બિંદુ સરોવર અને માતૃશ્રાદ્ધનો મહિમા
સરસંતી મેરી નિર્મલ જલસે
દોનોં છોર નહલાયેગી
વો સુબહા કભી તો આયેગી
ભગવાન નારાયણે જ્યારે કપિલા અવતાર ધારણ કર્યો અને ત્યારબાદ પોતાની માતા દેવહુતિને ઉપદેશ કર્યો જેનાથી તેમનો ઉદ્ધાર થઈ તે વિમાનમાં બેસી સ્વર્ગે પધાર્યાં. તેમના શબને અગ્નિદાહ દઈ તેમનાં અસ્થિ બિંદુ સરોવરમાં પધરાવી શ્રાદ્ધાદિ ક્રિયા કરી. પણ તે અસ્થિ બિંદુ સરોવરમાં ગળી જળરૂપ નહીં થવાથી કપિલ ભગવાન પોતાની માતૃશ્રીનાં અસ્થિ લઈ ગંગાજી જવા નીકળ્યા. તે વખતે આકાશવાણી થઈ – ‘હે કપિલ ભગવાન ! આપે સર્વનાં ઉદ્ધારાર્થે જન્મ લીધે છે ને આપ જાણો છો કે આ તીર્થથી બીજું ગંગા પ્રયાગ વગેરે એકે તીર્થ શ્રેષ્ઠ નથી. ગંગાજી પોતાના પાપોનો નાશ કરવા સારુ દરરોજ એક વખત આ બિંદુ સરોવરમાં આવી સ્નાન કરે છે, ને તે અત્યારે પણ આવેલાં છે, માટે આપ ઉત્તર તરફ દ્રષ્ટિ કરો.’ આવી આકાશવાણી સાંભળી કપિલ ભગવાન આશ્ચર્યથી ઉત્તર તરફ જોવા લાગ્યા તો સાક્ષાત ગંગાજીને પોતે સ્ત્રી સ્વરૂપે ઉભેલાં જોયાં. તેમને જોઈ કપિલ ભગવાન ઘણા પ્રસન્ન થયા અને તરત જ ગંગાજી જળરૂપ થઈ વહન કરવા લાગ્યાં. આ જગ્યાએ તેમણે પોતાની માતૃશ્રીનાં અસ્થિ નાખ્યાં કે તે પીગળીને પાણીમય થઈ ગયાં. આ પ્રમાણે આત્મજ્ઞાન થતાં જ ગંગાજી ઉત્પન્ન થયાં, તેથી તે જ્ગ્યાનું નામ‘જ્ઞાન ગંગા’ પડ્યું અને હાલ તે જ્ઞાન વાવના નામથી ઓળખાય છે. ત્યાર બાદ ઋષિ વિગેરે લોકોએ તેમાં સ્નાન કર્યું અને કપિલ ભગવાન ઘણા વખત સુધી ત્યાં રહ્યા બાદ ઘણી મુદ્દતે તે અદ્રશ્ય થયા ને તે જગ્યાએ વાવ કરાવી તે હાલ હયાત છે.
સંવત ૧૯૩૨ની સાલમાં નારાયણ શર્મા નામના એક વિદ્વાન બ્રાહ્મણ કાશી ક્ષેત્રથી આ ક્ષેત્રનું મહાત્મ વધારે જણાયાથી યાત્રાર્થે આવેલા, તેમણે સિદ્ધપુર નિવાસી બ્રાહ્મણોને પૂછ્યું કે, ‘અહીં જ્ઞાન ગંગા છે તે ક્યાં છે?’સિદ્ધપુર નિવાસી બ્રાહ્મણોએ તેને સિદ્ધકૂપ કે જે બિંદુ સરોવરથી પૂર્વમાં આશરે પચાસેક કદમ દૂર છે તે બતાવ્યો. તે ઉપરથી કાશી નિવાસી શર્માએ વિચાર કર્યો કે સરોવરથી પૂર્વ દિશામાં જ્ઞાન ગંગા હોય નહીં કારણ કપિલ ભગવાનને ઉત્તરમાં દર્શન આપ્યાં છે. તે ઉપરથી તેણે સરોવરથી ઉત્તર દિશા તરફ જમીન ખોદાવી તપાસ કરતાં અંદરથી જ્ઞાન ગંગાનો કુંડ તેમની નજરે પડ્યો. નજરે પડતાં જ સિદ્ધપુર નિવાસી બ્રાહ્મણોને તે હકીકત કહી ત્યારે તેમણે કહ્યું કે,
ज्ञानगंगायामूय: स्नात्वा पुनर्जन्म न विद्यते ।
ज्ञानगंगे नमस्तुभ्यं देवाहुत्यासमुदभवे ।
ग्रहाणांर्ध्यमयादतम् सुरेश्वर्यधनासति ।
ભાવાર્થ થાય - જ્ઞાન ગંગામાં સ્નાન કરનારને ફરીથી જન્મ ધારણ કરવો પડતો નથી. જ્ઞાન ગંગાએ દેવહુતિના ઉદ્ધાર માટે ઉત્પન્ન થયેલાં એવા હે ગંગે ! હું તમોને નમસ્કાર કરું છું. (સંદર્ભ: સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ, પાન. ૩૫-૩૬)
સિદ્ધપુરમાં સરસ્વતી અને બિંદુ સરોવરનું મહાત્મ ચર્ચી ગયા બાદ અહીંયા માતૃશ્રાદ્ધના મહિમા અંગે નિર્ણયસિંધુમાં નીચે મુજબ કહેવાયું છે.
કાત્યયન ઋષિએ કહ્યું છે કે, ‘સરસ્વતી તથા બિંદુ સરોવર પર માતાનું શ્રાદ્ધ પતિથી જુદું કરવાથી તેનાં માતાદિ પિતૃલોક બ્રહ્મલોકને પામે છે અને તેમણે ફરીથી અવતાર ધારણ કરવો પડતો નથી.
अन्व ष्टका सुनृधौच गया यांच क्षये हनि ।
अत्र मातु: पृथक् श्राद्धं अन्यत्र पतिना सह: ॥
गयाया योजनं स्वर्ग प्रयागे चार्ध योजनम् ।
श्री स्थले हस्तमात्रं च यत्न बिंदु सरस्वती ॥
અર્થાત, અહો! સરસ્વતીનું અને બિંદુ સરોવરનું કેટલું મહાત્મય છે? ગયાથી સ્વર્ગ છ માઈલ દૂર છે, પ્રયાગથી ૩ માઈલ દૂર છે, પણ સરસ્વતી તથા બિંદુ સરોવરથી માત્ર એક હાથને છેટે સ્વર્ગ આવેલું છે.
સિદ્ધપુર ક્ષેત્રે સરસ્વતી તેમજ બિંદુ સરોવર પર પોતાના માતાપિતાનું શ્રાદ્ધ કરવા બાબતના મહિમાનો નીચે મુજબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
सिद्धक्षेत्रे तु या श्राद्धं वागीशा यस्य संन्निद्यौ ।
नमोस्तु देवदेवेश भूतर्षि पितृपोषकः ।
आ ब्रह्मस्तंबपर्यन्तं देवर्षि पितृमानवाः ।
तृण्यन्तु पितरः सर्वे मातृमातामहोदया ।।
एकोतरशतं चैव कुलानां तारणाय च ।
जलरुपेण सा देवी सर्व पापप्रनाशिनी ।।
અર્થાત, સિદ્ધ ક્ષેત્રમાં સરસ્વતી સામે બિંદુ સરોવર પર જે શ્રાદ્ધ કરે છે, માતાદિ પિતૃઓને જે પિંડ આપે છે,તેના પિતૃઓનો ઉદ્ધાર થાય છે ને મોક્ષ પામે છે. ઇકોતેર પેઢીના પિતૃઓને તારવાને અર્થે સરસ્વતી અત્રે જળરૂપે વહન કરે છે.
गण्यते पासवो भूमे गण्यते वृष्टिबिन्दवः ।
न गण्यते विधातापि श्राद्धसंरक्षणे फलम् ॥
જમીન પરના રજકણો કોઈ વખત ગણી શકાય છે તેમ વરસાદની જળધારાના બિંદુઓની ગણના પણ થઈ શકે છે, પણ શ્રાદ્ધથી મળતા ફળની ગણના બ્રહ્મદેવથી પણ થઈ શકતી નથી એવું મનુ મહારાજનું વચન છે.
તેમજ વામન પુરાણમાં કહ્યું છે કે, ‘માતૃ તીર્થમાં સ્નાન શ્રાદ્ધાદિ વિધિપૂર્વક કરવાથી શ્રાદ્ધ કરનારના વંશની વૃદ્ધિ થાય છે.’
આ જગ્યાએ કપિલ મુનિએ પોતાની માતૃશ્રી દેવહુતિનું તેમજ જમદગ્નિ પુત્ર પરશુરામે પોતાની માતા રેણુકાનો વધ કરવાથી પોતાના પાપનો નાશ થઈ માતાનો ઉદ્ધાર કેવી રીતે થશે એ બાબત ચિંત્વન કરતાં મારવાડ દેશ નજીક પ્રાચી માધવ સન્મુખ બિંદુ સરોવર પર આવી માતૃશ્રાદ્ધ કરી પોતે પાપમુક્ત થયા તેમજ માતાનો ઉદ્ધાર કર્યો.
માબાપના ઉપકારનો બદલો ક્યારેય વાળી શકાતો નથી. તેમાંય મા ગર્ભધારણ કરીને પોતાના બાળકને જન્મ આપે છે તેટલી વાર મોતના મોંમાં પગ મૂકીને પાછી ફરે છે. પિતા પાલક અને રક્ષક છે તે સાચું પણ મા તો સર્જક છે. એના દેહથી આપણો પિંડ બંધાય છે. અને કદાચ એટલે જ ગુજરાતીમાં માને બા કહે છે અને પિતાને બાપા એટલે કે બાનો ‘પા - ચોથો ભાગ’ ! મા બાળકને ઘડે છે, ઘણું બધું દુ:ખ વેઠે છે અને ત્યારે એ બાળક દુનિયાનો સામનો કરવા યોગ્ય થાય છે. આમાં ગુરુનો પણ એટલો જ ફાળો છે. હું જ્યારે જ્યારે‘માસ્તર’ શબ્દ સાંભળું ત્યારે ત્યારે મનમાં ને મનમાં એનો અર્થ ‘મા વત્તા અસ્તર’ એટલે કે માએ જે ઘડતર કર્યું એના ઉપર અસ્તર એટલે કે ખોળિયું ચઢાવવાનું કામ જે કરે એ માસ્તર. માસ્તર શબ્દ કેટલો અર્થ સભર અને પવિત્ર છે, નહીં?
પણ એ શબ્દમાં પણ શરૂઆત તો ‘મા’થી જ થાય છે કારણ કે બાળકનો પહેલો અને સૌથી મોટો ગુરુ મા છે. આ કારણથી જ કદાચ ‘ઘોડે ચઢતો બાપ મરજો પણ છાણાં વીણતી મા ના મરશો’ એવી કહેવત પડી હશે. મા કે બાપનું મહત્વ જીવનમાં ક્યારેય ઓછું આંકી શકાતું નથી અને એની ખોટ ક્યારેય પૂરી શકાતી નથી. બંને પોતપોતાની રીતે ત્યાગ કરે છે, વેઠે છે અને પોતાનાં સંતાન ને લાયક બનાવવા, આગળ વધારવા પ્રયત્ન કરે છે. એટલે મા કે બાપ બંનેના ત્યાગ અને સમર્પણની કોઈ સરખામણી ન કરી શકાય. બંનેનું પોતપોતાનું સ્થાન છે. પણ હા, મા જેટલી વખત બાળકને જન્મ આપે છે તેટલી વખત મોતના મોંમાં પગ મૂકીને પાછી આવે છે. ત્યાર પછીના તેના ઉપકારો પણ અગણિત છે. માનો મહિમા શ્રાદ્ધ કરાવતી વખતે ભૂદેવો સમજાવે છે. એ સોળ ઉપકારો ‘માતૃષોડશી’ રચનામાં સંગ્રહિત થયેલા છે. ગમે તેવો કઠણ કાળજાનો માણસ પણ પોતાની માનું શ્રાદ્ધ કરતો હોય ત્યારે માતૃષોડશીમાં વર્ણવેલા માના આ ઉપકારો અને બલિદાનોનો ઉલ્લેખ સાંભળતા ગદગદિત થઈ ઊઠે છે. સાચે જ મા તે મા છે અને એટલે જ દેશભરમાંથી જ્યાં પોતાની માના મોક્ષ માટે શ્રાદ્ધ કરવા શ્રદ્ધાળુઓ આવે છે તેવા બિંદુ સરોવરનું વિશેષ મહત્વ છે. સરસ્વતી અને બિંદુ સરોવર વગરનું સિદ્ધપુર કલ્પી જ ન શકાય કારણ કે આ બંને સિદ્ધપુરનો પ્રાણ અને એના હ્રદયના ધબકાર છે. આવી સરસ્વતી આજે વેરાન બની છે. બિંદુ સરોવર અને અલ્પા સરોવરનાં જળ સુકાયાં છે. ત્યારે ગ્રામમાતાનાં રાજાનાં મનમાં પેઠેલા કુવિચાર માટે શેરડીનો રસ સુકાય છે તેની મથામણનો વલોપાત કરતી ગ્રામમાતા કહે છે –
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
લોકશાહીમાં આપણે જ રાજા છીએ. આજે કોઈ રાજાનું રાજ આપણા પર ચાલતું નથી ત્યારે સરસ્વતી સુકાઈ તે આપણા પાપે, આપણા કર્મે, એવું સ્વીકારીને એક પશ્ચાતાપનો નિ:સાસો પણ નાખીએ તો કદાચ સરસ્વતી જીવતી થાય.
રાણકદેવીને જ્યારે સિદ્ધરાજ જયસિંહ જુનાગઢમાંથી બળજબરીથી ઉપાડી જતો હતો ત્યારે એને રોકવા ગિરનારની ટોચનાં કાળમીંઢ પથ્થરો તૂટવા માંડ્યા હતા. ગિરનાર તૂટી રહ્યો છે એવી વેદના અને રા’ખેંગાર જેવો પ્રતાપી રાજા ભવિષ્યમાં નહીં પાકે એવી ભવિષ્યવાણી કરતાં રાણકદેવીએ ગિરનારને કરેલું સંબોધન –
મા પડ ! મા પડ ! મારા આધાર
ચોસલાં કોણ ચડાવશે?
ગયા ચડાવણહાર,
જીવતાં જાતર આવશે !
શું ગિરનાર માટે રાણકદેવીએ કહ્યું હતું તેવું જ કંઈક સરસ્વતી માટે પણ કહી શકાય ?
આ મરુભૂમિ જેવી ધૂળની ડમરીઓ ઊડે છે તેવા પટવાળી, જંગલી બાવળ સિવાય કંઇ નથી ઉગતું તેવી સરસ્વતી માટે પણ એવું કહી શકાયું હોત કે –
ના સૂકા, ઓ સરસંતી માત
તને ફરી કોણ વહાવશે?
જવાબ તો આવનાર કાળ જ આપશે, ખરું ને?
પણ...
આશા અમર છે.
હું હકારાત્મક વિચારોમાં માનું છું
જો સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ૧૧૫ બંધ ભરવાનું શક્ય બની શકે
તો...
ઉત્તર ગુજરાતને હરિયાળું કરવા માટે તો માત્ર અરધો પરધો ધરોઇ અને બાકી મુક્તેશ્વર, દાંતીવાડા અને સીપુ એમ સાડા ત્રણ ડેમ જ ભરવા પડે.
શું આ ક્યારેય શક્ય નહીં બને?
શું કર્દમ મુનિ, કપિલ મુનિ અને દેવહુતિ માતાના તપનો પ્રભાવ પૂરો થયો?
શું સિદ્ધપુર અને ઉત્તર ગુજરાતની નદીઓ શાપિત બની છે?
કે પછી...
એમાં પણ ક્યારેક પાણી વહેતાં થશે?
સમાપનમાં ફરીથી કહું છું
મેં આશા નથી છોડી
થોડી મારી અણઘડ ભાષામાં રચાયેલી નીચેની પંક્તિઓ સાથે વાત પૂરી કરું છું.
વો સુબહા કભી તો આયેગી
વો સુબહા કભી તો આયેગી
જબ સરસંતીકે સુખે પટમેં
જલપ્રવાહ લહેરાયેગા...
વો સુબહા કભી તો આયેગી
આનર્તકે યે ખાલી બાંધ
જબ પાનીસે છલકાયેંગે
સરસંતી, બનાસ ઔર રૂપેણ
બારો મહિને બહેતી જાયેગી
વો સુબહા કભી તો આયેગી
વો સુબહા કભી તો આયેગી
સરસંતી મેરી નિર્મલ જલસે
દોનોં છોર નહલાયેગી
વો સુબહા કભી તો આયેગી