મહર્ષિ મુકુન્ડુ અને મનસ્વીના સંતાન પરમ શિવભક્ત દીર્ઘાયુષી મુનિ માર્કન્ડેયના વંશજો અમદાવાદમાં વસે છે
એક અવિસ્મરણીય સાંજ...
પદ્મશાળી સમાજ સાથે...
મહર્ષિ મુકુન્ડુ અને મનસ્વીના સંતાન પરમ શિવભક્ત દીર્ઘાયુષી મુનિ માર્કન્ડેયના વંશજો અમદાવાદમાં વસે છે તેનો ખયાલ ગઈ કાલ તા. ૩.૯.૨૦૧૮ના રોજ પદ્મશાળી જ્ઞાતીના તેજસ્વી તારલાઓને સત્કારવાનો અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં હાજરી આપવા ગયો ત્યાં સુધી નહોતો. અમદાવાદમાં એક માત્ર માર્કન્ડેય મુનિનું મંદિર, જેમાં યમના પાશથી બચવા ભગવાન શિવના લિંગને બાથમાં લઈ એક ભક્ત તરીકે પોતાને ઉગારવા બાળ માર્કન્ડેય મહાદેવજીને પ્રાર્થના કરે છે. બીજી બાજુ સાક્ષાત યમરાજ જે આ બાળકનો પ્રાણ હરવા આવ્યા છે તે ઊભા છે અને ભગવાન શિવ પોતાના ત્રિશુળથી યમનો પાશ ભેદીને અલ્પાયુ માર્કન્ડેયને દીર્ઘાયુષ્યનું વરદાન આપે છે તે દ્રશ્ય આ મંદિરમાં દર્શન કરવા જઈએ એટલે ઉપસ્થિત મૂર્તિઓ તાદ્રશ્ય કરે છે. આપણે ત્યાં કોઈને પણ દીર્ધાયુષ્ય ઈચ્છતો આશીર્વાદ આપવો હોય તો ‘માર્કન્ડેયનું આયુષ્ય હજો’ અથવા ‘માર્કન્ડેય જેવો/જેવી દીર્ઘાયુષી થજે’ એમ અપાય છે. આ મહર્ષિ મુકુન્ડુના અત્યંત તેજસ્વી સંતાન માર્કન્ડેય ઋષિના વંશજો આંધ્રપ્રદેશમાં વસે છે અને એમની લગભગ ૧૨૦થી વધારે શાખાઓ આજે થઈ છે. એ શાખાઓ દર્શાવતું કુટુંબ વૃક્ષ પણ આ મંદિરમાં મઢાવીને મૂકવામાં આવ્યું છે જેથી આજની પેઢીને પોતે કોની વારસદાર છે તેનો ખયાલ આવે.
માર્કન્ડેય મુનીના આ વંશજોનો સમાજ પદ્મશાળી સમાજ કહેવાય છે. આઝાદી પછીના વરસોમાં જ્યારે અમદાવાદમાં ટેક્સ્ટાઈલ મિલ ઉદ્યોગનો સુવર્ણકાળ હતો ત્યારે પેટિયું રળવા છેક આંધ્રપ્રદેશથી અહીં આવીને વસેલ પદ્મશાળીઓની આજે ત્રીજી કે ચોથી પેઢી ગુજરાતમાં ઉછરી રહી છે. આજની પેઢી એટલી જ ગુજરાતી છે જેટલો કોઈ પણ ગુજરાતી પોતાની જાતને આ રાજ્યનો વતની કહી શકે. આમેય એમના પૂર્વજો અહીં આવ્યા ત્યારે તો ગુજરાત પણ અલગ રાજ્ય નહોતું, મુંબઈ રાજ્યનો આપણે ભાગ હતા. એટલે સાચા અર્થમાં જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે પણ પદ્મશાળીઓ તો ગુજરાતમાં હતા જ. દૂધમાં સાકર ભળી જાય એ દાખલો પારસીઓ માટે અપાય છે પણ પદ્મશાળી માટે પણ આ દાખલો એટલો જ પ્રસ્તુત છે. ભારતીય જનતા પાર્ટીના પાયામાં જેમની મહેનત અને કાર્યપ્રદાન રહેલું છે એવા ભા.જ.પા.ના વરિષ્ઠ આગેવાન શ્રી દત્તાજી ચિરંદાસ આ કોમમાંથી આવે છે. આજે દત્તાજીના ઘરમાં તેલુગુ (જે પદ્મશાળીઓની મૂળ ભાષા છે), હિન્દી, મરાઠી અને ગુજરાતી બોલાય છે. એમની એક પૌત્રવધૂ ગુજરાતી છે. આમ દત્તાજીના ઘરમાં સાચા અર્થમાં મીની ભારત વસે છે.
આજે તો વિજ્ઞાને જીનેટિકલ સાયન્સના મધ્યમ થકી એવું પ્રસ્થાપિત કર્યું છે કે પેઢી દર પેઢી પૂર્વજોના લોહીના ગુણ એમના સંતાનોમાં ઉતરી આવે છે. એ રીતે જોઈએ તો દીર્ઘાયુષી માર્કન્ડેય મુનિની વારસદાર એવી પદ્મશાળી જ્ઞાતિને આવા પ્રભાવી અને પૂજનીય પૂર્વજના વારસદાર હોવાનું એને સ્વાભાવિક રીતે જ ગૌરવ હોવું જોઈએ.
આ પ્રસંગે શ્રી પદ્મશાળી જ્ઞાતિ સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા આમંત્રિત આ વિસ્તારના બંને માન. ધારાસભ્યશ્રીઓ માન. શ્રી હસુભાઈ પટેલ અને માન. શ્રી હિંમતસિંહ પટેલ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રીશ્રી અને હાલમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પા.ના ઉપપ્રમુખશ્રી ગોરધનભાઈ ઝડફિયાની વિશિષ્ટ ઉપસ્થિતિની સાથોસાથ અમદાવાદ શહેર ભા.જ.પા.ના ઉપપ્રમુખશ્રી, કોર્પોરેટરશ્રીઓ અને અન્ય અગ્રણીઓ તેમજ અગ્રણી સમાજસેવક શ્રી રામદાસ સોનવણે તેમજ જૈન લોટસ ગ્રુપના શ્રી હરેશ ખોખાણી મારી સાથે ઉપસ્થિત હતા.
મને આ પ્રસંગમાં ભાગીદાર બનવા માટે ખૂબ પ્રેમપૂર્વક આગ્રહ કરીને ખેંચી જનાર પદ્મશાળી જ્ઞાતિ સંસ્થાના માર્ગદર્શક શ્રી નાગેશ એસ. દેવલપલ્લી અને શ્રી રામદાસ સોનવણેને કારણે પોતાના વતનથી ઘણે દૂર ગુજરાતને જ વતન બનાવીને વસી ગયેલ અને આજે અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહેલ પદ્મશાળી જ્ઞાતીના આબાલવૃદ્ધ સૌને મળવાનો મોકો મળ્યો અને ઋષિવર્ય શ્રી માર્કન્ડેય મુનિના મંદિરમાં દર્શન થયાં જેને કારણે જન્માષ્ટમીની મારી સાંજ અવિસ્મરણીય બની રહી એમાં કોઈ શંકા નથી. પદ્મશાળી સમાજ હવે ગુજરાતના જનજીવનનો ધબકાર બની ચૂક્યો છે અને આમ છતાંય આંધ્ર ન ભૂલી જવાય એટલા માટે હજુય ઘરમાં તેલુગુ બોલાય છે. જો કે એમના એક અગ્રણીએ કહ્યું હતું તેમ હવેની નવી પેઢી ધીરે ધીરે આ ઘરેડમાંથી બહાર નીકળી રહી છે અને ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી બોલતી થઈ ગઈ છે. એક સરસ મજાનો પ્રસંગ, એક ચિરસ્મરણીય અનુભવ.