Tuesday, January 17, 2017
એ દિવસે પણ રોજની માફક જમી પરવારીને ઓફિસ પહોંચ્યો. થોડાં કાગળીયાં આમતેમ કરીને મેં અમારી એડવાઈઝરી કાઉન્સિલની મિટીંગ બોલાવી. આ વખતે તેમાં અનિલ અને રાધેશ્યામ ઉપરાંત સુરેશ બોઘાણી અને વિક્રમ પરીખ પણ સામેલ હતા. વિષયનો કોઈ ફોડ પાડ્યો નહોતો. આમેય મારી કેબિનની બરાબર સામેનું બારણું એ દિવસે ખુલ્યું નહોતું. અંદર લાઈટ પણ ચાલુ નહોતી. એનો અર્થ એ થાય કે શ્રીમાન દોશી સાહેબ હજુ ઓફિસમાં પધાર્યા નહોતા. નીલ ગગનમાં વિહરતા મુક્ત પંખીઓની માફક અમે પણ કલબલાટ કરવા સ્વતંત્ર હતા. સંત બહાદુર પાંચ ચા લઈને આવ્યો. ચાની ચૂસકી લેતા લેતા અમે દુનિયાભરની પંચાત ડહોળતા હતા. આમેય અમારી પાસે કામ સિવાયની વાતો કદીય ખૂટતી નહોતી. ચા પુરી ન થઈ ત્યાં સુધી અમે ગપ્પા મારતા રહ્યા. સંત બહાદુર કપ-રકાબી લઈ ગયો એટલે હળવેકથી મેં મારા ડ્રોઅરમાં મુકેલ જીઆઈડીસીનો એપોઈન્ટમેન્ટ લેટર કાઢ્યો અને ચૂપચાપ સભા સમક્ષ મુક્યો. વારાફરતી સહુએ એના ઉપર નજર ફેરવી લીધી એટલે થોડીવાર માટે મૌનની શાંતિ છવાઈ ગઈ. એ શાંતિનો પહેલો ભંગ રાધેશ્યામે કર્યો. એણે કહ્યું “મેં તો કહ્યું જ હતું ને કે આમાં પણ તમે સીલેક્ટ થઈ જ જશો. અભિનંદન સર.” ધીરે ધીરે બીજાઓમાં પણ સળવળાટ થયો અને સહુએ એક પછી એક મને અભિનંદન આપ્યા. ત્યારપછીની ચર્ચા લાગણીની ઓછી પણ વાસ્તવિક્તાની વધુ નજદીક હતી. આમેય આઈઆઈએમનો કોર્સ તો ઓગષ્ટમાં શરુ થવાનો હતો. અત્યારે માર્ચનું પહેલું અઠવાડીયું ચાલતું હતું. જીઆઈડીસીનો અનુભવ લેવા માટે આ એક સારી તક હતી. પ્રમોશન તો હતું જ પણ પહેલું વરસ પ્રોબેશન એટલે કે અજમાયશી ગાળાનું હતું જેમાં હું એક મહિનાની નોટિસ આપી છુટો થઈ શકતો હતો.
સરકારમાં કેટલીક ઘટનાઓ આકસ્મિક લાભ કરતા પણ બની શકે છે તેનો પહેલો અનુભવ મને હવે થયો. અનિલે કહ્યું કે હાઉસીંગ બોર્ડમાં પણ સીધી ભરતીના અધિકારી તરીકે હું સપ્ટેમ્બર 1973માં જોઈન થયો તેને લગભગ એક વરસ છ મહિના જેટલો સમય થયો હતો. અહીંયાં પણ એક વરસનો પ્રોબેશન પીરીયડ એટલે કે અજમાયશી ગાળો હતો. આમ, ઓક્ટોબર 1974માં મને કન્ફર્મ એટલે કે કાયમી કરી દેવો જોઈતો હતો. સરકારમાં આવા પ્રસંગોને પણ ક્યાંક વેરતૃપ્તિના અથવા સેડીસ્ટજોય માટે ઉપયોગમાં લેવાતા હોય છે. મોટા ભાગે એસ્ટાબ્લીશમેન્ટ વિભાગ આ બધી બાબતોમાં પુરી કાબેલિયતથી કામ કરે છે. પહેલાં તો તમારા ઉપરી અધિકારી તમારો સી.આર. એટલે કે કોન્ફીડેન્શીયલ રિપોર્ટ સમયમાં ભરે જ નહીં. તમારા માટેનું એમનું જ્ઞાન અને અનુભવ પરિપક્વ ન થાય ત્યાં સુધી સાહેબ સી.આર.માં એક અક્ષર પાડે નહીં. આગળ જતાં મને સમજાયું કે બે કામ જીવનમાં અતિ મુશ્કેલ છે. સ્વર્ગસ્થ જશપાલ ભટ્ટીનો એક હાસ્ય પ્રસંગ જોયો હોય તો પોતાના પીએચડી ગાઈડ પાસે થીસીસ મંજૂર કરાવવાનું જેમાં ગાઈડ માટે શેવીંગ કીટથી માંડી ઘર માટે શાકભાજી અને દૂધ ખરીદવા માટે પેલા પીએચડી સ્ટુડન્ટે સતત તત્પર રહેવું પડે છે તે અતિમુશ્કેલ છે. વત્તેઓછે અંશે આવું બનશે જ એવી માનસિક તૈયારી પીએચડીના વિદ્યાર્થીએ રાખવાની હોય છે. જો કે આમાં અપવાદ પણ હોય છે એટલે કોઈ ગાઈડે બંધ બેસતી પાઘડી માથે પહેરી લેવી નહીં.
બીજું કામ તે ઉપરી અધિકારી પાસેથી ખાનગી અહેવાલ લખાવવાનું ગણી શકાય. ખાસ કરીને જેમનું પ્રમોશન આવવાનું હોય કે આઈએએસ અથવા આઈપીએસ જેવી સનદી સેવામાં નોમીનેશન થવાનું હોય તેવા અધિકારીઓની આ સમયગાળા દરમ્યાન પોતાના ઉપરી અધિકારી પ્રત્યેની ભક્તિ રામાયણમાં ભરતની જે પાદુકાભક્તિ બતાવી છે તેનાથી જરાય ઓછી હોતી નથી. જો કે આ ભક્તોમાં અવસરને અનુસાર જ ભક્તિનો ઉભરો આવતો હોય છે અને અવસર વીતે પેલા ઉપરી અધિકારીને પણ અંગૂઠા પકડાવે તેવું ક્યારેક બને પણ છે.
આજ પ્રકારની પરિસ્થિતિ સરકારમાં એફીસીયન્સી બાર એટલે કે E.B. વટાવવાનો આવે તે સમયની હોય છે.
આ બધા પ્રસંગો પેલા ફાઈલોનાં કાગળીએ રાજ કરતા વહિવટી વિભાગના કારકૂનો અને બાબુઓ માટે તહેવાર જેવા હોય છે. એક ક્લાર્ક કે આસિસ્ટન્ટના ગજાના કર્મચારીને મેં સીનીયર ક્લાસવન અધિકારીને કેવા સીધા કરી દીધા એમ કહેતા સાંભળ્યું છે. મહદઅંશે આ સામાન્ય વહિવટ અસામાન્ય વહિવટ તરીકે જ થાય છે અને એનો પાશવી આનંદ ત્યાં બેઠેલા કેટલાક લૂંટે છે પણ ખરા. આથી ઉલટું જગ્યાઓ ખાલી ન રહેવી જોઈએ, સમયસર કોન્ફીડેન્શીયલ રિપોર્ટ ભરાવા જોઈએ, પબ્લીક સર્વિસ કમિશનમાં જે જરુરી વિધિઓ કરવાની હોય તે થઈ જવી જોઈએ એ કામગીરી મોટા ભાગે અવગણાય છે. આજથી પાંચ વરસ પછી કયા અને કેટલા કર્મચારીઓ નિવૃત્ત થવાના એ સરકાર અથવા એના સંબંધિત વિભાગોને ખબર હોય છે. આમ છતાંય જે માણસ નિવૃત્ત થાય છે તેની જગ્યા વરસો સુધી કેમ ખાલી રહે છે ? એક બાજુ આપણે બેરોજગારીની વાત કરીએ છીએ અને બીજીબાજુ જે કામ સક્શેસન પ્લાનીંગ એટલે કે નિવૃત્ત થતા કર્મચારી કે અધિકારીની જગ્યા આગોતરી ભરવાનું આયોજન – જે થવું જોઈએ તે થતું નથી. કોને જવાબદાર ગણશો આને માટે ? જે વિભાગ પોતાની જ કામગીરી બરાબર નથી કરતો એ વિભાગ બીજા વિભાગોની વહિવટી અને પ્રશાસકીય કામગીરીનું અવલોકન કરવાને અધિકારી છે ખરો ? મને આ વાત ક્યારેય સમજાઈ નથી. સરકારમાં તો સામાન્ય વહિવટ વિભાગ મુખ્ય સચિવશ્રીની સીધી દેખરેખ અને માર્ગદર્શન નીચે આવે છે. એવું કહેવાય છે કે પોતાની બેચમાં જેને સહુથી વધુ સક્ષમ ગણવામાં આવે તે ક્યારેક સીનીયોરીટી વળોટીને પણ મુખ્ય સચિવ બને છે. વળી એમના હાથ નીચે એવા જ સક્ષમ એડીશનલ ચીફ સેક્રેટરી (સામાન્ય વહિવટ વિભાગ) હોય છે ત્યારે આજ ખાતું બોદુ હોય તો એનો અપજશ કોને આપવો ? ગુજરાતમાં સનદી સેવાના અત્યંત કાબેલ અધિકારીઓના હાથ નીચે, ક્યારેક સાથે અને ક્યારેક મંત્રી તરીકે એમના ઉપરીની કક્ષામાં કામ કરવાનું થયું છે. હું આમાંના ઘણા બધાની ક્ષમતા વિશે આદર અને ઉંચો અભિપ્રાય ધરાવું છું. પણ આમ હોવા છતાંય સામાન્ય વહિવટ વિભાગ દિવસે દિવસે કંઈક ઉણપ વરતાતી હોય તેવો કેમ બનતો જતો હશે ? આ વિભાગના કર્મચારી કે અધિકારી બીજાઓને માત્ર ફાઈલ કે નિર્જીવ કેસ પેપર તરીકે કેમ જોતા હશે ? માનવીય સંવેદનાનું પ્રમાણ સતત ઘટતું જઈ રહ્યું છે એવું કેમ લાગતું હશે ? હું નોકરીમાં જોડાયો ત્યારે જીઆઈડીસી અને ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મારા કાર્યકાળ દરમ્યાન જૂના મુંબઈ રાજ્યમાંથી આવેલા અધિકારીઓ સાથે સચિવાલયમાં પનારો પાડવાનું બનેલું. એ સમયે એક સેક્શન ઓફિસર પણ વિષય નિષ્ણાત તરીકે વાત મુકી શકતો અને સરકારના પ્રતિનિધિ તરીકે સ્ટેન્ડ પણ લઈ શકતો. આજે આ બધું ભૂતકાળ બની ગયું એવું કેમ લાગતું હશે?
ખેર, મૂળ વાત પર આવીએ. અનિલે મારા જ્ઞાનમાં વધારો કરતા કહ્યું કે હજુ હાઉસીંગ બોર્ડના એસ્ટાબ્લીશમેન્ટ વિભાગે તમને પ્રોબેશન પુરું કરી કન્ફર્મ કરતો હૂકમ કર્યો નથી. આ કારણથી તમે હજુ પણ અજમાયશી ગાળા હેઠળ કામ કરતા અધિકારી છો. આનો લાભ મળી શકે તેમ છે.
લાભ ? અજમાયશી ગાળો પૂરો થવા છતાં કન્ફર્મ ન થવાનો શું લાભ મળે ?અનિલે મને સમજણ પાડી કે આ કારણથી તમારે ત્રણ મહિનાની નહીં માત્ર એક જ મહિનાની નોટિસે રાજીનામું આપવું પડે તેવું બનશે. જુઓ ! થયો ને લાભ !! કન્ફર્મ નહીં થવાના પણ લાભ હોય છે. સરકાર સાથે લેણું હોય તો એ આ રીતે પણ લેવાય !
હવે નોટિસ પીરીયડ માત્ર એક મહિનાનો જ ગણવાનો હતો. સરકારી નોકરીમાં મૂહરત જોવાનું હોતું નથી. મનોમન મેં ગણતરી મુકી. મારી જાતને જ જન્મદિવસની ભેટ આપવાની. માર્ચનું પહેલું અઠવાડિયું ચાલતું હતું. મેં ગણતરી મુકી કે એ જ દિવસે રાજીનામું આપું તો એપ્રિલના પહેલા અઠવાડીયામાં છુટા થઈ જવાય. થોડાક દિવસ રખડી ખાવા મળે અને બરાબર ચૌદ એપ્રિલે (જે મારો જન્મદિવસ છે) જીઆઈડીસીમાં હાજર થઈ પ્રમોશનની ભેટ હું જ મારી જાતને આપી શકું !
મેં રાધેશ્યામ તરફ જોયું. એ ઉભો થઈને કેબિનની બહાર ગયો. ડિક્ટેશન પેડ સાથે થોડી જ વારમાં પાછો આવ્યો. મેં તેને મારી એના ઉપરી અધિકારી તરીકેની કેપેસીટીમાં છેલ્લું ડિક્ટેશન આપ્યું. એ ડિક્ટેશન હતું મારા હાઉસીંગ બોર્ડમાંથી રાજીનામાનું.
બરાબર એક મહિના બાદ હાઉસીંગ બોર્ડ સાથેનાં મારાં અંજળપાણી પૂરાં થવાનાં હતાં. સાથે જ વડોદરા પણ છોડવું પડે તે પરિસ્થિતિનું નિર્માણ થવાનું હતું. રાધેશ્યામ ટાઈપ કરીને મારો રાજીનામાનો પત્ર લઈ આવ્યો અને મેં તેની બન્ને કોપીમાં સહી કરી એક કોપી હાઉસીંગ કમિશ્નરને મોકલવા માટે અને બીજી કોપી આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નર માટે. આ સમગ્ર ઘટના પુરી થઈ ત્યારે હું જોઈ શકતો હતો કે ત્યાં હાજર સહુની આંખમાં ઝળઝળીયાં હતાં.
અત્યાર સુધીમાં દોશી સાહેબ આવી ગયા હતા. એક વિવેક ખાતર મેં રુબરુ જઈને એમને મારો રાજીનામાનો પત્ર સુપરત કર્યો. અત્યાર સુધીની કામગીરીમાં તેમના સહકાર અને માર્ગદર્શન માટે આભાર માન્યો.
હું મારી કેબિનમાં પરત આવ્યો ત્યારે ત્યાં બીજા બે મિત્રો હાજર હતા. એક અમારા હેડ ડ્રાફ્ટસમેન જે.પી. પટેલ અને બીજા અમારા જમીન સંપાદન અંગેની કામગીરીના નિષ્ણાત કાંતિભાઈ પટેલ. આ બન્ને મિત્રો પણ આટલા સમયમાં ઘણા નજદીક આવ્યા હતા. તેમાં પણ કાંતિભાઈ ઉર્ફે કે.બી. પટેલ પાસેથી જમીન સંપાદનનો કાયદો અને એની દરખાસ્ત બનાવવાથી માંડી સેક્શન-4, સેક્શન-6, વેલ્યુએશન, કન્સેન્ટ એવોર્ડ, ફાઈનલ એવોર્ડ જેવી બાબતે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું. કે.બી. પટેલની સ્વભાવગત ખાસિયત એ હતી કે જ્યારે કામમાં તન્મય હોય ત્યારે ખાખી બીડી સળગાવી એના એક-બે ઉંડા કશ મારી લે અને પાછા કામમાં લાગી જાય. જે.પી. પટેલને બ્રિસ્ટલ સીગરેટ વધારે ફાવતી પણ ક્યારેક કાંતિલાલની સંગતમાં ખાખી બીડીનો કશ પણ મારી લેતા.
જેમ જેમ ખબર પડતી ગઈ એક પછી એક ઘણા મિત્રો અને કોન્ટ્રાક્ટર મળી ગયા. ડિવીઝનલ એકાઉન્ટન્ટ ડી.કે. દેસાઈ જેમણે શરુઆતમાં ‘આવા છોકરા જેવા અધિકારીઓ ભરતી થઈને આવે છે તે શું કાબુમાં રાખવાના છે’ એવી કોમેન્ટ કરી હતી. તે એ વખતે ડિવીઝનમાંથી બદલાઈને અમદાવાદ પહોંચી ગયા હતા. તેમની જગ્યાએ તારાણી કરીને ડિવીઝનલ એકાઉન્ટન્ટ અને મતનાની કરીને કેશીયર હતા. મતનાની પણ ખૂબ ટૂંક સમયમાં પસંદગી પામીને એકાઉન્ટન્ટ જનરલની રાજકોટ ખાતેની કચેરીમાં જતા રહ્યા. સ્ટોરનો હવાલો સંભાળતા કે.બી. ઠાકર તેમજ મટીરીયલ્સ એકાઉન્ટીંગ વિગેરે સાથે જોડાયેલા શ્રી ત્રાગડ પણ મળી ગયા. મારા જ બ્લોકમાં રહેતા અવલ કારકુન જોશી અને મેનન પણ ડોકિયું કરી ગયા. અમારા સાથી નાયબ ઈજનેર અને કાર્યપાલક ઈજનેર તેમજ અન્ય ટેકનીકલ સ્ટાફે પણ અભિનંદન આપ્યાં. આ બધામાં મારી સાથે કામ કરતા અવલ કારકુનશ્રી ખાન અને એમનાં આસીસ્ટન્ટ પુષ્પાબહેન પણ હતા. હું સારી પોસ્ટ પર સારી સંસ્થામાં જઈ રહ્યો હતો એનો બધાને આનંદ હતો.
પણ...
આ બધામાં ય બે વ્યક્તિઓ વધુ ખુશ હતી. એક અમારો હવાલદાર સંતબહાદુર અને બીજો ચોકીદાર ભૈયો. મારી બીજા માળે આવેલી ઓફિસમાંથી હું નીચે ઉતરી રહ્યો હતો ત્યારે પહેલા માળે આ બન્ને મહાનુભાવો મારા વિશે વિદ્વતાપૂર્ણ ચર્ચા કરી રહ્યા હતા. મારા કાને ભૈયાના શબ્દો અથડાયા “હમારા સાબ અબ અમદાબાદ જા રહા હૈ. સુના હે બહુત અચ્છી જગહ હૈ. ખૂબ તરક્કી કરેગા.”
ભલે કન્ફર્મેશન માટેનો મારો સી.આર. લખવાનો બાકી રહી ગયો હોય. પણ આજ સંતબહાદુર અને ભૈયાએ મારો સી.આર. લખી નાંખ્યો હતો. કદાચ આથી વધારે સારો કોન્ફીડેન્શીયલ રિપોર્ટ ન લખી શકાયો હોત.