featured image

સવારે જરા વહેલાં ઉઠવાનું થયું.

મારા ઘરની આજુબાજુ મોટાં ઝાડ છે.

આ વૃક્ષોની ઘટામાં સુંદર મજાની સવારને આવકારતાં પંખીઓ કલબલાટ કરી રહ્યાં હતાં.

દૂર દૂરથી આવતો કોયલનો અવાજ ખૂબ કર્ણપ્રિય લાગતો હતો.

આવા સરસ મજાના વાતાવરણમાં છાપાં વાંચતાં-વાંચતાં મનમાં વિચાર વલોણું ચાલુ થયું.

આ પંખીઓની પાસે કોઈ પાકું ઘર નથી.

પોતપોતાની રીતે ઝાડ પર માળો બાંધીને રહે છે.

અતિ વરસાદ અને આંધીથી માંડી બાજ અને રાત્રે ઘુવડ કે ચામાચીડિયાં

સમડી કે બિલાડી તેમજ બીજાં અનેકો ચારેય તરફથી એમને મોતનો ભય છે.

આ પંખીઓનો કોઈ વીમો નથી.

અત્યારે કિલકિલાટ કરે છે અને ક્ષણભરમાં કદાચ હતાં ન હતાં થઈ જાય એવા જોખમનો સામનો કરે છે.

ઉત્તરાયણના પતંગની દોર હોય કે વિપરીત વાતાવરણ

કોઈ પશુ અથવા માણસ શિકારી હોય એની સામે લડવા મેં કાગડાઓને સંગઠિત થતા જોયા છે

પણ પેલાં ચકલાં, કબુતર, હોલો કે કાબર

એ તો બિચારાં પોતાનો બચાવ પણ નથી કરી શકતાં. બિલકુલ દબાતે પગલે જમીન સરસી થઈ ધીમા પગલે અને શિકારની નજીક જતાં વીજળીવેગે વેગે બિલાડી એમના પર ત્રાટકે છે અને દબોચી લે છે.

આ એમની જીંદગી છે અને આમ છતાંય પક્ષી ક્યારેય આ ડર હેઠળ ગભરાઈને પોતાના માળામાંથી બહાર જ ન નીકળે એવું નથી બનતું.

અતિ વર્ષા કે આંધી ચાલી રહી હોય ત્યારે એમને ચણ પણ નથી મળતું

અને છતાંય કેટલાક અપવાદોને બાદ કરતા આ જીવો કોઈ સંઘર્ષ નથી કરતા.

ઈશ્વર એમને આ દુનિયામાં મોકલે છે, જિવાડે છે અને પાછાં બોલાવી લે છે.

અને આમ છતાંય પંખીઓ પોતાનો કિલકિલાટ અને ક્યારેક મધુર સ્વરે ટહુકો કરી આજુબાજુના વાતાવરણને પ્રફુલ્લિત કરી મૂકે છે.

આપણે માણસજાત દુનિયાભરની ચિંતાઓમાં જીવીએ છીએ

શરૂઆતમાં ભણવાની, ત્યારબાદ નોકરી શોધવાની અને પછી લગ્નજીવનમાં ઠરીઠામ થવાની

એક સરસ મજાનું મોટું ઘર બાંધવું છે

લેટેસ્ટ કાર લેવી છે

બાળકોને મોંઘી અંગ્રેજી માધ્યમ શાળામાં ભણાવવા છે

અને આ બધા વચ્ચે પ્રગતિ માટેની લ્હાયમાં દોડતા રહેવું છે

બેંક બેલેન્સમાં તગડો વધારો કરવો છે

આપણે ભૂલી જઈએ છીએ કે...

આપણા શરીરમાં રહેલી ઝળહળતી શક્તિ જેને આત્મા કહીએ છીએ

જ્યારે તમારા આત્માની ઊર્જા હૃદયમાં ઉછાળા મારે છે

જે તમને શાંતિ અને આનંદ આપે છે

તેની આપણે કેટલી દરકાર કરીએ છીએ?

વિથ લવ યુ ઓલ એન્ડ મેલાઈસ ટુ નન

કરુણા સહુને માટે કડવાશ કે કકળાટ કોઈને માટે નહીં

એને જીવનમંત્ર બનાવી જીવવાનો પ્રયત્ન ક્યારેય આપણે કરીએ છીએ?

પણ સમય રાહ નથી જોતો

એક શ્લોક છે -

અંગમ ગલિતમ પલિતમ મુંડમ;

દશનવિહીનમ જાતમ તુંડમ;

વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ;

તદપિ ન મુન્ચતિ આશા.

વૃદ્ધ થઈને લાકડીના ટેકે ચાલતો માણસ પણ હજુ છોકરાઓનાં છોકરાંને પરણાવવા કે અન્ય કોઈ આશા નથી છોડી શકતો

પક્ષીઓમાંથી એ જ બોધ લેવાનો છે

તમે આવનાર ભવિષ્યને નથી જાણતા કે ભૂતકાળને બદલી નથી શકતા

જે છે એ હયાતીની આ ક્ષણ મહદંશે તમારા કાબૂમાં છે

એને વેડફો છો તો અબજો ખરચતાં પણ પાછી નહીં લાવી શકો

જો આશા રાખવી જ હોય તો...

‘પંછી બનું ઊડતી ફિરું મસ્ત ગગનમે, આજ મે આઝાદ હું દુનિયા કે ચમનમે’

પંખીની માફક આઝાદ થાવ.

આ દુનિયામાં કોઈ કંઈ લઈ ગયું નથી, તમે પણ નહીં લઈ જાઓ.

આવનારી પળની ચિંતા જરૂરી નથી. આ પળ એવી રીતે વાપરો કે ચિંતા ઉભી પણ ન થાય.

કવિ ‘અનામી’ કહે છે –

‘ગત તે ગત

અનાગતની અજાણ ગત

સાચો એક સાંપ્રત

વિમલ વિવેકપૂર્વક

જીવીએ સાંપ્રતને

એમાં જ આપણી શાન’ 

બસ અત્યારે આટલું જ

તમને રૂંવાડે રૂંવાડે દીવા પ્રગટાવી દે એવા ચિંતામુક્ત, દ્વેષમુક્ત, અપેક્ષામુક્ત, નિર્મળ જીવન અને નિજાનંદની પ્રાપ્તિ થાય તેવી શુભેચ્છાઓ

અને હા...

એ તો તમારી પાસે જ છે, કોઈ બહારથી આવીને આપી શકવાનું નથી.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles