Wednesday, February 1, 2017

રેલ્વેવાળા પહેરે છે તેવો સફેદ કોટ અને માથે કાળી ટોપી. મારા બાપાની ઓળખાણ હતી.

 

રેલ્વેમાં નોકરી કરી....

રાજીનામું આપી દીધું.....

ફરી પાછા જોડાઈને પાલનપુર-કંડલા લાઈન ઉપર થોડાક વરસો ખેંચી કાઢ્યાં. પણ....

રેલ્વેની એ ઓળખાણ બિન્નીના જીન્સના કપડાનો સફેદ કોટ

એમણે આખી જીંદગી પહેર્યો

કોઈના પણ માટે દોડવું, નિઃસ્વાર્થભાવે કામ કરી છુટવું એ એનો સ્વભાવ હતો.

ગરીબ અને વંચિત વર્ગ માટે એક વિશેષ લાગણી એમના મનમાં રહેતી

અમે જંગલ જેવી જગ્યામાં ગામથી દૂર રહેતા

આજુબાજુ શાકભાજી કે બીજું કશું જ ના મળે

આ બધી ખરીદી સિદ્ધપુર શહેરના બજારમાંથી થતી

હું એવા પણ પ્રસંગોનો સાક્ષી છું જ્યારે ઘરે મહેમાન આવ્યા હોય અને કોઈકને કોઈક વસ્તુ વગર અટકી પડે તેમ હોય.

 

આવા પ્રસંગે મારા ત્યાં રહીને ભણતા ભરથરી કે ઠાકોરના કોઈ છોકરાને મારી મા તાત્કાલિક દોડાવે.

મારા બાપા ઉપરનો એનો વિશ્વાસ ખુબ પાકો

એ ક્યારેક હળવાશમાં કહેતી પણ ખરી કે એમની પાસે કશું મંગાવ્યું હોય તો મામો મીંઢળ લેવા જાય તે ભાણાના ઘરે સંતાનો આવે ત્યારે પાછો આવે !

મારી મા સાચી હતી

પણ એટલે મારા બાપા બેજવાબદાર કે રેઢિયાળ હતા એવું નહીં

એની પ્રાથમિકતા જુદી હતી

નાનું મોટું સરકારી કચેરીનું કામ હોય, કોઈનું ઈન્ટરવ્યુ હોય, કોઈને દવાખાને દાખલ કરવાનું હોય કે પછી કોઈની બદલીનું કામ હોય કોઈપણ રસ્તામાં મળે અને આવી કોઈ મુશ્કેલી અથવા વિતકકથા વર્ણવે એટલે સાહેબનો રસ્તો બદલાઈ જાય.

ઘરનું કામ અભરાઈએ ચડી જાય અને કોઈકની પ્રાથમિકતા એમની ખુદની બની જાય.

તાલુકામાં અને જીલ્લામાં એ અધિકારીઓ સાથે સંબંધો રાખતા

એમને પોતાને કોઈ જ સ્વાર્થ નહોતો

પણ જીલ્લામાંથી શાસનાધિકારી સાહેબ ઈન્સ્પેક્શનમાં આવ્યા હોય કે પછી નાયબ પોલીસ અધિક્ષક ફાયરીંગની પ્રેક્ટીસનું નિરીક્ષણ કરવા આવ્યા હોય અમારે ત્યાંથી બરાબર બ્રિટીશ ટ્રેડીશનમાં સર્વિસ ટીની ટ્રે અને બિસ્કીટ એમના માટે અચૂક જાય.

કોઈકને તો વળી આગ્રહ કરી ઘરે જમવા પણ લઈ આવે

આ બધું કોના માટે કરતા હશે ?

આ પ્રશ્ન મને ત્યારે નહોતો થતો

મારા બાપા મોટા મોટા અધિકારીઓને ઓળખે છે એ જોઈને અંતરમાં એક છુપો આનંદ હતો

હવે સમજાય છે એમને પોતાને સરકારી તંત્ર સાથે કશું જ કામ નહોતું

નહોતા કુટુંબમાંથી કોઈનેય નોકરીએ લગાડવાના

નહોતો એવો કોઈ ધંધો કરતા કે જેમાં સરકારી તંત્રને જાળવવું પડે

આમ છતાંય એ બધાને જાળવતા

એમના સંબંધોની આ માવજત બીજાઓ માટે હતી

મારી મા ક્યારેક કંટાળે ત્યારે ઉભરો ઠાલવી નાંખતી –

“જીવતર જ બીજા માટે ધર્યું છે. ઘરનાનું જે થવું હોય તે થાય.”

પણ......

આવું એ કહેતી ખરી અને અડધી રાતે પણ મહેમાનની સરભરા કરીને મારા બાપાની ટેવો બગાડવાનું કામ પણ કરતી.

ક્યારેક વિચારું છું કે શું ખરેખર મારા બાપાનું જીવન બીજા માટે જ સર્જાયું હતું ?

 

મારી મા એ એક પ્રસંગ કહ્યો હતો

મારા દાદાજીને પહેલું સંતાન દીકરી થઈ ત્યારબાદ કોઈ સંતાન નહોતું.

એકાએક તેઓ ગંભીર માંદગીમાં સપડાયા

અનેક ઉપાયો છતાં માંદગી કાબુમાં નહોતી આવતી

જીવનદીપ બુઝાવાને આરે હતો

બધાએ આશા છોડી દીધી હતી

ગમે ત્યારે જીવનલીલા સંકેલાઈ જાય તે સ્થિતિ જોતાં અનુભવીઓએ એમના માટે ચોકો તૈયાર કર્યો હતો. મોંમાં ગંગાજળના ટીપાં અને તુલસીનું પાન પણ મુકી દીધું હતું.

બસ ચોકે લેવાય તેટલી વાર હતી

સ્વાભાવિક છે સહુથી વિચલીત અને દુઃખી મારી દાદી જ હોઈ શકે

પણ......

એની પ્રાર્થના સતત ચાલુ હતી

દીવો પ્રગટાવ્યો તેની સાક્ષીએ એણે એક અરજી કરી નાંખી

આ અરજી પર સરનામું કર્યું

મા સિદ્ધેશ્વરી, મુ. મંડલોપ (મલ્લોપ)

આસ્થાની ટિકિટ ચોંટાડીને આ ટપાલ એણે નાંખી દીધી

વિનંતી લગભગ અશક્ય કહી શકાય તેવી મારા દાદાને સાજા કરવા માટેની હતી

સમય વીતતો ચાલ્યો

જાણે કે ચમત્કાર થયો હોય તેમ મારા દાદાના મોં પરની મોતની છાયા વિખરાવા લાગી.

એમની તબિયતમાં વળતાં પાણી થયા

આ માંદગીમાંથી મારા દાદા બેઠા થયા

ત્યારબાદ મારા બાપાનો જન્મ

મને હંમેશા એવું લાગ્યું છે કે કોઈ ઋણાનુબંધ પુરા કરવા આ જીવ પૃથ્વી પર ભુલો પડ્યો હતો

અમારા કુટુંબને લાગેવળગે છે ત્યાં સુધી.....

આમ જોઈએ તો અમારા ઈષ્ટદેવ શંકર જે અડીયા મુકામે સ્થાપિત છે

સ્વયંભૂ લીંગ છે

અમારા કુળદેવી સ્વાભાવિક રીતે જ ચંદ્રુમાણાના પાદરે બિરાજતાં ગૌરી મા ગણાય.

આ બન્ને સ્થાનો માટે શ્રદ્ધા અને આદર ધરાવું છું કારણકે એ સ્થાનો મને મારા મૂળીયાં સાથે જોડે છે.

પણ સિદ્ધેશ્વરીનું સ્થાન એ વિશીષ્ટ છે

મારાં શ્રદ્ધાકેન્દ્રોમાં આવતાં ધર્મસ્થાનો એટલે મૃત્યુંજય મહાદેવ સિદ્ધપુર, સિદ્ધપુરના ગામધણી ભગવાન ગોવિંદ માધવ, મા સિદ્ધેશ્વરી અને શિરડીમાં બિરાજતા બાબા. મારી અપ્રતિમ શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યા છે. જો કે આ બધા ભેદ આપણે માણસોએ કરી મુક્યા છે બાકી આ બધી જ દૈવી શક્તિઓ એક જ છે અને નિરંતર આપણું યોગક્ષેમ વહન કરે છે.

 

મારા દાદાની જીવનયાત્રામાં લગભગ મૃત્યુને બારણે ટકોરા મારી આવ્યા બાદ મારા પિતાજીનો જન્મ થયો. એ કોઈ એકના માટે નહીં થયો હોય એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે.

 

આ માણસ પાસેથી શીખવા જેવી બીજી એક વાત હતી

તદ્દન નફિકરાઈ અને બધું જ સમુસૂતર પાર પડી જશે એવી શ્રદ્ધા

મારી માનો જીવ ચિંતાવાળો

ન હોય ત્યાંથી એ પ્રશ્નો ઉભા કરે અને પછી એના જવાબો શોધવા મથે

આથી તદ્દન ઉલટું

મારા બાપાનું મગજ સાવ ઠંડુ હિમ જેવું

ઘરે પ્રસંગ હોય તો પણ મેં એમને ક્યારેય ચિંતા કરતા નથી જોયા

ગજવામાં ફદીયાં ન હોય તો પણ....... અને આશ્ચર્યજનક રીતે એના વ્યવહારો નભી જતા

બીજી મોટી તકલીફ હતી આયોજનની

કોઈ પ્રસંગ હોય તો એ રસ્તામાં ઝાડને પણ નોંતરું દેતા આવે

આમ છતાં સરવાળે બધું જળવાઈ રહ્યું અને વ્યવહારો નભી ગયા એ ઈશ્વરની કૃપા

એક સ્પષ્ટ વિરોધાભાસ મારી મા અને બાપના મારા માટેના અભિપ્રાય અને વર્તનમાં હતો

હું બહું તોફાની છું એવી બહાર છાપ.

એકવાર આવી છાપ ઉભી થઈ જાય પછી જલ્દીથી એ બદલાતી નથી.

મારી મા ને કોઈ ફરિયાદ કરે તો એ કોઈપણ પ્રકારના પૂછપરછ કરવાના વિવેકને બાજુ પર મુકીને મારા ઉપર વરસી પડે.

આથી ઉલટું

મારા બાપાને કોઈ ફરિયાદ કરે તો પહેલાં કોઈ પ્રતિભાવ જ ન મળે અને મળે તો એક જ વાક્યમાં “અશક્તિવાન ભવેત્ સાધુ”

જેનામાં શક્તિ નથી તે જ નમાલો થઈને બેસી રહે

બાળક છે તોફાન કરશે. એ ન કરતું હોય તો ચિંતા કરવી બાકી બાળકની ઉર્જા તોફાન ન કરે તો બહાર કઈ રીતે આવશે ?

 

હું ઝાડ પર ચડતો, થોરની વાડની નેળ ગળતો, ખેતરમાં પાણત પણ કરતો, વગડે આવેલા ખેતરોમાં ભાઈબંધો સાથે રખડતો પણ રહેતો. આમ છતાંય ક્યારેય મારા બાપાએ મને ટોક્યો નથી. હા મારી મા ક્યારેક ક્યારેક કકળાટ કરી લે પણ એનું આ મુદ્દે મારા પર બહુ ઉપજતું નહીં.

મારા વાનરવેડાને મારા બાપાનું આ વાક્ય “અશક્તિવાન ભવેત્ સાધુ” સ્વીકૃતિની મહોર મારતું રહ્યું અને એટલે મારાં બાળપણના તોફાનો અને જંગલીવેડા નિર્બંધ ચાલુ રહ્યાં. આ તોફાનો કરતાં પડ્યો, આખડ્યો, વાગ્યું અને બે-ત્રણ વખત તો મોતને બારણે ટકોરો મારી પાછો આવ્યો. પણ, એ જ વાનરવેડા અને તોફાનોએ મને ઘડ્યો. ઉનાળાના ધગધગતા તાપમાં કે કાંટાળા રસ્તે વગર જોડા પહેરે ચાલવાની, નોટ ઘરે ભુલી ગયા હોઈએ તો હાઈસ્કુલમાંથી રિસેશમાં દોડતા ત્રણ કિલોમીટર ઘરે જઈ લઈ આવવાની, વરસાદની હેલીમાં અડધાં ભીનાં કપડે નિશાળ પહોંચવાની અને શિયાળાની કડકડતી ઠંડીમાં શનિવારની એ વહેલી સવારે તૈયાર થઈને નિશાળ દોડી જવાની તાલીમ મને એ વાનરવેડાએ આપી. કચરા ભીલના આંબાવાડીયામાંથી કેરી પાડી લાવવાની, કિરીટ પટેલના જાંબુડા ઉપર ચડીને જાંબુ પાડવાની, બરાબર થોરીયાની વાડ વચ્ચે આવેલા ગુંદી કે બોરડીના ઝાડ ઉપરથી ગુંદા કે બોર પાડવાની, તક અને તાલીમ મને આ વાનરવેડાએ આપી. આ વાનરવેડાને કારણે જ રાજપુર ગામની જમીન હોય એવો એકેય વાંટો ખુંદયા વગરનો ના રહ્યો. તુવરની શીંગો કે ચોળાની શીંગો, કોઈકના ખેતરમાં ચણાનો ઓળો તો ક્યાંક ઘઉં વાઢીને એનો મોરલો બનાવી પોંકની જાફત. તમે હાથલા થોરની વાડ જોઈ હશે. આ થોરને સરસમજાનું ફુલ આવે અને પછી ફળ બેસે એને “ફેંદવું” કહેવાય. આ ફળ પાકે એટલે લાલ રંગનું થાય. એ ફળની સપાટી ઉપર નાની નાની ફાંસ જેવી રુવાંટી ઉગેલી હોય. કાળજીપૂર્વક એને ઘસી નાંખવાની અને પછી એ પાતળી છાલ ઉતારી નાંખી અંદરથી સ્વાદિષ્ટ ગરભ નીકળે તે ખાવાનો. હાથલા થોરનાં ફળ ખાઈ શકે એ માણસ જંગલી નહીં તો બીજું શું ગણાય ? પણ આવો જ સ્વાદ પાકેલા પીલૂનો, વાડ પરથી મેળવેલ ડોડાનો અને ખીજડા ઉપર પાકીને સૂકાઈ જતાં ખોખાંનો હોય એ ખબર ગામડામાં રહેતા આજના માણસને પણ નહીં હોય. વડના ટેટા અને પીપળાનાં ફળ જેને “ભૂણાં” કહેવાય, ઉંબરાનાં ઉંબરાં, આંબલીના કાતરા અમને સહજતાથી પ્રાપ્ત અને સીઝન પ્રમાણે બદલાતી વન્ય ઉપલબ્ધિઓ હતી. ક્યારેક નસીબ સારાં હોય તો કોઈકના ખેતરમાંથી કાકડી, ટામેટાં કે પપૈયાંની પણ મીજબાની ઉડાવતા. મને જે પ્રકારની રખડપટ્ટીની છૂટ મળી હતી તે ન મળી હોત તો ક્યારેય ન અનુભવાત. નિશાળે જવું અને ભણવું એ તો માત્ર મારી દૈનિક ક્રિયાનો એક નાનો ભાગ હતો. સીમ વગડે રખડવું અને સંપૂર્ણપણે કુદરતના ખોળે જીવવું એ મારું જીવન હતું. આમ, મારા ઉપર એકનું એક સંતાન હોવા છતાં જો કોઈ વધુ પડતી સંરક્ષણાત્મક છત્રી(Protectionist Umbrella) ન ધરાઈ હોય તો એનો જશ મારા બાપાને અને કંઈક અંશે મા ને પણ જાય છે.

All Work and No Play makes Jack a dull Boy

આ સૂત્ર મારા બાપા ઘણી વાર કહેતા.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles