રાષ્ટ્રીય મુસ્લિમ મંચના ખ્વાજા અહમદના પુસ્તક ‘ધ મીટિંગ ઓફ માઇન્ડસ: એ બ્રિજિંગ ઇનિશિએટિવ’ના વિમોચન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ભાગવતજીએ હિન્દુ-મુસ્લિમ એકતા અંગેની વાત કરી તે આકર્ષી જાય તેવી છે. જોકે તેના સામે પડકારો ઘણા છે. આ વિષયને લઈને જાણીતા ચિંતક શ્રી સુધીન્દ્ર કુલકર્ણીએ શું કહ્યું છે? (ભાગ ૩)
ડૉ. જય નારાયણ વ્યાસ
સુધીન્દ્રજી આગળ લખે છે કે ગ્રાસનોસ્ટ અને પેરેસ્ટોઇકાની વાત એ મારા મનની ઉપજ નથી. એથી ઊલટું રામમાધવ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજેપી સાથે લાંબા સમયથી અને ખૂબ નજદીકીથી સંકળાયેલા છે તેમણે ઇન્ડિયન એક્સપ્રેસમાં સપ્ટેમ્બર ૨૦૧૮ એટલે કે ભાગવતજીની નવી દિલ્હીમાં અપાયેલ બહુચર્ચિત લેકચર સિરીઝ જેનો કેન્દ્રીય વિચાર ‘આર.એસ.એસ.ના દ્રષ્ટિકોણ મુજબ ભવિષ્યનું ભારત કેવું હશે – the future of India – an RSS perspective’ બાદ ઈન્ડિયન એક્સપ્રેસના પોતાના લેખમાં લખ્યું હતું, ‘it is a glassnost moment for the Sangh’ એટલે કે સંઘ માટે આ પારદર્શિતાની ઘડી છે. આ વિષય અંગે રામમાધવે જે લખ્યું તે મુજબ –
“એમની (ભાગવતજીની) આ ત્રણ દિવસની પ્રવચનમાળામાં જે અગત્યના Ideological (વિચારધારા) વિષયો સાથે સંઘ સંકળાયેલું છે તે સંદર્ભે ખૂબ મોટી પારદર્શિતા આ વ્યાખ્યાનમાળામાં જોવા મળી. અંદરના માણસ તરીકે સંઘની વિચારધારામાં ભાગવતે કમાન સંભાળી તેના છેલ્લા એક દાયકામાં જે પરિવર્તન આવ્યું છે તેનો હું (રામમાધવ) સાક્ષી છું. આખરે તેમણે (ભાગવતજીએ) આ પરિવર્તનને દેશવાસીઓ સમક્ષ સ્પષ્ટ રીતે મૂક્યું. પોતાની આ પારદર્શિતા એટલે કે ખુલ્લા બારણાની નીતિને કારણે ભાગવતે મોટાભાગના ટીકાકારોને શાંત કરી દીધા. પણ આ વિચારધારાને સંઘ સાથે સંકળાયેલ દરેક સંસ્થા અને સંઘની અંતર્ગત કાર્યરત લોકોમાં સ્વીકૃત બનાવવા માટે મોટાપાયે પુનર્ગઠન જરૂરી છે. ભાગવત માટેનો પડકાર આમાં રહેલો છે. ભાગવત આવનાર ઘણા વરસો સુધી આ સંસ્થાનું નેતૃત્વ કરવાના છે. આ સંસ્થાની દરેક કેડરમાં તેઓના સંદર્ભે માનથી જોવાય છે. એમની સ્પષ્ટદ્રષ્ટિ, સ્પષ્ટવક્તાપણું અને પ્રતિબદ્ધતાથી એમની પાસે સંસ્થાને તેઓ ઇચ્છે છે તે દિશામાં દોરવાની ક્ષમતા છે.”
રામમાધવના મત મુજબ ભાગવત એમનો પોતાનો મત અથવા પ્રતિબદ્ધતા ભારતના સંવિધાન પ્રત્યે પણ એ જ સ્પષ્ટતાથી રજૂ કરે છે, “એમણે સંવિધાનની આખી પૂર્વભૂમિકા (Preamble) વાંચી અને ભારપૂર્વક કહ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એનું પૂરું સન્માન કરે છે - કટોકટી દરમિયાન ઉમેરાયેલા ધર્મનિરપેક્ષતા (Secularism) અને સમાજવાદ (Socialism) સમેત.” રામમાધવ પોતાનો લેખ રજૂ કરતાં કહે છે કે ભાગવતજીની આ વાત સેક્યુલર (ધર્મનિરપેક્ષ) હિન્દુઓ અને મુસ્લિમ સમુદાય બંને દ્વારા આવકાર પામવી જોઈએ. રામમાધવનો લેખ ‘ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા – એન આરએસએસ પર્સ્પેક્ટિવ’ આ રીતે સંઘની વિચારધારામાં થઇ રહેલ બદલાવ બાબતે સ્પષ્ટ નિર્દેશ કરે છે. આમ છતાંય તેઓ કહે છે કે પારદર્શિતા અને સંઘની કેડર તેમજ પરિવાર સંસ્થાઓમાં જે પુનર્ગઠન અને પારદર્શિતા જરૂરી બનવાનાં છે તે ભાગવત સામેનો મોટો પડકાર હશે. જોકે રામમાધવનો પુનર્ગઠન અંગેનો આ દાવો તેમજ સંઘની પાયાની માન્યતાઓ સંબંધી વાત આર.એસ.એસ.ના જ કેટલાક અંદરના લોકો દ્વારા પડકારવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જે આંતરિક વિચારવલોણું ચાલી રહ્યું છે તેનું આ સૂચક છે. દરેક જીવંત સંસ્થાએ એના સ્થાપના સમયની જે કાંઈ વિચારસરણી હોય તેને બાજુ પર મૂકીને પણ બદલાતા સમય સાથે બદલાવું જોઈએ. જે વિચારો ઉમદા છે તે ન બદલાય પણ આ વિચારો અને તેમના અમલીકરણ અંગેની પદ્ધતિઓ સમયાનુસાર નવીનીકરણ પામે તે ઐતિહાસિક જરૂરિયાત છે. આવા બદલાવ સામેની અવરોધક વૃત્તિ જે લોકો સમયની સાથે ન બદલાવાના કારણે અપ્રસ્તુત બનવા ચાહે છે તેમને જ પોસાઇ શકે. આર.એસ.એસ બાબતે કોઈપણ તટસ્થ અવલોકનકાર ભાગવતનું પૂરું ભાષણ સાંભળ્યા બાદ સમજી શકે છે કે તેઓ ભારતીય મુસ્લિમ સમુદાય અંગે નવીન ધરતી ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એનું સ્વાગત થવું જોઈએ.
સમયની માંગ શું છે?
શું આજનું ભારત આ પ્રકારની વિચારસરણીના સંગમ માટે સેતુબંધન થકી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે નવા સંબંધો સ્થાપિત કરવા માંગે છે? આનો જવાબ જે લોકો સાચી વિચારસરણી ધરાવે છે તેમના માટે એક પુરાણા સંસ્કૃત અવલોકન ઉપરથી સમજી શકાય છે જે કહે છે –
‘સેતુબંધનમ્ સર્વરંજનમ્’ - સહુનું સુખ અને કલ્યાણ સાધવા માટે આવું સેતુબંધન આવકાર્ય છે.
‘સેતુબંધનમ્ માર્ગસાધનમ્’ - નવા માર્ગો બાંધવા માટે અને નવી પહેલ વિકસાવવા માટે સેતુબંધન જરૂરી છે.
‘સેતુબંધનમ્ સ્નેહકારણનમ્’ - વિવિધ રાષ્ટ્રો અને પ્રજાઓ વચ્ચે મૈત્રાચારી અને શુભકામના ઉભી કરવા માટે ભલે આવા સેતુ બંધાય.
‘સેતુબંધનમ્ વિહિતાતારણમ્’ - જે માનવતા માટે જરૂરી છે અને કાયદા દ્વારા અપેક્ષિત છે તેને બચાવી લેવા માટે સેતુબંધન ભલે થાય.
હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે આ પ્રકારનું સેતુબંધન સત્ય અને પ્રતિબધ્ધતાના પાયા પર તેમજ પરસ્પર વિશ્વાસ, આદર અને એકબીજાને સાંભળવાની તૈયારીના ખુલ્લા દિમાગ સાથે થવું જોઈએ. અહીંયાં આર.એસ.એસ તેમજ વગદાર મુસ્લિમ નેતૃત્વ બંનેના આ સંદર્ભિત અભિગમમાં ઘણી આપત્તિજનક ત્રૂટિઓ જોવા મળે તેવી શક્યતા ઉભી થાય છે.
આ બંને વિચારસરણીઓમાં સત્ય અને અસત્ય અલગ તારવવા માટે કેટલાક ઐતિહાસિક સંદર્ભો અને ઘટનાઓની સમજ જરૂરી છે. ભારતના હિન્દુ અને મુસ્લિમો વચ્ચેના સંબંધો ૧૯૪૭ બાદ જ નહીં તે પહેલાં પણ પણ સાંસ્કૃતિક ભારતના જીવનમાં બે પરસ્પર વિરોધાભાસી પ્રવાહોથી દોરાતા રહ્યા છે. એક સમયે આ બંને વિચારધારાઓમાં શાંતિમય સહઅસ્તિત્વ, સામાજિક સહકારિતા, એકબીજાના રિવાજોનું સંયોજન અને બંને સંસ્કૃતિઓ વચ્ચે આશ્ચર્યજનક સંવાદિતતા જોવા મળી છે. સાથોસાથ અલગાવવાદ અને તેમાંથી ઘણી વાર ઉભી થતી એકબીજા સામેની ઉગ્ર પ્રતિક્રિયા જેણે ઘણી વખત સંઘર્ષમય વિસંવાદિતતા અને હિંસક ભાગલા ઉભા કર્યા છે તે પણ હકીકત છે. ૧૯૪૭માં ભારતનું વિભાજન જે અત્યંત રકતરંજિત બન્યું તે ભૂતકાળ આ વિચારભેદ અને આવનાર ભાવિ માટે ચેતવણીરૂપ છે.
જે લોકો આ દેશમાં હિંદુ-મુસ્લીમ વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વ અને મધુર સંબંધો ઇચ્છે છે તેમજ ભારત અને તેના મુસ્લિમ બહુલ પાડોશીઓ સાથે પણ આ પ્રકારના શાંતિમય સહઅસ્તિત્વની અપેક્ષા રાખે છે તેમણે આ બન્નેમાંથી માત્ર એક જ પ્રવાહ તરફ નજર રાખવાની ભૂલ ન કરવી જોઈએ. આપણે માત્ર Antagonism (ઘૃણા અને વિરોધની ભાવના) ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશું તો એક મોટું અને પાયાનું સત્ય, જે ઘણા બધા ઐતિહાસિક રીતે ઊભા થયેલા સામાન્યત: એકબીજાને જોડતાં પરિબળોને કારણે શક્ય બનેલ સહઅસ્તિત્વને ધ્યાનમાં લેવાનું ચૂકી જઈશું. આથી ઊલટું જો આપણે માત્ર સહઅસ્તિત્વ પર જ ધ્યાન આપીશું તો કોમ્યુનલ ટેન્શન અને એને કારણે ઉભી થતી પરિસ્થિતિની વરવી વાસ્તવિકતા અંગેની વાત આપણા ધ્યાન બહાર જતી રહેશે. આ વાત માત્ર ભારત પૂરતી જ નહીં દક્ષિણ એશિયા ઉપખંડમાં પણ સમગ્રતયા સંદર્ભિત છે.
એમ.જી. વૈદ્ય, જે આરએસએસ સંદર્ભિત એક બોલકા વિચારક છે, તેમણે મારી સાથે (સુધીન્દ્ર કુલકર્ણી સાથે) એક રસપ્રદ વિચારદૃષ્ટિ અંગે ચર્ચા કરી હતી.
તેઓ ગઈ સાલ જ ૯૭ વરસનું દીર્ઘાયુષ્ય ભોગવીને દિવંગત થયા. (તેમના દીકરા મનમોહન વૈદ્ય આજે આરએસએસના સંયુક્ત મહાસચિવ છે) એમ.જી. વૈદ્યના કહેવા પ્રમાણે, “જો બ્રિટીશરો આ દેશ પર રાજ કરવા ન આવ્યા હોત તો હિંદુ-મુસ્લિમ એકતા કોઈપણ પ્રકારના અવરોધ વગર ચાલુ રહી હોત.” હું તેમને એમના પ્રમાણમાં સામાન્ય કહી શકાય એવા નાગપુરના નિવાસ્થાને એક વખત મળ્યો ત્યારે તેઓએ આ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, “ભારતના ભાગલા ન પડ્યા હોત અને બંને કોમો શાંતિમય સહઅસ્તિત્વને કારણે પ્રગતિ કરત.”
ઇતિહાસના ચક્કરને પાછુ લઈ જઈ શકાતું નથી. બ્રિટિશરો આવ્યા અને ભારત પર ૨૦૦ વરસ સુધી રાજ્ય કર્યું. આ કારણથી એ ચર્ચા કરવી કે ભારતનું ભાવિ જો બ્રિટિશ રાજ્યની આ કડવી અને કરૂણ ઘટના ન બની હોત અને આપણે વિદેશીઓના ગુલામ ન બન્યા હોત તો જુદું હોત તેની ચર્ચા કરવી કંઈક અંશે અપ્રસ્તુત છે. આમ છતાંય આ પ્રકારની ચર્ચા બે કારણોસર વિચારવાપાત્ર બને છે. પહેલું, ઘણા આક્રમણકારો પુરાણા અને મધ્યકાલીન ભારતમાં આવ્યા. ખાસ કરીને મધ્યકાલીન ભારતમાં આવેલા બધાજ આક્રમણકારો મુસ્લિમ હતા. પણ એમનું ભારત ઉપરનું શાસન વિદેશી ન રહ્યું. બ્રિટિશરોથી ઊલટું તેઓએ ભારતમાં રહીને રાજ્ય કર્યું, ભારત બહાર રહીને નહીં. બીજું, બ્રિટિશરોથી ઊલટું તેઓ ભારતમાં જ રોકાઈ ગયા. એક નાદિર શાહ જેણે દિલ્હીને ઘમરોળ્યું અને ૧૭૩૯માં તેના અનેક નિવાસીઓનો નરસંહાર કર્યો તેને બાદ કરતાં આ બધા જ મુસ્લિમ રાજ્યકર્તાઓએ ભારતમાં રહીને ભારતીય બનીને રાજ્ય કર્યું. આને કારણે તેમના વંશજોને ભારતની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓએ સમયના વીતવા સાથે પોતાની અંદર ભેળવી દીધા. બીજું, કારણ કે મધ્યકાલિન મુસ્લિમ શાસકો ભારતીય સમાજ સાથે એકરૂપ બન્યા તેને કારણે હિન્દુ અને મુસ્લિમ બંનેએ ભેગા થઈ ૧૮૫૭નો સ્વાતંત્ર્યસંગ્રામ ‘વિદેશી શાસન’ સામે છેડ્યો. આનું અત્યંત ઉત્સાહજનક વર્ણન એટલે કે હિન્દુ-મુસ્લિમ એકતા અને ભારતનો પહેલો સ્વાતંત્ર્યસંગ્રામ બાબતે બીજું કોઈ નહિ પણ વી.ડી. સાવરકરે લખ્યું છે. (આ જ સાવરકર દુઃખદ કહી શકાય એવી રીતે આગળ જતા મુસ્લિમો માટે નફરત ધરાવતું હિંદુત્વ અને ભારતના ભાગલા પાડી બે અલગ દેશ બનાવવાના સમર્થક બન્યા.)
મૂંઝવતો પ્રશ્ન - અહમદના પુસ્તકના પાન ૧૪ ઉપર આપણે એક મૂંઝવતા કે ગૂંચવતા પ્રશ્ન સાથે અથડાઈએ છીએ.
“કેમ સદીઓ સુધી મુસ્લિમ શાસન હોવા છતાં ભારતીયો ૧૮૫૭માં છેલ્લા મુસ્લિમ શાસક બહાદુરશાહ ઝફર સાથે બ્રિટિશરો સામેની લડાઈમાં એકજૂટ બનીને જોડાયા? ભારતીય જનતા પાર્ટી જેનું રાજકીય સંતાન છે તે સમેત સંઘ પરિવાર સાથે જોડાયેલ અનેક કર્મશીલો અને ટેકેદારો સામાન્ય રીતે આ પ્રશ્નને દબાવવાનો પ્રયત્ન કરશે. તેઓ એમ માને છે કે ઇસ્લામ એ પરાયો ધર્મ છે અને મોગલોનું શાસન એ વિદેશી શાસન હતું. (જૂન ૨૦૧૪નું નરેન્દ્ર મોદીનું પાર્લામેન્ટમાં ભાષણ જે ૨૦૦ વરસની ગુલામીનો ઉલ્લેખ કરે છે તે આ સંદર્ભે યાદ કરવું જોઈએ) આ બધાના મત પ્રમાણે હિન્દુઓ હંમેશા રાષ્ટ્રભક્ત છે જ્યારે મુસ્લિમોની રાષ્ટ્રભક્તિ ખુલ્લેઆમ દર્શાવવામાં આવે તો જ સ્વીકૃત છે. આનો જવાબ જેને ન નકારી શકાય તેવા ઐતિહાસિક સત્યમાં રહેલો છે. એમ.જી. વૈદ્યના ઉચ્ચારણો કંઈક આ દિશામાં છે જે મુજબ બ્રિટિશ યુગ પહેલાંલાની હિંદુ-મુસ્લિમ એકતા મોગલ શાસન દરમ્યાન પણ ઉત્તરમાં મોગલ અને દક્ષિણમાં આદિલ શાહ જેવાના શાસન દરમ્યાન પણ સ્થિરતાપૂર્વક આગળ વધતી રહી. અલબત્ત સમયાંતરે ધાર્મિક અને રાજકીય બાબતો ઉપર ટકરાવ જરૂર આવ્યા.
હિન્દુ-મુસ્લિમ એકતા સમ્રાટ અકબરના શાસન દરમિયાન ચરમસીમાએ પહોંચી જે બાબતે એમના પુસ્તક ‘ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’માં જવાહરલાલ નેહરુ લખે છે કે, “અકબરના શાસન દરમિયાન હિન્દુ અને મુસ્લિમોનું સાંસ્કૃતિક સંયોજન ઉત્તર ભારતમાં એક લાંબું ડગલું ભરી ચૂક્યું હતું. અકબર જેટલો હિન્દુઓમાં પ્રિય હતો એટલો જ મુસ્લિમોમાં હતો. આને કારણે આ મુસ્લીમ રાજવંશ ભારતનો પોતાનો હોય તે રીતે મજબૂતાઈથી ભારતમાં સ્થાપિત થયો.” આને કારણે જેણે ભારતને ગુલામ બનાવ્યું તે બ્રિટિશરો સામે એક થવા બહાદુરશાહ ઝફરે હિંદુ અને મુસલમાન બન્નેને અપીલ કરી, જે બાબતે સાવરકરના પુસ્તકમાં કંઇક આમ લખાયું છે. “હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ, જાગો! ભગવાને આપેલી બધી ભેટોમાં સૌથી કીમતી ભેટ છે સ્વરાજ્ય. આ સ્વરાજ્યને જે રાક્ષસે દગાફટકાથી આપણી પાસેથી છીનવી લીધું છે તે એ આપણાથી કાયમ માટે છીનવાયેલું રાખી શકશે? નહીં, નહીં. ઈશ્વરે હિન્દુ અને મુસ્લિમ બંનેના હૃદયમાં અંગ્રેજોને આપણા દેશમાંથી તગેડી મૂકવાની પ્રેરણા ઉભી કરી છે.
ભારતના ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામના સ્વર્ણિમ બનાવોમાં આ સમયગાળા દરમિયાન મુસ્લિમોએ આપેલ યોગદાનની કથાઓ ભરેલી પડી છે. પણ હિંદુત્વના ટેકેદારો દ્વારા જેને ન પડકારી શકાય તેવા સાવરકરને હું ફરી ટાંકવા માગું છું. પોતાના પુસ્તકનું એ નીચે મુજબના વાક્યોથી સમાપન કરે છે.
“સમ્રાટ બહાદુરશાહ ઝફર કવિ હતા. સમગ્ર ક્રાંતિના ગરમ માહોલમાં એમણે એક ગઝલની રચના કરી હતી –
दमदमे में दम नहीं है ख़ैर मांगो जान की..
ऐ ज़फर ठंडी हुई अब तेग हिंदुस्तान की..
જ્યારે દરેક ક્ષણે તમે નબળા પડતા જાવ છો ત્યારે તમે અંગ્રેજો પાસે જિંદગીની ભીખ માંગો કારણકે ઓહ! સમ્રાટ, ભારતની શમશેર હવે કાયમી ધોરણે તૂટી ગઈ છે!
સમ્રાટનો જવાબ હતો –
गाज़ियों में बू रहेगी जब तलक ईमान की..
तख़्त ऐ लंदन तक चलेगी तेग हिंदुस्तान की."
જ્યાં સુધી આપણા સ્વાતંત્ર્ય સૈનિકો, જે આપણા હીરો છે, તેમના હૃદયમાં થોડી પણ શ્રદ્ધા અને દેશપ્રેમ રહેશે ત્યાં સુધી ભારતની તલવાર તેજ રહેશે અને એક દિવસ લંડનના દરવાજા ઉપર ટકરાશે.
વંદે માતરમ્
આથી આગળની વાત હવે પછી (ક્રમશ:)