રાષ્ટ્રીય મુસ્લિમ મંચના ખ્વાજા અહમદના પુસ્તક ‘ધ મીટિંગ ઓફ માઇન્ડસ: એ બ્રિજિંગ ઇનિશિએટિવ’ના વિમોચન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ભાગવતજીએ હિન્દુ-મુસ્લિમ એકતા અંગેની વાત કરી તે આકર્ષી જાય તેવી છે. જોકે તેના સામે પડકારો ઘણા છે. આ વિષયને લઈને જાણીતા ચિંતક શ્રી સુધીન્દ્ર કુલકર્ણીએ શું કહ્યું છે?
ડૉ. જય નારાયણ વ્યાસ
૧૯૯૦ તામઝામભરી સરકારી નોકરી એક જ દિવસમાં છોડી દીધી, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. મારા વતન સિધ્ધપુરને, એની ધૂળમાં રમીને મોટા થયાનું કાંઈક ઋણ ચૂકવવું હતું. હું ટાટા-બિરલા તો હતો નહીં કે પૈસાની તાકાતના જોરે સિદ્ધપુરની સિકલ બદલી શકું. હા, એવું કરવાનો પ્રયત્ન સિદ્ધપુરના મગનલાલ પ્રભુદાસ શેઠ અને બીજા કેટલાક શ્રેષ્ઠીઓએ કર્યો હતો, સફળ પણ થયા હતા. આજે પણ લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલયથી માંડી લક્ષ્મીચંદ સુંદરજી હાઇસ્કુલ અને એમ.પી.હાઇસ્કુલ સિધ્ધપુરમાં એમના ઘણા બધા પ્રદાનોની સાક્ષી આપતાં ઉભાં છે. કાળની કારમી થપાટોએ એમના સામ્રાજ્યને ધ્વસ્ત કર્યું નહીં તો આ મહાનુભાવોએ ચોક્કસ સિધ્ધપુરને કંઈક અલગ જ ઊંચાઇ પર લઇ જઇને મૂક્યું હોત. એ પુણ્યશ્લોક આત્માઓને પ્રણામ. હું તો એક સાવ નીચલા મધ્યમ વર્ગમાંથી આવતો વ્યક્તિ. ઇશ્વરની કૃપા, મા-બાપના આશીર્વાદ અને તકદીરે મને ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટી સિદ્ધિઓ આપી, ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં પ્રદાન કરવાની ખૂબ મોટી તક આપી. હું આ માટે કેટલો લાયક હતો એ તો આજે પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ બધું એક દિવસ છોડીને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું. મારા ઘણા બધા વડીલો અને હિતેચ્છુઓએ આ મૂર્ખતા કરવાની ના કહી હતી પણ છેવટે તકદીરનો ફેસલો ચાલી ગયો. મારી પહેલી ચૂંટણીમાં મારું સૂત્ર હતું, ‘સૌનો સાથ સૌનો વિકાસ, આ નિષ્ઠા સાથે આવે છે જય નારાયણ વ્યાસ’. એ વખતે છપાયેલાં ચોપાનિયા આજે પણ મેં સંઘરી રાખ્યા છે. સિધ્ધપુર ત્યાં સુધી કોમી તોફાનોનું કેન્દ્ર બિંદુ હતું. દર છ મહિને પડતા કરફ્યુએ સિદ્ધપુરના વેપાર-ધંધાની બરબાદી કરી નાખી હતી. બાકી રહેતું હતું તે રામશીલા વખતના બનાવોએ એવું તો જડબેસલાક પૂરું કરી નાખ્યું કે હિંદુ અને મુસલમાન વચ્ચે પૂરું ધ્રુવીકરણ થઈ ગયું. આવે સમયે મેં ‘સૌના સાથ સૌના વિકાસ’ની વાત કરી. મારા ઉપર વ્યક્તિગત મારો પ્રચાર કરવાના આક્ષેપો અને તે સમયનું પાર્ટીના કેટલાક પાયાના નેતાઓનું વલણ ‘ચૂંટણીમાં હારજીત અગત્યની નથી, હિન્દુત્વનો પ્રચાર અગત્યનો છે’, ચૂંટણી સભાઓમાં ગાજતી ‘હર હર મહાદેવ’ની ગર્જનાઓ મારી આસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતી હતી. આમાંના ઘણા તો કદાચ નાહીને પાણિયારે દીવો નહોતા કરતા, ઘરડાં મા-બાપની કે માંદા કે દુઃખીની સેવા નહોતા કરતા. હું હિન્દુ છું એનું મને પૂરેપૂરું ગૌરવ છે પણ મારું હિન્દુત્વ વેદની ઋચાઓ ‘આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ’ એટલે કે મારા મનમાં દરેક દિશામાંથી સારા વિચારો આવો અને ‘કામયે દુ:ખ તપ્તાનામ્ પ્રાણીનામ્ આર્ત્તિનાશનમ્’ તેમજ ‘સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્’ની આદિઅનાદિ કાળથી ચાલી આવતી પ્રાર્થનાઓને સમર્પિત હતું. તે વખતે પણ મૃત્યુંજય મહાદેવ એટલે શિવ અને મા સિદ્ધેશ્વરી એટલે શક્તિ અને શિરડીવાળા સાંઈ મારી આસ્થાનાં કેન્દ્ર હતાં. મા-બાપની સેવા એ મારો જીવન મંત્ર હતો જેને કારણે મેં અમેરિકા જવાના કાગળો ફાડી નાખ્યા હતા. એ સમયે ગરીબોના બેલી તરીકે જેમની ખ્યાતિ હતી તે પૂજ્ય મૂરજમલ દાદાનું સૂત્ર ‘જનસેવા એ જ પ્રભુસેવા’ મારા હૃદયમાં કોતરાયું હતું. આ સંસ્કૃતિમાં ઘડાયેલો માણસ વારતહેવાર, એકાદશી કે શિવરાત્રી અથવા પછી જન્માષ્ટમીના ઉપવાસ કરવાવાળો માણસ, મારું હિન્દુત્વ મારું જીવન હતું. એ સાથે ક્યારેય કોઈપણ પ્રકારની બાંધછોડ આજ દિન સુધી કરી નથી. પૂજ્ય ગાંધીજીએ ચીંધેલા અગિયાર મહાવ્રત શક્ય તેટલાં પાળ્યાં છે અને આમ છતાંય એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે મેં જ્યારે કોઈ ભેદભાવ વગર સૌના વિકાસની વાત કરવા માંડી, સિધ્ધપુરના વિકાસ માટે પાયાની જરૂરિયાત શાંતિની વાત કરી ત્યારે મારે માથે માછલાં ધોવાયાં, રીતસરની ગાળો ખાવી પડી. પણ મોટા ભાગની પ્રજાએ મારી વાત સ્વીકારી. હા, ધ્રુવીકરણ એટલું બધું થયું હતું અને મુસ્લિમ બિરાદરો કમળને મત આપે જ નહીં એ વાત એવી ઘૂંટાઇ ગઈ હતી કે મને એમણે આવકાર્યો ખરો, ક્યાંક-ક્યાંક સૂકો મેવો પણ ખવડાવ્યો, હાથે અત્તર ઘસ્યું પણ મત તો ન આપ્યો તે ન જ આપ્યો. મને એનો જરાય અફસોસ નથી. આજે દેશના વડાપ્રધાન ત્રીસ વરસ પહેલાંનું મારું આ સૂત્ર ‘સૌનો સાથ સૌનો વિકાસ’ આખા દેશ સામે મૂકે છે ત્યારે મનમાં ટાઢક વળે છે. આવી જ બીજી ટાઢક વળે એવી વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદરણીય પૂજ્ય ભાગવતજીએ હિંદુ-મુસ્લિમ સંબંધો અંગે તાજેતરમાં કરી ત્યારે થઇ. હું હંમેશા એમ માનતો હતો કે હિંદુ-મુસ્લિમ એકતાને આપણા પર ૨૦૦ વરસ જેમણે રાજ કર્યું તે ખંધા બ્રિટિશરોએ તોડવાનું પાપ કર્યું. આ દેશના ભાગલા પડ્યા અને આમ છતાં ય આજે આ દેશમાં લગભગ ૨૦ કરોડ મુસ્લિમભાઈઓ વસે છે. ઘણા બધા ઈસ્લામિક દેશો કરતાં આપણે ત્યાં તેમની વસતી વધારે છે. નથી એ ક્યાંય જતા રહેવાના, નથી ખૂબ મોટી બહુમતી ધરાવતા આપણે હિંદુઓ ક્યાંય જતા રહેવાના. બંને બાજુ ક્યાંકને ક્યાંક ખોટું કરનારા છે પણ એને કારણે કોઈપણ કોમને બદનામ ન કરી શકાય. વિદેશમાં ભારતીય મુસ્લિમોની વાત તો છોડીએ, આપણા કટ્ટર વિરોધી પાકિસ્તાનના નાગરિકો સાથે અહીંથી ગયેલા આપણા ભાઈઓ ભાગીદારીમાં ધંધો કરે છે, કોઈ કોમી વૈમનસ્ય નથી. આપણે ત્યાં રાજકીય રોટલો શેકવા માટે બ્રિટિશરોની આ નીતિ ચાલુ રહી. ચૂંટણીનું રાજકારણ આ દેશમાં વૈમનસ્ય ઊભું કરવા માટેનું પાયાનું કારણ છે એવું ભાગવતજીએ પણ રાજકારણીઓ ઉપર તીખો પ્રહાર કતાંતા કહ્યું. આમાંથી કોઈ પક્ષ અપવાદ નથી. માત્ર હિંદુ-મુસ્લિમ નહીં પણ હિન્દુઓમાં પણ દલિત, વનવાસી, ઓબીસી, અમુક જ્ઞાતિ, તમુક જ્ઞાતિ એવા કેટલા ભાગલા છેક તળ સુધી લોકશાહીના નામે ખુરશી સુધી પહોંચવા માટેના પ્રપંચ કરતા આ ખંધા રાજકારણીઓએ ઉભા કરી દીધા છે. આજે આપણે ભારતીય કહેવડાવવા કરતાં અમુક પ્રાંતના કે અમુક જ્ઞાતિના ઓળખદાર બન્યા છીએ. આ દેશના લોખંડી પુરુષ આપણા ગરવા ગુજરાતી સરદાર સાહેબે પોતાની અત્યંત નાજુક તબિયત હોવા છતાં પણ ૫૫૦ જેટલાં દેશી રજવાડાંઓને એક કરી આપણને ભારત દેશ આપ્યો. આપણા રાજકીય પક્ષો અને ખંધા રાજકારણીઓ પહેલાં ભાષાના નામે અને પછી અમુકને તમુક જ્ઞાતિઓના નામે રોજેરોજ છીણી મારીને એને તોડી રહ્યા છે. જેનું ઘર સલામત નથી, ઘરમાં એકતા નથી એ દેશને વિશ્વગુરુ બનાવવા નીકળેલા બેવકૂફો આ દેશની બેહાલી અને બરબાદી માટે ગુનેગાર છે. આજે ગરીબ વધુને વધુ ગરીબ બનતો જાય છે. આ દેશના માત્ર એક ટકા લોકો પાસે ૫૮ ટકા સંપત્તિ છે અને ૧૦ ટકા લોકો પાસે ૯૦ ટકા સંપત્તિ છે. આઝાદીનાં ૭૦ વરસ પછી પણ આ દેશમાં લગભગ ૪૦ કરોડ લોકોને બે ટંક અનાજ દોહ્યલું છે. માથે છાપરું નથી. ગરીબી અને રોગ વચ્ચે પીડાય છે. જગતનો તાત ખેડૂત આ દેશમાં બેહાલ બની રહ્યો છે. ગામડાઓમાં ચોક્કસ ટેલિવિઝન અને પાકા મકાનોની ઝાકઝમાળ દેખાતી હશે પણ ગામડાં તૂટી રહ્યાં છે. શિક્ષણનું સત્યાનાશ વળી રહ્યું છે. જગતની પહેલી ૨૦૦ યુનિવર્સિટીઓમાં ૧૫૦ સુધી આપણે ક્યાંય નથી. એક જમાનામાં ભારત તક્ષશિલા અને નાલંદાને કારણે વિશ્વભરમાં વિદ્વતાનું કેન્દ્ર હતું, આજે શિક્ષણના ખાનગીકરણના નામે આપણે શિક્ષણનાં મોટાં મોટાં વેપારી કેન્દ્રો ઉભાં કરી દીધાં છે. આ કેન્દ્રોમાં અને અંગ્રેજી માધ્યમોની શાળામાં અમુક ચોક્કસ વર્ગ જ ભણે છે. એક નવો એલાઇટ ક્લાસ આ શિક્ષણે ઊભો કર્યો છે. આવા દેશમાં જો કોમી એકતામાં પલીતો ચંપાયો તો બરબાદીનું આખરી પ્રકરણ લખાઇ જાય એમાં કોઈ શંકા નથી. ભાગવતજીની તાજેતરની વાત આ દિશામાં એક નવી જ પહેલ અને વિચાર થકી નવી શ્રદ્ધા ઊભી કરે છે.
ભાગવતજીની આ વાતને આ દેશના એક અગ્રણી બૌદ્ધિક, સંઘની વિચારસરણીથી અત્યંત નજદીક એવા શ્રી સુધીન્દ્ર કુલકર્ણીએ પોતાના લેખમાં ખુબ સરસ પૃથક્કરણ તરીકે રજૂ કરી છે. મને સુધીન્દ્ર કુલકર્ણીજીના વિચારોએ હંમેશાં આકર્ષ્યો છે અને એટલે એમની મંજૂરીથી મેં એમનો આ લેખ ગુજરાતી ભાષામાં તરજુમો કરી મારા વાચક વર્ગ સાથે વહેંચવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું છે.
પહેલા થોડો પરિચય સુધીન્દ્ર કુલકર્ણીજીનો મેળવી લઈએ.
બેલગામ જિલ્લામાં જાદવજી આનંદજી હાઈસ્કૂલ અઠાની ખાતે તેઓશ્રીએ અભ્યાસ કર્યો અને દેશની સર્વોત્કૃષ્ઠ અને સર્વોચ્ચ યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મુંબઈમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. એ રીતે અમે એક જ માતૃસંસ્થાના વિદ્યાર્થીઓ છીએ તેનું મને ગૌરવ છે. આઈઆઈટીના વિદ્યાર્થીઓ મોટેભાગે અમેરિકા જેવા દેશમાં ફોર્ચ્યુન-૫૦૦ કંપનીઓમાં ચીફ એક્ઝિક્યુટિવ પદ સુધી પહોંચે છે. મોટા ઉદ્યોગપતિ કે પછી સ્ટાનફર્ડ કે હાવર્ડના ગ્રેજ્યુએટ થાય છે અને વિશ્વ બેંકથી માંડી આઇએમએફ સુધી તેમની વિદ્વતાને કારણે છવાઈ જાય છે. રાજનીતિમાં બહુ ઓછા જાય છે. સુધીન્દ્રજી એ પત્રકારત્વ અને રાજનીતિનો જીવ છે. સૌથી પહેલાં એમને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)ના વિચારોએ આકર્ષ્યા. પણ ૧૯૯૬માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે વખતે એમનું વિધાન હતું, ‘મારા જેવા વ્યક્તિઓ એક કાલ્પનિક દુનિયામાં જીવતા હતા. મને ઘણું મોડું સમજાયું કે માર્કસિસ્ટ વિચારસરણી ભારત માટે યોગ્ય નથી, માત્ર એટલું જ નહીં પણ હું તો કહીશ કે દુનિયાના કોઈપણ ખૂણે આ વિચારસરણી બંધબેસતી આવે તેવી નથી.’ અટલજી અને અડવાણીજીના વ્યક્તિત્વ અને વિચારધારાથી આકર્ષાઈ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. સુધીન્દ્ર કુલકર્ણી ભારત-પાક સંબંધો સુધરે તેમજ હિન્દુ-મુસ્લિમ એકતાના હંમેશા સમર્થક રહ્યા. ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે તેઓ ‘ઇન્ડિયા શાઇનીંગ કેમ્પેન’ સાથે જોડાયેલા હતા અને દિલ્હી-લાહોર બસસેવાની પહેલી ટ્રીપમાં તેઓ પણ અટલજી સાથે ગયા હતા. અટલજીનાં ઘણાં ભાષણો લખવામાં તેમની મદદ અને ૨૦૦૮ બાદ શ્રી લાલકૃષ્ણ અડવાણી માટે એક વ્યૂહરચનાકાર તરીકેની તેમની ભૂમિકાને કારણે ભારતીય જનતા પક્ષમાં તેમનું કદ વધ્યું. પણ ૨૦૦૯માં એમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. અડવાણીજીના નેતૃત્વ હેઠળ લડાયેલા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ અને પક્ષ સાથેનાં તેમનાં અંજળપાણી પણ પૂરાં થયાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે રીતે પક્ષના નિર્ણયો અંગે ભૂમિકા ભજવતો હતો તે સામે પણ તેઓ બહુ ખુશ ન હતા.
વળી પાછું જાન્યુઆરી ૨૦૧૨માં તત્કાલીન પ્રમુખ નીતિન ગડકરીના સલાહકાર તરીકે તેઓ પાછા ભારતીય જનતા પક્ષમાં સક્રિય બન્યા. એ પહેલાં એક વિચારવલોણું ‘ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’માં તેઓશ્રી કાર્યરત હતા. આગળ જતાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની ધ્રુવીકરણની રાજનીતિથી નિરાશ થઈ તેમણે ભા.જ.પ.ને રામરામ કરી દીધા.
જેમણે કરંજિયાનું નામ સાંભળ્યું હશે તેઓ એક જમાનામાં તેમના તેજાબી પ્રકાશન ‘બ્લીટ્ઝ’થી પરિચિત હશે. રુસી કરંજિયા એના એડિટર હતા. કુલકર્ણીજી ‘બ્લીટ્ઝ’ના એક્ઝિક્યુટિવ એડિટર તરીકે જોડાયા. શરૂઆતમાં કરંજિયા ભારતીય સામ્યવાદી પાર્ટી તરફ કૂણું વલણ ધરાવતા હતા પણ ધીરે ધીરે એના હિન્દુત્વ વિરોધી ધર્મનિરપેક્ષતા (સેક્યુલારિઝમ)ના વલણથી તેઓ બદલાયા. કરંજિયા ભારતીય જનતા પાર્ટીના અને અયોધ્યા મૂવમેન્ટના મજબૂત ટેકેદાર બન્યા જેને કારણે સુધીન્દ્ર કુલકર્ણીજીને એમણે પી. સાંઈનાથની જગ્યાએ નાયબ તંત્રી તરીકે નીમ્યા. કરંજિયાની નવી વિચારસરણીને વાચા આપવાનું કામ કુલકર્ણીજીએ કરવાનું હતું. પરિણામ સ્વરૂપ ડાબેરી ઝુકાવ ધરાવતું ‘બ્લીટ્ઝ’ ભારતીય જનતા પાર્ટી સમર્થક પ્રકાશન બન્યું.
આગળની કારકિર્દીમાં સુધીન્દ્રજી હિન્દુજા ગ્રુપ ઓફ કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ - મીડિયા તરીકે ૧૯૯૦ના મધ્યમાં જોડાયા જે સમયે હિન્દુજા ગ્રુપના ચેરમેન અમેરિકન ન્યુઝપેપર સાથે સહકાર કરીને એમની ભારતીય આવૃત્તિ પ્રકાશિત કરવા માટે વિચારતા હતા. સુધીન્દ્ર કુલકર્ણીજીના બ્લીટ્ઝમાં પ્રકાશિત થયેલ એક લેખ, જેમાં તેમણે હિન્દુજા ગ્રુપના ચેરમેન શ્રીચંદ હિન્દુજાના આધુનિક ચાણક્ય અને રાજકીય ડિપ્લોમેટ તરીકે વખાણ કર્યા હતા, તેને કારણે શ્રીચંદ હિન્દુજા એમના તરફ આકર્ષાયા અને મળ્યા. પરિણામ સ્વરૂપ સુધીન્દ્રજી આગળ જતાં હિન્દુજા ગ્રુપમાં જોડાયા અને એના ચેરમેનનાં ઘણાં બધાં ભાષણો અને ઉદબોધનો લખવામાં નિમિત્ત બન્યા. જોકે હિન્દુજા ગ્રુપનું છાપુ ક્યારેય અસ્તિત્વમાં ન આવ્યું અને વળી પાછા કુલકર્ણીજી એમાંથી રાજીનામું આપી બીજેપી તરફ વળ્યા.
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના સાંસદોને અપાતી લાંચના સ્ટિંગ ઓપરેશન ‘કેશ ફોર વોટ્સ’ જેનો મુખ્ય હેતુ ૨૦૦૮ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદોનો ટેકો મેળવવાનો હતો તેમાં કુલકર્ણીજીનું નામ ઉછળ્યું અને આગળની ન્યાયિક અને પોલીસ તપાસમાં એમને સંડોવાવું પડ્યું. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી ખુરશીદ મહંમદ કસુરીના પુસ્તકનું વિમોચન ગોઠવવા માટે ૧૨ ઓક્ટોબર ૨૦૧૫ના દિવસે કસૂરી સાથે સ્ટેજ પર બેસવા માટે અને એ રીતે તેમણે ભારતીય સૈનિકોનું અપમાન કર્યું છે એમ કહી શિવસૈનિકોએ એમના ઉપર હુમલો કર્યો અને આમ છતાં આ જાંબાઝ માણસે પુસ્તક વિમોચનનું કામ જરાય વ્યથિત થયા વગર તેમના ચહેરા અને કપડાં પણ નાખવામાં આવેલ કાળા રંગ સાથે પૂરું કર્યું.
૨૦૧૯ની ચૂંટણીઓ સમયે કુલકર્ણીજીએ ખુલ્લેઆમ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાનપદ માટેના ઉત્તમ ઉમેદવાર તરીકે ટેકો આપ્યો. ભારત ચીન અને પાકિસ્તાન સાથે ખૂબ મોટા પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે એ મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીને તેઓએ ‘લીડર વિથ ગુડ હાર્ટ’ તરીકે ગણાવી ટેકો આપ્યો અને અત્યારના પ્રધાનમંત્રીશ્રીનો વિરોધ કર્યો.
મૂળ વાત એ છે કે આઇઆઇટી જેવી સર્વોચ્ચ સંસ્થામાં ભણેલ માણસ પોતાની વૈચારિક સ્વતંત્રતા ગીરવે મૂકીને રાજકીય લાભ ખાટવા માટે કશું જ ના કરે એનું ઉત્તમ ઉદાહરણ સુધીન્દ્ર કુલકર્ણીજી છે. આત્માના અવાજને હંમેશા અનુસરવું અને એનાથી દોરાઇને પોતાનો વિરોધ થાય તો પણ રાહ ન બદલવો એમનું વ્યક્તિત્વ છે. આઇઆઇટી મુંબઈના પૂર્વ વિદ્યાર્થી તરીકે મને અમારી યુનિવર્સિટીના આ એક બટકબોલા અને સ્વતંત્ર વિચાર ધરાવતા વિદ્યાર્થી માટે ગૌરવ છે. એમનો આત્મા હિન્દુ ફિલોસોફી તરફી છે અને વિચારસરણી ભારતીય હિતમાં શું કરી શકાય એ વાતથી હંમેશાં પ્રભાવિત રહી છે. બે બાબતે તેઓનો મત ગંભીરતાથી લેવો પડે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ભલે એ સ્વયંસેવક તરીકે ન જોડાયેલા હોય પણ મા.ગો. વેદ્યજીથી માંડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક સિનિયર અધિકારીશ્રીઓ સાથે એમનો ખૂબ નજદીકી સંબંધ રહ્યો છે અને એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશેના તેમના વિચારો એક ચિંતકના વિચારો છે. બીજું, ચીન અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી વિશે તેમજ કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપરાંત આજના વિશ્વના વૈશ્વિક રાજકીય પ્રવાહો વિષે તેઓશ્રીનું ચિંતન અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. આ બધું જોતાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચના ખ્વાજા અહમદના પુસ્તક ‘ધ મીટિંગ ઓફ માઇન્ડસ: એ બ્રિજિંગ ઇનિશિએટિવ’ પુસ્તકના વિમોચન પ્રસંગે ભાગવતજીએ જે વાત કહી તેના ઉપર આધારિત તેઓશ્રીનો લેખ ‘ભાગવત્સ ગ્લાસનોસ્ટ ઇન આરએસએસ - મુસ્લિમ ટાઈઝ વેલકમ બટ કેન હી રેઇન ઇન મોદી એન્ડ આદિત્યનાથ?’ સાંપ્રત પરિસ્થિતિમાં એક અલગ દ્રષ્ટિકોણ અને વિચારને રજૂ કરે છે. લોકશાહીમાં મુક્ત મને વિચારોના આદાન-પ્રદાન માટે હંમેશા જગ્યા હોવી જોઈએ. એ માન્યતાને પોષતા આ લેખે મને આકર્ષ્યો એટલે સુધીન્દ્રજીને એનો તરજુમો કરી ગુજરાતીમાં રજૂ કરવા માટે વિનંતી કરી જેનો સાનુકૂળ પ્રત્યાઘાત સાંપડ્યો એનો મને આનંદ છે.
સુધીન્દ્ર કુલકર્ણીજી સાથે આપણે સહમત થઈએ કે ન થઈએ એક એવો સમય હતો જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીને તેમના વિચારોએ અત્યંત પ્રભાવિત કરી હતી. આજે એક તટસ્થ ચિંતક તરીકે તેઓ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે એમાં ડોકિયું કરવાથી આપણે જેમ બંધ ઓરડાની બારી ખોલીએ અને તાજી હવા પ્રવેશી જાય તે રીતે આપણે ગમે તે વિચારસરણીમાં માનતા હોઈએ સુધીન્દ્ર કુલકર્ણીજીના આ લેખ ચોક્કસ તાજી હવાની લહેરખી પ્રસરાવશે તેમાં મને કોઈ શંકા નથી.
હવે પછી એને ક્રમશ: રજૂ કરીશ.
વાંચવાનું ચૂકશો નહીં (ક્રમશઃ)