કોલેજનો અભ્યાસ સુપેરે આગળ વધી રહ્યો હતો. જુદાં જુદાં વિષયો અને એનું પ્રાયોગિક ભણવાનું હતું. જેમ મશીન ડ્રોઈંગમાં લોખંડવાલા.
અપ્લાઈડ મિકેનીક્સ લેબોરેટરી, મોરેની કેન્ટીન અને નો મૂડ સ્ટ્રાઈક
કોલેજનો અભ્યાસ સુપેરે આગળ વધી રહ્યો હતો.
જુદાં જુદાં વિષયો અને એનું પ્રાયોગિક ભણવાનું હતું.
જેમ મશીન ડ્રોઈંગમાં લોખંડવાલા સાહેબની લાક્ષણિકતા કહી તેમ અપ્લાઈડ મિકેનીક્સ લેબોરેટરીનાં ચાર પાત્રો મારા મગજમાં બરાબર ફીટ થઈ ગયાં છે.
એક ત્રિપુટી રમેશ, સતીશ અને જગો. આ અમારા લેબોરેટરીમાં સિનિયર ઇન્સ્ટ્રક્ટર હતા. રમેશ એટલે પ્રો. રમેશ શાહ, સતીશ એટલે પ્રો. એસ. એસ. શાહ અને જગો એટલે પ્રો. જગદીશ પટેલ જે અધવચ્ચેથી અમેરીકા જવા નોકરી છોડીને વિદાય થયા હતા. આ ત્રિપુટીમાં ત્રીજુ એક પાત્ર ભળ્યું તે હતુ પ્રો.પ્રધ્યુમ્ન દરજી. બધા જ પોતાના વિષયોમાં ખૂબ હોશિયાર. ભણાવે પણ પૂરી લગનથી અને તમારા મગજમાં વિષય પૂરેપૂરો ફીટ બેસી જાય એ રીતે. પણ સ્વભાવ તીખા મરચા જેવો એટલે ધાક મોટી. આજે પણ મટેરીયલ સાયન્સને લગતી કેટલીક પાયાની બાબતો જેવી કે ટેન્સાઇલ સ્ટ્રેંથ, કોમ્પ્રેસિવ સ્ટ્રેંથ, હાર્ડનેશ, યંગ મોડ્યુલસ મગજમાં બરાબર ફીટ થઈ ગઈ છે તેનો યશ આ નવા નવા, તરવરીયા અને તેજીલા તોખાર જેવા અમારા લેબોરેટરી ઇન્સ્ટ્રક્ટરને આપું છું. ઇમ્પેક્ટ ટેસ્ટ હોય, બ્રુનેલ હાર્ડનેશ ટેસ્ટ હોય, કોમ્પ્રેસન ટેસ્ટ હોય અથવા યુનિવર્સલ ટેસ્ટિંગ મશીનમાં યંગ મોડ્યુલસ અંગેનો પ્રયોગ હોય એટલું સરસ રીતે શીખવાડે અને એવાં સરળ દ્રષ્ટાંતો સામે મૂકે કે બીજી વાર વાંચવાની પણ જરૂર ન પડે. આ પ્રયોગશાળામાં ખૂબ મજા પડતી. આગળ જતાં આ વિષયો એક અથવા બીજી રીતે ખૂબ ઉપયોગી બન્યા.
આ પ્રયોગશાળામાં એક વિશિષ્ઠ વ્યક્તિત્વ પણ હતું. નામ ડાહ્યાભાઇ મિસ્ત્રી. દેસાઇ નામના એમના એક આસિસ્ટન્ટ પણ હતા. આ ડાહ્યાભાઇ મિસ્ત્રી સિનેમાના પેલા બ્રિટીશ જમાનાના જેલરનું જે પાત્ર આવે છે તેના વર્ણન સાથે કંઈક અંશે ફીટ થાય. જરૂર પડતું જ બોલે. સંપૂર્ણ ભાવહીન ચહેરો. ભાગ્યે જ હસે. પણ યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન એ એમના જીવનનો જાણે કે ભાગ હોય તે રીતે જાળવે. કોલેજમાં મટેરીયલ ટેસ્ટિંગ માટે બહારથી પણ કામ આવતું અને એ કામ નિર્ધારીત દરે અપ્લાઈડ મિકેનીક્સ ડિપાર્ટમેન્ટની આ ટેસ્ટીંગ લેબોરેટરીમાં કરી આપવામાં આવતું. કામ આવે કોઈ પ્રોફેસર પાસે, પછી કોઈ લેકચરરને એ સોંપાય પણ છેવટે એની અમલવારી એટલે કે પ્રાયોગિક કામગીરી તો ડાહ્યાભાઇ મિસ્ત્રીના માર્ગદર્શન નીચે જ થાય. યુનિવર્સલ ટેસ્ટીંગ મશીનને એ રોજ બરાબર સાફસૂફ કરાવીને રાખે. આ મશીનના ખાડામાં ડાહ્યાભાઇ ફરતા હોય ત્યારે બહારથી ન દેખાય. મશીનની ઊંચાઈનો બાધ ન આવે તે હેતુથી જેને સન્કનફ્લોર કહેવાય તેવો એક વિસ્તાર અપ્લાઈડ મિકેનીક્સ લેબમાં બનાવીને એમાં એ મશીન ગોઠવેલ. એ ખાડાની આજુબાજુ રેલીંગ જ્યાં ઊભાં ઊભાં આ મશીન ઉપર ચાલતી કામગીરી જોઈ શકાય. યુનિવર્સલ ટેસ્ટીંગ મશીન એટલે જાણે કે ડાહ્યાભાઇ મિસ્ત્રીની આગવી મિલકત. ગમે તેવો મોટો ચમરબંધી હોય તો પણ એ એને અડવા ન દે. પોતે જ ઓપરેટ કરે અને રીડિંગ પણ લખાવે. ડાહ્યાભાઈનાં બે લક્ષણો. પહેલું કોઇની પણ સાથે ઓળખાણ નહીં કેળવવાની અને નજદીકી નહીં ઊભી થવા દેવાની અને બીજું યુનિવર્સલ ટેસ્ટીંગ મશીનને એમના સિવાય કોઈ પણ હાથ ન લગાડી શકે. આ મશીન ઉપર માઈલ્ડ સ્ટીલનો ટેન્સાઇલ ટેસ્ટ ચાલી રહ્યો હતો. વચ્ચેથી મશીનીંગ કરીને નેક બનાવ્યું હોય તેવો ભાગ બે છેડે ફિક્સ કરીને મશીન દ્વારા ઉપર ખેંચાઇ રહ્યો હતો. આ ટેસ્ટ જુદાં જુદાં ટેન્શને કેટલી લંબાઈ વધે છે અને છેવટે એ સળીયો ખેંચાતાં ખેંચાતાં વચ્ચે સાવ પાતળી “નેક ફોર્મેશન” પછી કેટલા ટેન્શને તૂટે છે તેનો ગ્રાફ દોરી તેના પરથી યંગ્સ મોડ્યુલસની ગણતરી કરવાની હોય છે. આ સમગ્ર પ્રક્રીયા ધીરે ધીરે ચાલે. બીજુ ખાસ કંઇ તમારા મગજને રોકી રાખે તેવું બનતું ના હોય ત્યારે ક્યારેક ક્યારેક થોડીક મજાક મસ્તી પણ વિદ્યાર્થીઓ કરી લેતા હોય છે. આવી જ કોઈક ઘટના તે દિવસે બની હતી. મારી બાજુમાં ઉભેલો મારો સહાધ્યાયી બહુ ઠાવકાઈથી મને પૂછી રહ્યો હતો, “આ ડાહ્યાભાઇ મિસ્ત્રી કોઈને મશીન ઓપરેટ કરવા દેતા નથી તે એક દિવસ એ નહીં હોય ત્યારે શું થશે?”
આ વાહીયાત ચિંતા હતી. અમારે ત્યાં કાયમી ધોરણે અપ્લાઈડ મિકેનીક્સ લેબોરેટરીમાં બેસી રહેવાનું નહોતું પણ એના ફળદ્રુપ ભેજામાંથી આ ચિંતા પ્રગટ થઈ એટલે મેં એવો જ ઉડાઉ જવાબ આપ્યો, “માણસ ન હોય ત્યારે પણ કોઈ વસ્તુમાં એનો જીવ રહી જાય તો એ ત્યાં જ સૂક્ષ્મ સ્વરૂપે ફર્યા કરે છે. ડાહ્યાભાઇ નહીં હોય ત્યારે આ મશીન ક્યારેક એની મેતે ચાલવા માંડે એવું બનશે !”
આજુ બાજુ જે પાંચ છ વિદ્યાર્થીઓ આ વિદ્ધતાપૂર્ણ ચર્ચા સાંભળતા હતા તેમના મોઢા પર સ્વાભાવિક રીતે સ્મીત ઉપસી આવ્યું. ડાહ્યાભાઇએ આ જોયું અને પેલા વિદ્યાર્થીને બોલાવ્યો. સીધું જ પૂછી નાખ્યું, “Why are you laughing – શેનું હસું આવે છે?” સ્વાભાવિક રીતે ડાહ્યાભાઇ ગુસ્સામાં હતા.
પેલો નમૂનો પણ વિચિત્ર હતો. એણે ખૂબ ઠાવકાઈથી જવાબ આપ્યો, “I am not laughing. I am smiling sir”. એટલે કે હું હસતો નથી. હું તો સ્મિત કરું છું સાહેબ !”
જવાબ સાંભળી બાકીના લોકો પણ ખડખડાટ હસી પડ્યા.
ડાહ્યાભાઇ અને અમારા ઇન્સ્ટ્રક્ટર બંનેનો પિત્તો ગયો. કોઈ વાંક ગુના વગર અમને ચાર પાંચ જણાને લેબોરેટરીમાંથી કાઢી મૂક્યા. પછીના દિવસોમાં કેટ કેટલા પ્રયત્નો કર્યા ત્યારે માંડ આ વાત થાળે પડી. ત્યાર પછી ડાહ્યાભાઇ સામે હસવાનું તો ઠીક જોવાનું પણ અમે છોડી દીધું. જો કે પેલા ત્રણ ઇન્સ્ટ્રક્ટર બહુ ખેલદિલ સ્વભાવના હતા. અમારી ટર્મ પૂરી થઈ ત્યાં સુધીમાં એમની સાથે અમારી મિત્રતા જામી ગઈ. ત્યારે ખબર નહોતી કે સતીશ, રમેશ અને પ્રધ્યુમ્ન મારા અંગત મિત્ર બનશે. પણ એ દિવસોમાં આ ત્રણેયની વિષય ઉપરની પકડ, બૌદ્ધીક ક્ષમતા અને પ્રતિબદ્ધતા તેમજ નિખાલસતા માટે બધા જ વિદ્યાર્થિઓમાં સારી છાપ ઊભી થઈ. ક્લાસમાં બડબોલા અને ક્યાંક ને ક્યાંક અડપલું કરનાર વિદ્યાર્થી તરીકે મારી આ શરૂઆત હતી જેનો દિવસે દિવસે વધુને વધુ વિકાસ થવાનો હતો.
મશીન ડ્રોઇંગ અંગેની વાત ચર્ચાઇ ગઈ છે આમ છતાંય એક નામ ખાસ ઉલ્લેખ કરવા ચાહીશ એ હતા પ્રો. લોઇવાલ. અત્યંત પ્રતિભાશાળી, સૌમ્યભાષી અને લોખંડવાલા સાહેબથી તદ્દન વિરુદ્ધ હળવાશભરી રીતે જીવનાર વ્યક્તિ એટલે પ્રો. લોઇવાલ. હાથમાં ચોક પકડીને કોઈપણ પ્રકારના સાધન વગર એ બોર્ડ પર સંપૂર્ણ વર્તુળ દોરી શકતા. મોતીના દાણા જેવા અક્ષર અત્યંત સુઘડ રીતે ડ્રોઇંગનું કામ કઈ રીતે થાય તેની ખૂબ સારી સમજ લોઇવાલ સાહેબ સાથેના સંપર્કમાં મળી. બે બિંદુ વચ્ચેના અંતરને દર્શાવતી સ્પષ્ટ રેખા અને એના બંને છેડે એરો એટલે કે તીરનું નિશાન કેટલું કલાત્મક રીતે થઈ શકે તે વાત લોઇવાલ સાહેબ પાસે જે ભણ્યો હોય તે જ સમજી શકે.
મારે ડ્રોઇંગ સાથે આમ તો બારમો ચંદ્રમા હતો (આજે પણ છે). સ્કૂલના અભ્યાસ દરમિયાન મારું ચિત્રકામ એટલું સારું હતું કે ગાય અથવા ગધેડાનું ચિત્ર દોર્યું હોય તો એના નીચે લખવું પડે કે “આ ગાય છે”. આવું લેબલ ન માર્યુ હોય તો મેં દોરેલી ગાયમાં તમે હાથીથી માંડી ઘોડા સુધીની કોઈપણ આકૃતિ જોઈ શકો ! પદાર્થચિત્ર (જેને આગળ જતાં અમે થ્રી ડાઈમેન્શનલ ડ્રોઇંગ તરીકે શીખ્યા) દોરવા માટે કલાકોના કલાકો કેરોસીનનો ડબ્બો સામે મૂકી હું બેસી રહેતો પણ મને એમાં લંબાઈ અને પહોળાઈ સિવાયનું ત્રીજું પરિમાણ (ડાઈમેન્શન) એટલે કે ઊંડાઈ કઈ રીતે જોઈ શકાય અને ચિત્રિત કરી શકાય તે શીખતાં શીખતાં આંખે પાણી આવી ગયું. જો કે મશીન ડ્રોઇંગથી શરૂ થયેલો મારો સ્કૉલર પેપર અને ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર, 2H થી 4H સુધીની પેન્સીલો અને રબર સાથેનો સંબંધ છેક સુધી ચાલ્યો કારણ કે આગળ જતાં બિલ્ડીંગ પ્લાન તેમજ સર્વેઇંગ ડ્રોઇંગ જેવા વિષયોમાં પણ એનો ઉપયોગ થવાનો હતો.
અપ્લાઈડ મિકેનીક્સ લેબોરેટરીનો બીજો એક ફાયદો હતો. ત્યાંથી બહાર નીકળો એટલે સીધા કેન્ટીનમાં જવાય. મોટા ભાગે લેબોરેટરીનો સમય થીયરી ક્લાસીસ પહેલાંનો હોય અને ત્યાર પછી રીસેસ પડે એટલે મોરેની કેન્ટીનમાં પહોંચીને નાસ્તા માટેની કૂપન ખરીદી નાસ્તો લઈને મનપસંદ જગ્યાએ ટેબલ પર અમારી કંપની સાથે ગોઠવાઈ જવાની સરળતા રહેતી. આ મોરેની કેન્ટીનનો પણ એ જમાનામાં વૈભવ હતો. કોલેજ કેન્ટીન તો હતી જ પણ અમારા પ્રોફેસર સાહેબોની પાર્ટીઓ પણ અહીંયાં જ યોજાતી. આમ મોરેની કેન્ટીન એ અમારા કેમ્પસનું અને વિદ્યાર્થી જીવનનું અવિભાજ્ય અંગ હતું. અનેક વ્યૂહરચનાઓ અહીં ઘડાતી, ચૂંટણી માટેના પ્રપંચો અને કાવાદાવા અહીં રચાતા, ઘણી બધી વખત કોઈ ટોપીક ઉપર ગહન ચર્ચાઓ પણ અહીં આકાર લેતી અને એ બધું ન હોય ત્યારે ગામ ગપાટા અને પારકી પંચાયત માટેનું તો આ સ્થળ હતુ જ. મોટી વાત એ હતી કે અહીંયાં જે વ્યંજનો મળતાં તેમાં સમોસા, ફ્રૂટકેક, ખારી, નાનખટાઈ અને બ્રેડ બટર તેમજ બટાકા પૌવા અથવા સેવઉસળ, ચા અને કોફીની કિંમત બધાના ગજવાને પોષાય તેવી રહેતી. કૂપન લઈને વસ્તુઓ ખરીદવાની હતી એટલે એકવાર ટેબલનો કબજો લીધો તે આપણે ઊભા થઈએ ત્યાં સુધી કોઈ બીલ આપવા કે ઉઠાડવા નહોતું આવતું.
ક્યારેક બધાનો એવો મત થાય કે બહુ કંટાળો આવે છે અને આજે ક્લાસ નથી ભરવો તો અમે “નો મૂડ સ્ટ્રાઈક” કરતા આખો ક્લાસ વિદાય થઈ જતો. કોઈ એક બે ને કામ સોંપ્યું હોય તે સંબંધિત પ્રોફેસરને જઈને કહી આવતા કે, “સર આજે બધાએ નો મૂડ સ્ટ્રાઇક કરી છે” આ ચાલી જતું. ક્યારેક ક્યારેક આ પ્રકારની “નો મૂડ સ્ટ્રાઈક” કરવી એ શિસ્ત ભંગ નહોતો ગણાતો. પ્રોફેસરો પણ એટલા ખેલદિલ હતા અને અમે તો એથીય વધારે ખેલદિલ હતા એટલે ક્યારેક સાડા પાંચને બદલે સાડા ત્રણે કોલેજ પૂરી થઈ જાય એવું બને અને સૌ પોતપોતાના રસના વિષયો મુજબ પ્રવૃત્તિમાં જોડાઈને આનંદ લે તેમ થતું. આ “નો મૂડ સ્ટ્રાઈક”નો મહિમા અને એની જરૂરિયાત ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં આવ્યા પછી અનુભવાઈ અને સમજાઈ પણ ખરી.
આમ...
અપ્લાઈડ મિકેનીક્સ લેબોરેટરી અને મટેરીયલ ટેસ્ટીંગ
મોરેની કેન્ટીન
આ કેન્ટીનમાં રીસેસ દરમિયાન જામતી મહેફિલ
ઘડાતી વ્યૂહરચનાઓ
વિદ્ધતાપૂર્ણ ચર્ચાઓ
નો મૂડ સ્ટ્રાઈક
ટેકનોલોજીમાં પ્રથમ વરસનો અભ્યાસક્રમ હવે ગતી પકડી રહ્યો હતો
સાથોસાથ અમારા વાનરવેડા પણ.