કુદરતે આ પૃથ્વી ઉપર અનેક ભાતીગળ વનસ્પતિનું સર્જન કર્યું છે. વનસ્પતિ ઉપર આધારિત ઔષધિ આયુર્વેદની એક મહત્વની શાખા છે. આ માટે જે તે વનસ્પતિ અંગેનું જ્ઞાન તેમજ તેના ઔષધીય ગુણો જાણવા જરૂરી છે. આજે જંગલો લુપ્ત થતાં ચાલ્યાં છે. તે જ રીતે ખેતરના શેઢે, વાડ ઉપર અથવા જાળાઝાંખરામાં ઊગતી અને ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિ પણ ઝડપથી નાશ પામી રહી છે. આપણે ડાયટર જેવા અથવા લેસિક્સ જેવા ડાયયુરેટિક્સ લઈએ છીએ, જેનાથી શરીરમાં ઉપયોગી ક્ષાર પણ ધોવાઇ જાય છે. આની સામે ‘સાટોડી’ અથવા ‘પુનર્નવા’ તરીકે ઓળખાતી વનસ્પતિનો ઉકાળો (ક્વાથ) પણ આ જ અસર કરે છે, સાથે કોઈ આડઅસર નહીં. વિટામીન-સી માટે ચ્યુસી લઈએ પણ એ જ વસ્તુ આમળાં, લીંબુ કે નારંગીમાંથી સારી રીતે પ્રાપ્ત થઈ શકે અને શરીરમાં પચે છે. મારી જાણ મુજબ એલોપથીમાં કોઇ પણ વાયરલ ડિસિઝ અટકાવવા માટેની રસી હજુ સુધી નથી શોધાઈ પણ તુલસી એ કામ અસરકારક રીતે કરતી હોવાનું કહેવાય છે. હવે તો મોટી ઉધરસ એટલે કે ઊંટાટિયું (વીપિંગ કફ) ઝાઝો થતો નથી પણ આ માટેનું એક અકસીર ઔષધ અરડૂસીમાં મળી રહે છે. ઊંઘ ના આવતી હોય તો પાસાં ઘસવાની કે ઊંઘની ગોળી લેવાની જરૂર નહીં, અશ્વગંધા પાવડર સહેજ હૂંફાળા દૂધમાં પીવાથી લગભગ આવું જ ફળ મળે છે. નાના બાળકને ઝાડા થયા હોય તો જાયફળ ઘસીને પીવડાવાય અને હરડેમાં તો એટલા બધા ગુણ છે કે ‘यस्य गृहे नास्ति माता, तस्य माता हरीतकी।’ જેના બાળકને હરડે અપાય તે નિરોગી રહે અને એટલે જ કહ્યું છે કે –


ઓકી દાતણ જે કરે
નરણાં હરડે ખાય
દૂધે વાળું જે કરે
તે ઘેર વૈદ ન જાય


ડોડી માટે એવું કહેવાય છે કે એની કુંણી ડુંખનું શાક ખાવાથી અથવા એનું ફળ ડોડું ખાવાથી આંખનું તેજ વધે છે. તુલસીની જેમ લીમડામાં પણ અનેક ઔષધીય ગુણો છે. જીભ આવી હોય તો ચણોઠીનાં પાન ચાવીને લાળ દદડતી મૂકવાથી રાહત થાય. ઘઉંની સાથે ઉગતો ચીલ અને ખેતરના શેઢે ઉગતા તાંદળજાની ભાજીમાંથી લોહતત્વ મળે છે. વીંછી કરડ્યો હોય તો કૌવચનું બી ઊભું ઘસીને ડંખ ઉપર ચોપડવાથી અને બાકીનો ભાગ ડંખ ઉપર દબાવી રાખવાથી વીંછીનું ઝેર ઉતરે છે. નગોડ, ધતુરો, મેથી જેવી વનસ્પતિને સરસિયાના તેલમાં થોડાક દિવસ પલળવા દઈને પછી એને ઉકાળી આ સત્વવાળું તેલ ગાળી લઈ તેનું માલીશ કરવાથી ઘુંટણનો દુ:ખાવો કે વા મટે છે. શિયાળામાં નાના બાળકને સરસિયામાં અજમો કકડાવી માલિશ કરવાથી શરદી થતી નથી. ચંદનના પણ અનેક ઔષધીય ગુણો છે. સાદળ, અર્જુન, ભોંયરીંગણી વગેરે દસ પ્રકારની વનસ્પતિમાંથી બનતો દસમુલાદી કવાથ અત્યંત ગુણકારી છે. ડમરો (મરવો) પણ ઔષધીય ગુણો ધરાવે છે. ડમરા અને તુલસીનાં પાન વાટી એના રસનાં ટીપાં કાનમાં નાખવાથી સણકા આવતા હોય તો મટે છે. આદુ, હળદર, જીરું, ઇસબગુલ, એરંડો અનેક પ્રકારના ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિઓ છે. માણસ દાઝ્યો હોય તો તરત થૂવર અથવા આકડો કે ખરસાંડીનું દૂધ લગાવવાથી ફોલ્લો પડતો નથી અને રાહત થાય છે. ધરો, શંખપુષ્પી, શતાવરી, સાલમ, ખાખરો, શીમળો, સરગવો, અનેક ઔષધીય ગુણો ધરાવે છે. હાથીયા થોરને આવતાં ફળ ‘ફેંદવાં’ હિમોગ્લોબીન વધારવામાં તેમજ બરોળની વિકૃતિ સુધારવામાં અકસીર સાબિત થયાં છે. લીમડાગળો અને ગળોસત્વ પણ હિમોગ્લોબીન વધારે છે. તો બીજી બાજુ અલૂવેરા (કુંવરપાઠું) કોસ્મેટિક્સથી માંડીને ઔષધીય ગુણો ધરાવે છે એમાં હવે કોઈને શંકા નથી. આ બધી વાત કરીએ ત્યારે હરડાં, બહેડાં અને આમળાં આ ત્રણ ફળની ભૂકી કરીને બનાવેલ ત્રિફળાને કેમ ભુલાય? નાગરવેલનાં પાન વરાળથી બાફીને તેનો રસ કાઢી મધ સાથે બાળકને અપાય તો કફ છૂટો પડી જાય છે. કડું-કરિયાતું, તજ-લવિંગ જેવી વનસ્પતિઓ પણ રોગપ્રતિકારક અને ઔષધીય ગુણો ધરાવે છે. ગરમાળો, બીજોરું, કેરાં, કમળકાકડી જેવી વનસ્પતિના ઔષધીય ગુણ અપાર છે. ગૂગળ અને ગુંદર કે પછી ખેરના લાકડામાંથી બનતો કાથો, તલ, સરસવ, અષેડીયો, એરંડો અલગ-અલગ રીતે વાપરવામાં આવે તો અલગ અલગ પ્રકારની ઔષધી તરીકે કામ કરે છે. સૂર્યોદય પહેલાં નીરો પીવાથી અથવા તાજાં ખરેલાં મહુડાં ખાવાથી રક્તશુદ્ધિ થાય છે. ‘ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો’ કહેવત પ્રમાણે બધી જ વનસ્પતિ ખાનાર ઊંટ અને બકરીનું દૂધ અનેક પ્રકારના ઔષધીય ગુણો ધરાવે છે. ઊંટના દૂધમાંથી બનતું ઘી અને બકરીના દૂધમાંથી બનતી ચીઝ દુનિયાના બજારમાં પ્રીમિયમ પ્રોડક્ટ તરીકે વેચાય છે તેનું કારણ આ બન્ને પ્રાણીઓ દરેક પ્રકારની વનસ્પતિ ખાય છે અને તેને પચાવે છે તે છે. ધતુરો, ભાંગ, અફીણ, આમ તો વ્યસન અને ઝેર ગણાય છે પણ આયુર્વેદમાં એના પણ અનેક ઔષધીય ગુણો છે. કેન્સરના અંતિમ તબક્કે દરદી ઓછામાં ઓછું દુઃખ વેઠે તે માટે વપરાતી દવાઓ અફીણ જેવી વનસ્પતિ પેદાશમાંથી બને છે. એ જ રીતે ખસખસ પણ ઘણા બધા ઔષધીય ગુણો ધરાવે છે. તેવું જ ઈલાયચી માટે કહી શકાય. ઉમરાના દૂધનો પણ બહુ મોટો ઔષધીય ઉપયોગ છે. એવું જ પપૈયાના દૂધમાંથી પેપીન બને છે તેનો પણ ઔષધીય ઉપયોગ છે. ગાજર, કોબીજ, પાલક, કોથમીર, જેવી વનસ્પતિઓ પણ ઔષધીય ગુણો ધરાવે છે. 


આ તો થઈ માત્ર ઉપરછલ્લી વાત. આ વિષયનું કોઈપણ જ્ઞાન ન ધરાવનાર મારા જેવો ગામડામાં ઉછરેલ માણસ આજુબાજુ જોતા-સાંભળતાં આ બધું શીખ્યો, પણ હવે ગામડાં ભાંગીને શહેરોમાં બનવા લાગ્યાં છે. ઘણી બધી વનસ્પતિઓ હવે નાશ પામવા માંડી છે. આ લુપ્ત થતી જતી વનસ્પતિ સૃષ્ટિની સાથોસાથ કોઈપણ પ્રકારની આડઅસર વગર લાંબા ગાળા સુધી ગુણકારી એવી ઔષધીય ક્ષમતાની શક્યતાઓ પણ વિલીન થવા માંડી છે. આજની પેઢી જે ભણે છે અને સમજે છે તેમાં આપણા પૂર્વજોએ પાછળ મૂકેલું અમૂલ્ય જ્ઞાન અને એની ઉપયોગિતા કાળની ગર્તામાં વિલિન થઈ રહી છે. 


એલોપેથી રસાયણશાસ્ત્ર પર આધારિત પદ્ધતિ છે. આયુર્વેદમાં જેમ વનસ્પતિ આધારિત દવાઓ છે તે જ રીતે એક આખી ચિકિત્સા પદ્ધતિ જુદી જુદી ભસ્મ પર આધારિત પણ છે. વનસ્પતિ પર આધારિત ચિકિત્સાપદ્ધતિ પરિણામ આપવામાં ધીમી જરૂર છે પણ એની કોઈ આડઅસર નથી. તમે ગામડાંમાં રહેતા હો તો ઘણી બધી વનસ્પતિઓ આજુબાજુ માંથી મળી રહે છે. આને કારણે પ્રમાણમાં ઘણા ઓછા ખરચે દરદી સાજો થાય છે. ચિકનગુનિયા જેવા વાયરસના કિસ્સામાં એલોપેથીની દર્દશામક દવાઓ તાત્કાલિક તો રાહત આપે છે પણ સાંધા જકડાઇ જવા અને દુઃખાવાનું દરદ કાયમી ધોરણે ઘર કરી જાય છે. આ કારણથી ચીકનગુનીયા માટે એલોપેથીમાં માત્ર પેરાસીટામોલ આપવાનું જ હિતાવહ છે, જ્યારે આયુર્વેદિક ઉકાળાનાં પડીકાં દરદીને ઘણી રાહત પહોંચાડે છે. આયુર્વેદ આમ તો પાંચમો વેદ છે. ભગવાન ધનવંતરીના આશીર્વાદ એને મળેલા છે અને એટલે વનસ્પતિ ઉપર આધારિત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ જ્યાં શક્ય હોય અને તાત્કાલિક રોગને નાથવા માટે એલોપથી ચિકિત્સા પદ્ધતિની જરૂર ના હોય ત્યાં વધુ ને વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતી બનવી જોઈએ. આ પદ્ધતિથી ફાયદો મળતાં કદાચ વાર લાગે પણ નુકસાન તો નહીં થાય. 


અને છેલ્લે...


સેલ્ફ મેડિકેશન એટલે કે જાતે જ ક્યાંક વાંચીને અથવા જાહેરાતથી દોરાઈ જઈને અથવા દેખાદેખી પોતાની દવા કરવી એ અત્યંત ખતરનાક છે. કોઈ પણ રોગની દવા કરવા માટે પહેલું પગથિયું એનું સાચું નિદાન છે. આ માટે નિષ્ણાત વૈદ કે ડોક્ટર પાસે જવું અને એ જે સૂચવે તે મુજબ દવા કરવી. 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles