રાષ્ટ્રીય મુસ્લિમ મંચના ખ્વાજા અહમદના પુસ્તક ‘ધ મીટિંગ ઓફ માઇન્ડસ: એ બ્રિજિંગ ઇનિશિએટિવ’ના વિમોચન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ભાગવતજીએ હિન્દુ-મુસ્લિમ એકતા અંગેની વાત કરી તે આકર્ષી જાય તેવી છે. જોકે તેના સામે પડકારો ઘણા છે. આ વિષયને લઈને જાણીતા ચિંતક શ્રી સુધીન્દ્ર કુલકર્ણીએ શું કહ્યું છે? (ભાગ ૨)
ડૉ. જય નારાયણ વ્યાસ
“દેશમાં મુસ્લિમ ધર્મનું અસ્તિત્વ સંકટમાં હોવાનો ભય ખોટો છે. લોકશાહીમાં હિંદુ અથવા મુસ્લિમોનું પ્રભુત્વ ન હોઈ શકે. હિન્દુ અને મુસ્લિમ એકતાની વાત ભ્રામક છે, તેઓ અલગ છે જ નહીં. દેશમાં એકતા વિના વિકાસ શક્ય નથી અને એકતાનો આધાર રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો મહિમા હોવો જોઈએ. રાજકારણ દેશની એકતા ખતમ કરવાનું હથિયાર છે અને મોબલીન્ચિંગ કરનારા હિંદુત્વના વિરોધી છે.” આવું બધુ બીજા કોઈએ કહ્યું હોત તો મેં એને હસી કાઢ્યું હોત પણ અહીં હિંદુ અથવા મુસ્લિમોનું પ્રભુત્વ હોઈ શકે જ નહીં, માત્ર ભારતીયનું જ પ્રભુત્વ હોઈ શકે. રાજકારણ લોકોને એક કરવાનું સાધન બની શકતું નથી, દેશમાં નેતાઓ લોકોને એક કરી શકે તેમ નથી પરંતુ રાજકારણ દેશની એકતા ખતમ કરવાનું હથિયાર બની શકે છે. એકતા વિના વિકાસ શક્ય નથી, આ વાત મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી આયોજિત ડૉ. ખ્વાજા ઇફ્તિખાર અહમદના પુસ્તક ‘ધ મિટિંગ ઓફ માઇન્ડ્સ: અ બ્રિજિંગ ઇનિશિએટિવ’ના વિમોચન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા શ્રી મોહન ભાગવતે તારીખ ચોથી જુલાઈ ૨૦૨૧ના રોજ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ‘હિન્દુસ્તાની ફર્સ્ટ હિન્દુસ્તાન ફર્સ્ટ’ થીમ ઉપર બોલતા કહી ત્યારે ઘણા બધા ચોંકી ગયા હશે. આરએસએસના વડા પાસેથી ગાયના નામે મોબલીન્ચિંગ કરનારા લોકો હિન્દુત્વના વિરોધી છે અને કોઈ વ્યક્તિ એમ કહે કે અહીં કોઈ મુસ્લિમ ન રહેવો જોઈએ તો તે વ્યક્તિ હિન્દુ નથી, કાયદાએ કોઈપણ ભેદભાવ રાખ્યા વિના આ લોકો સામે કામ કરવું જોઈએ, જેવી વાત વાસ્તવિકતાનો સ્વીકાર અને હૈયાને ટાઢક પહોંચાડે તેવી છે. આ દેશમાં ઘણા બધા મુસ્લિમ દેશો કરતાં વધુ સંખ્યામાં ભારતીય નાગરિકત્વ ધરાવતા ઇસ્લામના અનુયાયીઓ એવા મુસ્લિમો રહે છે. ધ્રુવીકરણની રાજનીતિ કરનારાઓ ગમે તેટલા ધમપછાડા કરે આ લોકો આ દેશના નાગરિકો છે અને અહીં જ રહેવાના છે ત્યારે આ દેશના મૂળ પ્રશ્નો બેકારી, ગરીબી, સંસાધનોની અસમાન વહેંચણી, ખેતીની જમીનના ટુકડા થતા જવા અને ખેડૂતને ખેતી ન પરવડવી, શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો, આંતરિક અને સરહદ બહારથી ઉભા થતા સુરક્ષા અને સલામતીના પ્રશ્નો, વસતી વધારો, ભારતની અખંડિતતા અને પ્રગતિ સામે ભૂખ્યા વરુઓની માફક ઘૂરકીયાં કરતા આ પ્રશ્નો દેશના મુખ્ય પ્રશ્નો છે. દરેક ભારતીય નાગરિકે મુખ્યધારા સાથે જોડાવું જોઇએ અને કાયદો હાથમાં લેનાર કોઈપણ તત્વો સામે ખાખી વરદીએ રાજકારણીઓના પીઠ્ઠુ નહીં બનતાં જરાય દયા બતાવ્યા વગર કડક હાથે કામ લેવું જોઈએ. દેશના સૈન્ય માટે આપણને ગૌરવ હોવું જોઈએ અને કોઈ પણ રીતે એને રાજકારણના અપવિત્ર છાંટા ન ઉડે તેનું સહુએ ધ્યાન રાખવું જોઈએ. સનદી સેવાઓ રાજકારણીઓના પગનાં તળિયાં ચાટવા માટે નથી, પ્રજાની સેવા માટે છે એનો સરળ દાખલો અમેરિકામાં થોડા સમય પહેલાં થયેલી ચૂંટણીઓ દરમિયાનની ઘટનાઓ છે. પ્રમુખપદની ચૂંટણીમાં જો બાયડને જેવા ૨૭૦ ઇલેક્ટ્રોરલ કોલેજ વોટનો આંકડો પાર કર્યો પેન્ટાગોને એમના ઘર ઉપરનું આકાશ સુરક્ષિત કરી લીધું. અમેરિકન સિક્રેટ સર્વિસ સહિતની સુરક્ષા સેવાઓ આવનાર પ્રમુખની સલામતી માટે કામમાં લાગી લાગી ગઈ. ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં બેઠો બેઠો ‘હું હાર્યો નથી’ એવા હાકલાપડકારા કરતો રહ્યો પણ વ્હાઇટ હાઉસની બ્યુરોક્રસી આવનારા પ્રમુખ માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં લાગી ગઈ. ટ્રમ્પે જેમને નીમ્યા હતા એવા અમેરિકન કોર્ટના જજોએ એની વાહિયાત અપીલો ગેરકાયદે ગણાવી ફેંકી દીધી અને અધવચ્ચેથી અમેરિકન ઇલેક્ટ્રોનિક મીડિયાએ ટ્રમ્પ જૂઠાણાં ફેલાવે છે એમ કહીને ચાલુ પ્રમુખનું ભાષણ બ્લેક આઉટ કરી દીધું. ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર હેન્ડલ બ્લોક કરી દીધું. આ બધા માટે અમેરિકન સરકારે કોઈ આદેશો કે જીઆર નહોતા કરવા પડ્યા. ‘ધી સિસ્ટમ વર્કસ ફોર ધેર અસાઇન્ડ રોલ’ દેશની જે-તે સંસ્થાઓએ બંધારણ અથવા જાહેર સેવાના નિયમોએ એમને જે કામ સોંપ્યું હતું તે મુજબ પ્રમુખની દાદાગીરીને જરાય વશ થયા વગર પોતાનું કામ કર્યું. આ કારણથી અમેરિકા જગતની મહાન લોકશાહી તરીકે ગૌરવ લઈ શકે છે. આથી તદ્દન વિરુદ્ધ આપણે ત્યાં નોકરશાહો રાજકારણીઓ કરતાં પણ વધુ બદતર થઈ ગયા છે. આ સંદર્ભમાં માર્ક તલીના પુસ્તક ‘ફ્રોમ રાજ ટુ રાજીવ’માં આલેખાયેલું એક પ્રકરણ ‘નેતા બાબુ રાજ’ વાંચવા જેવું છે. પૂર્વ કેબિનેટ સચિવ ટી. એસ. આર. સુબ્રમણ્યમનું પુસ્તક પણ પાયામાંથી સડી રહેલી સનદી સેવાઓ અંગે બિલકુલ નિર્ભીકપણે ઉલ્લેખ કરે છે. આજે આઈએએસ, આઈપીએસ, આઇઆરએસ, ઇન્ડિયન ફોરેન સર્વિસ જેવી અને અન્ય સનદી સેવાના બાબુઓ રાજકીય મહેરબાનીનો ટુકડો તેમના તરફ ફેંકાય તે માટે પૂંછડી પટપટાવે છે. દેશની સર્વોચ્ચ અદાલતના ગોગોઇ જેવા મુખ્ય ન્યાયમૂર્તિઓની વિવાદાસ્પદ વર્તણુંક છાપરે ચડીને પોકારે છે. આજે જેને મેઇન સ્ટ્રીમ મીડિયા કહેવાય તેમાંનાં ઘણાં બધાં પોતાની વિશ્વસનીયતા ખોઈ બેઠાં છે. સંસદીય કાર્યવાહી, સંસદમાં ચૂંટાતા પ્રતિનિધિઓ અને એમાંના ઘણા બધાનો ગુનાહિત ભૂતકાળ, આપણે લોકશાહી માટે કેટલા નાલાયક છીએ એની ગવાહી પૂરે છે. આજનું ભારત એક ‘ક્રાઇસીસ ઓફ ક્રેડીબીલીટી’માંથી પસાર થઈ રહ્યું છે. એની લોકશાહી સંસ્થાઓથી માંડીને સનદી સેવાઓ, ન્યાયતંત્ર સમેત આજે શંકાના દાયરામાં મુકાઈ ચૂક્યાં છે. લશ્કરના નિવૃત્ત વડાઓ રાજકારણનો ઝભ્ભો પહેરે એ પ્રથા આપણી ઉચ્ચ પરંપરાઓ ધરાવતી સશસ્ત્ર સેના માટે જરાય આવકારદાયક નથી. હજુ આજે પણ આપણા સશસ્ત્ર દળોમાંથી પ્રજાએ શ્રદ્ધા નથી ગુમાવી. બધું જ બળવા બેઠું છે ત્યારે આ એક જ તો આશાનું કિરણ છે. આવી પરિસ્થિતીમાં ધ્રુવીકરણની રાજનીતિથી માત્ર હિંદુ-મુસ્લિમ જ નહીં પણ હિન્દુઓમાં પણ દલિત, પછાત, ઓબીસી, વનવાસી, દલિતોમાં પણ અમુક જાતિ, જેવા જાતજાતના ભાગલા પડાવી પોતાના રાજકીય સ્વાર્થનો રોટલો શેકનાર આ દેશનો દરેક રાજકીય પક્ષ દેશની કુસેવા કરવા માટે જવાબદાર છે. રાજ્યસભા જેવી સંસ્થાનું સંપૂર્ણપણે રાજકીયકરણ કરી બંધારણના રચયિતાઓએ જે અપેક્ષા રાખી હતી કે રાજ્યસભામાં જે લોકો ચૂંટણી લડે નહીં તેવા વિશિષ્ટ ક્ષેત્રના નિષ્ણાતો નિમાશે અને એ રીતે એમના જ્ઞાનનો લાભ દેશના કાયદા ઘડતર તેમજ અન્ય બાબતો અંગે મળશે તે વાત ધૂળમાં મળી ગઈ છે. આ પાપ કરવામાં કોઇ રાજકીય પક્ષ અપવાદરૂપ નથી. આજે લોકશાહીના નામે ધ્રુવીકરણની અને કોમવાદની રાજનીતિથી શરૂ કરીને જે બંદરબાંટ ચાલી છે, જે રીતે સરકારી તંત્ર અને સનદી સેવાઓનું રાજકીયકરણ થયું છે, ન્યાયતંત્રમાં કેટલાક અપવાદોને બાદ કરતાં વિલંબ અને સરકારને ખુશ કરવાની પદ્ધતિ ફૂલીફાલી છે તેને કારણે આજે સામાન્ય માણસ માટે સાચો ન્યાય મેળવવા માટેનો કોઈ આરોઓવારો રહ્યો નથી. પોતાની સંકુચિત વૃત્તિ અને બહુમતીના જોરે સરકારો મનમાની કરવાનો નગ્નનાચ કરી રહી છે, આ પરિસ્થિતિમાં ગાઝિયાબાદમાં ભાગવતજીએ આપેલું ઉદબોધન આશાનો એક નાનકડો દીવો જરૂર પ્રગટાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક શિસ્તબદ્ધ સંસ્થા છે અને એના વડા જે વાત કરે એનું મોટું વજૂદ હોય છે. ભાગવતજીની વાતમાં એક નવા વિચારનું અંકુરીકરણ ચોક્કસ દેખાય છે પણ એ વિચાર સામે કેટલાંક સ્થાપિત હિતો ટકરાવાના છે. શ્રી સુધીન્દ્ર કુલકર્ણીએ પોતાના વિશાળ અનુભવના નિચોડરૂપ આ સમગ્ર બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એમનો લેખ મૂળ અંગ્રેજીમાં છે. મને લાગ્યું કે મારા જે થોડા ઘણા પણ ફેસબુકના વાચકો છે તેમના સામે આ વિચારવલોણાંને મૂકીને અટકી જવું. એમાંથી નવનીત (માખણ) કાઢવાનું કામ મારું નથી. મારી સમજ અને વિચારોની મર્યાદાનું લાંછન સુધીન્દ્રજીના લેખને ન લાગે માટે એક ભાષાંતરકાર તરીકે સંપૂર્ણ વફાદારીપૂર્વક મેં એમના વિચારો એમાં કોઈપણ ભેળસેળ વગર રજુ કરવાનો નિર્ણય કર્યો છે.
ભાગવતજીના સંબોધન ઉપર લખાયેલા સુધીન્દ્રજીના આ લેખનું શીર્ષક છે, ‘ભાગવત્સ ગ્લાસનોસ્ટ ઇન આરએસએસ - મુસ્લિમ ટાઈઝ વેલકમ બટ કેન હી રેઇન ઇન મોદી એન્ડ આદિત્યનાથ?’ (ગ્લાસનોસ્ટ એ સોવિયત નીતિ હતી જેનો હેતુ સરકારી સંસ્થાઓ અને સોવિયત રશિયાની પ્રવૃત્તિઓમાં ખુલ્લાપણું અને પારદર્શિતા વધારવાનો હતો. આ નીતિ એંસીના દાયકાના અંતમાં મિખાઇલ ગોર્બાચેવ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.)
ભાવાનુવાદ થાય, ‘ભાગવતજીએ હિંદુ-મુસ્લિમ સંબંધો અંગે જે વાત કહી છે તે આવકાર્ય છે. આપણે સંઘ બાબતે જે કંઈ ટીકાઓ થતી હોય તે વચ્ચે પણ સેતુબંધન (Bridge-Building) અંગેની આ બાબતે આશાસ્પદ રહેવું જોઈએ. પણ શું આ સંદર્ભે ભાગવતજી મોદી અને આદિત્યનાથને નાથી શકશે?’
ડૉ. ખ્વાજા ઇફ્તિખાર અહમદના પુસ્તકનું ટાઈટલ છે, ‘ધી મિટિંગ ઓફ માઇન્ડ્સ : એ બ્રિજિંગ ઇનિશિએટિવ (વૈચારિક સમન્વય: એક વ્યાવહારિક પહેલ)’ ભાવાનુવાદ થાય, ‘બે વિચારસરણીઓનું મિલન અને સેતુબંધનની પહેલ’. ભાગવતજીએ ગાઝિયાબાદમાં ચોથી જુલાઈ ૨૦૨૧ના રોજ આ પુસ્તકનું વિમોચન કર્યું અને ત્યાર બાદ એક ખૂબ મહત્વનું કહી શકાય એવું ભાષણ આપ્યું.
સુધીન્દ્રજી લખે છે - ઘણા વરસોથી અહમદ મારા મિત્ર રહ્યા છે. અહમદ ઇસ્લામના ચુસ્ત અનુયાયી છે અને શ્રી પી.વી. નરસિંહરાવના સમયથી હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થનમાં સક્રિય રીતે જોડાયેલા છે. અયોધ્યા મુદ્દે જ્યારે આ બંને કોમ પ્રબળ રીતે વિભાજીત હતી ત્યારે પણ અહમદ હિન્દુ-મુસ્લિમ એકતા અંગે એક યા બીજી રીતે સંવાદ થાય તે માટે કાર્યરત હતા. અટલજીના સમયમાં સુધીન્દ્રજી અને શ્રી અહમદે ભારતીય જનતા પાર્ટી માટે મુસ્લિમ સંપ્રદાયનો ટેકો મેળવવા સાથે કામ કર્યું. અત્યારે શ્રી અહમદ આરએસએસ સાથે જોડાયેલ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ માટે કાર્યરત છે. એમના પ્રયાસોને કારણે સંઘના સિનિયર પદાધિકારીઓ, મુસ્લિમ બૌદ્ધિકો, ધાર્મિક નેતાઓ વિગેરે માટે વિચારવિમર્શ કરતું એક વિસ્તરતું જતું નેટવર્ક ઊભું થયું છે. બંને કોમને લગતા પ્રશ્નો વિષે રાષ્ટ્રની અગત્યતા, બંને કોમને સ્પર્શતા પ્રશ્નો તેમજ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ અગત્યના પ્રશ્નો અંગે આ મંચ ચર્ચા કરે છે. આ કારણથી સંઘ પ્રમુખ શ્રી મોહન ભાગવતજીએ અહમદના પુસ્તકનું વિમોચન કર્યું એટલું જ નહીં પણ સામાન્ય રીતે મુસ્લિમ વિરોધી ગણાતા આર.એસ.એસ.ના વડાએ શ્રી અહમદની આ સેતુબંધન એટલે કે બ્રિજિંગ ઇનિશિએટિવની ખુલીને પ્રશંસા કરી એ વાત ઘણી અગત્યની છે. વિચારભેદ અને સંઘર્ષ એ બંને કોમોને રાષ્ટ્રહિતમાં કામ કરતી કરવાનો કોઈ ઉપાય નથી એવું કહેતા ભાગવતજીએ કહ્યું કે દ્વિપક્ષીય વાર્તાલાપ (સંવાદ) જ એનો એકમાત્ર ઉકેલ હોઈ શકે. માત્ર આટલેથી જ નહીં અટકતાં ભાગવતજી ઉમેરે છે કે મુસ્લિમોએ ભારતમાં નહીં રહેવું જોઈએ એવું કહેનાર વ્યક્તિ હિન્દુ નથી. જે લોકો મોબ લીન્ચિંગ કરે છે તેઓ હિંદુત્વના વિરોધી છે. આ વાતને લઈને સુધીન્દ્રજી લખે છે કે ભાગવતજીના આ વિધાનોએ સંઘના ટેકેદારો અને વિરોધીઓ બંનેમાં એક વિસ્તૃત ચર્ચા ઊભી કરી છે. જે લોકોએ ભાગવતજીની આ વાતની પ્રશંસા કરી છે તેમાં ઘણા અગ્રણી મુસ્લિમો પણ છે. પણ આ વાતના ટીકાકારો એવી દલીલ સાથે હાજર છે કે જ્યારે તાજેતરના વરસોમાં જ્યારે અનેક જગ્યાએ મોબ લીન્ચિંગના બનાવો બની રહ્યા હતા ત્યારે ભાગવતજી કેમ ચૂપ હતા? સંઘના ટોચના પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવારની બીજી કેટલીક સંસ્થાઓ જ્યારે ઇસ્લામ અને મુસ્લિમો સામે ઝેર ઓકતી હોય છે ત્યારે તેઓ કેમ ચૂપ રહે છે? સુધીન્દ્રજી લખે છે કે આરએસએસ આ પ્રકારની ટીકાઓથી બચી શકે નહીં પણ અહમદના પુસ્તક અને ભાગવતજીએ જે કહ્યું તેમાં તેને મીડિયાએ પોતપોતાની રીતે અવલોક્યું છે. એક રીતે જોઈએ તો ભાગવતજીનું આ પ્રવચન એમનો ગ્લાસનોસ્ટ એટલે કે ‘Openness’ પારદર્શિતા અને Perestroika - પેરેસ્ટ્રોઇકા એટલે કે માળખાનું પુનર્ગઠન – Restructuring within Organisation એટલે કે એમની પોતાની સંસ્થામાં જ સમયાનુસાર હવે પારદર્શિતા અને સંઘના માળખામાં જરૂરી પુનર્ગઠન અંગેનો એજન્ડા આગળ ધપાવવાના ભાગવતજીની વાતમાં પડઘા પડતા દેખાય છે.
આ સંબંધે આગળ વાત કરતાં સુધીન્દ્રજી શું કહે છે તે હવે પછી. (ક્રમશ:)