બ્રહ્માજીની તપશ્ચર્યા થકી પ્રગટ થયા તે ભોળાનાથ બહ્માંડેશ્વર મહાદેવ
સિદ્ધપુરને પૂર્વ કિનારે માતા સરસ્વતીને સમાંતર જે પવિત્ર તીર્થસ્થાન આવેલા છે તેમાં ચંપકેશ્વર, અરવડેશ્વર, હિંગળાજ, વાલકેશ્વર (વાલખીલેશ્વર), બ્રહ્માંડેશ્વર, ઝેરીબાવાની જગ્યા, થળીના મઠમાં સ્થાપિત ગણપતિ અને ભૈરવ અને આગળ જતાં સહેજ અંદરની બાજુ સહસ્ત્રકળા માતાનો સમાવેશ થાય છે. આ બધાં મંદિરોનો તેમની સ્થાપના તેમજ ધાર્મિક મહાત્મ્ય સાથે અતિપ્રાચીન ધર્મગ્રંથોમાં પણ ક્યાંકને ક્યાંક ઉલ્લેખ થયેલો જોવા મળે છે. બાળપણમાં માધુ પાવડીયાના સામે કિનારે આંબલીના ઝાડનું જંગલ જોઈ શકાતું હતું. જેમ હિંગળાજ માતાનો કિનારો કેવડાના વનથી આચ્છાદિત હતો બરાબર તે જ રીતે બ્રહ્માંડેશ્વર મહાદેવ અને વાલખીલેશ્વરનો વિસ્તાર આંબલીઓના જંગલથી છવાયેલો હતો. આંબલી હોય એટલે ભૂતપ્રેતની વાત તો આવે જ. બ્રહ્માંડેશ્વરની આંબલીઓ પણ રાત્રિની ભયાનકતામાં વધારો કરતી અને રાતવરત એ બાજુ જવાની કોઈ હિંમત નહોતું કરતું. એટલું જ નહીં પણ દિવસે દરમ્યાન પણ ત્યાંથી પસાર થનારના મનમાં એક છૂપી દહેશત હંમેશાં રહેતી. સાતમા ધોરણમાં મારા વર્ગ શિક્ષક ચીમનભાઈ ખત્રી, જે રાધાસ્વામી સંપ્રદાયના પૂ. સ્વામી કીરકરાનંદજીના ભક્ત હતા, તેમણે આવો એક અનુભવ વર્ણવેલો. કીરકરાનંદજી બાવનીયાવાળા મહારાજ તરીકે જાણીતા હતા. એ બાવનીયા વિસ્તાર જ્યાં તેમનો આશ્રમ હતો ત્યાં જવા માટે આ આંબલીઓવાળો વિસ્તાર પસાર કરવો પડે અને ત્યારે અમારા ખત્રીસાહેબને એક દિવસ સંધ્યા સમયે ત્યાં કોઈએ ઊંચકીને પછાડ્યા હતા એવું એમનું કથન હતું. આ અનુભવ એમની ભ્રમણા હતી કે સાચેસાચ આવું બન્યું હશે એ તર્કનો વિષય છે. હું પોતે કોઈ ભૂતપ્રેતમાં માનતો નથી પણ ચીમનભાઈ ખત્રી સાહેબે આવો અનુભવ વર્ણવ્યો હતો એટલે એનો ઉલ્લેખમાત્ર કર્યો છે. આમેય સિદ્ધપુર મોક્ષનો કિનારો છે એટલે મોક્ષની રાહમાં હોય એવા કેટલાય જીવો સિદ્ધપુરના પર્યાવરણમાં ફરે છે એવું એક સમયે સિદ્ધપુરમાં આવેલા એક સ્વામીજીએ કહ્યું હોવાનું સ્મરણ છે. તેઓ પોતે સિદ્ધપુરમાં નહીં રોકાતાં નદીના સામે કિનારે પડાવ નાખ્યો હતો. આવા વિસ્તારમાં સિદ્ધપુરના શિવમંદિરોમાં જેનું આગવું મહત્વ છે તેવા બ્રહ્માંડેશ્વરના મંદિરનો ઇતિહાસ તેમજ મહાત્મ્ય જાણવા જેવાં છે.
સિદ્ધપુરમાં સરસ્વતી નદીના સામે કાંઠે પૂર્વ દિશામાં આવેલું શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવનું પુરાતન મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ જગ્યામાં પથરાયેલું છે. બ્રહ્માજીએ અઘોર તપશ્ચર્યા કરી અહીં સ્વયં ભોળાનાથને પ્રગટ કરી તેમના વરદાનથી બ્રહ્માંડેશ્વર મહાદેવનું નિર્માણ કર્યું હતું. સ્વયં બ્રહ્માજી દ્વારા પૂજાયેલ હોવાથી આ શિવલિંગ બ્રહ્માંડેશ્વર મહાદેવના નામે ઓળખાય છે.
ब्रह्माणा स्थापितं लिंगं ब्रह्मकुण्डसमीपत: |
ऋषिभिर्निर्मितं नाम ब्रह्माण्डेश्वर इत्यत: ||
અર્થાત બ્રહ્મકુંડની સમીપે બ્રહ્માએ લિંગની સ્થાપના કરી છે. તેનું નામ ઋષિઓએ બ્રહ્માંડેશ્વર રાખ્યું છે.
શાસ્ત્રી બાળાશંકર મગનલાલ પંડ્યા દ્વારા લિખિત પુસ્તિકા ‘સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ’માં બ્રહ્માંડેશ્વર મહાદેવની ઉત્પતિની કથા આ મુજબ આપવામાં આવી છે. એક વખત બ્રહ્માજીને સરસ્વતી નદીની પ્રદક્ષિણા કરવાની ઈચ્છા થવાથી તેઓ સરસ્વતી કિનારાની પશ્ચિમે હાલ જ્યાં મોક્ષ પીપળો છે ત્યાં આવ્યા અને તેના સામા કિનારાથી પ્રદક્ષિણા શરૂ કરવાનો નિશ્ચય કર્યો. ઘણા વરસો સુધી સરસ્વતી તીરે રહી ઉગ્ર તપશ્ચર્યા કરી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર મહાન ઋષિમુનિઓને બ્રહ્માજીએ આમંત્રણ આપી બોલાવ્યા અને પોતે નિર્ધારિત કરેલ સરસ્વતી પ્રદક્ષિણા નિર્વિધ્ને પૂરી થાય તેવા આશીર્વાદ આપવા જણાવ્યું. બ્રહ્માજીનાં વચન સાંભળી ઋષિમુનિઓએ તેમને યથાવિધિ સ્નાન કરાવી આશીર્વાદ આપ્યા. જે સ્થળે બ્રહ્માજીને સ્નાન કરાવવામાં આવ્યું તે સ્થળે સ્વયંભૂ લિંગ સ્વરૂપે મહાદેવ પ્રગટ થયા અને પ્રસન્ન થઇ બ્રહ્માજી તેમજ ઋષિમુનિઓને વરદાન માગવા કહ્યું. બ્રહ્માજીએ સ્વયંભૂ પ્રગટ થયેલ લિંગની વિધિપૂર્વક પૂજાઅર્ચના કરી અને બોલ્યા, ‘હે જગતપાલક ! અમે આપના દર્શન થકી કૃતાર્થ થયા તે જ અમારું અહોભાગ્ય છે. આપ અમારા પર પ્રસન્ન થઇ વરદાન આપવા ઇચ્છતા હો તો અમે માત્ર એટલું જ માગીએ છીએ કે આપ એક કલ્પ પર્યંત આ સ્થળે રહી અમોને કૃતાર્થ કરો’ બ્રહ્માજીનાં આવા વચન સાંભળી મહાદેવે કહ્યું, ‘હે બ્રહ્મા ! તમારી ભાવનાથી હું ઘણો પ્રસન્ન થયો છું. માટે હું તમારી ઈચ્છા પ્રમાણે આ સ્થળે એક કલ્પ સુધી સર્વે સિદ્ધ મુનિઓ સહિત રહીશ. વળી તમારા સ્નાન થકી ઉત્પન્ન થયેલો આ કુંડ બ્રહ્મકુંડ તરીકે ઓળખાશે અને કળિયુગમાં આ કુંડમાં સ્નાન કરી મારી પૂજા કરનાર પરમ ગતિને પામશે.’ આ પ્રમાણે વરદાન આપી સ્વયંભૂ મહાદેવ બ્રહ્માંડેશ્વર નામથી ત્યાં બિરાજ્યા. ત્યાર બાદ બ્રહ્માજીએ પોતાની પ્રદક્ષિણા શરૂ કરી. (સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ, પાન. ૫૪-૫૫)
બ્રહ્માંડેશ્વર મહાદેવના ભવન તેમજ બ્રહ્મકુંડનું નિર્માણ બ્રહ્માજીના કહેવાથી સાક્ષાત વિશ્વકર્મા ભગવાને કર્યું છે. બ્રહ્મકુંડમાં સ્નાન કરવાથી પાપમુક્ત થવાય એવી પણ માન્યતા છે. શ્રદ્ધાળુઓ દ્વારા અહીં હોમહવન, પિતૃ તર્પણ, નારાયણ બલી જેવી વિધિ કરવામાં આવે છે. બ્રહ્મકુંડનું જળ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવતા કાવડીયાઓ શ્રાવણ માસમાં શિવપૂજા કરવા માટે લઈ જાય છે.
આ જગ્યા દશનામી સાધુ સમાજના મોટા મઠના મહંતની માલિકીની છે. અહી સતી સૂરજબાની દેરી, મહાનયોગી સિદ્ધ તપસી મહારાજનું મંદિર, આકડામાંથી નીકળેલ ગણેશ ભગવાનની મૂર્તિ તેમજ અન્ય સિદ્ધસંતોની દેરીઓ આવેલી છે. પહેલાં મહાદેવના પૂજન અર્ચન તથા નૈવેદ્યની વ્યવસ્થા રાજભારથીના મઠ તરફથી થતી હતી પણ હાલમાં બ્રહ્માંડેશ્વર મહાદેવ ટ્રસ્ટ બધી વ્યવસ્થા સંભાળે છે. ભક્તોએ અહીં ધર્મશાળા બંધાવી હતી જેનું રિનોવેશન કરી સુવિધાયુક્ત બનાવવામાં આવી છે.
બાજુમાં ઢગલાબાપજીનું મંદિર અને સોમનાથ મહાદેવ જે રુદ્રમહાલય વખતના સોમપુરા સલાટોના ઇષ્ટદેવ છે તે બિરાજમાન છે. રામી-માળી જ્ઞાતિના ઇષ્ટદેવ મુકેશ્વર મહાદેવનું મંદિર પણ પાસે જ આવેલું છે. ઢગલામહારાજના મંદિરે કારતક માસમાં સુદ આઠમથી અગિયારસ સુધી પાટણના મોઢ-મોદી સમાજ બાધા આખડીઓ કરે છે અને પોતાના બાળકોના ચૌલકર્મ (બાબરી) ઉતરાવે છે અને તેઓ ચાંદીના ફૂલ તેમજ સુવર્ણની બીલી ઢગલા બાપજીને ચઢાવે છે. તે સમયે ત્યાં મોટો મેળો ભરાય છે.
શ્રાવણ માસમાં બ્રહ્માંડેશ્વર મહાદેવના મંદિરમાં સિદ્ધપુરનાં પીતાંબરી બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવે છે. શ્રાવણ માસમાં દર સોમવારે અહીં ફૂલવાડીનું સુંદર આયોજન કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ ધાર્મિક ઉત્સવો, હોમાત્મક લઘુરુદ્ર, વનરાજી જેવા ઉત્સવો ઉજવવામાં આવે છે. સરસ્વતી નદીના કિનારે પ્રકૃતિના ખોળે બિરાજમાન સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવના દર્શન કરવા એક અનેરો લ્હાવો છે.