Monday, March 6, 2017

હુદડ જાશીને વિદાય કર્યા પછી મહારાજા મૂળરાજે હુદડે મારેલ ખીલી પર રુદ્રમાળ ચણવો શરૂ કર્યો. રુદ્રમાળનો અર્થ પૃથ્વી એ એક માળ અને તેના ઉપર બીજા દશ માળ ઉપરા ઉપર, એ પ્રમાણે રુદ્ર એટલે અગિયાર માળની દેવમહેલાત (દેવાલય) ચણવી શરૂ કરી. દરેક માળમાં સતખંડ પાડી તેમાં મહાદેવનાં બાણોની સ્થાપના યથાવિધિ વેદોક્ત મંત્રથી કરવા માટે મૂળરાજે આ દેવમહેલાત પૂર્ણ ઉત્સાહથી ચણાવવી શરૂ કરી.

 

આ ભવ્ય મહેલાતની હાલમાં તદ્દન નષ્ટતા થઈ ગયેલી છે એ રુદ્રમાળી દિલ્હીની ગાદી પર બેઠેલો ખીલજીવંશનો અલાઉદ્દીન બાદશાહ જે વખતે ગુજરાતમાં આવ્યો અને ગુજરાતના કરણઘેલાના રાજ્ય પાટણને ખાલસા કર્યું તે વખતે આ રુદ્રમાળ તેણે તોપોના માર ચલાવી પાડી નાંખ્યો.

 

હાલમાં રુદ્રમાળની નામ નિશાની ફક્ત ઉપરા ઉપર ત્રણ થાંભલા એવા ચાર થાંભલા જાવાય છે. રુદ્રમાળની જગ્યા પર મસ્જિદ જાવાય છે. આ ચાર થાંભલા ઊભા રહેલ જાતાં મુસાફરોને પૂર્વના ભવ્ય રુદ્રમાળનું સ્મરણ થયા વિના રહેતું નથી.

 

આ રુદ્રમાળને મહારાજા મૂળરાજે ચણાવ્યો અને તેના વંશમાં થયેલ સિદ્ધરાજ જયસિંહ (સઘરો જેશંગ) થયો તેણે પુનઃ સમરાવ્યો હતો તેની સાલનો નક્કી આંકડો મળતો નથી પરંતુ ચારણના મુખથી બોલાતું કવિત અમને મળવાથી આ સ્થળે અમો ટાંકી બતાવીએ છીએ.

 

દોહરો

તીર્થ ભોમ્ય પાવન સુધર, સિદ્ધક્ષેત્ર શુભ સાર;

નિર્મલ જળ વહે સરસ્વતી, સદા મોક્ષકો દ્વાર.

તીન લોક પાવન પુરી, સેવત સિદ્ધ સદાય;

દેવઋષિ માનવ સહી, અંતર ધરી ઈચ્છાય.

ઓર દેવ અગણિત વસે, તીર્થ અનુપમ આપ;

રુદ્રદેવકે દરસને ટળે ત્રિવિધ મન તાપ.

કાશી ગયા ગોદાવરી, સબ તીર્થનકો સાર;

કર્દ દેહુતિ વસે જહાં, હુવો કપિલ અવતાર.

બિંદુ સરોવર વિમળ જળ, માત્ર ગયા કરી ન્હાય,

પરસત તન પામર પતિત, કોટિ જન્મ અધ જાય.

સંવત દશ વર્ષ છવીસે, માઘ દ્વિતિય ગુરુવાર;

મૂળરાજ કુળ ચાવડો, પાયો નૃપ અધિકાર.

સુત સોલંકી વંશનો, કપટે લીધું રાજ;

રુદ્રમાળ આરંભિયો, પાતક ટળવા કાજ.

સંવત અગ્યારસેં ઓગણીસેં, સોલંકી સુત જાણ;

રુદ્રમાળની સ્થાપના, માઘ માસ પરમાણ.

કૃષ્ણ પક્ષને ચતુર્દશી, વાર સોમ નિરધાર;

શંકર સધરે, પુજીયા નામ થયું જુગ ચાર.

વર્ષ ચૌદ ચુંવાળ, સ્તંભ સત સોળ નિરંતર;

પુતળી સહસ્ત્ર અઢાર, જડીતર માણિક મનોહર.

છપ્પન લક્ષ તો ગજ તુરી, બોતેરસેં બારી બડી;

ત્રીસ સહ† દ્વજ દંડ, સવા લક્ષ બાજે ઘંટ ઘડી.

કનક કળશ શીર આગળી, છોંતેરસેં જાળી જડી;

રુદ્રમાળ ગણના કરી, ચૌદ ક્રોડ મહોર કાગદ ચડી.

મહોર તણું માપું કર્યું, સોળ રૂપૈયે એક;

રુદ્રમાળમાં વાપરી, રાયે કરી વિવેક.

માળ સહીત ખટ પંચ, ઉંચ બાદલ સેં અડીયો;

બાર કોશ ચોફેર, નિહાળી ઉપર ચડીયો.

ત્રિકાળદર્શી ટેકી, હોંશીલો હુદડ આવ્યો;

શેશ શીરપેં મેખ, હોંશથી ઠોકી ચાલ્યો.

સંવત તેરસો એકસઠે, દિલ્હીને દરબાર;

શાહ ખુની અલાઉદ્દીન, આવી લડ્યો અપાર.

રુદ્રમાળ પાડી પાધર કર્યો, નરો ઉતાર્યો નાદ;

હિંદુ હણી અનેકને કીયો મહા ઉત્પાત.

આ ઉપરના કવિત અને ગુજરાતની નિશાળોમાં હાલમાં ચાલતો ઇતિહાસ જોતાં વર્ષનો તફાવત પડે છે. પરંતુ એટલી તો સિદ્ધતા થાય છે કે ઉત્તરમાંથી ઔદીચ્ય બ્રાહ્મણોને લાવનાર અને ભવ્ય રુદ્રમાળ બનાવનાર મૂળરાજ મહારાજ હતો. રુદ્રમાળનો પુનરોદ્ધાર સિધ્ધરાજ જયસિંહ સોલંકીએ કર્યો અને તેનો અલાઉદ્દીન ખીલજીએ નાશ કર્યો એમાં કાંઈ શક રાખવા જેવું નથી.

 

સઘળી સામગ્રી મહારાજાએ અગાઉથી તૈયાર કરાવી રાખી હતી તેથી તુરતમાં શુભ મુહૂર્ત આવવાથી ઋષિઓએ વેદશાસ્ત્ર વિધિથી શિવલિંગોની સ્થાપના મહારાજા મૂળરાજ અને તેની પટરાણી પદમાવતીના હાથથી દેવરાજાની માફક યથાવિધિ કરાવી.

 

આ સમયે કળિયુગનું વર્તન આ સ્થળમાં નહોતું પરંતુ સતયુગના સૂર્યવંશી રાજાની માફક મહારાજા મૂળરાજ દેવ નૃપતિના દંપતી જાડાં રૂપી દેખાતો હતો યથાવિધિ શિવલિંગોની સ્થાપના કર્યા બાદ સઘળ ભુદેવ ઋષિઓને દાન આપવા સારૂ મૂળરાજે સુવર્ણની ઝારીમાં જળ ભરી તે જળ હાથમાં લઈ સંકલ્પ કર્યો કે હે ઋષિઓ આપને આ શ્રીસ્થળ નગર તથા આસપાસના ગામો, શિહોર અને તેની આસપાસનાં ગામો હું દાન તરીકે આપું છું એમ સંકલ્પ કરી જળ પૃથ્વી પર મૂક્યું.

 

મહારાજાએ દાનનો સંકલ્પ કરી જળ હેઠું મૂક્યા પછી પ્રથમ સિદ્ધપુર શહેર એકવીસ બ્રાહ્મણોને આપ્યું જેઓની અટક પદ સંજ્ઞાથી હાલ ઓળખાય છે જેમ કે પ્રથમ પદના દવે ! બીજા પદના, પાંચમાં પદના, નવમાં પદના એમ એકવીસ પદના આ સંજ્ઞાથી હાલમાં એ વંશના ઔદીચ્યો ઓળખાય છે.

 

આવેલા ૧૦૩૭ ઋષિ બ્રાહ્મણોમાંથી ૫૦૦ બ્રાહ્મણોને સિદ્ધપુર અને તેની આસપાસના ૧૭૦ ગામો દાનમાં આપ્યાં આ પાંચસો બ્રાહ્મણોના વંશજા સિદ્ધપુર સંપ્રદાયના નામથી હાલમાં ઓળખાય છે.

ત્યારબાદ એક હજાર સાડત્રીસ પૈકી પાંચસો બ્રાહ્મણોને સિંહસ્થળ (શિહોર) કાઠીયાવાડમાં આવેલું છે તે શિહોર શહેર તથા તેની આસપાસના ૪૯૦ ગામો બ્રાહ્મણોને આપ્યાં એટલે પાંચસો બ્રાહ્મણને ૮૯ ગામ કાઠીયાવાડમાં આપ્યાં જેઓ શિહોર સંપ્રદાયના ઔદીચ્ય અગ્યારસોની સંજ્ઞાથી હાલ ઓળખાય છે.

 

બાકી ૩૭ ભુદેવોએે પ્રથમ દાન લેવાની ના પાડી જુદું ટોળું વાળી બેઠા, પણ છેવટ મૂળરાજના ઘણા આગ્રહથી દાન લીધું જે સાડત્રીસમાંથી ૬ બ્રાહ્મણોને ખંભાત (સ્તંભતીર્થ) આપ્યું બાકીના એકત્રીસને ૧૪ ગામ આપ્યાં. એ રીતે ૩૭ વચ્ચે પંદર ગામ આપ્યાં. જેઓ સહસ્ત્રથી જુદું ટોળું વાળી બેઠા હતા માટે તેના વંશજા આજે ઔદીચ્ય ટોળકીયા નામથી ઓળખાય છે.

 

કાળની ગતિ અકળ છે. એને કોઈ સમજી શકતું નથી. મૂળરાજ સોલંકી પરમ શિવભક્ત હતો. એણે રુદ્રમાળ બંધાવીને ‘ન ભૂતો ન ભવિષ્યતી’ એવું એક અદભૂત શિવાલય સ્થાપત્ય જાણે કે સાક્ષાત શિવલોક પૃથ્વી પર ઉતારી હોય એવી ભવ્યતા થકી આ સ્થાપત્ય ભારતવર્ષનું એક અજોડ અને બેનમૂન ઘરેણું બન્યું હશે.

 

રુદ્રમાળનું વર્ણન કરતાં બે પદ જે એક-પાંચ રત્ન મંદિર ગણિની ઉપદેશ તરંગિણી નામે ગ્રંથકૃતિમાં સંવત 1500-1558ના અરસામાં ઉદબુદ્ધ થયેલા જણાય છે. પહેલા પદ્યમાં સિદ્ધપુરમાં સરસ્વતીના તીરે સિદ્ધરાજે બંધાવેલા રુદ્રમહાલયનું વર્ણન છે. એમાં રુદ્રમહાલયમાં સ્તંભ વગેરે કેટલા હતા તેની સંખ્યા આપેલી છે. એ સંખ્યા પ્રમાણે રુદ્રમહાલયમાં 1444 સ્તર હતા, 1700 સ્તંભ હતા, 1800 હિરા અને માણેકથી જડેલી પુતળીઓ હતી, 30,000 નાના-મોટા ધ્વજ હતા, ઉપદેશ તરંગિણીના પાઠ મુજબ 10,000 સુવર્ણકલશ હતા, 17,000 હાથી અને ઘોડાઓની પ્રતિમા હતી. આ ઉપરથી રુદ્રમહાલય કેવો ભવ્ય અને વિશાળ હશે.

 

આ અંગે લલ્લભટ કવિકૃત રચના તેમજ ઉપદેશ તરંગિણીમાં છપાયેલ પાઠ અને પંડિત ભોળાનાથ શર્મા દ્વારા કરાયેલ એનું અર્થઘટન નીચે મુજબ છે.

 

અથ લલ્લભટ કવિ કૃત – જેસિંઘપદે કવિત લિખ્યતે

થર સય ચવદ ચિયાલ, થંભ સય સત્તર નિરંતર

સઈ અઢાર પુત્તલી, જડઈ હીરઈ માણીકવર.

તીસ સહસ્ત્ર ધજ દંડ, કલશ સોવન વિહારઈ,

સત્તર સહસ્ત્ર ગય તુરિય, લલ્લભટ કવિ રુદ્ર નિહાલઈ.

ઇત્તા હિપિખ્ખિ સિદ્ધાહિવઈ, રોમંચિય શુરનર શ્રવઈ,

સુપ્રસિદ્ધ કિત્તિ જેસિંઘ તુઅ, ટગમગ ચાહઈ ચક્કવઈ.

 

ઉપદેશ તરંગિણીમાં નીચે પ્રમાણે પાઠ છે.

(છપય)

થર સઈ ચઉદ ચુવાલ, થંભ સઈ સત્તર નિરંતર,

સય પુત્તલીય અઢાર જડી મણિ માણીક રયંવર;

તીસ સહસ્ત્ર ધજ દંડ, કલશ દશ સહસ્ત્ર સુવન્નય,

છપન્ન કોટિ ગય તરિય લગ્ગતીણી રુદ્રમહાલય.

કવિ ગદ્ સદ્ ઇમિ ઉચ્ચરઈ સુરનર રોમંચિય સુવઈ,

સુપ્રસિદ્ધ કિત્તિ જયસંગકિનિ, ટગમગ ચારઈ ચક્કવઈ.

 

(શબ્દોના અર્થઃ થર-આડા પત્થરના પાટડા, સઈ/સય-શત, થંભ-પત્થરના સ્થંભ, રયંવર-સોનું, સુવન્નય-સુવર્ણ, છપન્ન કોટિ ગય તરિય-છપ્પન પ્રકારના જુદી જુદી જાતના ઘોડા અને હાથી, લગ્ગતીણી રુદ્રમહાલય-રુદ્રમહાલયમાં લગાવેલા છે, ઈમિ-એમ, ઉચ્ચરઈ-ઉચ્ચરે છે, સુરનર રોમંચિય સુવઈ-એની કૃતિ જોઈને દેવલોકોને પણ રોમાંચ થાય છે,

“સુપ્રસિદ્ધિ કિત્તિ જયસંગકિનિ, ટગમગ ચારઈ ચક્કવઈ”

શોભાની અતિશયોક્તિ અલંકાર. જેમકે-

सौधाग्राणिपुरस्यास्य स्पृशं तिविधु मंडलम् ।

अतिशयोक्ति अलंकारः अत्यंतस्तु पराक्रमे ।।

અર્થઃ વિશેષ પરાક્રમ દેખાડનારા વચનોમાં અતિશયોક્તિ અલંકાર થાય છે જેમ કે આ નગરના મંદિરો, મકાનો ચંદ્ર મંડલનો સ્પર્શ કરનારો છે. અર્થાત્ અતિશય ઉંચાં છે. દેવલોકને રોમાંચ થાય તે વાક્યો રુદ્રમહાલયની મહત્તાનાં સૂચક છે.

 

કવિ ગદ્ સત્ય કહે છે કે હે જયસિંહ રાજા ત્હારી પ્રસિદ્ધ કીર્તિ કેટલી પ્રબળ છે કે જેની મહત્તાને બીજા ચક્રવર્તી રાજાઓ ઈર્ષા પૂર્વક ટગમગ જોઈ રહે છે. મનોમન કહે છે કે આટલી સમૃદ્ધિ અમારામાં કેમ નથી ?

 

હું જ્યારે પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી હતો તે સમય આઝાદી પછીના પ્રથમ દશકાનો સમય હતો. સિદ્ધપુરમાં તે વખતે મુખ્યત્વે બ્રાહ્મણો અને વોરા કોમની વસતી હતી. સિદ્ધપુર નગરપાલિકા અને શહેરનો વહીવટ મહદઅંશે આ બે કોમના આગેવાનો ભેગા થઈને કરતા. વોરા ભાઈઓ તે સમયે પણ દેશમાં કલકત્તા, મુંબઈ, મદ્રાસ જેવાં સેન્ટરોમાં તેમજ ફીજી, એડન, રંગૂન જેવાં વિદેશી વેપાર મથકોએ વેપાર-ધંધા માટે પોતાની પેઢીઓ ચલાવતા. એ જ્યાં ગયા તે મુજબ અટકો બદલાતી ગઈ. ક્યાંક કલકત્તાવાલા તો ક્યાંક રંગૂનવાલા, ક્યાંક એડનવાલા તો ક્યાંક મદ્રાસવાલા. વરસો સુધી એમનો સ્થાનિક વહીવટ બ્રાહ્મણ મહેતાજીઓ સંભાળતા. સિદ્ધપુરની નવી વોરવાડ અને ઝાંપલીપોળ વિસ્તારમાં બનેલા એકસરખી ડિઝાઈનવાળાં ભવ્ય મકાનો અને એની અંદરની પરશીયન કારપેટથી માંડી ઈટાલીયન શેન્ડેલીયર જેવી સજાવટ વોરા ભાઈઓના ભવ્ય ભુતકાળની યાદ આપે છે. સાંજે સફેદ બાસ્તા જેવા કપડાંમાં ક્લબમાં જતા કે બામ્બોટ સોડા/આઈસક્રીમ પાસે ટોળે વળી બેસતા વોરાજીઓ ખરેખર પ્રભાવિત કરી જતા. તે સમયે સૈફી જ્યુબીલી હાઈસ્કુલમાં રમાતી વોલીબોલ અને અન્ય રમતો જોવા ક્યારેક ક્યારેક જઈ ચડતો. રાજપુર ગામમાંથી અત્યારે જ્યાં સૈફી જ્યુબીલી કોલેજ છે તે ગ્રાઉન્ડમાં થઈ સૈફી જ્યુબીલી હાઈસ્કુલ વટાવી ઋષિ તળાવને રસ્તે સીધા સ્ટેશન પહોંચાતું. એ વખતે ઓનેસ્ટી કે સરસ્વતી સોસાયટી નહોતી. અત્યારે જે ખૂબ મોટી ઝુંપડપટ્ટી વસી ગઈ છે તે પણ નહોતી. આ આખોય વિસ્તાર તે સમયે ભવ્ય લાગતો.

 

બ્રાહ્મણ કોમ હિન્દુ મહાજનોનું નેતૃત્વ કરતી અને સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખનો એ વખતે સાચા અર્થમાં દબદબો હતો. આદરણીય પૂજ્ય જગન્નાથ (લાલુ) કાકા, ભગવાનભાઈ ભટ્ટ, લાભશંકર દવે (વકીલ), ભોળાનાથ શુકલ, ભાઈશંકરભાઈ પંડ્યા, છોટુભાઈ પંડિત, રસિકલાલ ઠાકર, માધુભાઈ પાધ્યા, ઈશ્વરલાલ આચાર્ય (શેઠ), પ્રહલાદજી ત્રિવેદી, કનુભાઈ ભટ્ટ, કૃષ્ણાલાલ રાવલ, સોમનાથભાઈ ઠાકર (મુંબઈ), અમૃતલાલ મારફતીયા, વિષ્ણુભાઈ ભટ્ટ (કલાપી), કનુભાઈ ઠાકર, વ્રજલાલ ન્હાનાલાલ શેઠ, પ્રભાશંકર ન્હાનાલાલ શેઠ, શિવપ્રસાદ પંડ્યા, વિષ્ણુભાઈ પંડિત, અક્ષયભાઈ પંડ્યા, ચીમનલાલ કુબેરજી ત્રિવેદી, ભગવાનભાઈ ઉપાધ્યાય, ભગવાનભાઈ ગોળવાળા, લાભશંકર પટેલ (ઠાકર), રમણલાલ પટેલ (ઠાકર), રામુભાઈ પાધ્યા (હોટલવાળા), રામશંકર ઠાકર જેવા સામાજીક અગ્રણીઓ ઉપરાંત જયદત્ત શાસ્ત્રીજી, નરહરિ શાસ્ત્રીજી, બચુક શાસ્ત્રીજી, બચુભાઈ (ગુરુ), રમણ શાસ્ત્રીજી, નટવરલાલ ગુરુ, ઈશ્વરલાલ ગુરુ, વાસુદેવભાઈ ઠાકર (ગોર), ચંદુલાલ પાઠક (ગુરુજી) જેવા વિદ્વાનોથી એ સમયનું સિદ્ધપુર શોભતું.

 

શિક્ષણની આ પરંપરાને અત્યારે પણ સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ જોશીના સુપુત્ર હર્ષદભાઈ, વિક્રમભાઈ પંચોલી, અજીતભાઈ મારફતીયા (ગોપાલકૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલય થકી) તેમજ અન્ય પંડિતો આગળ ધપાવી રહ્યા છે.

 

સિદ્ધપુર પૂજ્ય દેવશંકરબાપાની તપોભૂમિ છે. પૂજ્ય દેવશંકરબાપાના આશ્રમ વિશે અગાઉ વિગતે લખાઈ ગયું છે એટલે પુનરોક્તિમાં પડતો નથી. આજે પણ સિદ્ધપુરના બ્રાહ્મણોની વિદ્વતા, ઉચ્ચારશુદ્ધિ અને કર્મ ઉપરનો સંપૂર્ણ શાસ્ત્રીય કાબૂ તેમને ગુજરાતના ભૂદેવોમાં અગ્રગણ્ય સ્થાન અપાવે છે.

 

સિદ્ધપુરના શ્રેષ્ઠીઓમાં રાજરત્ન શેઠશ્રી મગનલાલ પ્રભુદાસ મહેતા, શેઠશ્રી ઈન્દુભાઈ રાવલ, પાવરહાઉસવાળા હેરુ શેઠ ઉપરાંત શ્રી શિવપ્રસાદ આચાર્ય (શેઠ), વ્રજલાલ ન્હાનાલાલ અને પ્રભાશંકર ન્હાનાલાલનાં નામ મુખ્યત્વે ગણી શકાય. આ ઉપરાંત શ્રી ભાઈશંકરભાઈ દવે દેવકરણ નાનજી (દેના બેંક)માં સારો હોદ્દો ધરાવતા અને સિદ્ધપુરથી મુંબઈ જતા કોઈને પણ અને ખાસ કરીને ભૂદેવોને મદદરુપ થતા.

 

ઘણી વખતે સિદ્ધપુર કોઈની સગાઈ, જનોઈ કે લગ્નપ્રસંગમાં જવાનું થતું. સગાઈની વિધિને ગોળ ખાવો કહેતા. એકવખત ભાનુભાઈ ઈનામદારના કુટુંબમાં કોઈક સગાઈ હતી ત્યારે બધાને શ્રીફળ આપેલાં એવું યાદ છે. લગ્નના વરઘોડા પણ ભવ્ય નીકળતા. નજીકના સગાવ્હાલાના બાળકોને ઘોડા પર બેસાડતા. એવું પણ સાંભળ્યું છે કે એક અતિ શ્રીમંત કુટુંબના લગ્નપ્રસંગે ધોરીપોળમાંથી હાથી ઉપર વરઘોડો કાઢી શકાય એટલે ધોરીપોળનો દરવાજો તોડી નખાયો હતો જે આજે પણ બન્યો નથી.

 

રુદ્રમહાલયની ભવ્યતા

ખંડેરોમાં ફેરવાઈ ગઈ

સિદ્ધપુરમાંથી સમૃદ્ધિએ જાણે કે ઉચાળા ભર્યા

તે સમયના પ્રતાપી વડીલો સામે આજે કોનું નામ મુકવું ?

એક સમયે અંબાવાડી કે ગંગાવાડી નાની પડે એટલી ભૂદેવોની વસતી હતી

આજે ?

કોઈ મહેસાણા તો કોઈ અમદાવાદ, કોઈ સુરત તો કોઈ મુંબઈ

હવે તો એમની નવી પેઢી મસ્કત, બાહરીન, કેનેડા, અમેરીકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા જવા માંડી છે.

એ જમાનો હતો જ્યારે કોઈ મુંબઈ જતું હોય તો એને મુકવા પાંચ-પચાસ માણસો આવતા

આજે કોઈ વિદેશ જાય તો પણ નવાઈ નથી રહી

મારા શૈશવકાળનું સિદ્ધપુર બદલાઈ ચૂક્યું છે

એ બદલાતા સિદ્ધપુરમાં કેટલાંક નવાં પાત્રો ઉમેરાયાં

એ હતાં ડૉ. મુરજમલ નિહલાની (દાદા), લાલુમલ લસ્સીવાળા, ડૉ. બી.ટી. ભટ્ટ

જ્યારે....

ડૉ. પટવારી, ડૉ. હસ્ટીર, ડૉ. ફડનીસ જેવાં કેટલાંક વિદાય થઈ ચૂક્યાં હતાં અથવા વિદાય લઈ રહ્યાં હતાં.

 

આ બધું સમજું તે પહેલાં તો રાજપુરની પ્રાથમિક શાળામાંથી છઠ્ઠુ ધોરણ પસાર કરી હું.....

સાતમા ધોરણના અભ્યાસ માટે શાળા નંબર એકમાં દાખલ થયો.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles