જેમ કેમેસ્ટ્રી લેબોરેટરી જાતજાતના નુસખાઓને અને અળવીતરા કરવાની તક પૂરી પાડતી હતી, બરાબર તેજ રીતે સરવેઈંગનું ફિલ્ડ વર્ક આથી પણ મોટી ત
જેમ કેમેસ્ટ્રી લેબોરેટરી જાતજાતના નુસખાઓને અને અળવીતરા કરવાની તક પૂરી પાડતી હતી, બરાબર તેજ રીતે સરવેઈંગનું ફિલ્ડ વર્ક આથી પણ મોટી તક પૂરી પાડતું આ સરવેઈંગમાં ચેઇન અને કંપાસ સરવેથી માંડીને કંટૂર સરવે સુધીના વિષયો આવતા. થીઓડોલાઇટનો ઉપયોગ કરી દૂરના કોઈ બિંદુની ઊંચાઈ અને કોણ(એંગલ) માપવો વિગેરે કામગીરી રહેતી. મારી સમજ મુજબ મેં વિધ્યાર્થીઓને ત્રણ કક્ષમાં વહેંચ્યા હતા.
૧. પેટીયા એટલે કે ખપ પૂરતું કામ ચોકસાઈ પૂર્વક કરી ઓછી મહેનતે વધુ માર્કસ મેળવવાનું પેટિયું કેમ રળી લેવું તેની આવડત વાળા.
૨. બીજી કેટેગરી માં આવે “વેઠિયા” એટલે ઊંધું ઘાલીને મહેનત કર્યા જ કરે ચેઇન બરાબર ગોઠવવી, થીઓડોલાઇટ એક જગ્યાથી ઊંચકી કરી બીજી જગ્યાએ લઈ જવું અને ઘોડી પર ગોઠવી નીચેની ખીંટીના સદર્ભમાં ઓળંબો (plumb) બરાબર ગોઠવી કાઢવો, અમુક ચોક્કસ અંતરે લેવલ લેવાના હોય એટલે કે “સ્ટાફ” લઈને બરાબર તે પોઈન્ટે તડકો હોય તો પણ નિર્લેપભાવે ઊભા રહેવું, બધા રીડિંગ ફિલ્ડબૂકમાં વ્યવસ્થિત નોંધવા આ બધી જ કામગીરી કે જે ખાસી જેહમત માંગી લેતી તે આ “વેઠિયા ગ્રુપ” કરતું.
૩. ત્રીજી કેટેગરી આવે “શેઠીયા” એટલે બગલમાં હાથઘાલી ઊભા રેહવાથી માંડી સરવેનું કામ ચાલતું હોય તારે પણ તરસ લાગી છે, એવું બહાનું કાઢી કેન્ટીનની લટાર મારી આવવી અને મોટાભાગનો સમય આનંદ મસ્તીમાં વિતાવવો
મુશ્કેલી એ હતી અમને સરવે શીખવાડનાર પ્રો. સી. કે. શાહ, આમ એકવડિયો બાંધો, વ્યક્તિત્વનો કોઈ વ્યાખ્યામાં ના આવી શકે એવું ઊંચાઈ અને વજન બંનેની સરખામણીએ ખાડે ગયેલ શરીર, સહેજ વાંકડિયા વાળ અને ઝીણી આંખો અને મોંના પ્રમાણમા થોડા મોટા ગણી શકાય એવાં નાક અને કાન, ઇન્શર્ટ કરી પાટલૂન પર પટ્ટો બાંધે તેનાથી કમર ટકી રહેતી કે કપડાં તે કળવું મુશ્કેલ પડે એવી પતલી કમર.
આ પ્રો. સી. કે. શાહ અમને સરવેઈંગ થીયરીનો વિષય પણ ભણાવતા, તીખો મરચાં જેવો સ્વભાવ પણ એમના બહારી દેખાવના કારણે વિધાર્થીઓની પેઢી દર પેઢીથી એમનું નામ સી. કે શાહના બદલે “સી કે ચકલી” ચાલ્યું આવે. આ માણસ એવો ખારીલો કે કોઈ એક વખત ઝપટમાં આવ્યો તો ગયો સમજો, ટ્રાયપોડ પર બરાબર કંપાસ ગોઠવી સ્પિરિટ બબલ એકદમ મધ્યમમાં લાવી લેવલિંગ કર્યું હોય, બધુ જ પ્લંબમાં હોય ત્યારે એ તમારી પાસે પ્રશ્નો પૂછતા-પૂછતા પગથી ટ્રાઇપોડનો એક ટેકો થોડોક ખેસવી નાંખે. આવું પરીક્ષા વખતે પણ કરે. પછી થોડું વઢે અને જવાબ આપવામાં ગેંગેં-ફેંફેં થઈ જાય તો વિધાર્થીનો દાટ વળી દે. આથી ઊલટું જો આત્મવિશ્વાસ પૂર્વક મક્કમતાથી જવાબ આપોતો તરી પણ જવાય!
હવે એક વખતે એવું બન્યું કે રિસેસ પછી સરવેયીંગનો કલાસ, સી. કે. શાહ સાહેબ લેવાના હતા. કોઈ અળવીતરાએ બહારથી ક્યાંક મરેલી ચકલી પડી હશે તે લઈ આવ્યો અને એને એક કોરા કાગળ પર મૂકી ટેબલ પર મૂકી દીધી. ઘંટડી વાગી. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. સી. કે. શાહ સાહેબ ક્લાસમાં દાખલ થયા અને બ્લેકબોર્ડ આગળ સ્ટેજ પર રેઈઝડ ડાયસ પર પડેલા ટેબલને માથે ચકલીની લાશ જોઇ એટલે જ્વાળામુખી ફાટ્યો. એમણે કહ્યું કાં તો જેણે આ કામ કર્યું છે તે જાતે આગળ આવે અથવા ક્લાસ ભેગો થઇને ગુનેગારને મને સોંપી દે. જો આવું નહીં થાય તો હું આખી ટર્મ આ ક્લાસને ભણાવીશ નહીં અને ગેરશિસ્ત માટે બધાને દંડ કરવા ડીનને ભલામણ કરીશ. આટલું કહ્યું એટલે વર્ગમાં સન્નાટો છવાઇ ગયો. સામે ચાલીને વાઘની બોડમાં કોણ માથું નાખે? અને ક્લાસમાંથી પોતાના સાથીનું ખૂટલગીરી કરી કોણ નામ આપે? અને જેણે આ કારીગીરી કરી હોય તે થોડો આગળ આવવાનો હતો ! આમ, સી. કે. શાહ સાહેબને કોઇ સફળતા મળી નહીં.
આવું થયું એટલે મગજનો પારો વધુ ઊંચો ગયો. એમણે રીતસરનું અલ્ટિમેટમ આપ્યું કે જ્યાં સુધી જેણે આ કર્યું છે તે વ્યક્તિ પકડાશે નહીં ત્યાં સુધી હું આ ક્લાસમાં પગ નહીં મૂકું.
એ વખતે તો કોઈને પણ એવો અંદાજ નહોતો કે મશ્કરીનું આવું પરિણામ આવશે. તાત્કાલિક ઊભી થયેલ કટોકટીમાંથી બહાર નીકળવાનો કોઇ ઉપાય નહોતો. સાહેબ ક્લાસમાં ના આવે એટલે ફિલ્ડવર્ક પણ ના જ થાય. સરવેયીંગ આમ સ્કોરિંગ વિષય ગણાય એટલે સીધા ૧૫૦ માર્કસ જોખમમાં. સરવેયીંગ ડિપાર્ટમેન્ટના સામેનાજ ઝાડ નીચે અમારી સ્ટેન્ડિંગ કમિટી મળી. ઊભા ઊભા જ ચર્ચાઓ થઈ અને એવો સૂર નીકળ્યો કે આ મડાગાંઠનો ઉકેલ વહેલી તકે લાવવો જોઈએ. પણ રશિયા અને અમેરિકા વચ્ચે છેડાઈ ચૂકેલા આ શીતયુદ્ધમાં દરમ્યાનગીરી કોણ કરે? મધ્યસ્થી કોણ બને? આખરે એવું નક્કી થયું કે અમારા ખૂબ પ્રભાવશાળી અને લાડીલા વિદ્યાર્થીનેતા જશભાઈ પટેલ (એટીકેટી)ની મદદ લેવી. જશભાઈ કોલેજમાં હોય તો કેન્ટીનમાંજ મંડળી જમાવીને બેઠા હોય. અમારા સદનસીબે એ કેન્ટીનમાંજ મળ્યા. એમની આજુબાજુ કેન્ટીનમાં હતી એટલી ખુરશીઓ ગોઠવીને જેમને ખુરશીલાભ મળ્યો તે બધા ગોઠવાઈ ગયા. બાકીના ઊભા રહ્યા. અમારી આખી વાત જશભાઈને અમે સમજાવી. પહેલાં તો આ ગોળમટોળ ચહેરો અને શેળાના કાંટા જેવા વાળવાળો માણસ ખડખડાટ હસી પડ્યો. કહ્યું, ખરા માણસો છો તમે બધા. મધપૂડા પર કાંકરીચાળો થાય? સારું! હવે તમે આફતને આમંત્રણ આપ્યું જે છે તો હું મારાથી થાય તે મદદ કરીશ પણ ભવિષ્યમાં આ પ્રકારની કોઈના પણ માટે વ્યક્તિગત લાગે તેવી મશ્કરી ના કરશો. એ યોગ્ય નથી.
થોડા દિવસો વીત્યા. જશભાઈનું તેડું આવ્યું. અમારામાંથી પાંચ-સાત માણસોને એમણે કેન્ટીનમાં બોલાવ્યા. સિગરેટનો કશ લેતાં લેતાં એમણે કહ્યું, શાહ સાહેબ બહુ જ ગુસ્સામાં હતા, હજુ પણ છે. આમ છતાં તમારા બધા વતી મેં કાકલૂદી કરી તેમને મોટું મન રાખી આ આખી વાત ભૂલી જવા કહ્યું છે અને ખાતરી આપી છે કે હવે પછી આ લોકો સંપૂર્ણ શિસ્તમાં રહી વર્તશે અને આપને દુ:ખ લાગે તેવું કાંઇ નહીં કરે. એમણે હાલ પૂરતી તો ચારેક પ્રતિનિધિઓને મળવા માટે સંમતિ આપી છે. આપણે મળીએ. સાહેબ ગરમ થાય તો તમારે કંઇ બોલવાનું નહીં. હું જે કાંઇ કહેવાનું હશે તે કહીશ.
નક્કી થયા મુજબ અમારા પ્રિન્સિપલ કાઉન્સેલ જશભાઈ પટેલ સાથે અમે ચાર પ્રતિનિધિઓ સી. કે. શાહ સાહેબની કેબિનમાં તેમની સમક્ષ ઉપસ્થિત થયા. ગુસ્સા કરતાં દુ:ખ વધુ થયું હોય એવું એમની વાતચીત તેમજ ચહેરા પરથી સ્પષ્ટ વર્તાતું હતું. જશભાઈએ અમારી સાથે થયેલી વાત રજૂ કરતાં કહ્યું કે સાહેબ આ પ્રતિનિધિઓ તેમના ક્લાસ વતી તમારી સામે દિલગીરી વ્યક્ત કરવા અને ક્ષમા માંગવા માટે આવ્યા છે. મને તેમણે ખાતરી આપી છે કે હવે ક્યારેય પણ આવી કોઈપણ પ્રકારની હરકત તેમના તરફથી કરવામાં આવશે નહીં. સી. કે. શાહ સાહેબે અમને થોડો ઠપકો આપ્યો જે અમે નતમસ્તકે સાંભળી લીધો. ત્યારબાદ અમે ચારેય જણાએ ગજવામાંથી એક કાળજીપૂર્વક મૂકી રાખેલું ગુલાબનું ફૂલ કાઢ્યું અને વારાફરતી "સોરી સર ! એક્સ્ટ્રીમલી સોરી !!” કહેતાં તેમને આપ્યું. લાગ્યું જશભાઈની મધ્યસ્થી અને અમારી દિલગીરી કરવાની પધ્ધતિ એમને ગમી હતી અને આમ એક જબરજસ્ત સુનામી આવતી અટકી ગઈ. ત્યાર પછી સી.કે.શાહ સાહેબના અમારા ક્લાસ સાથેના સંબંધો સુમેળભર્યા રહ્યા. તેમાં પણ મારા વ્યક્તિગત સંબંધો ખૂબ જ મધુર રહ્યા. સી.કે.શાહ સાહેબનો સ્વભાવ એ કદાચ એમની મર્યાદા ગણી શકાય પણ સરવેયીંગ વિષય ઉપર એમનું પ્રભુત્વ અને શીખવવાની પદ્ધતિ દાદ માંગી લે તેવી હતી.
ત્યાર પછી કંટુર સરવે જેના માટે ખાડાટેકરાવાળી જમીન જોઈએ તે લાલબાગથી આગળ માંજલપુરનું તળાવ હતું ત્યાં લઇ જવાતા. એ વખતે તો એ વિસ્તાર લગભગ વસતી વિહોણો હતો. થોડું આગળ જઈએ એટલે આર્મી ઓફિસર્સના બંગલા, પરેડ ગ્રાઉન્ડ વિગેરે આવે અને ત્યાંથી આગળ જઈએ એટલે મકરપુરા જ્યાં જી.આઈ.ડી.સી.ની ઔદ્યોગિક વસાહત આકાર લઇ રહી હતી તે વિસ્તાર આવે. એથી આગળ માણેજા જતાં હિંદુસ્તાન બ્રાઉન બોવેરી અને પ્રિસીઝન બેરીંગ જેવા ઈજનેરી એકમો આવે. કંટુર સરવેનો અનુભવ સારો રહ્યો. ત્યાં સુધીમાં અમારા ક્લાસમાં પ્રદીપ શાહ, અલય ઠક્કર, સુરેશ શાહ, એમ.આર.પટેલ જેવા સિન્સિયર અને મહેનતુ વિદ્યાર્થીઓએ મોરચો સંભાળી લીધો હતો એટલે મારા માટે આ કવાયત હળવા હૈયે ટાઇમ પાસ માટેનું સુંદર સાધન બની રહેતું. આગળ જતાં ચોથા વર્ષમાં અમારે સરવેયીંગના વધુ ફિલ્ડવર્ક માટે નાતાલ વેકેશનમાં મહાબળેશ્વર જવાનું નક્કી થયું. સખત ઠંડીની આ મોસમ અને તેમાંય મહાબળેશ્વર જેવું ગિરીમથક, ભીનાશવાળી કડકડતી ઠંડી વેઠવાનો મારો આ પ્રથમ અનુભવ હતો. રહેવા માટે ડોરમેટરીની વ્યવસ્થા હતી અને સાંજે લગભગ પાંચ વાગ્યા પછી વાતાવરણ એકદમ ઠંડુ થવા લાગતું. રાત્રે ગોદડાં ઠરીને બરફ થઈ જાય. સવારે વહેલા ઊઠીએ ત્યારે ઝાકળનું પાણી ઝાડના પાંદડા પરથી ટપ ટપ કરતું પડતું હોય, ધુમ્મસ હોય અને બરફીલી ઠંડી. અનુભવ ખૂબ સરસ રહ્યો. મહાબળેશ્વરમાં રમણીક ત્રિવેદી, વસંત શાહ અને બીજા કેટલાક મિત્રો ભાડાની સાયકલ લઇ ફરવા નીકળી પડતા. ખૂબ રખડ્યા. મહાબળેશ્વર તળનું વેનાલેક (તળાવ) ખુબજ સુંદર હતું. એ જમાનામાં કેટલાય પિક્ચરોનું શૂટિંગ મહાબળેશ્વરમાં થતું હતું. સરોવરમાં બોટિંગ પણ ચાલતું અને એના કિનારે ટટ્ટુ જેવા ઘોડા પર ઘોડેસવારી થતી. મહાબળેશ્વરે મને પહેલી વાર પરિચય કરાવ્યો લાલ રંગની માટી સાથે, સહેજ ગુલાબી પડતા રતુંબડા બીટ જેવા ગોળ મૂળા સાથે, મધમાખી ઉછેર વ્યવસાય સાથે, ચીકીની ઘણી બધી વેરાયટી સાથે, જાત જાતનાં જામ અને સ્ક્વોશ સાથે, ટટ્ટુ જેવા ઘોડા સાથે, નીરો કેન્દ્રની સાથેસાથે દેશી દારૂ અને બીયર વેચતી દુકાનો સાથે, કેમ્પ ફાયર સાથે, પહાડ પરથી પડતાં ઝરણા સાથે, સ્ટ્રોબેરી અને રાસબરી, ગુઝ બેરી તેમજ મલ બેરી સાથે તેમજ વેના લેકમાં બોટિંગ સાથે. ઘણું બધુ આ પ્રવાસમાં જાણવા મળ્યું. કેટલાક મિત્રો હોસ્ટેલમાં સાથે રહેતા, તેમની નજદીકી આ પ્રવાસમાં વધુ ગાઢ મિત્રતામાં પરિણમી.
એકબીજી પણ પરિસ્થિતી ઊભી થઈ છોકરાઓ મજાક મસ્તી નિર્બધ આનંદમાં જીવતા-જીવતા સરવેયીંગનું કામ કરે એટલે અમારી એક માત્ર ક્લાસમેટ માલતી ધારપૂરેને કોઈ બેચ પોતાની સાથે લેવા તૈયાર નહોતી, છેવટે અમારા પ્રોફેસરની મધ્યસ્થીથી બળજબરીથી એક બેચમાં તેને દાખલ કરી દેવાઈ.
અગાઉ જણાવ્યુ તેમ મહાબળેશ્વર સાઇકલ લઈને ખૂબ ફર્યા ત્યાં સનરાઈઝ પોઈન્ટ, વિલ્સન પોઈન્ટ તરીકે જાણીતું છે, સૂર્યોદય જોવા માટે અંહિયા પ્રવાસીઓ કડકડતી ઠંડી વેઠીને વહેલા ઊઠીને હાજર થાય છે. આજ વિલ્સન પોઈન્ટના પ્લેટફોર્મ નં- ૨ પરથી સનસેટ પણ જોઈ શકાય છે.
આ ઉપરાંત કોનોટ પિક, એલફિસ્ટન પોઈન્ટ, મારજોરી પોઈન્ટ, કેસલ રોક, આર્થર સ્ટ્રીટ, બગદાદ પોઈન્ટ, બોમ્બે પોઈન્ટ, ગોવાલણી પોઈન્ટ, સાવિત્રી પોઈન્ટ જેવાં કેટલાંયે સ્થળે અમે ઘૂમી વળ્યા પોલો ગ્રાઉંડ પણ જોયું, અને મધમાખી ઉછેર કેન્દ્ર પણ જોયું. પર્વત ઉપર જ કોઈ સપાટમાં સપાટ જગ્યા હોય એવી એશિયાની મોટામાંમોટી ટેબલ ટોપ જ્યાં ઘણા બધા પિક્ચરોનું શૂટિંગ પણ થતું તે પણ જોયું, આ સપાટ ગ્રાઉંડ એટલું મોટું છે કે એક નાનું પ્લૅન તેના પર ઉતારી શકે!
લગભગ બે અઠવાડિયાથી થોડો ઓછો સમય અમે મહાબળેશ્વર માં ગાળ્યો, ગયા ત્યારે હાડ કકડાવી દેતી ઠંડીના કાલ્પનિક ભય સાથે ગભરાયેલા હતા, પણ પછી તો મહાબળેશ્વર અને એના નૈસર્ગિક સોંદર્ય સાથે એવી દોસ્તી થઈ ગઈ કે છેલ્લે જ્યારે અમારી બસ અમને લઈને મહાબળેશ્વર થી મુંબઈ જવા નીકળી ત્યારે અમે કોઈ ચીરપરિચિત જગ્યા છોડી રહ્યા હોઈએ તેવા ભાવ-દુખ સાથે, અમે મહાબળેશ્વરથી મુંબઈ આવવા રવાના થયા. મેં મહાબળેશ્વરથી જામની ચોકલેટ, જુદી-જુદી જાતની જામની ચારેક બોટલ અને થોડીક ચીકી લીધી ઘણું બધુ લેવું હતું, પણ ગજવામાં ફદિયાં નહોતાં, મહાબળેશ્વર ખાતેના અમારા સરવેયીંગ કેમ્પનું સંસ્મરણ એવું તો અંકાઇ ગયું કે આજે જ્યારે આ લખાવું છું, ત્યારે આંખ મીંચીને મહાબળેશ્વરની એ ભવ્યતાને અને સહયાદ્રિ પર્વતમાળાનાંએ ઉત્તુંગ શિખર તેમજ વનરાજીને જોઈ શકું છું. સાચા અર્થમાં It was once upon a life time kind of an experience. જીવનમાં થયેલો બેજોડ અને અદભૂત અનુભવ હતો.
સરવેયીંગ અને એની સાથે જોડાયેલી કેટલીક યાદો
- સી. કે. શાહ સાહેબ એમનું વિષય પરનું પ્રભુત્વ
- અમારી બેહૂદી હરતક
- જસભાઈની દરમિયાનગીરીથી ઘીના ઠામમાં ઘી પડી રહેવું
- પેટીયા, વેઠિયા અને શેઠીયા કક્ષાના વિધાર્થીઓ, થિયોડોલાઇટ, સ્ટાફ ચેઇન એનું કંપાસ સર્વે, કંટૂર સરવે.
- આ સર્વેના ફીલ્ડબૂકના નોંધાયેલા રીડિંગ ડ્રૉઇંગ પેપર પર ઉતારવા
અને...
- છેલ્લે મહાબળેશ્વર
Once upon a life time kind of an experience.