સિદ્ધપુર વિષે ઇતિહાસનાં પાનાંઓમાંથી માહિતી મેળવી. હોડીઓ ચાલે તેટલા પાણીથી વહેતી સરસ્વતી વિશેના દસ્તાવેજી ઉલ્લેખો અને સહસ્ત્રલિંગ તળાવ પણ ભરાય એટલું પાણી આ સરસ્વતી પાટણ લઈને ઠાલવતી. આ બધુ આજની પેઢીને દંતકથા જેવું જ લાગે. પ્રાચીન સિદ્ધપુર અને બહુ પ્રાચીન ન કહી શકાય તેવા કાળમાં તેનાં કેટલાંક સ્થાપત્યો અને મંદિરો વિષે વાત કરીશું. પણ તે પહેલા હજુય સિદ્ધપુર સાથે જોડાયેલ કેટલીક ધાર્મિક માન્યતાઓ અને તેને સંલગ્ન પૌરાણિક બાબતો વિષે પણ વાત કરી લઈએ.
અનુસંધાન મહાભારત સાથે જોડવું છે. પાંડવો વનવાસમાં હતા. આમ તો પાંડુ રાજાના પુત્રો કહેવાય પણ મૂળભૂત રીતે કુંતીને દુર્વાશા ઋષિએ આપેલ સિદ્ધ મંત્રથી નીચે મુજબના દેવોના અંશ સાથે કુંતીને કુલ ચાર પુત્રો અને કુંતીએ આપેલા મંત્ર થકી માદ્રીને બે એમ છ પુત્રો પેદા થયા. દુર્વાશા ઋષિએ કુંતીભોજની પુત્રી કુંતીનાં આતિથ્ય સત્કારથી પ્રસન્ન થઈ એક મંત્ર આપીને વરદાન આપ્યું હતું કે તમે આ મંત્રથી જે દેવતાનું આહ્વાન કરશો તે દેવતા ઈચ્છે અથવા ના ઈચ્છે તમારે આધીન થઈ જશે. કુંતીએ ધર્મરાજના આહ્વાનથી યુધિષ્ઠિર, વાયુદેવતાના આહ્વાન થકી ભીમસેન, ઇન્દ્ર થકી અર્જુન એમ ત્રણ પુત્રો પેદા કર્યા એ પહેલા કૌમાર્ય અવસ્થામાં દુર્વાશા ઋષિએ આપેલ મંત્રનાં બળની ચકાસણી કરવા સૂર્યદેવતાનું આહ્વાન કર્યું અને તેમના થકી કવચ કુંડળ સાથેનો પરમ તેજસ્વી પુત્ર કર્ણ પ્રાપ્ત થયો. પોતે કુમારિકા હોવાથી લોકલજ્જાએ કુંતીએ આ પુત્રને છાબડીમાં મૂકી ગંગાજીના પ્રવાહમાં તરતો કર્યો જે અધિરથના હાથમાં આવ્યો અને આગળ જતાં સૂત અધિરથ અને રાધાના પુત્ર તરીકે ઓળખાયો. રાજા પાંડુની આજ્ઞાને શિરોધાર્ય કરીને કુંતીએ અશ્વિનીકુમારોનો મંત્ર માદ્રીને આપ્યો. જેના થકી નકુલ અને સહદેવ બે જોડિયા ભાઈઓ પેદા થયા. સામે ધૃતરાષ્ટ્રને ત્યાં સો પુત્રો પેદા થયા. ત્યારથી સતત પાંચ પાંડવો એટલે કે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ અને જ્યેષ્ઠ દુર્યોધન સમેતના ૧૦૦ કૌરવો વચ્ચે હંમેશા ખેંચાતાણ અને ઉંદર-બિલાડી જેવો સ્નેહ પ્રવર્તતો રહ્યો. પોતાના પુત્રોના મોહમાં અંધ બનેલ ધૃતરાષ્ટ્રે પાંડવોને વારણાવરત જવાની આજ્ઞા આપી. દુર્યોધને પોતાના મંત્રી પુરોચન સાથે મળીને પાંડવોનો સફાયો થઈ જાય તે હેતુથી વારણાવરતમાં શણ, રાળ (જલદી સળગી ઊઠે તેવો પદાર્થ) અને લાકડાં વગેરેથી એવો મહેલ બનાવડાવ્યો જે અગ્નિથી ઝટ સળગી ઊઠે. આ મહેલની ભીંતો ઘી, તેલ, ચરબી અને લાખ મિશ્રિત માટીથી લીંપાવી તે જ મહેલમાં કુંતી, પાંડવો તેમજ તેમના રસાલાને ઉતારો આપ્યો. ગોઠવણ એવી હતી કે જ્યારે આ બધા નિશ્ચિત થઈને મહેલમાં સૂઈ જાય ત્યારે દરવાજા પર આગ લગાડી દે. આમ કુંતી અને પાંડવો મહેલમાં જ ભડથું થઈ જાય. દુર્યોધનની આ કપટલીલાનો ખયાલ વિદુરજીએ યુધિષ્ઠિરને સાંકેતિક ભાષામાં આપી દીધો. પાંડવોએ લાક્ષાગૃહમાંથી ભાગી છૂટવા માટે સુરંગ તૈયાર કરી અને એક રાત્રે જ્યાં પુરોચન સૂઈ રહ્યો હતો તે મકાનના દરવાજા પર ભીમસેને આગ લગાડી. ત્યારબાદ ચારેબાજુથી આ લાક્ષાગૃહને આગ લગાડી અને પાંડવો માતા કુંતીને સાથે લઈને પેલી ગુપ્ત સુરંગ દ્વારા લાક્ષાગૃહમાંથી ભાગી છૂટ્યા. દુર્યોધન વગેરે એવા જ ભ્રમમાં રહ્યા કે કુંતી સમેત પાંડવો લાક્ષાગૃહમાં બળીને ભડથું થઈ ગયા છે.
લાક્ષાગૃહમાંથી ભાગી છૂટેલ પાંડવો ગંગાપાર કરીને ગુપ્ત વેશે વનમાં ભટકવા લાગ્યા. પાંડવો જ્યારે વનમાં હતા ત્યારે સતત તેમને દુર્યોધન આણી મંડળીના કાવાદાવા થકી બચવા ગુપ્ત વેશે ફરતા હતા. એવું કહેવાય છે કે આ રીતે ફરતા પાંડવો એકચક્રા નગરીમાં એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરી રહ્યા હતા ત્યારે બકાસુરના ત્રાસ વિષેની વાત તેમના ધ્યાને પડી. મહાબલી ભીમસેને આ બકાસુર ઉર્ફે બક રાક્ષકનો નાશ કર્યો. આ પાપમાંથી મુક્ત થવા માટેનો માર્ગ બતાવવા પાંડવોએ કૃષ્ણ ભગવાનને વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું –
भ्रातृशोणितपान्नाच महत्पापीष्टकोदर ।
कृष्णेनप्रेशितोभीम यत्रबिंदुसरस्वति ॥
કૃષ્ણ ભગવાન બોલ્યા કે ‘હે ભીમસેન ! તમે પાંચેય ભાઈઓ માતા કુંતાજીની સાથે કર્દમ્બ ઋષિનો આશ્રમ જ્યાં સ્વયં ભગવાનના હર્ષના આંસુ પડવાથી સર્વે તીર્થોમાં ઉત્તમ એવું બિંદુ સરોવર સરસ્વતી નદીના કિનારે ઉત્પન્ન થયેલું છે અને જ્યાં કર્દમ્બ સમેત ઘણા પવિત્ર ઋષિમુનિઓ જે તીર્થની સેવા કરી રહ્યા છે એવા સ્થાન પર જઈ તેમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. તમે પણ ત્યાં જઈને સ્નાન કરો એટલે બધા જ પાપોથી મુક્ત થઈ જશો. આ જગ્યાએથી સ્વર્ગ માત્ર એક હાથ છેટું છે. (એવી માન્યતા છે કે ગયાજીથી સ્વર્ગ છ માઈલ દૂર છે, પ્રયાગથી ત્રણ માઈલ દૂર છે પણ સરસ્વતી તથા બિંદુ સરોવરથી માત્ર એક હાથ છેટે સ્વર્ગ આવેલું છે) અહીંયા સ્નાન કરવાથી ત્રિવિધ પાપોથી મુક્ત થવાય છે અને ફરીથી જન્મ ધારણ કરવો પડતો નથી. આથી હે ભીમસેન, તમો ત્યાં જાવ.’ કૃષ્ણની આ સલાહને અનુસરીને પાંડવો માતા કુંતી સાથે બિંદુ સરોવર આવી યથાવિધિ સ્નાન કરી પાપથી મુક્ત થઈ ત્યાંથી પશ્ચિમે બે માઈલ દૂર સરસ્વતીના ઉત્તર કિનારે દધિચી કુંડ ઉપર આશ્રમ કરી રહ્યા જે સ્થાન આજે આપણે વટેશ્વર તરીકે જાણીએ છીએ. આ સ્થાને પાંડવોની દેરીઓ આવેલી છે. દધિચી કુંડમાં સ્નાન કરવાથી ધર્મરાજાને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું, તેમના પાપનિવારણ થવાથી અંતઃકરણ શુદ્ધ થયું. એક રાત્રિએ સ્વપ્નમાં મહાદેવજીએ તેમને બટુક સ્વરૂપે દર્શન આપ્યું. એટલે ત્યાં મહાદેવની સ્થાપના કરી.
આજથી ઘણાં વરસો પહેલાં સિદ્ધપુર નિવાસી બ્રાહ્મણો યજ્ઞોપવિત વખતે શાસ્ત્રના આધારે વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવા બટુકના હાથમાં દંડ અને પોથી આપી બ્રહ્મચારી વેશે ત્યાં મોકલતા, જ્યાં દધિચી કુંડમાં સ્નાન કરી ત્રણ રાત્રિ ત્યાં વિતાવી ભગવાન શિવની પુજા કરી બટુક ઘરે પરત આવતો. આ રિવાજ ઘણાં વારસો સુધી ચાલુ રહ્યો હશે. ઇ.સ. ૧૯૧૦માં લખાયેલ પુસ્તક ‘સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ’માં આ રિવાજ તે સમયે ચાલુ હોવાનું લખ્યું છે. એટલે આજથી લગભગ સોએક વરસ પહેલાં સિદ્ધપુરના ભૂદેવો બટુકયાત્રા માત્ર વરઘોડો કાઢવા ખાતર નહીં પણ સાચા અર્થમાં એ દિવસે યજ્ઞોપવિત ધારણ કરીને સોળ સંસ્કારોમાંનો એક મહત્વનો સંસ્કાર પૂરો કરતાં અને એ રીતે દ્વિજત્વને પામતા. બટુકને ત્રણ દિવસ વટેશ્વર દધિચી કુંડમાં સ્નાન કરી ભગવાન શિવની આરાધના કરવા માટે મોકલતા. જે રીતે દધિચી કુંડમાં સ્નાન કરવાથી યુધિષ્ઠિરને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું તે રીતે પોતાના ચિરંજીવીને પણ શાસ્ત્રોનું તેમજ સાંસારિક બાબતોને લગતું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી આ વિધિ કરાતી હશે અને આ કારણથી જ વટેશ્વર મહાદેવ બટુકેશ્વર તરીકે પણ ઓળખાતા હતા એવું ઉપલબ્ધ સાહિત્યનો અભ્યાસ કરતાં જણાય છે.
જેમ વટેશ્વરની કથા દધિચી કુંડ સાથે જોડાયેલી છે તેવી જ રીતે સિદ્ધપુરમાં માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત બિંદુ સરોવર, બાજુમાં અલ્પા સરોવર અને જ્ઞાન વાવની કથા મહાતપસ્વી કર્દમ્બ ઋષિના તેજસ્વી અને સિદ્ધ પુત્ર કપિલ મુનિ અને તેમણે દેવહુતિ માતાને આપેલ ઉપદેશ અંગેની વાત સિદ્ધપુર-સિદ્ધક્ષેત્ર સાથે જોડાયેલી છે. હવે પછી જોઈશું માતૃગયા તીર્થ સિદ્ધપુર સાથે જોડાયેલી કર્દમ્બ ઋષિ, દેવહુતિ માતા અને પરમ સિદ્ધ કપિલ મુનિની કથા.