featured image

૧૪ માર્ચ ૨૦૨૦ની એ સોહામણી સાંજ જ્યારે ૧૯૮૬-૯૦ની બેચ ફેકલ્ટીને એમ્ફિ થિયેટરની ગુરુદક્ષિણા આપે છે.

પહેલા ૧૯૬૬માં સ્નાતક થયેલ બેચનું રિયુનિયન, ત્યારબાદ ૧૯૬૯માં સ્નાતક થયેલ સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, કેમિકલ, ટેક્સટાઇલ અને આર્કિટેક્ચરના સ્નાતકોનું ૧૪-૧૬ ડિસેમ્બર ૨૦૧૯ દરમ્યાન યોજાયેલ પુનર્મિલન અને હમણાં હમણાં બે દિવસ પહેલાં જ શનિવાર ૧૪ માર્ચની ઢળતી સાંજે યોજાયેલા ૧૯૯૦માં સ્નાતક થયેલ સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનું રિયુનિયન. આ ત્રણેયમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું એ જ નિયતીની મોટી મહેરબાની.

આ રીયુનિયન વખતે પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર મેડમ આદરણીયા શ્રદ્ધેય શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની હાજરી અને અધ્યક્ષસ્થાન, વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલભાઈ વ્યાસની આનંદિત કરતી ઉપસ્થિતિ, ડીન પ્રો. અરુણ પ્રતાપની ગૌરવપૂર્ણ હાજરી અને સાથોસાથ એમ. એસ. યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર, પાદરાના સન્માનનીય ધારાસભ્યશ્રી માનનીય શ્રી જીગરભાઈ ઇનામદાર, જેમનું આ સમગ્ર પ્રસંગ ઊભો થાય તે પાછળ મોટું યોગદાન અને એ બધાની સાથે આ જ કોલેજમાંથી ૧૯૯૦માં પરીક્ષા આપી એમ. એસ. યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગના સ્નાતકો બનેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શનિવારની આ અદભુત સાંજનો સમો બાંધતા હતા.

આ પ્રસંગની વિશિષ્ટતા એ હતી કે આ પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીએ ભેગા થઈને જે ફંડ ઉભુ કર્યું તેમાંથી બંધાયેલ એક સરસ મજાનું એમ્ફિ થિયેટરનું લોકાર્પણ થવાનું હતું. આ પૂર્વ વિદ્યાર્થીઓના ઉત્સાહને પ્રેરનાર બે પરિબળ – પહેલું, યુનિવર્સિટી સાથેનું સંકલન અને સાડા સાત લાખ રૂપિયા જેટલી માતબર રકમ વાઇસ ચાન્સેલરશ્રી પાસેથી મંજૂર થાય, બધી વિધિઓ ઝડપથી ઉકેલાય તે માટેનું ચાલકબળ જેણે પૂરું પાડ્યું તે માનનીય શ્રી જીગરભાઈ ઈનામદાર.

આવું જ બીજું પરિબળ એટલે એમ. એસ. યુનિવર્સિટીની ઓફિસ ઓફ અલ્યુમ્ની અફેર્સ એન્ડ ડોનર રિલેશન્સના ડિરેક્ટર (અલ્યુમ્ની) પ્રો. સંસ્કૃતિબેન મઝુમદાર.

‘એક સે એક મિલે તો યારો બન સકતા હૈ પરબત, એક સે એક મિલે તો ઇન્સાં બસ મેં કર લે કિસ્મત’, નયા દૌર ચલચિત્રના આ ગીતની બે પંક્તિઓ ૧૯૮૬-૯૦ની આ બેચ સાર્થક કરી શકી. એક એમ્ફિ થિયેટર જે અત્યાર સુધી ગુજરાતમાં મેં ઘણી બધી જગ્યાએ જોયેલા એમ્ફિ થિયેટરમાં સહજ રીતે પ્રથમ નંબરે મૂકી શકાય તેવું ઉત્તમ સર્જન. અમે ભણતા હતા ત્યારે જે પ્લોટ ખાલી અને ખુલ્લો પડ્યો રહેતો, માત્ર ફેકલ્ટી ડે પૂરતો જ જાણે કે એનો ઉપયોગ મર્યાદિત હતો તે પ્લોટમાં આ એમ્ફિ થિયેટર આજે છીપલીમાં મોતીની માફક શોભી રહ્યું છે.

