બી યોર ઓન સેલ્ફ
તમે પણ ઈશ્વરનું એક અનોખુ સર્જન છો
હું પૂછું તે પ્રશ્નોના જરા મનોમન પણ સાચા જવાબ આપજો ને?
આપણને ઘણીવાર કોઈ જ કારણ વગર દુઃખી થવાનું કારણ મળી જાય?
હું જરા પાકા રંગે છું
પણ મારો દોસ્તાર પેલો રાજુ કેટલો બધો સ્માર્ટ છે.
ભગવાને એને કેવો સરસ ઊઘડતો રંગ આપ્યો છે
તો ક્યારેક કરી કોઈક વળી બીજો વિચાર આવે
અરે યાર ! આ ચશ્માના નંબર આવી ગયા. ક્લાસમાં તો કોઈ કહેતું નથી. મારા ગ્રુપમાં પણ કોઈ ચશ્મા વાળો નથી.
શું થશે? હું ચશ્મા પહેરીશ તો બધા મને ચશ્મીસ ચશ્મીસ કરીને ખીજવશે?
કોઈને નહીંને મને જ ચશ્મા ક્યાંથી આવ્યા!!
કેટલાક વળી એવું પણ વિચારે કે આ બાજુ વાળો કેટલું બધું કમાય છે
કયાં ક્યાં ફરવા જાય છે
કેવાં મોંઘાદાટ કપડાં પહેરે છે?
હું માંડ બે છેડા ભેગા કરું છું
સોસાયટીવાળા બધા ભેગા થાય ત્યારે મારો જ એકલાનો મેન્ટેનન્સ ચાર્જ બાકી હોય છે
તો વળી..
ક્યારેક એવું પણ થાય ખરું કે
ઓફિસમાં બધા સ્માર્ટફોનથી જાતજાતનાં કરતબ કરે છે
કેટલી બધી એપ્લિકેશન તેમને વાપરતાં આવડે છે
મને આ બધું ફાવતું જ નથી
તો ક્યારેક વળી
મારી સાથેના ઘણા બધા ધાણીફૂટ અંગ્રેજી બોલે છે
પેલો રાજિયો તો અંગ્રેજી ગાયનો પણ ગાય છે
ઓફિસમાં નાનો મોટો કોઇ પ્રસંગ હોય તો એ કેવી છટાદાર ભાષામાં ભાષણ કરે છે
આપણને સાલું આવું ફટાફટ અંગ્રેજી બોલતાં ફાવતું જ નથી
ક્યારેક ને ક્યારેક આવો કોઈક મુદ્દો લઈને આપણે આપણી જાતને ફટકારવા માંડીએ છીએ ખરું ને?
કોઈને કોઈ કારણ શોધીને આપણે જ આપણી જાત માટે ઘસાતું વિચારીએ છીએ
અને આવું વિચારીને લઘુતાગ્રંથિથી પીડાઈએ...
આ રીતે લઘુતા ગ્રંથિથી પીડાઈને પછી દુઃખી થઈએ એવું બને છે ખરું?
જો આવું બનતું હોય તો
અબ ઘડી નિર્ધાર કરો
આ માનસિકતામાંથી બહાર નીકળવાનો
બી યોર ઓન સેલ્ફ
બી વોટ યુ આર
દરેકની આવી એક કે બે મર્યાદાઓ હોય જ છે
તે મર્યાદાઓને તમારા ઉપર સવાર થઈ જવા ન દેશો
આપણી ત્રુટિઓ સમજવી જોઈએ
એ ખોટું નથી
શક્ય હોય ત્યાં સુધી એમને સુધારવી જોઈએ પણ...
આપણી ક્ષમતાઓને બાજુ પર મૂકીને
જીવનમાં માત્ર ત્રુટિઓને જ કેન્દ્રસ્થાને મૂકીને લઘુતા ગ્રંથિથી સતત પીડાતા રહીને જીવતા રહેવાનો કોઈ આનંદ નથી
મોજથી જીવો
ઈશ્વરે તમને પાકો રંગ આપ્યો હશે પણ કોયલ જેવો કંઠ પણ આપ્યો છે ને?
આંખે ચશ્માં ભલે આપ્યાં, તે નહિ પહેરવાથી મુશ્કેલીઓ વધશે
અને હા ચશ્માં પહેરીને પણ તમે સરસ મજાનું લખી શકો છો કે વાર્તાલાપ કરી શકો છો ને?
ઈશ્વર તમને ક્યાંક કંઈક ઓછું આપતો હશે પણ અનેક જગ્યાએ અનેક ઘણું વધારે પણ એણે જ આપ્યું છે ને?
તમારી આંતરિક સુંદરતાને અને શક્તિઓને ઓળખો
ક્ષમતાઓનો સરવાળો કરો
હકારાત્મક વિચારસરણી સાથે જીવો
ખુશ રહો
ખુશ રાખો
બી યોર ઓન સેલ્ફ
તમે પણ ઈશ્વરનું એક અનોખુ સર્જન છો