મા સરસ્વતીને ઠેસ વાગતા અરવડીયું (ગોથું) આવ્યું ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા તે પરમ પવિત્ર તીર્થ એટલે અરવડેશ્વર મહાદેવ
ઐતિહાસિક, ધાર્મિક, વેદકાલીન અને પુરાણપ્રસિદ્ધ નગરી શ્રીસ્થળ – સિદ્ધપુર એટલે મંદિરોની નગરી. અહીં કંકર એટલા શંકર એ માન્યતા પ્રમાણે સેંકડો શિવમંદિરો આવેલાં છે. અને એમાંય પાંચ સ્વયંભૂ શિવમંદિરો એક જ નગરમાં હોય તેવું મારી જાણ મુજબ ભારતભરમાં એકમાત્ર નગર સિદ્ધપુર છે. આ પાંચ સ્વયંભૂ મહાદેવ એટલે અરડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ અને વટેશ્વર મહાદેવ.
આમાંનું એક સ્વયંભૂ શિવમંદિર એટલે સરસ્વતી નદીના પૂર્વ કિનારે આવેલ શ્રી અરવડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર. અરવડેશ્વર મહાદેવના શિવલિંગનો આકાર ઓમકાર તેમજ ગાયત્રી લિંગ જેવો છે. આ જ્યોતિ સ્વરૂપ મહાદેવની પૂજા, આરાધના, સાધના અને ઉપાસના કરવાથી બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા હિમાલયમાં બિરાજતા શ્રી કેદારનાથ તથા કૈલાસ માનસરોવરના દર્શન કરવા જેટલું પુણ્ય મળે છે. શિવપુરાણ, સ્કંદપુરાણ વગેરે પુરાણોમાં તેનો ઉલ્લેખ છે તે પરથી કહી શકાય કે આ મંદિર હજારો વરસ પૂર્વે ઋગ્વેદકાળથી અસ્તિત્વ ધરાવે છે. અરવડેશ્વરની જગ્યા મૂળ તો નાથ સંપ્રદાયની હતી. અહીં પ્રાચીન સમયમાં નાથ સંપ્રદાયના સાધુ-સંતો તથા ઋષિમુનિઓ તપ કરતા હતા. અરવડેશ્વર મહાદેવની બિલકુલ સામે નાથ સંપ્રદાયના ગુરુ નાથબાવાની દિવ્ય મૂર્તિ અને જીવંત સમાધિ આવેલી છે જેની પણ પૂજા કરવામાં આવે છે. આ સિવાય અહીં તપ કરી જીવંત સમાધિ લેનાર નાથ સંપ્રદાયના અન્ય સાધુ-સંતોની પણ સમાધિઓ આવેલી છે જે મંદિરની જમણી બાજુ છે.
અહીં એક અતિ પ્રાચીન શિલાલેખ આવેલ છે જે આ મંદિર વેદકાલીન હોવાનું પ્રમાણ આપે છે. અહીં પ્રાચીન મંગળિયા હનુમાનજી બિરાજમાન છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહની દશા ચાલતી હોય તેઓ આ સિદ્ધ હનુમાનજીના દર્શન કરી સિંદુરનો ચોરો કરે તો તેમને ગ્રહદશામાંથી મુક્તિ મળે છે. આ સિવાય અહીં મહુડાના ઝાડમાંથી સ્વયં પ્રગટ થયેલ શાકંભરી માતાનું પણ મંદિર છે. ભારતભરમાં માત્ર બે જગ્યાએ જ સ્વયંભૂ શાકંભરી માતાજીનાં મંદિર છે. એક હિમાલયમાં અને બીજું સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવના આશ્રમમાં. આ સિવાય પૂ. ગુરુમહારાજનું સમાધિસ્થળ, ગુરુમહારાજ દ્વારા નિત્ય કરવામાં આવતી પંચાયતન પૂજા, ચંદ્રમૌલિશ્વર મહાદેવ, બાલદત્તાત્રેયનું મંદિર, યજ્ઞશાળા, ગૌશાળા, વૈદિક પાઠશાળા તેમજ અન્નપૂર્ણા ભવન આવેલા છે.
આ જગ્યામાં અનેક સિદ્ધમુનિઓએ તપશ્ચર્યા કરી છે તેમજ શિવલિંગની ઉપાસના કરી શિવ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે. કળિયુગમાં પણ પરમ પૂજ્ય શ્રી દેવશંકર બાપાએ અહી તપ કર્યું હતું. અહીં ભગવાન શિવ સાક્ષાત તેમના ગણ મહાકાલ સાથે બિરાજમાન છે.
શ્રી સરસ્વતી પુરાણમાં અરવડેશ્વર મહાદેવની ઉત્પતિની કથા આપેલી છે જે મુજબ મા સરસ્વતી સુંદર કન્યાનું સ્વરૂપ ધારણ કરી અર્બુદારણ્ય એટલે કે આજના અંબાજી પાસે આવેલ કોટેશ્વરની આજુબાજુના જંગલ પ્રદેશમાં ગૌમુખ આગળથી શ્રી સ્થળ સિદ્ધપુર જઇ રહ્યા હતા. તે સમયે એક મહાભયંકર રાક્ષસ તેમનું રૂપ જોઈ મોહી પડ્યો અને એમની પાછળ પડી ગયો. માતાજી આગળ અને રાક્ષસ એમની પીછો કરતો કરતો તેમની પાછળ જવા લાગ્યો. આવી રીતે શ્રીસ્થળ પાસે આવીને માતાજીએ મદદ માટે બૂમ પાડી. તે જ સમયે માતાજીને ઠેસ વાગતા અરવડીયું એટલે કે ગોથું આવી ગયું. જે જગ્યાએ માતાજીને ઠેસ વાગી ત્યાં ભગવાન શંકર સ્વયંભૂ પ્રગટ થયા. માતાજીને ઠેસ વાગવાથી અરવડીયું આવ્યું અને ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા તેથી તેઓ અરવડેશ્વર તરીકે પ્રસિદ્ધ થયા. આ જગ્યાનું વાતાવરણ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. અહીં એક સાથે અગિયાર પીપળા, વડ, બિલી, આંબો તથા ફકત નેપાળમાં જ થાય એવા દુર્લભ રુદ્રાક્ષના છોડ અને અન્ય ઔષધીય વનસ્પતિઓ આવેલી છે.
અહીં અનુષ્ઠાન કરવા ઘણા લોકો આવે છે. શ્રદ્ધાળુઓ માટે ઋષિ/મુનિઓના નામ પરથી બનાવેલી પિરામિડ આકારની કુટિરો આવેલી છે. અરવડેશ્વર મહાદેવની આ જગ્યામાં નારેશ્વરના શ્રીરંગ અવધૂત મહારાજ, પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ઉપરાંત અનેક સંતો અને મહંતો પૂ. દેવશંકર બાપાની મુલાકાતે આવેલા છે.
અહી સવાર-સાંજ શિવની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત લઘુરુદ્ર, મહાઅભિષેક અને કીર્તન પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં અહીં મેળો ભરાય છે અને શિવજીને સવા લાખ બિલીપત્ર શિવને અર્પણ કરવામાં આવે છે. શિવરાત્રિના દિવસે અહીં ચાર પ્રહારની પૂજા કરવામાં આવે છે. આજથી ૭૫ વરસ પહેલા પૂ. દેવશંકર બાપા દ્વારા શ્રાવણ માસના છેલ્લા સાત દિવસ દરમ્યાન શરૂ કરવામાં આવેલ ‘ૐ નમ: શિવાય’ની અખંડ ધૂન આજે પણ એટલા જ ઉત્સાહથી ચાલે છે. આ ધૂનમાં પ્રત્યેક ત્રણ કલાક પછી નવા ભક્તો પીતાંબર પહેરી જોડાતા હોય છે.
અહી ઘટ સ્થાપન કરી જવારા ઉગાડવામાં આવે છે. પૂર્ણાહુતિના દિવસે ભક્તો આ જવારા પોતાની મનોકામના પૂર્ણ થાય, ધનધાન્ય ભર્યાં રહે તે માટે ઘરે લઈ જઈ તિજોરીમાં કે અન્નના કોઠારમાં રાખે છે. આ જગ્યાના વિકાસમાં ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઇ પંચોલી, સ્વ. શ્રી પ્રવીણભાઇ દવે તથા અન્ય ટ્રસ્ટીઓ અને શ્રી અરડેશ્વર યુવક મંડળના શ્રી વિક્રમભાઈ પંચોલી, ધ્રુવભાઈ દવે, કપિલભાઈ દવે, દીક્ષિતભાઈ દવે વિગેરે અને પૂજારીશ્રીનું મહત્વનું યોગદાન છે.