પ્રશ્ન થાય એમ્ફિ થિયેટર એટલે શું?

એમ્ફિ થિયેટર હવે દેશનાં મોટા ભાગનાં શહેરો માટે ખૂબ જાણીતો શબ્દ બની ગયો છે. એમ્ફિ થિયેટર શબ્દ પ્રાચીન ગ્રીસ - રોમમાંથી આવેલો છે. પ્રાચીન રોમમાં અર્ધ કે લંબગોળાકાર નાટકશાળાઓ હતી જે એકદમ ઓપન હતી. આજે અમદાવાદ સહિત ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પણ એમ્ફિ થિયેટર છે. ઈટલીના રોમમાં આવેલું કોલોસિયમ ફ્લેવિયન એમ્ફિ થિયેટર તરીકે પણ ઓળખાય છે. રોમન સલ્તનતનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર એટલે કોલોસિયમ જે ઈ.સ. પૂર્વે ૭૦-૮૦માં બંધાયેલું છે. રોમન સમ્રાટ વેસ્પેસિયનના વખતમાં એ બંધાયું હતું. ઈ.સ.પૂર્વે ૭૦માં એનું ચણતર શરૂ થયું હતું અને ૮૦માં પૂરું થયું હતું. આ એમ્ફિ થિયેટરની વિશેષતા એ છે કે સિત્તેર હજાર દર્શકો ત્યાં બેસીને મનોરંજન માણી શકે છે. ત્યાં માત્ર નાટકો જ નહોતાં ભજવાતાં એમાં જાહેર તમાશા, જીવસટોસટની બાજીઓ વગેરે ખેલાતા હતા.

ગુજરાતમાં ધોળાવીરા નગરની ઉત્તર તરફ બાકાયદા એક વિશાળ સ્ટેડિમય મળ્યું છે. આજના સ્ટેડિયમની જેમ જ અહીં બહુ સુવ્યવસ્થિત પ્રેક્ષક ગેલેરી છે. એમ્ફિ થિયેટર જેવી ઉતરતા ઢાળમાં પ્રેક્ષકો બેસી શકે કે ઊભા રહીને જોઇ શકે તેવી વ્યવસ્થા છે. નગરનો ભદ્ર વર્ગ તેમના ઉચ્ચ નિવાસોએથી તો સામેની બાજુએ કારીગર કે પછી સૈનિક વર્ગ કે નગરના છેડે વસતા લોકો બીજી બાજુએ મેદાનમાંથી સ્ટેડિયમમાં જોઇ શકે તેવી વ્યવસ્થા છે. અહીં રમતો રમાતી હતી કે સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવાતા હતા કે પછી શરીર સૌષ્ઠવને લગતી અન્ય કવાયતો થતી હતી કે કેમ તે અનુમાનોનો વિષય છે.

આવી સરસ મજાની ચિરંજીવ યાદગીરી ૧૯૮૬-૯૦ની બેચે મારી કોલેજ ફેકલ્ટી ઓફ ટેક્નૉલોજી એન્ડ એન્જિનિઅરિંગને ભેટ ધરી. આ પ્રસંગે એક બાજુ શ્રદ્ધેય ચાન્સેલર મેડમ અને બીજી બાજુ આદરણીય વાઇસ ચાન્સેલરશ્રી વચ્ચે બેસીને જે આનંદ અને ગૌરવનો અનુભવ થયો એનું વર્ણન અશક્ય છે. કાર્યક્રમ ચાલતો રહ્યો, યાદો કી બારાત ઘોડાપૂર બનીને નજર સામેથી પસાર થતી રહી. ૧૯૬૪-૬૯નો એ કાળખંડ, આ જ કોલેજના વર્ગખંડોમાં બેસીને મેળવેલું શિક્ષણ, ધીંગામસ્તી, નો મુડ સ્ટ્રાઈક, ફેકલ્ટી ડેના દિવસે ‘વી વોન્ટ હોલીડે’ની ચીસો ચિચિયારીઓ, વિદ્યાર્થી યુનિયનનાં અમીટ છાપ છોડી ગયેલા ઈલેક્શન, ડિબેટ, ફિશપોન્ડ, મોરેની કેન્ટીનના ચા-સમોસા અને ફ્રૂટ કેક તો ક્યારેક દાંડિયા બજાર બંબાખાના પાસેનું કેનેરા કાફે અને એનું પુના મિસળ... કેટકેટલું ભૂતકાળના અતલ સંસ્મરણોમાં જીવનના આ સુવર્ણ કાળની યાદો બનીને સંકળાયેલું છે. ફરી એને જીવંત થવાની તક આપી તે બદલ થેન્ક્યુ! ૧૯૮૬-૯૦ બેચના મારા સાથી ઇજનેરો, મજા આવી ગઈ. અભિનંદન દોસ્તો, તમે ફેકલ્ટીને જે આપ્યું તે હવે ગમે તે મોટો તીસમારખાં આવે તો નહીં આપી શકે. એમ્ફિ થિયેટર માટેની એ જગ્યા કાયમી ધોરણે તમે ભરી દીધી છે. તમારું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. ફેકલ્ટીને તમે બેજોડ નજરાણું આપ્યું છે. જેટલા ધન્યવાદ તમને આપીએ એટલા ઓછા છે.

કોઈપણ કુટુંબનું વડપણ ગૌરવશાળી અને જવાબદાર હોવું જોઈએ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ ચાન્સેલર મેડમ શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, આપ અમારા સૌનું ગૌરવ છો. આપની ઉપસ્થિતિ માત્ર વાતાવરણને પ્રફુલ્લિત કરી દે છે. આપ ક્યારેય તૈયાર કરેલું વાંચતાં નથી પણ એક મા જેમ અપૂર્વ વાત્સલ્યથી પોતાના બાળકોને સંબોધે એટલા જ પ્રેમ અને લાગણીભર્યુ આપનું સંબોધન હોય છે. અને છતાંય એક ગૌરવશીલ સામ્રાજ્યની સામ્રાજ્ઞી જેવાં આપ શાલીન અને ગૌરવપૂર્ણ રહો છો. સર સયાજીરાવ ગાયકવાડ જેવા રાજવી આ પ્રજાએ કેટલાં પુણ્ય કર્યા ત્યારે મળ્યા હશે. આપ એમનું પ્રતિનિધિત્વ કરો છો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સદભાગી છે. સર સયાજીરાવ ગાયકવાડ જેવા રાજવીએ એનું સ્વપ્ન જોયું અને ત્યારબાદ હંમેશા એને ગૌરવપૂર્ણ ચાન્સેલર પદની છત્રછાયા મળતી રહી.

વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલભાઈ વ્યાસ. ગુજરાતની લગભગ બધી જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને જાણવાનું, એમની સાથે કોઈ ને કોઈ પ્રસંગમાં સામેલ થવાનું અને ચર્ચામાં ભાગ લેવાનું બન્યું છે. પરિમલભાઈ એમાં એક નોખી ભાત પાડે છે, બે કારણથી. પહેલું, એમની સજ્જનતા અને સૌજન્યશીલતા અને બીજું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કઈ રીતે દેશની સર્વોત્તમ યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત કરે તે માટેની સતત મથામણ. આ બે વિષયોની બહાર જઈને પરિમલભાઈની પાસે કોઈ ખાસ વાત હોતી નથી. આજે શિક્ષણ જગતમાં જ્યારે મૂલ્યો કથળી રહ્યાં છે અને યુનિવર્સિટી શિક્ષણની ગુણવત્તા સામે ક્યાંકને ક્યાંક પ્રશ્નાર્થો ઉભા થયા છે ત્યારે પરિમલભાઈ જેવા વ્યક્તિત્વને મળીએ તો થોડીક ટાઢક થાય છે. આમેય હંસા મહેતા, ડૉ. ચતુરભાઈ પટેલ, પ્રો. બ્રિગેડીયર માદન, સુરેશ દલાલ, લોર્ડ ભીખુ પારેખ, એમ. એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની પેઢીઓનો એક ઉજ્જવળ ઇતિહાસ છે. આ વિક્રમનું સિંહાસન છે, તેના પર બેસનાર ગજાવાન ન હોય તો વામણા લાગે. એવા ઉજ્જવળ પૂર્વજોના વંશને આગળ વધારી રહેલા પરિમલભાઈ એમ ચોક્કસ કહી શકાય કે વંશ પરંપરાને લાયક ઠરવા સતત પ્રયત્નશીલ રહે છે. એ અમારા વાઇસ ચાન્સેલર છે જે ગૌરવની વાત છે.

મારી ઇજનેરી કોલેજના ડીનનો પણ ઉજ્જવળ ઇતિહાસ છે. પ્રો. એસ. બી. જુનરકર, પ્રો. પી. જે. મદન, પ્રો. એલ. બી. શાહ, પ્રો. એમ. એમ. સેન, પ્રો. જે. એમ શાહ, પ્રો. આર. સી. પટેલ, પ્રો. પિયૂષ પરીખ, પહેલાં ડીન અને પછી પ્રો. વાઇસ ચાન્સેલર મારી બેચના પ્રો. એસ. એમ. જોષી, આ બધાના વારસાને આગળ ધપાવતા હાલના ડીન પ્રો. ડૉ. અરુણ પ્રતાપ એક આગવું વ્યક્તિત્વ છે. જ્યારે મળવાની તક મળી જરાય દંભ કે અભિમાન વગર એક સારા નેતા અને એકેડેમીશિયનની છાપ ઊઠી છે. Keep up your good work Dean Saheb.

બરાબર સામે જ અમારા જ પ્રોફેસરોમાં ઘણા બધા હજુ પણ કાર્યરત હોય તેવા ૮૦ આસપાસના કે ૮૦ વટાવી ગયેલા પ્રો. દામલે સાહેબ, પ્રો. આર. સી. દેસાઈ સાહેબ, ડૉ. શ્રોફ સાહેબ, પ્રો. ભાવનાની સાહેબ, પ્રો. સુતરીયા આ બધા પાસે તો હું ભણ્યો છું. જેને હું મારા મિત્રો ગણું છું તેવા પ્રો. મહેન્દ્ર ભાવસાર, પ્રો. પ્રકાશ વ્યાસ, પ્રો. એસ. પી. શાહ, પ્રો. પારેખ સાહેબ, પ્રો. મંદોત જેવા આગલી હરોળમાં બેઠા હતા. મારું મોટું સદભાગ્ય એ છે કે પ્રાથમિક સ્કુલથી માંડીને વડોદરા, મુંબઇ, લૉ કોલેજ, જ્યાં ક્યાંય હું ભણ્યો મારા શિક્ષકો/પ્રાધ્યાપકોએ મને ખૂબ સ્નેહ આપ્યો છે. આજે પણ મારી એ સૌથી મોટી મૂડી છે. હું જે કાંઈ છું એમાં મારા મા-બાપ અને મારા શિક્ષકોનો સિંહફાળો છે. આજે પણ હું એક પુણ્યભાવથી તેમના તરફ જોઉં છું, વર્તુ છું અને જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે તેઓ જાણે મા સરસ્વતીના વરદાનના સાક્ષાત વાહકો હોય તેવું અનુભવું છું.

શનિવાર તારીખ ૧૪ માર્ચ ૨૦૨૦

એક અવિસ્મરણીય સાંજ

‘પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય’ એવું કહેવાય છે

અમારાથી લગભગ ૨૦ વરસ જુનિયર બેચ

એક એવું સરસ મજાનું કાર્ય સંપન્ન કરવા જઈ રહી હતી

જેની ઈર્ષ્યા નહીં આનંદ થાય

જેના સાક્ષી બનવાનું પણ ગૌરવ  થાય

એવા એમ્ફિ થિયેટરના ફેકલ્ટીને અર્પણ કરવાના કાર્યક્રમમાં હાજર રહેવાનું થયું

શનિવાર ૧૪ માર્ચ ૨૦૨૦, એક અદભુત ધન્યતાની ભાવના અને...

અવિસ્મરણીય સંસ્મરણ પાછળ મૂકતી ગઈ.

Thank you everybody who made this happen for me to be there.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles