દુનિયાભરની માનવ સંસ્કૃતિઓ કુદરના ખોળે રમીને ઉછરી છે. વિચારો, માણસ માંદો હોય ત્યારે ઑક્સિજનનો બાટલો ચઢાવવો પડે તેના અધધધઃ પૈસા થાય છે, પણ કુદરત લાખો બાટલા ઑક્સિજન જીવ સંસ્કૃતિને પોષવા માટે ઠાલવે છે. આપણે પંચતારક હૉટલમાં બિસ્લેરીની બોટલ મંગાવીએ તો સાઈઠ રૂપિયાનું બિલ આવે છે. રસ્તામાં કો’ક દુકાને ઊભા રહીને આ જ બોટલ ખરીદીએ તો પંદર રૂપિયા થાય છે. કુદરત અબજો બાટલી જેટલું શુદ્ધ પાણી વરસાદ રૂપે વરસાવે છે. રાત્રે અંધારૂં હોય તો પ્રકાશ મેળવવા આપણે લાઈટની ચાંપ દબાવીએ છીએ. કુદરત દિવસ દરમિયાન અસંખ્ય લાઈટ સળગે તેટલો પ્રકાશ સૂરજ થકી મોકલે છે. ગરમી લાગે ત્યારે આપણે પંખો ચલાવી હવા ખાઈએ છીએ. કુદરત આપણને રોજ સરસ મજાના પવનના વિંઝણે હવા ઢોળે છે. હવે મૂળ વાત પર આવીએ. જે જે વસ્તુ માનવસર્જીત છે અને કુદરતની અવેજીમાં વપરાય છે એનું મસમોટું બિલ આપણે ચૂકવવુ પડે છે, પણ કુદરત ક્યારેય આપણને વરસાદી પાણી, ઑક્સિજન, સૂર્યપ્રકાશ કે હવા માટેનું બિલ મોકલતી નથી. ઈશ્વરની સરકારમાં આ બધી જ સવલતો મફત છે. કારણ કે એનું કલ્યાણ રાજ્ય છે. કુદરતના નિયમો પ્રમાણે વરતીએ તો ભાગ્યે જ માંદા પડાય અને ડૉક્ટરનું બિલ ભરવું પડે. બીજ અંકૂરિત થઈને છોડ બને છે અને પછી તેમાંથી ઝાડ કે ફૂલ-છોડ બને છે. કુરદત કીડીને કણ અને હાથીને મણ આપ્યા જ કરે છે. આમ, સાચા અર્થમાં કુદરત આપણી પાલક છે અને એના સહારે જ જીવન પાંગરે છે.

પણ...

આ જ કુદરત જ્યારે રૂઠે ત્યારે ગમે તેવા ચમરબંધીને પણ વામણો અને નિઃસહાય બનાવી દે છે. સાગર શાંત હોય ત્યાં સુધી એના પર સહેલ કરવી આનંદદાયક છે તે જ રીતે, હવા શાંત હોય ત્યારે એની મજા ઉઠાવવી અને વાતાવરણને માણવું આનંદદાયક હોય છે, પણ દરિયો, નદી કે હવા જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરી તોફાને ચઢે છે ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં માનવજીવન અથવા પૃથ્વીપરની વન્યસૃષ્ટિ કે જીવનને તહસનહસ કરી નાંખે છે. તોફાન શમી જાય એટલે વળી પાછી કુદરત ડાહીડમરી બની જાય છે. મને આંબી ગયેલું બરફના કરાનું વાવાઝોડું કુદરતના રૌદ્ર સ્વરૂપનો સાક્ષાત્ અનુભવ કરાવી ગયું. એક ક્ષણ તો એવી આવી ગઈ જાણે મોત બારણે ટકોરા મારતું ઊભું હતું અને ઉગરવાનો કોઈ આરો-ઓવારો નહોતો. લગભગ પંચોત્તેર ટકા જેટલું છાપરૂં ઊડી ગયું હતું. ઘરમાં બધું વેર-વિખેર થઈ ગયું હતું. સૂસવાટા મારતો પવન, લપકારા લેતી વીજળી અને ગડગડાટી બોલાવતી મેઘઘર્જનાઓ આ બરફનું તોફાન નહીં, પણ જાણે કે વિનાશનું તાંડવ ખેલાઈ રહ્યું હોય તેવો અનુભવ કરાવી ગયું. આ જ પરિસ્થિતિ જ્યારે તોફાન શમી ગયું ત્યારે સાવ બદલાઈ ચૂકી હતી. મનમાંની થડક અને ભયનાં વાદળો જતાં રહ્યાં હતાં અને ઢળતા સૂર્યની સાથે આકાશમાં છવાઈ રહેલી લાલીમા અત્યંત આકર્ષક લાગતી હતી. ફરી એકવાર જીવન એની સામાન્ય તરાહ પાસે પાછું ફર્યું હતું.

આ ઘડી વીતી ગઈ. બીજા દિવસે સવારનો સૂરજ ઉગ્યો ત્યારે ફરી એ જ ચહલ-પહલ અને તાજગીથી વાતાવરણ ઉભરાતું હતું. જાણે ગઈકાલે કશું બન્યું જ નહોય તે રીતે ઠાવકી થઈને કુદરત એનું તંત્ર ચલાવી રહી હતી. આકાશ સ્વચ્છ હતું. સૂરજનો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. ગઈકાલના વરસાદના કારણે ધોવાઈને સ્વચ્છ બનેલાં વનરાજીનાં પાનનો ચળકાટ અત્યંત મોહક લાગતો હતો. આ જોરદાર પવનના કારણે ઊડી ગયેલ છાપરાં તેમજ ભાંગી ગયેલ ઝાડનાં ડાળાં ક્યાંક હજુ પણ ઝાડ પર લટકતાં હતાં અથવા નીચે પડ્યાં હતાં. ઝાડ-પાનને થયેલ નુક્સાન તેમજ ઊડી ગયેલાં છાપરાં હજુયે ગઈકાલના કુદરતના તાંડવ નૃત્યની જાણે કે યાદ અપાવતાં હતાં. ધીરે ધીરે બધું થાળે પડી ગયું હતું.

એ દિવસે ઢળતા બપોરે રાજસ્થાનમાં માવલ ખાતે રહેતા મારા કાકાના મોટા દીકરા રસિકભાઈ આવી ચઢ્યા. આબુરોડ પહેલાં આવતું માવલ એક ખૂબ નાનું સ્ટેશન અને ગામડું હતું. એક સમયે મારા બાપા અહીંયાં સ્ટેશન માસ્તર હતા ત્યારે મારા કાકાને ત્યાં બોલાવ્યા હશે. કાકા ખાસ ભણ્યા નહોતા. માવલમાં જ સ્ટેશન ઉપર જમીન લઈ એમણે ખેતી શરૂ કરી અને ત્યાં જ સ્થાયી થઈ ગયા. એમને ત્રણ સંતાનો – મોટા દીકરા રસિકભાઈ, એમનાથી નાના અનિરૂદ્ધભાઈ અને સૌથી નાનાં મંજુબેન. કાકાને માવલ એવું તો માફક આવી ગયું કે, વર્ષો સુધી માવલ અને આજુબાજુનાં ગામો ભેગાં કરી બનેલ જૂથગ્રામપંચાયતના સરપંચ રહ્યા. કાકી પણ એનાં સભ્ય. ક્યારેક એ પણ સરપંચ બની જાય ! આવું લગભગ પાંત્રીસ-ચાલીસ વરસ ચાલ્યું હશે. કાકાનો વહીવટ સારો અને ધાક પણ સારી. એટલે વારંવાર પંચાયતમાં બિનહરીફ ચૂંટાયા કરે. રસિકભાઈ અથવા અનિરૂદ્ધભાઈ બે-ત્રણ મહિને અમારા ત્યાં ચક્કર મારી જાય. આવે ત્યારે ઘરની ખેતીનાં સરસ મજાનાં શાકભાજી, પપૈયું, શક્કરટેટી કે એવું કાંઈક લેતા આવે. રાજસ્થાન બાજુ એક ખાસ પ્રકારની કાકડી થાય છે. આ કાકડીને “બાલમ કાકડી” કહે છે. તે પણ લાવે. માવલમાં અને આજુબાજુ તે જમાનામાં ખૂબ સરસ ટમાટર પાકતાં. લાલ ઘૂમ રંગ અને કિલોમાં બે કે ત્રણ આવે એવું મોટું ફળ. ખૂબ મીઠાં. હવે એ નથી જોવા મળતાં. એની જગ્યા હાઈબ્રીડ ટમાટર, ટેટી અને તડબૂચે લઈ લીધી છે. આ ફળોની મ્હોંમાં યાદ રહી જાય એવો સ્વાદ અને મીઠાશ આજના ફળોમાં જોવા નથી મળતી. આમાંય ટેટી તો અત્યારે રબ્બર જેવી આવે છે !

રસિકભાઈ આવે તે મને ગમે. કારણ કે, એ મારા વાનરવેડાને પોસતા. મૂળ સાચા અર્થમાં અદિવાસીઓ વચ્ચે જંગલમાં રહેતા માણસ. ગોફણ અને ગલોલથી માંડી તીર-કામઠું ચલાવવા સુધી બધું જ ફાવે. મને ગલોલ અને ગોફણ બનાવતાં તેમણે શીખવાડેલું. મારા માટે આદિવાસી વિસ્તારમાં વપરાય છે તેવું ધનુષ અને સાચુંકલાં બાણનો ભાથો પણ લઈ આવેલા. આમ, મારામાં જન્મજાત જંગલીવેડાના જે અંશ હતા તેને વધુ પોષવાનું ઉમદા કાર્ય કરવાનો જશ રસિકભાઈને આપી શકાય. રસિકભાઈને હથિયારો ચલાવવાનો પણ શોખ. અમારે ત્યાં એક-બે નાળી બંદૂક અને એક રિવૉલ્વર હતાં. મારી મા પણ હથિયાર ચલાવી શકતી હતી. અમારે ત્યાં જે બંદૂક હતી તેમાં ગનપાવડર ભરીને બરાબર ખાંપવો પડે પછી ઉપર કાગળનો ડૂચો મારે ત્યારબાદ ઘોડાના હાઉસિંગ ઉપર કેપ ચઢાવી ભડાકો કરાય. ખાલી ભડાકો કરવાનો હોય તો નાળીમાં છરા ભરવાની જરૂર નહીં. વાર-તહેવારે અચૂક બંદુક ફોડવાનો અમારે ત્યાં રિવાજ હતો. કદાચ આનું કારણ હથિયાર વપરાશમાં રહે તે હોવું જોઈએ.

બીજે દિવસે ધનતેરસ હતી એ મને બરાબર યાદ છે. રાત્રે લક્ષ્મીપૂજન પછી ભડાકો કરવા માટે દારૂ ભરવા રસિકભાઈ બંદૂક લઈને અમારા ચોકમાં બેઠા હતા. ખૂરશી પર બેસી સામે બંદૂક ઊભી રાખી બંને નાળીઓમાં દારૂ ભરવાનું કામ ચાલી રહ્યું હતું. હું પણ કુતૂહલવશ આ બધી પ્રક્રિયા તેમની બાજુમાં ઊભો રહી જોતો હતો. ગમે તે થયું, એકાએક બંદૂકમાં ધડામ કરીને જોરથી ધડાકો થયો. દારૂ ખાંપવાનો સળિયો એની સાથે જ સનસનાટ કરતો આકાશમાં ઉડ્યો. બંદુક રસિકભાઈના હાથમાંથી  છૂટી નીચે પછડાઈ. આ બધું ક્ષણભરમાં બની ગયું. લાગે છે કે, દારૂ ખાંપતા સળિયો બંદૂકની નળીના અંદરના ભાગ સાથે ઘસાયો હશે અને તેને કારણે થયેલ તણખાએ દારૂને જામગરી ચાંપવાનું કામ કર્યું. સદનસીબ એ રહ્યું કે, સળિયો સીધો જ ઉડ્યો. સહેજ પણ નાળચું નમ્યું હોત તો એણે અમારા બેમાંથી એકને વીંધી નાખ્યા હોત. લક્ષ્મીપૂજનના ઉત્સાહને બદલે માતમ છવાઈ ગયો હોત. માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં ફરી એકવાર મોતને નજદીકથી જોયું. બે દિવસ પહેલાં કરાનું તોફાન, આજે બંદૂકમાં દારૂ ભરતાં થયેલો ધડાકો, કોણ જાણે કેમ અડતાલીસથી સાઈઠ કલાક જેટલા ટૂંકાગાળામાં બે વાર મોત ટપલી મારીને છટકી ગયું. ઈશ્વરની અસીમ કૃપાનો ફરી એકવાર તાદ્દશ અનુભવ થયો.

આથી વધુ અગત્યની વાત ત્યારબાદની છે. ધડાકો થયો એટલે મારી મા ઘરની બહાર દોડી આવી. બાપા ઘરે હતા નહીં. આજુબાજુવાળા પણ કાંઈક અજુગતું થયાની એની દહેશતે ઉત્સુકતાથી મારા ઘર તરફ આવી રહ્યા હતા. આ બધા વચ્ચે જરાય ખચકાયા વગર મારી માએ જાણે સાવ મામૂલી ઘટના બની હોય તે રીતે રસિકભાઈને સૂચના આપી, “ધ્યાન રાખવું જોઈએ ભાઈ. જો સળિયો અહીં ક્યાંક ખેતરમાં જ પડ્યો હશે. લઈ આવ અને કાળજીથી સાંજ માટે બંદૂક તૈયાર કરી રાખ.” એકાદ-બે દિવસ પછી આખીયે વાતની ચર્ચા નીકળી ત્યારે એણે કહ્યું, “ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ, પણ આવો અકસ્માત થાય એટલે ગભરાઈને બંદૂક વાપરવાનું છોડી દઈએ તો જંગલમાં ન રહેવાય. ઉપરવાળો જે કરે છે તે થાય છે. તૂટીની કોઈ બૂટી નથી અને બાકી કશું થતું નથી.”

જીવનમાં જ્યારે જ્યારે કોઈ કટોકટી અથવા અકસ્માતની ઘટના ઘટી છે મેં હંમેશા આ ઉપદેશ યાદ કર્યો છે. હા ! હું મારી મા જેટલો દ્રઢનિશ્ચયી નથી બની શક્યો. એક વખત મેં નવી નવી લીધેલી ફિયાટ કારમાં આખા કુટુંબને બેસાડી બહાર નીકળ્યો ત્યારે પીપળના ઝાડ સાથે ગાડી અથડાવી તે ઘટના બાદ ક્યારેય ગાડી ચલાવી નથી. જો કે, આમાં મારા ડૉક્ટરની સલાહ એવી હતી કે, હું “SINGLE TRACK”મગજ ધરાવું છું. જે વિચાર મગજમાં ચાલતો હોય તે સિવાય આજુબાજુ શું બને છે તેનું ધ્યાન આવા માણસોને રહેતું નથી. આ કારણથી મારે ક્યારેય વાહન ચલાવવું જોઈએ નહીં. મારી માને ઈશ્વરની શક્તિમાં વિશ્વાસ હતો. હું તેનાથી ઉણો ઉતર્યો અને ડૉક્ટરની શક્તિમાં વિશ્વાસ મૂકી ડ્રાઈવિંગ કરવાનું માંડી વાળ્યું.

મારી મા સાચે જ જુદી માટીની બની હતી. એનું મોસાળ લખતર હતું. મારૂં વિરમગામ. એટલે મોસાળના વીસ વાસા પ્રમાણે આવતા ગુણમાં ઝાલાવાડી ખૂમારી એને મળી હશે, જ્યારે એમાં મારો પનો ટૂંકો પડ્યો.

ગન ભરતાં થયેલો ધડાકો.

ખૂબ નજદીકથી સાંભળેલો બંદૂક ફૂટવાનો એ અવાજ.

અવાજની સાથે જ આકાશમાર્ગે રવાના થઈ ગયેલ સળિયો.

જો, સ્હેજ આમ-તેમ થયું હોત તો ?

પણ...

એવું ન થયું.

ફરી એકવાર મોત ટપલી મારીને છટકી ગયું.

આ અનુભવ આજે પણ એવો જ યાદ છે.

રામ રાખે તેને કોણ ચાખે ?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles