સુખના રાજમાર્ગ પર ડગલું ભરો

જેવા છો તેવા જ જીવો, મજામાં જીવો

 

ઘણા મિત્રો પ્રશ્ન પૂછ્યા કરે છે. આ જમાનો જ તણાવનો છે. બધા ટેન્શનમાં જીવે છે. અમારે પણ હળવા થઈને જીવવું છે. ટેન્શન અમને પણ ખપતું નથી. આમ છતાંય ટેન્શન અમને છોડતું નથી. તમારી પાસે કોઈ ઉપાય હોય તો બતાવો.

હું એમની વ્યથા સમજૂ છું અને આમ છતાંય મનમાં મલકી જવાય છે.

પાંચમા ધોરણની મારી ગુજરાતીની પાઠ્ય પુસ્તકમાં એક પ્રસંગ આવતો હતો.

પૂજય રવિશંકર મહારાજ, જેમણે પાટણવાડીયા, બારિયા, ધારાળા જેવી કોમોમાં સદવિચાર અને વ્યસન મુક્તિનો પ્રયાસ કર્યો, બ્રિટિશ સરકારે એમના માથે મારી દીધેલી ચોર અથવા બહારવટીયાની છાપ ભૂંસવા માટે મથ્યા, એમને આ સમાજ ‘મહારાજ’ તરીકે પ્રેમથી બોલાવતો.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું એક પુસ્તક ‘માણસાઈના દીવા’ મારે પ્રેપરેટરી સાયન્સમાં ગુજરાતી વિષય માટે ભણવાનું થયું. ગુજરાતીના ટોચના વિવેચક પ્રોફેસર સુરેશભાઇ જોશી અમને આ વિષય શીખવાડે. આમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક અને પ્રખર વિવેચક સુરેશભાઇ જોશી ભણાવે. ગુજરાતી ભાષા સાથે હું નવો સવો પ્રેમમાં પડવા માંડ્યો હતો. સુરેશભાઇએ એ પ્રેમને પાક્કો કરાવી અને એવી તો રેશમની દોરીમાં ગાંઠ બાંધી કે આજે ગુજરાતી ભાષા મારી સૌથી પ્રિય ભાષા છે. આવા ‘માણસાઈના દીવા’ પુસ્તકના નાયક પૂજ્ય રવિશંકર દાદા એટલે મહારાજ એક ગામમાં લોકોને દારૂ છોડવા માટે સમજાવી રહ્યા હતા. ધર્મશાળા જેવા મકાનનો એક ઓરડો હતો. દારૂના વ્યસનના ગેરફાયદા અને એના કારણે જીવનની બરબાદી અંગેની વાત મહારાજશ્રી કરી રહ્યા હતા. આ વાર્તાલાપને અંતે એમણે છેવટે પોતે હવે કદીયે દારૂને નહીં અડે એવું પ્રણ લેવા તૈયાર હોય તેમને હાથ ઊંચા કરવા કહ્યું.

દરમ્યાનમાં આ સભામાંથી એક માણસ ઊભો થયો એણે કહ્યું મહારાજ તમારી બધી વાત સાચી પણ મને દારૂની લત એવી વળગી છે કે કે મને છોડતી જ નથી. તો મારે શું કરવું?

મહારાજ બેઠા હતા ત્યાંથી ઉઠ્યા અને દોડતા એ ઓરડાની વચ્ચોવચ્ચ એક થાંભલો હતો એને બાથ ભીડી રાડો પાડવા માંડ્યા, ‘બચાવો ! બચાવો !! આ થાંભલો મને છોડતો નથી’. ત્યાં હાજર બધા લોકો ખડખડાટ હસી પડ્યા. એમણે કહ્યું, ‘મહારાજ થાંભલાને તમે વીંટળાઇને બાથમાં પકડી લીધો છે. તમે છોડો એટલે આપોઆપ છૂટી જશો’.

મહારાજે બાથ છોડી દીધી અને કહ્યું, ‘આ જ તો મારું કહેવું છે. દારૂને તમે વળગ્યા છો, છોડો એટલે છૂટી જશે’.

કેટલી સરળ વાત છે, નહીં?

ટેન્શન માટે પણ કાંઈક આવું જ છે.

તમે ટેન્શનને છોડો એટલી આપોઆપ છૂટી જશે.

પણ..

આમ કરવું હોય તો એનો ઉપાય શું?

ઉપાય સરળ છે.

તમે જેવા છો તેવા જ દેખાવાનો અને તે જ રીતે જીવવાનો પ્રયત્ન કરો.

ભગવાન દરેક માણસને કાંઈક ને કાંઈક વિશિષ્ટતા આપે છે. એના વહાલા સંતાન તરીકે તમને પણ એણે   વિશિષ્ટતા આપી છે.

તમે એ શોધી કાઢો અને એની માવજત કરી ઉછેરો.

કોઇની દેખાદેખી કરવાથી હંમેશા પકડાઈ જવાના અથવા નાપાસ થવાના ભય નીચે જીવશો.

આવો કાલ્પનિક ભય શેને માટે?

પૈસા નથી તો નથી.

ફાટયા લૂગડે અને ઘરડા માબાપે કોઈ શરમ ના હોય.

માંદગી છે તો છે.

એને સંતાડવાનો કોઈ અર્થ નથી.

વધતી જતી ઉંમરને કારણે તમે દાદરો નથી ચઢી શકતા તો નથી ચઢી શકતા.  

એનાથી નિરાશ થવાની કે સંકોચ અનુભવવાની કોઈ જરૂર નથી.

અમુક વિષયનું જ્ઞાન નથી તો નથી.

આ દુનિયામાં બધાને બધુ જ જ્ઞાન નથી હોતું.

કોઈકની પાસે અનાજ છે પણ એને ભૂખ નથી લાગતી.

તમારે રોટલો રળવા  મહેનત કરવી પડે છે પણ પથ્થર પણ પચી જાય એવી કકડીને ભૂખ તો લાગે છે ને?

જેવા છો તે બની રહો

કોઈનું અનુકરણ કરવાથી અથવા ગજા બહારનું જીવવાથી તમને તણાવ જ મળશે.

કહ્યું છે –

"દેખા દેખી સાધે જોગ

પડે પંડ ને લાધે રોગ"

જેવા છો તેની ખૂબીઓ અને ખામીઓ સાથે જીવો.  

બનાવટ લાંબો સમય ચાલી શકતી નથી.

ઘેટાને સિંહનું ચામડું પહેરાવાથી એને સિંહ બનાવી શકતો નથી.

કૌવા ચલા હંસ કી ચાલ, ભૂલા અપની ચાલ, નતીજા? ઠન ઠન ગોપાલ.

માટે મજાથી જીવો.  

કોઇની નકલ કરીને અથવા મોં પર તમાચો મારીને ગાલ લાલ ના કરશો.

ચાલો આજે પહેલું ડગલું માંડીએ સુખના રાજમાર્ગ પર.

જેવા છો તેવા જ જીવો, મજામાં જીવો

તણાવ વગર જીવો

ખુશ રહો

શુભસ્તુ તે પંથાન:

આપનું પ્રયાણ નિર્વિધ્ન અને શુભ બની રહો.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles