Thursday, April 23, 2015
આવેગમાં કોઈપણ નિર્ણય લેવાય ત્યારે એ ક્ષણ વીત્યા બાદ જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ એના પરિણામો અંગેના વિચારો મનને ઘેરી વળે છે. ઉલટી ગણતરી હવે શરુ થઈ હતી. આ સમય દરમ્યાન કેટલાક અનુભવો પણ થયા. અમારા સહુથી સીનીયર પ્રો. દીઘે હતા. ખૂબ ઓછું બોલતા, બિલકુલ બ્રિટીશ એટીકેટમાં રહેતા પ્રો. દીઘે સાથે બીરસીંગ વરસોથી કામ કરતો હતો. આ નેપાળી પટાવાળો આમ તો પહેલાં પ્રો. માદન પાસે હતો. ભગવાન પશુપતિનાથનો પરમ ભક્ત બીરસીંગ એક ખૂબ જ સીધો અને સરળ વ્યક્તિ હતો. એવો જ જમાનાનો ખાધેલ ચુડાસમા એની બાજુમાં બેસતો. ચુડાસમા વરસોથી અહીં ટાઈપીસ્ટ હતો અને સહુ કોઈને મદદરુપ થવાના એના સ્વભાવને કારણે એ ઠીક ઠીક પ્રિય હતો. બીરસીંગની સરળતા અને વફાદારીની કોઈ સરખામણી માપી શકાય તેમ નહોતી. એને અમે ક્યારેક કલાવતા અને પૂછતા કે એના ભગવાન કોણ ? જવાબ એક જ મળે “પશુપતિનાથ, માદન સાહેબ અને દીંઘે સાહેબ !” દીઘે સાહેબને એ “દીંઘે સાહેબ” કહેતો. એની સરળતામાં એકવખતે દીઘે સાહેબ અને એના મહેમાનોને એણે ચામાં કન્ડેન્સ્ડ મીલ્કને બદલે ફેવીકોલ નાંખી પીવડાવી દીધેલ ! પછી ખબર પડી એટલે દોડાદોડ થઈ ગયેલ.
આવું જ એક બીજું ચીરસ્મરણીય પાત્ર ડૉ. વિશ્વનાથ સદાશીવરાવ થટ્ટે હતા. હું અંડર ગ્રેજ્યુએટમાં એમની પાસે પણ ભણેલો ત્યારે અમારી છાપ અત્યંત તોફાની ટોળકીની હતી. થટ્ટે સાહેબ સરળ સ્વભાવના. ક્યારેક મુસીબતને સામેથી આ બેલ મુઝકો માર કરીને બોલાવી લાવે. કામ એમને શોધતું આવે. જેનાથી બીજા દૂર ભાગે એવું એડમીશનથી લઈને બાકીનું વહીવટી કામ થટ્ટે સાહેબ સામે ચાલીને લે અને પૂરા ખંતથી નિભાવે. આ થટ્ટે સાહેબના મનમાં મારી છાપ બહુ સારી નહીં. એ કોણ જાણે કેમ પણ મારાથી કામ વગરના ગભરાતા રહેતા. એ સમય મારી પાસે ડાર્ક ગોગલ્સ હતા. થટ્ટે સાહેબે આની પણ ફરિયાદ અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને કરી અને તેમની આગળ મારું એવું વર્ણન કર્યું કે જાણે હું અંધારી આલમમાંથી આવતો હોઉં. એમણે ફરિયાદમાં કહેલું એક વાક્ય “લોબીમાં પણ ગોગલ્સ પહેરી રાખે છે, ભયંકર માણસ છે, ખૂની જેવો લાગે છે.” જ્યારે મને કહેવામાં આવ્યું ત્યારે ખડખડાટ હસી પડાયેલું. આ વાત હજુ પણ યાદ આવે ત્યારે ક્યારેક ક્યારેક મોં પર સ્મિત આવી જાય છે. તમે ગમે તે હોવ કેવી કેવી ગેરસમજો તમારા વિશે ઉભી થઈ શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. એ જમાનામાં પ્રતાપનગર વિસ્તારની એક સોસાયટીમાં સાખર પેકર નામે એક વ્યક્તિ રહેતો. જે માત્ર એક રુપિયામાં ભવિષ્યકથન કરતો. થટ્ટે સાહેબને એના પર બહુ જ શ્રદ્ધા. વારંવાર એમની પાસે જાય. મને જ્યોતિષ તો આવડતું નથી પણ થટ્ટે સાહેબ માટે એટલું ચોક્કસ કહી શકું કે એમની કુંડળીમાં “મહામજદૂર યોગ” બનતો હશે. કારણ કે છેક છેવટ સુધી મજદુરી એમનાથી છુટી નહીં. મેં રાજીનામું આપ્યું અને હવે જવાનો છું એ વિચારે મને લાગે છે કે સહુથી વધુ રાહત ડૉ. થટ્ટે સાહેબને થઈ હશે. મારી વિદાય માટે યોજાયેલ ચા પાર્ટીમાં ભાષણ આપવા માટે થટ્ટે સાહેબે લગભગ એકાદ અઠવાડીયું ફેકલ્ટીની લાયબ્રેરીમાં જુદાં જુદાં થોથાં ઉથલાવ્યાં હશે. આમ છતાંય મારા જેવા કાળા ગોગલ્સ પહેરનાર ખતરનાક માણસ માટે બોલવા એમને પૂરતા શબ્દો નહીં મળ્યા હોય !
આ થટ્ટે સાહેબને અમે પણ અનેક રીતે હેરાન કરતા. બહુ બધા ગુણોની સાથે અત્યંત શંકાશીલ સ્વભાવ એ એમના વ્યક્તિત્વનું ઉધારપાસું હતું. અમારે વચ્ચે વચ્ચે ત્રિમાસિક પરીક્ષાઓના પેપર કાઢી ચુડાસમા પાસે સ્ટેન્સિલકટ કરાવવા પડતા. ત્યારબાદ એ સાયક્લોસ્ટાઈલ થાય અને જે તે પરિક્ષક એને કોથળીમાં સીલ કરી દે. થટ્ટે સાહેબને આમાં પણ વિશ્વાસ નહીં. એ જાતે સ્ટેન્સિલકટ કરે. એક દિવસ અમે તુક્કો લગાવ્યો. અમારા એક સાથીએ એમને કહ્યું કે જે પેપર સ્ટેન્સિલકટ કર્યું એના કાર્બન ઉપરથી જયનારાયણ વ્યાસે આખું પેપર વાંચી લીધું છે ! હવે પેપર ફૂટી જશે. ખલ્લાસ !! થટ્ટે સાહેબ ફરી પેપર કાઢવા બેઠા, ફરી સ્ટેન્સિલકટ કર્યા અને આ વખતે સાવચેતીરુપે કાર્બન પેપર પણ લઈ એને ફાડી નાંખ્યા. હા ! રાજીનામું આપ્યા પછી થટ્ટે સાહેબના વર્તનમાં થોડો ફેર પડ્યો હતો. એ હવે સામે મળે તો સ્મિત આપતા. ક્યારેક ટી ક્લબમાં મારી પાસે બેસીને ચા પણ પીતા.
આ સિવાય શૈક્ષણિક પ્રવૃત્તિ અને અન્ય ઘટનાઓ રાબેતા મુજબ ચાલ્યા કરતી. રોજ દિવસ પુરો થાય એટલે બાકી કેટલા દિવસ રહ્યા એની ગણતરી મનમાં ચાલતી. રોજ સવારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની નોકરી માટેની જાહેરાતો જોવી એ હવે રોજીંદો નિયમ બની ગયો હતો. જાણે મારી ચિંતાનો કોઈ ઉકેલ આવવાનો હોય તેમ થોડા થોડા દિવસને અંતરે બે જાહેરખબરોમાં મને રસ પડ્યો. એક હતી આણંદ ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડમાં પ્રોજેક્ટ એક્ઝીક્યુટીવ માટેની અને બીજી હતી ગુજરાત સરકારના હાઉસીંગ બોર્ડમાં સીધી ભરતીથી ભરાનાર નાયબ કાર્યપાલક ઈજનેર માટેની. બન્નેમાં મને રસ પડ્યો. સરસ રીતે બાયોડેટા વિગેરે તૈયાર કરી બન્ને જગ્યાએ અરજી નાંખી દીધી. રાહ જોવાનો હવે મારો વારો હતો. માંડ અઠવાડીયું વીત્યું હશે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો ઈન્ટરવ્યુ કોલ લેટર ટપાલમાં મને મળ્યો. બરાબર લગોલગ હાઉસીંગ બોર્ડની પરિક્ષા અને ઈન્ટરવ્યુ માટેનો પણ પત્ર મળ્યો. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો ઈન્ટરવ્યુ પુરો થયો એટલે તરત જ જે ઉમેદવારો પસંદ થયા હતા એમને મેડીકલ એક્ઝામિનેશન માટે રોકાવાનું કહ્યું. મારો એમાં નંબર હતો. હાશ !એક નોકરી પાકી થવા તરફ હું આગળ વધી રહ્યો હતો.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડમાં જોડાવું પડે તો આખા દેશમાં ગમે ત્યાં ચાલતા પ્રોજેક્ટ પર જવું પડે. મને એ જરા કઠતું હતું. વડોદરા અને ગુજરાત માટેનો મોહ છુટે તેમ નહોતો. એ જ દિવસે બધાને એપોઈન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવ્યા. બીજા દિવસે ફેકલ્ટીમાં ગયો ત્યારે મારા પગ જમીન પર નહોતા. હવે હું બેકાર રહેવાનો નહોતો. એક વિચાર આવ્યો ડીન પાસે જઈને આ કાગળ એમની સામે મુકવાનો અને કહેવાનો કે જુઓ બહાર દુનિયામાં તો આવડત અને ક્વોલીફીકેશનની કદર થાય છે. તમારો નોટિસ પિરિયડ હજુ પુરો નથી થયો અને મારી પાસે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાનો એપોઈન્ટમેન્ટ લેટર હાથમાં છે અને તે પણ અહીંના કરતાં બમણા પગારે. મેં એમ ન કર્યું. નિષ્ફળતા કે સફળતામાં સમતુલન જાળવી રાખવાના મને આપવામાં આવેલ સંસ્કાર આવું કરતાં રોકતા હતા.
હજુ તો નોટિસ પિરિયડનો ખાસ્સો અડધો મહિનો બાકી હતો.
મને અંદરથી વિશ્વાસ હતો કે કમ સે કમ ઈન્ટરવ્યુ સુધી તો હાઉસીંગ બોર્ડની પસંદગીમાં પહોંચીશું.
કવિ સુંદરજી બેટાઈની કવિતા મને જાણે કે દોરી રહી હતી.
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે.
છોને એ દૂર છે!
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે!
આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારે છાતીમાં, જુદેરું કો શૂર છે
છોને એ દૂર છે!
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે !
અને આ બધા ઉપરાંત પેલો ચણાજોરગરમવાળો તો હતો જ ! ક્યારેક ક્યારેક સાઈકલનાં પૈડાં કમાટિબાગ તરફ વળે ત્યારે એના ઉપર નજર નાખી લેતો. એની આજુબાજુ ધરાકોની ભીડ જોઈ મનોમન આનંદ અનુભવતો હાશ ! અહિંયા તો વાંધો નહીં જ આવે !!
પણ... હવે કદાચ ચણાજોરગરમવાળાના નસીબમાં મારી હરિફાઈ નહોતી લખાઈ અને વડોદરાના નસીબમાં નહોતો લખાયો એક ભણેલ ગણેલ ચણાજોરગરમવાળો !! હશે જેવાં જેનાં નસીબ !!!