શાળામાં અભ્યાસ નિયમિત ચાલી રહ્યો હતો. હવે એક સારા વિદ્યાર્થી તરીકેની મારી છાપ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. એક વખત આત્મવિશ્વાસ આવી જાય એટલે ઘણી બધી સરળતા થઈ જતી હોય છે. આપણે સાઈકલ શીખતા હોઈએ ત્યારે શરૂઆતમાં નાનો અમથો અવરોધ આવે તો પણ ડગમગી જવાય છે. એક નાનું વિઘ્ન પણ તમને સાઈકલ પરથી નીચે પછાડી શકે છે. મોટેભાગે ઢીંચણ છોલાવાથી માંડીને જુદા જુદા પ્રકારની ઈજાઓ પણ આવે સમયે જ થતી હોય છે. શીખનારને ઈજા થાય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ક્યારેક એ સામેથી આવતા કોઈક નિર્દોષ અને બેધ્યાન વ્યક્તિનાં સાથે સાઈકલ અથાડીને એને પણ ઈજાગ્રસ્ત કરી શકે છે. નવું વાતાવરણ અને કોઈ પણ નવો હુન્નર આ પ્રકારની ભરપૂર શક્યતાઓ પૂરી પાડે છે.
આ ઉપરાંત બીજી એક મનોવૈજ્ઞાનિક બાબત કોઈ પણ બદલાવની પ્રક્રિયાને લાગુ પડે છે. CHANGE એટલે કે બદલાવ. ગમે તેટલા સારા માટે હોય તો પણ માનવસહજ પ્રતિભાવ કોઈ પણ પ્રકારની બદલાવની પ્રક્રિયા વિરૂદ્ધનો હોય છે. લક્ષ્મીચંદ સુંદરજી વિદ્યાલયમાં હું દાખલ થયો ત્યારે એક શિખાઉ સાઈકલ સવાર જેવી મારી સ્થિતિ હતી. વાતાવરણ પણ મારા માટે નવું હતું. આ કારણથી સ્વાભાવિક રીતે જ શરૂઆતનો સમય થોડોક ઉચાટવાળો રહ્યો. હવે હું નવમા ધોરણની વાર્ષિક પરીક્ષાની તારીખોની લગોલગ પહોંચ્યો હતો. એલ. એસ. હાઈસ્કૂલમાં ફાવી ગયું હતું. કેટલાક જૂના અને કેટલાક નવા મળીને મિત્રમંડળનું ટોળું પણ બની ગયું હતું. અહીંની પદ્ધતિ અને શિક્ષણ પણ અનુકૂળ આવી ગયાં હતાં. આઠમા ધોરણમાં બધા જ વર્ગમાં વાર્ષિક પરીક્ષાના પરિણામનાં પ્રથમ નંબરે આવવાના કારણે મારો આત્મવિશ્વાસ પણ વધ્યો હતો. આમ, એલ. એસ. હવે મારા માટે નવી સ્કૂલ નહોતી રહી. સાઈકલ ચલાવતા જ્યારે બરાબર આવડી જાય ત્યારે છૂટા હાથે પણ સાઈકલ ચલાવવાના પ્રયોગો કરી શકાય છે. મારો આત્મવિશ્વાસ કાંઈક આ જ રીતે હવે ચરમસીમાએ પહોંચ્યો હતો. વાતચીત કરવાની ઢબથી માંડીને મારી ચાલ સુધ્ધાંમાં એક નવા જ આત્મવિશ્વાસનો રણકો સંભળાતો હતો. આ જ આત્મવિશ્વાસના સહારે નવમા ધોરણની પરીક્ષા પણ મેં બધા જ વર્ગમાં પ્રથમ આવીને પસાર કરી. મારો હરખ માતો નહોતો. વેકેશન પડ્યું. આ વેકેશન દરમિયાન અમદાવાદ મારાં માસીના ત્યાં જવાનું થયું. ઉત્તર ગુજરાત પટેલ સોસાયટી વિભાગ-2માં બળિયા લીમડી પાસે આ કુટુંબ રહેતું હતું. મારાં મોટાં ભાભી એટલે કે સુભદ્રાભાભીને કોઈ બીમારીને કારણે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. મારા લગભગ સમોવડિયા ગણાય એવા મારા બે ભત્રીજા ચંદ્રવદન તે સનતભાઈનો દીકરો અને અશ્વિન તે મારા મોટા માસીના દીકરા રસિકભાઈનો દીકરો. આ ઉપરાંત મારા સગા મામાના દીકરા સુરેશભાઈ અને બીજા થોડાક દૂરના મામાના દીકરા નલિનભાઈ અને હું. આ પાંચની ટોળીમાં એક-બે મહિનાના ફરકમાં હું સૌથી નાનો. ચંદ્રવદનથી નાનો ભાઈ કિરીટ અને તેનાથી નાનો હરીશ. આમ, ચંદ્રવદન, કિરીટ અને હરીશ સાથે સમય પસાર થઈ જાય તેવી કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરી શકાતી. સિવિલ હૉસ્પિટલ ઉત્તર ગુજરાત સોસાયટી નં-2થી ચાલતા જઈએ તો માત્ર દસ મિનિટ લાગે. થોડાંક વર્ષો પહેલાં જ એશિયાની આ સૌથી મોટી હૉસ્પિટલ બની હતી. દરદીઓનો ઘસારો એટલો બધો નહીં, સ્વચ્છતા ઊડીને આંખે વળગે તેવી. અમે લગભગ ચારેક વાગ્યે ભાભી માટે ચ્હા લઈને જઈએ ત્યારબાદ ત્યાં ધમાચકડીમાં બે-ત્રણ કલાક વીતાવીએ. લીફ્ટ જાતે ચલાવીને ઉપર-નીચે જવાનું. આખા પરિસરમાં ચક્કર મારવાનું અને ત્યાં આવેલ ચામુંડા માતાનાં દર્શન કરવાનાં. સિવિલ હૉસ્પિટલમાં બધે જ જવા સામે કોઈ વાંધો નહીં, પણ પોસ્ટ મોર્ટમ માટેનો વિભાગ અને શબઘર તરફ ભૂલેચૂકે નહીં જવાનું. ખૂબ બીક લાગે. ગળામાં સ્ટેથોસ્કોપ ભરાવીને ફરતા ડૉક્ટરો અને સફેદ બાસ્તા જેવાં કપડાંમાં અહીં તહીં ઉડાઉડ કરતી નર્સીસ, સ્ટ્રેચર ઉપર લઈ જવાતા દરદીઓ સતત સિવિલના વાતાવરણને ધબકતું રાખતાં. એ 1957-58ના અરસામાં જોયેલી સિવિલ હૉસ્પિટલ અને અત્યારની સિવિલ હૉસ્પિટલ બે વચ્ચે કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. અત્યારે દરદીઓથી સતત ઊભરાતી રહેતી અને ક્યાંક-ક્યાંક જર્જરીત થયેલી દેખાતી સિવિલ હૉસ્પિટલમાં સવલતો વધી છે, પણ દરદી માટેની જે મોકળાશ હતી તે ખૂબ ઘટી છે. એ વખતે લગભગ ત્રણેક અઠવાડિયાં અમદાવાદ રહેવાનું થયું અને ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે સિવિલ હૉસ્પિટલની મુલાકાત ન લીધી હોય.
સિવિલનું કેમ્પસ વીંધીને ક્યારેક ક્યારેક અમે કેમ્પના હનુમાન દાદાનાં દર્શન કરવા જતા અને એથીયે આગળ વધીને સાબરમતી નદીમાં ન્હાવાની મજા પણ માણી લેતા. કેમ્પના હનુમાનનું મંદિર એ વખતે ખાસ મોટું નહોતું. શનિવાર સિવાય ત્યાં ઝાઝી વસતી પણ નહોતી આવતી. આજુબાજુ ઝાડી હતી અને ત્યાં વાંદરાં પોતાની હાજરી નોંધાવતા હૂપ હૂપ કરતા રહેતા. ચણા કે સિંગ હથેળીમાં રાખીને ધરો તો એ તમારા હાથમાંથી આ વસ્તુ લઈ જાય એવા ટેવાયેલા હતા. કુલ મિલાકે એ વખતે સાબરમતીના કિનારે બિરાજતા કેમ્પના હનુમાનજીનું મંદિર નિરવ શાંતિનો અહેસાસ કરાવતું. બિલકુલ ધડાધડી વગર શનિવારના દિવસે પણ હનુમાનજીનાં દર્શન આરામથી કરી શકાતાં. આજુબાજુ બે-ચાર ભેળ કે રગડા પેટીસવાળાની લારીમાંથી નાસ્તો પણ કરી શકાતો. કેમ હનુમાનજીનું મંદિર એ સાચા અર્થમાં એક પિકનિક સ્પોર્ટ એટલે કે ઊજાણી માટેની જગ્યા હતી ? આજે સુરક્ષાના ઘેરા વચ્ચે ઘેરાઈને બેઠેલા હનુમાનજીને જોઈએ છીએ ત્યારે ભૂતકાળનું એ રમણીય સ્થળ ખોવાયું છે એનો અહેસાસ થાય છે. અમદાવાદ વિકસ્યું, આર્મી કેન્ટોનમેન્ટ વિકસ્યું, કેમ્પના હનુમાનજીના દર્શને આવતા ભક્તોની સંખ્યા પણ અનેકગણી વધી ગઈ. બધું થયું પણ આ વિકાસની ઝાકમઝોળમાં મારા કેમ્પના હનુમાનજીનું પરિસર, એનું સૌંદર્ય, એની શાંતિ અને ત્યાંથી મળતા તાજગીનાં સ્પંદનો ખોવાઈ ગયાં. બજરંગ બલીને કદાચ પોતાને પણ આ વ્યવસ્થામાં ગૂંગળામણ થતી હશે. પણ કહે કોને ? સહુનું રક્ષણ કરવાવાળો, અંજનીનો જાયો, ભગવાન રામચંદ્રજીનો પરમ સેવક, આપણો સહુનો બજરંગબલી, રામદૂત, અતુલિત બળનો માલિક બજરંગબલી, આપણા સહુનો રક્ષક મહાવીર બજરંગબલી દાદો કઈ રીતે આ વાતાવરણમાં રહેતો હશે ? એને આ જેલ જેવું વાતાવરણ ફાવતું હશે ? જેને રાવણની સેના પણ ન બાંધી શકી એ લંકાને તહસનહસ કરીને અશોક વાટિકાનો કચ્ચરઘાણ વાળી નાંખનાર હનુમાનજી આવા વાતાવરણમાં હજુ પણ રહેતા હશે કે પછી આ પવનપૂત્ર ક્યાંક સારી જગ્યાએ આપણા બધાના ત્રાસથી કંટાળીને એકાંતવાસ માણતા હશે ? જે હોય તે, કેમ્પના હનુમાન આજે ઉજાણીનું સ્થળ તો નથી જ !
ક્યારેક રાત્રે જમ્યા પછી પણ અમે લટાર મારવા નીકળતા. એક પ્રવિણભાઈ શાહ એ સમયે કૉલેજમાં વિજ્ઞાનનો અભ્યાસ કરતા એ બીજો એક સામે બારણે રહેતો વાસુદેવ પટેલ ક્યારેક ક્યારેક જોડાતા. રસ્તામાં શેઠશ્રી કસ્તુરભાઈ, સારાભાઈ અને એવા અમદાવાદના ધનકૂબેરોને બંગલાની કમ્પાઉન્ડ વૉલની દિવાલ હાથ અડાડીને ચાલીએ તો પણ એક રોમાંચ થતો. એક શ્રેષ્ઠીના નિવાસ સ્થાનની કમ્પાઉન્ડ વૉલમાં પણ કદાચ લક્ષ્મીજીએ મૂકેલી એટલી ઊર્જા હતી. હું અહોભાવથી આ બધા મહાલયોને જોઈ રહેતો. જોઈ રહેવા સિવાય બીજું વિશેષ થઈ પણ શું શકે ? આ મહાલયોની બરાબર સામે રેલ્વેલાઈન હતી. મીટરગેજ અને બ્રોડગેજ બંને લાઈન અહીંથી પસાર થતી. ફરવા જઈએ ત્યારે એના ઉપરથી થતી બ્રોડગેજ અને મીટરગેજની ટ્રેનો જોવાનું એક વિશેષ આકર્ષણ રહેતું.
આ ત્રણેક અઠવાડિયા જેટલો સમય અમદાવાદમાં ક્યાં પસાર થઈ ગયો તેનો ખ્યાલ પણ ન રહ્યો. મારી બધી ભાભીઓમાં અમારા મોટા ભાભી સૌથી માયાળુ. સનતભાઈ પણ દિલનાં રાજા માણસ. ચંદ્રવદન એમનો દીકરો. એ મારાથી થોડો મોટો એટલે અમારા ભાભી પાસેથી માનું વાત્સલ્ય પામવાનું સદભાગ્ય મળ્યું જે તેમના જીવનપર્યંત જળવાઈ રહ્યું.
વેકેશન પત્યું. ફરી પાછી સ્કૂલ ચાલુ થઈ. હવે આપણે ખાસ્સા સિનિયર બન્યા. દસમા ધોરણમાં આવ્યા. આવતી સાલ તો મેટ્રિક. મેટ્રિક એ જમાનામાં એક મોટી પરીક્ષા ગણાતી. મેટ્રિક પાસ કરવી એ શિક્ષણ સાધનામાં એક મોટી સિદ્ધિ હતી. દસમા ધોરણમાં અમારા વર્ગશિક્ષક એમ. આઈ. પટેલ સાહેબ હતા. અંગ્રેજી નટુભાઈ ભટ્ટ સાહેબ શીખવાડતા. સ્કૂલ રાબેતામુજબ ચાલવા માંડી. દરમિયાનમાં મારી માની આંખે આવેલો મોતિયો પાક્યો. એ જમાનામાં સિધ્ધપુરમાં મોતિયાનું ઓપરેશન નહોતું થતું. પાલનપુર અથવા વિસનગર જવું પડે. માનું ઓપરેશન પાલનપુર કરાવવું એવું નક્કી થયું. મોતિયાના ઓપરેશન માટે લગભગ આઠ દિવસ હૉસ્પિટલમાં રહેવું પડતું. ખાસ્સું મોટું ઓપરેશન ગણાતું. ઓપરેશન પછી ત્રણેક મહિના ઘોડાના ડાભલા જેવા કાળા ચશ્મા પહેરવાના અને ત્યારપછી કાચના નંબરવાળા ચશ્મા પહેરવા પડે. મારી માને બંને આંખે મોતિયો હતો. ડૉક્ટરની સલાહ મુજબ પહેલાં એક આંખે અને ત્યારબાદ બે-એક મહિના પછી બીજી આંખે મોતિયો ઉતરાવવાનો હતો. પહેલી આંખનું ઓપરેશન કરાવ્યું ત્યારે ઘરે બીજું કોઈ સંભાળ રાખવાવાળું તો હતું નહીં. દવાખાનામાં સાથે મારાં નાનાં માસી રહેલાં. અહીંયાં ગૃહ મોરચો મેં સંભાળ્યો. જેવી આવડે તેવી કાચી-પાકી રસોઈ કરતાં પણ આ સમયગાળા દરમિયાન શીખ્યો. મારી મા મને કોઈ દિવસ ચૂલા પાસે કે પ્રાયમસ પાસે જવા નહોતી દેતી. તેના બદલે આ બધો સાધન સરંજામ વાપરતા દસ દિવસના ગાળામાં હું શીખી ગયો. ભાખરી ગોળ નહોતી વણાતી એટલે ભારતનાં નક્શા જેવી વણીને પછી વાટકીથી કાપી એને ગોળ બનાવતો. આ સમયગાળા દરમિયાન મારા બાપાને મેં જેવું ખવડાવ્યું તેવું તેમણે ખાધું. ક્યાંક થોડું ઘણું કાચું પણ રહ્યું હશે, ક્યાંક તીખું પણ થયું હશે તો ક્યાંક મીઠું વત્તુ-ઓછું પણ પડ્યું હશે. મારા બાપાએ રસોઈમાં ક્યારેક ખોડ કાઢ્યા વગર જે હતું તે ચલાવી લીધું. સવારમાં રાત્રે કરી રાખેલી ભાખરી અને શાક ચાલી જતાં. મારા બાપાએ સ્કૂલમાં પ્રિન્સિપાલ સાહેબને મળીને બે પિરિયડ વહેલી રજા આવે એવી મંજૂરી લીધી હતી. આ કારણથી હું બે પિરિયડ વહેલા નિશાળમાંથી નીકળી જતો હતો.
આ વ્યવસ્થામાં એક દિવસ એવી ઘટના ઘટી જેણે મારા સમસ્ત અસ્તિત્વને હલબલાવી નાખ્યું. ક્યારેય કોઈ પણ શિક્ષક સાહેબનો ઠપકો અથવા ટીકા નહોતી સાંભળી તે રેકોર્ડ તૂટ્યો.
હું ક્લાસમાંથી રિશેષ પછીનો પિરિયડ પૂરો થયો એટલે બહાર નીકળી રહ્યો હતો. સામાન્ય રીતે તે પછીના પિરિયડમાં આવનાર શિક્ષક સાહેબ સાથે ભેટો નહોતો થતો. તે દિવસે હું બહાર નીકળી રહ્યો હતો અને શ્રી નટુભાઈ ભટ્ટ સાહેબ અંદર પ્રવેશી રહ્યા હતા.
વર્ગખંડના બારણામાં જ અમે એકબીજાને સામા મળ્યા. ગમે તે હોય, સાહેબને લાગ્યું કે, હું એમના ક્લાસમાંથી ગુલ્લી મારી અને ભાગી રહ્યો છું. સ્હેજ ગુસ્સામાં અને કરડાકીથી તેમણે મારી સામે જોયું. એ વેધક દ્રષ્ટિમાં એક મોટો પ્રશ્નાર્થ હતો.
પછી તરત જ એમના પાનનો આસ્વાદ માણી રહેલા મ્હોંમાંથી થોડો અસ્પષ્ટ અવાજ મારે કાને અથડાયો.
એ પૂછી રહ્યા હતા, “કેમ ? ભણવાનું નથી ? ક્યાં ભાગો છો ?”
મેં દબાતે અવાજે મારી પરિસ્થિતિ કહી.
એચ. એમ. સાહેબ અને ક્લાસટીચર સાહેબ પાસેથી મારા બાપાએ રજા લીધી છે તે પણ કહ્યું.
ઘરે કોઈ કરનાર નથી એટલે આઠ-દસ દિવસ પૂરતું જ હું બે પિરિયડ વહેલો જાઉં છું તેમ સમજાવ્યું.
કચવાતા મને ભટ્ટ સાહેબે મારી વાત તો સ્વીકારી.
પણ એમની આંખોમાં સ્પષ્ટ અવિશ્વાસ વંચાતો હતો.
હું ક્લાસમાંથી બહાર નીકળું તે પહેલાં મને ઉદ્દેશીને ક્લાસના મારા સહાધ્યાયીઓને કહેવાય એમના શબ્દો મારા કાને પડ્યા.
“સારો વિદ્યાર્થી છે. હાથે કરીને પોતાના પગ પર કૂહાડો મારે છે.”
મારા માટે ક્યારેય પણ શિક્ષક સાહેબે આવું કહ્યું નહોતું.
ભટ્ટ સાહેબના આ શબ્દો મારી પીઠ પર કોરડો બનીને વિંઝાયા.
હજાર હજાર વીંછી એક સાથે કરડ્યા હોય એવી વેદના આખા શરીરમાં ફરી વળી.
મેં ઘર તરફ જવા પગ ઉપાડ્યા.
પણ, મારા વ્યક્તિત્વના અશ્વત્થામાનો મણી ભટ્ટ સાહેબે તે દિવસે છીનવી લીધો હતો.
કારકિર્દીમાં ક્યારેય પણ ક્લાસમાંથી ગુલ્લી નહીં મારનાર હું જ ભટ્ટ સાહેબને ભટકાયો.
“ખેર ! સાહેબને કદાચ મારી મજબૂરીનો અહેસાસ ન હોતો.”