાં પરિણામે તો પણ ક્રૂડના ભાવ 85 અથવા એવું કે 100 ડોલર પ્રતિ બેરલ જઈને અટકે કે કેમ એ માત્ર કલ્પનાનો જ વિષય રહે.
ભારતીય અર્થવ્યવસ્થા સિવાય પણ ઈરાન ઈરાક અને અમેરિકાને સંડોવતી વિસ્ફોટક પરિસ્થિતી ચિંતાનો વિષય છે. કારણકે આ ભૂભૌગોલિક ભાગમાં લગભગ 80 લાખ જેટલા ભારતીય નાગરિકો કામ કરે છે. પરિસ્થિતિ વણસે તો ઘણી મોટી સંખ્યામાં આ લોકોને પણ સલામત રીતે દેશમાં પાછા લઈ આવવાનું ભારત માટે જરૂરી બને.
ભારતીય અર્થવ્યવસ્થાને સીધી અસર કરે એવી આ પ્રકારની બાબતો અંગે હવે સરળ હિન્દી ભાષામાં મારું વક્તવ્ય યુટ્યુબ ચેનલ ‘Talking Economics with Dr. Vyas’ પર જોઈ શકાશે. GPSC તેમજ UPSC અને અન્ય પરીક્ષાઓ માટે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને સામાન્ય જનજીવન પર અસર અંગે અધિકૃત રીતે વાકેફ થવા અચૂક મારી યુટ્યુબ પરની પોસ્ટ જુઓ.
ફરીથી એકવાર યુ ટ્યુબ ચેનલ છે ‘Talking Economics with Dr. Vyas’
આ યુટ્યુબ ચેનલ પર લાલ બટન દબાવી રજીસ્ટર કરાવો. જ્યારે જ્યારે વિડીયો મુકાય ત્યારે તરત તમને સંદેશો મળે તે માટે બેલ આઈકાન દબાવવાનું ચૂકશો નહીં.