મારા જીવનનો પહેલા સોળ વર્ષનો સમય પૂરેપૂરા સિદ્ધપુરમાં વિત્યો. આ સમય દરમિયાન અમે નટવર ગુરૂના બંગલે રહેતા હતા. અમારા શાખ પાડોશી અથવા તળપદી ભાષામાં કહીએ તો શેઢા પાડોશી તરીકે શાસ્ત્રીજીની પાઠશાળા અને ત્યારબાદ શાસ્ત્રીજીનો બંગલો અને એમનું ખેતર આવે. પાઠશાળામાં પણ મારા સમવયસ્ક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એટલે ટોળી જામતી. શાસ્ત્રીજીનાં નાનાં બે સંતાનો ભાઈ પતંજલિ અને નાની બહેન પણ લગભગ સમવયસ્ક હતા. આ નાની બહેન વાસ્તવમાં મોટી બહેન હતી. એનું મૂળ નામ વ્રજેશ્વરી, પણ શાસ્ત્રીજીની દીકરીઓમાં સૌથી નાની એટલે લાડકું નામ “નાની બહેન” પડી ગયું હતું. પતંજલિ અને મારી ઉંમરમાં માંડ  બે થી ત્રણ મહિનાનો ફરક એટલે અમે સાચા અર્થમાં સમવયસ્ક. પતંજલિનું નામ પણ શાસ્ત્રીજીએ અત્યંત જટીલ લાગે તેવું “જીમુતવાહન” રાખેલ. કારણ કે એની ચંદ્રરાશિ મકર હતી. આ નામ પ્રખર વિદ્વાનોને પણ ઉચ્ચારવું અઘરૂં પડે એટલે પછી થોડાક સમયમાં જ તે બદલાઈને પતંજલિ થઈ ગયું. જો કે, શાસ્ત્રીજીનું એ સૌથી નાનું સંતાન એટલે લાડકું નામ બાબાભાઈ પડ્યું અને તે પણ નિકટના અને અંતરંગ વર્તુળોમાં લગભગ સાતત્યપૂર્ણ રીતે ચલણમાં રહ્યું.

પાઠશાળાના શેઢા પાડોશી મૂળજીકાકા પટેલ. શાસ્ત્રીજીના બંગલાનું નામ “શારદાસદન”. મૂળજીકાકાના બંગલાનું નામ “કૈલાસ નિવાસ”. (ચરોતરના પટેલના ભેજામાં આ નામ કઈ રીતે આવ્યું હશે એ એક સંશોધનનો વિષય છે.) એમના દીકરા મદનીશભાઈ અને દીકરીઓ સરોજબહેન, કુસુમબહેન અને ગાયત્રીબહેન. એમના ભાઈનો એક દીકરો જેને બધા ચીકાભાઈ કહેતા તે પણ સાથે જ રહે. મૂળજીકાકા જેટલા બરછટ અને દબંગ એટલાં જ પ્રેમાળ એમનાં પત્ની ગંગાબા. એક અત્યંત વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ. એ જમાનામાં આ છ ગામના પટેલોના ત્યાં પડદાનો રિવાજ હતો. આ મરજાદામાં પણ રહીને કોઈ મહેમાનની સરભરામાં જરા પણ ઉણપ ન આવે એવી કુશળતા ગંગાબા પાસે હતી. મદનીશભાઈના પત્ની અને ગંગાબાનાં પૂત્રવધુ સુશીલાભાભી. એમને સંતાનોમાં અમારા સમવયસ્ક ગણાય તેવા રવિન્દ્ર (જવાહર), કિરીટ બે. અમે ત્યારબાદ દિગ્વિજય, મુકેશ અને દીકરીઓ શીલા તથા રશ્મિ હતા. આમાં કિરીટ અને જવાહર પણ શાસ્ત્રીજીની પાઠશાળાની અમારી રમત-ગમતની ટીમમાં ક્યારેક ક્યારેક જોડાતા. કિરીટ મહાપરાક્રમી અને અલ્લડ વ્યક્તિત્વ. એક વખત સજારૂપે એને ધાબામાં આવેલા રૂમમા પૂરી દીધો. દિવાળીનો સમય હતો. આ કલાકારે તારામંડળ સળગાવી નીચે ચારનો હાલો માંડ્યો હતો એમાં નાખ્યું. બધુ ભમભમાટ સળગી ગયું. સૂકું ઘાસ અને એમાં આગ પકડાય એટલે શું બાકી રહે ? કિરીટ એક તોફાની છોકરા તરીકે ખ્યાતિપ્રાપ્ત હતો. એક વખત કંઈક વાકું પડ્યું તો એણે એક અણીદાર પથ્થર લઈને ઘા કર્યો. નાનીબહેનના માથામાં એ પથ્થર વાગ્યો અને લોહીલુહાણ થઈ ગયા. પછી ત્રણ-ચાર મહિના એ નહીં દેખાયો. વળી પાછો ચાલુ. શરીરે પડછંદ એટલે ક્રિકેટમાં પણ સામેવાળા જાણતા ન હોય તો ગભરાય. ખૂબ લાંબો સ્ટાર્ટ લઈને તે બોલિંગ નાખે. એ જમાનામાં ઈંગ્લેન્ડની ટીમ આવેલી, જેમાં આવો જ પડછંદ એક ફાસ્ટ બોલર હતો લાર્ટર. એક સમયે આ મહાનુભાવને શું સૂઝ્યું કે ખૂબ મોટો સ્ટાર્ટ લીધો. સામે વોરાઓની ટીમ હતી. ખૂબ મજબૂત ટીમ. આ ભાઈ બ્રોડગેજના એન્જિનની માફક દોડતા દોડતા ક્રિઝ સુધી આવતામાં તો હાંફી ગયા અને પેલા બેટ્સમેને ખભા ઊંચકી સિક્સર ફટકારી દીધી ! આ કિરિટ પછી વકીલ બન્યો અને સિદ્ધપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી. રવિન્દ્ર ઉર્ફે જવાહર ડી.વાય.એસ.પી. તરીકે પોલિસ ખાતામાં જોડાયો. સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલિસ સુધી પહોંચ્યો પછી એકાએક પરદેશ જતો રહ્યો અને લાંબા સમયે પાછો આવ્યો. દરમિયાનમાં એની નોકરી ટર્મિનેટ થઈ ગઈ. સદનસીબે હુ મંત્રી હતો ત્યારે આ આખું પ્રકરણ પાટે ચઢાવી એને મળવાપાત્ર લાભ અપાવી શકાયા. કમનસીબે ત્યારબાદ એ લાંબુ જીવ્યો નહીં. કિરીટને બે દીકરીઓ છે. બંને ભણવામાં અત્યંત તેજસ્વી. એકે આઈ.આઈ.ટી. મુંબઈમાંથી એમ.ટેક્. કર્યું અને બીજી ડોક્ટર છે. કિરીટ કરતાં પણ વધુ મને લાગે છે કે, આ દીકરીઓને કિરીટની ધર્મપરાયણ અને સંપૂર્ણ નિષ્ઠાથી વ્રત-નિયમો પાળતી સહધર્મચારિણીના પૂણ્યનો પ્રતાપ ફળ્યો છે. ક્યારેક કિરીટ જેવા દબંગને પણ સુશીલ અને ધર્મપરાયણ જીવનસાથી મળી જાય છે એને ગયા જનમની કોઈ લેણ-દેણ અથવા પૂર્વજોનું પૂણ્ય જ કહી શકાય.

પંદર વર્ષ સુધી શરૂઆતી જીવનયાત્રામાં અંબાજી, બહુચરાજી, શક્ટાંબિકા, સહસ્ત્રકળા જેવાં ધર્મસ્થાનોના વારંવાર દર્શનનો લાભ તો મળતો જ. સાથે આજે પણ મારા માટે જે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે તે મૃત્યુંજય મહાદેવનું સાનિધ્ય પણ હતું. થોડીક ઉંમર વધી એની સાથે સાથે હિંમત પણ ખુલી (ઘરવાળાની) અને અમે બાબુજીના નેતૃત્વમાં બાલારામ તેમજ માઉન્ટ આબુ સુધી અમારી ખેપ વિસ્તારી. વચ્ચે ચાર-પાંચ વરસનો એક એવો સમયગાળો આવી ગયો જ્યારે લગભગ દર વરસે માઉન્ટ આબુની મુલાકાત ગોઠવાતી. એ સમયે માઉન્ટ આબુ આજના જેટલું પ્રદૂષિત અને માણસોનું કીડીયારૂં ઉભરાતું હોય એવું પર્વતીય મથક નહોતું. અમે સિદ્ધપુરથી આગ્રા લોકલમાં રાત્રે નીકળીએ. સવારે સાડા સાતના સુમારે આબુરોડ પહોંચીએ. દાંતણ-પાણી અને ચા-નાસ્તો પતાવી માઉન્ટ આબુ માટેની બસ પકડી લગભગ સાડા નવ-દસ વાગ્યે માઉન્ટ આબુ પહોંચી જઈએ. એકાદ ગેસ્ટ હાઉસ કે ધર્મશાળામાં ડોરમેટરી જેવી વ્યવસ્થા હોય ત્યાં પડાવ નાખીએ. સાથે લાવેલ કોરા નાસ્તામાંથી થોડું ઘણું પેટમાં પધરાવી નીકળી પડીએ. પગપાળા ગૌમુખ અને એનાથીયે નીચે વશિષ્ટ આશ્રમ અને સાંજે નખી તળાવ, ટૉડરોકની મુલાકાત. જગન્નાથજીના મંદિરમાં દર્શન અને બજારમાં લટાર મારતા મારતા વાળુ કરવાનો સમય થઈ જાય. ભૂખ એટલી બધી લાગે કે, જે પીરસાય તેના પર તૂટી પડીએ. રાજસ્થાનની દસ-બાર રોટલીઓ સામાન્ય હોય તેમ ઝાપટી જઈએ. આમાં એક પ્રવાસ સમયે નાનો બનાવ બન્યો. અમે જ્યાં ઉતર્યા તે ગેસ્ટહાઉસવાળાએ બપોરનું ખાવાનું નહીં ખાવ તો પણ પૈસા આપવા પડશે તેવી વાત કરી. અમે એને સમજાવ્યો કે ભાઈ અમે સવારે ચા-નાસ્તો કરીને નીકળીએ છીએ ને દૂરદૂરના સ્થળોએ જવાનું હોય તેમાં પછી દેલવાડા હોય, અચલગઢ હોય, ગુરૂશિખર હોય કે પછી ગૌમુખ હોય. બપોરે જમવા આવવા માટેનો કોઈ સમય રહે નહીં એટલે અમે સાંજે એક વખત તારે ત્યાં જમીશું. પેલો ન માન્યો. અમે સામાન વિગેરે છોડી નાંખ્યો હતો. વળી પાછું હોટલ બદલવાની જફામાં નહોતું પડવું. સાંજે જેવા પડશે તેવા દેવાશે એમ વિચારી અમે રસ્તે પડ્યા. રસ્તામાં જે ચર્ચા થઈ તેમાં બધાનો એકમત પડ્યો કે આ ગેસ્ટહાઉસ વાળાને સબક શીખવાડવો. અમે સાંજે જમવા બેઠા. દસ રોટલી, બાર રોટલી, પંદર રોટલી પછી પીરસનાર ભાત લઈને આવ્યો. અમારામાંના બે-ચાર સેન્ચુરી બેટ્સમેને કહી દીધું કે ભાત મંગાવીએ ત્યારે જ લાવવાનો. એણે બીજી વાર કણેક બાંધી એ પણ પૂરી થઈ ગઈ. વળી એક વાર કણેક બંધાઈ. એ રાત્રે અમે સરેરાશ ચોવીસથી બત્રીસ રોટલી ખાધી હશે. અમે જમી અને લટાર મારવા નીકળતા હતા ત્યાં પેલા ગેસ્ટહાઉસના માલિકે અમને કહ્યું, “કલ સે ભાઈ સા’બ આપ લંચ બહાર કર સકતે હો, ડીનર આપકો યહાં કરના હો તો પ્રતિ વ્યક્તિ બારહ ચપાટી યા ચોવીસ પૂડી કી મર્યાદા રહેગી.” અમે તો બહુ ઉમળકાથી કહ્યું કે, આજની જ વ્યવસ્થા ચાલુ રાખ. તારી રસોઈ બહુ સ્વાદિષ્ટ બને છે. પણ એક વાર જેણે પરચો જોઈ લીધો હોય તે એમ થોડો માને ? ખૂબ મજા આવતી. એ જમાનામાં માઉન્ટ આબુ ઉપર કોઈ પણ સ્થળે જવું હોય તો ચાલીને જ જવાતું, જેમાં સૌથી વિકટ ગુરૂશિખર, ગૌમુખ, અચળગઢ અને વશિષ્ટ આશ્રમ હતાં. માઉન્ટ આબુની વનરાઈ, થોડા થોડા અંતરે મળતું લીંબુ શરબત, બટાકાનું રસાદાર શાક અને ગરમાગરમ પૂડી. ક્યારેક વળી બાબુજી મહેરબાન થઈ જાય તો બટાકાવડાં અથવા સમોસા. મજો આવી જતો. આ પ્રવાસનું ખજાનચી તરીકેનું કામ મોટા ભાગે મારા પાસે આવતું. જાણીને નવાઈ લાગશે કે, ઘરેથી નીકળીએ ત્યારથી પાછા આવીએ અને ચાર કે પાંચ દિવસ માઉન્ટ આબુ રહીએ તો બધો ખર્ચ માથાદીર રૂપિયા વીસથી થોડોક વધારે આવતો. આ પ્રવાસોની મજા એ મારા જીવનમાં કેટલીક સુખદ સ્મૃતિઓ સંગ્રહાયેલી પડી છે તેમાંની એક હતી.

માઉન્ટ આબુની ભવ્યતા, એની વનરાજી, એનો સનરાઈઝ (સૂર્યોદય), એનો સનસેટ (સૂર્યાસ્ત) અને જો અજવાળીયું ચાલતું હોય તો એનો ચંદ્ર અને ચાંદની. કવિ દલપતરામે ગીરીરાજ આબુનું જે વર્ણન કહ્યું છે તેને અક્ષરશઃ સાચું પાડતા મહાકવિ દલપતરામ એમની “આબુનું વર્ણન” કવિતામાં જે રીતે આબુને વર્ણવે છે તે આજના સમયમાં કદાચ ભૂલાઈ ગયેલી કવિતા છે એટલે ક્યારેક ભાવિ પેઢીને પણ આ કવિતા માણવા મળે એ હેતુથી એને જેમની તેમ નીચે ઉતારૂં છું.

          આબુનું વર્ણન
ભલો દૂરથી દેખતાં દીલ ભાવ્યો,
ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો,
દિસે કુંડનો દેવતા બીજ જેવો,
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.
તિથી પૂનમે શોભિતા સાંજ ટાણે.
બન્યા ઘંટ બે સૂર્યને સોમ જાણે
દીપે દેવ હાથી કહે કોઇ કેવો
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.
કદિ ઉપરે જૈ જુઓ આંખ ફાડી,
ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી,
મહા સ્વાદુ માગ્યો મળે મિષ્ટ મેવો,
દિઠો આજ આબુ ગિરીરાજ એવો.
જુના જૈનના હિન્દુના સ્થાન જેમાં
અતિ ખ્યાત છે અર્બુદા દેવી એમાં
કહી તે કથા જાણવા જોગ કામે
રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.
                      - કવિ દલપતરામ

આ વાંચીએ છીએ ત્યારે અને સાઈઠના દાયકામાં અમે આબુને જે રીતે પગે ચાલીને માણ્યો છે તે અલૌકિક આનંદની સરખામણીમાં આજે શું પરિસ્થિતિ છે ? થોડા વખત પહેલાં જ માઉન્ટ આબુ જવાનું થયું. વચ્ચે પાંત્રીસ-ચાલીસ વરસ વીતી ગયાં. માઉન્ટ આબુ પહોંચીને જેવો ત્યાંની ધરતી ઉપર પગ મૂક્યો કે લાગ્યું કે જાણે બીજી જગ્યાએ આવી ગયા છીએ. માઉન્ટ આબુ ગુજરાતની સરહદે આવેલું છે. ગુજરાતીઓ આમેય પ્રવાસના શોખીન છે, પણ માઉન્ટ આબુ હવે જે કારણોસર થોકબંધ લોકો ઉમટે છે તેનું વર્ણન કરતાં પણ સૂગ ચઢે છે. માણસોના ટોળેટોળાં રજાઓમાં અહીં ઉમટી પડે છે. રાજસ્થાનની સરકાર આ બધામાંથી ધૂમ કમાય છે, પણ જાળવણી પાછળ અથવા આંતરમાળખાકીય સવલતો પાછળ ખાસ ખરચ થતો હોય તેવું નથી જણાતું. ગંદકી પણ એટલી જ. આ ગિરીમથક જાણે કે કૂડો-કચરો અને પ્રદુષણનો પર્યાય બની ગયું છે.

માઉન્ટ આબુથી પરત આવતાં અમે અંબાજી માતાના આશીર્વાદ પણ લઈને આવતા. ત્યાં પણ કોટેશ્વર, ગબ્બર તેમજ આજુબાજુની રમણીય જગ્યામાં પગપાળાં ચાલીને ફરતાં. એ વખતે અંબાજી પણ આટલું વિકસિત ન હોતું. ગબ્બરનો રસ્તો ખરેખર મુશ્કેલ હતો. પણ અમારી વાનરસેના કોઈ તકલીફ વગર ચઢી જતી. છેલ્લે છેલ્લે તો યતીશ અને બાળમંડળી સાથે હોય તો એમને પણ હાથ પકડીને સરસ રીતે ગબ્બર આરોહણ કરાવી દેતા. આજે તો અંબાજી પણ ઘણું બધું બદલાઈ ગયું છે. જ્યાં એક સારી ધર્મશાળા નહોતી ત્યાં અત્યારે ફાઈવસ્ટાર હૉટેલને ટક્કર મારે તેવી ઈસ્કોન વેલી જેવી સવલતો ઉપલબ્ધ બની છે. આ બધામાં મૂળ અંબાજી ક્યાંક ખોવાઈ ગયું છે. આજે તો અહીંયા પણ માણસનું કીડીયારૂં ઊભરાય છે. ક્યારેક લાગે છે કે, માતાજીને પણ મૂંઝવણ થતી હશે. અંબાજીમાં દર્શન વિગેરે આટોપી અમે જ્યાં ભોજન માટે જતા એ છાયાલૉજ આજે અસ્તિત્વમાં નથી. એના માલિક મુરબ્બી શ્રી વિષ્ણુભાઈ ઠાકરનો કાયમી ધોરણે આગ્રહ હતો કે, અંબાજીમાં એમના ત્યાં જ જમવું. અમને એ સામે કોઈ વાંધો પણ નહોતો કારણ કે એ ક્યારેય અમારી પાસે પૈસા નહોતા લેતા. આગળ જતાં તો એમણે વ્યવહાર ખાતર પણ પૈસા ન લેવાય એવું પણ કારણ ઊભું થયું, પણ અમે જે કાળખંડની વાત કરીએ છીએ ત્યારે માત્ર એમની ઉદારતા અને પ્રેમ અમને આગ્રહપૂર્વક જમાડવા પાછળ કારણભૂત હતો.

જીવનનાં પહેલા પંદર વરસ

શાસ્ત્રીજીની પાઠશાળા અને વિદ્યાર્થીઓ

બહેન અને કનુ ઠાકર

નાનીબહેન અને પતંજલિ

યતીશ, શેફાલી અને રોમશા તથા પ્રેમચંદ

એમાં થોડોક મોડેથી જોડાયો ઉપવર્ષ

શૌનકનો તે સમયે જનમ ન હોતો.

શાસ્ત્રીજીનું તેજ અને પ્રતાપ સોળે કળાએ તપતાં.

બાબુજી અને આશુભાઈનો ઉદય થઈ રહ્યો હતો.

બાળપણ આમેય માણસના જીવનનો સુવર્ણયુગ ગણાય છે.

મારૂં બાળપણ તો એથીયે આગળ પ્લેટીનમ યુગ જેવું હતું.

આજે ?....

આજે આ બધું માત્ર એક યાદ બનીને રહી ગયું છે.

થાય છે જીવનમાં પણ કદાચ ફિલમની પટ્ટીની માફક રિવાઈન્ડ કરવાની વ્યવસ્થા હોત તો ?

એવું હોત તો નટવર ગુરૂનો બંગલો, શાસ્ત્રીજીની પાઠશાળા, રાજપૂરની આ મિત્રમંડળી એ ગીલ્લીદંડા, એ ક્રિકેટ, એ આંબળી-પીપળી, ભમરડા અને લખોટી ક્યારેય ન છૂટ્યાં હોત.

જીવનનાં પહેલાં પંદર વરસ એટલે કે અગિયારમું ધોરણ પસાર કર્યું ત્યારસુધીના મારા જીવનમાં સુવર્ણયુગની આ યાદો છે.

આ યુગ ક્યારેય પાછો નહીં આવે.

પણ....

મારા મનની દુનિયામાંથી તો એ ક્યારેય નષ્ટ નહીં થાય.

આંખો મીચીયે એટલે એ ચિરંજીવી યુગની સ્મૃતિઓ આજે પણ સજીવન થાય છે

એ હતું મારો બાળપણ

વારંવાર જોર કરીને એક પ્રશ્ન મારા ચેતાતંત્રનો કબજો લેવા માંગે છે.

મને ખબર છે એનો કોઈ જવાબ નથી

આમ છતાંય આ લેખ સમાપન કરતાં મને મૂંઝવતો આ તમને પણ પ્રશ્ન પૂછી જ લઉં છું.

બાળપણ જો કદી પૂરૂં ન થતું હોત તો ?

બાળપણને કોઈ પણ રીતે પાછું બોલાવી શકાતું હોત તો ?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles