સૌ ચાલો જીતવા જંગ, બ્યૂગલો વાગે
યાહોમ કરીને પડો, ફતેહ છે આગે.
વડોદરા યુનિવર્સિટીમાં જે હેતુ લઈને હું ભણવા આવ્યો હતો તે લક્ષ્ય હવે બહુ દૂર નહોતું. સિવિલ એન્જિનિયરિંગ જીવનની મહત્વાકાંક્ષાને ખૂબ જતનથી પોષી હતી. જીવનના મહામૂલા કહી શકાય એવા બે વરસ એના માટે કુરબાન કર્યા હતા. એવું ન કર્યું હોત તો કદાચ હું જે ઉંમરે ગ્રેજ્યુએટ થવાનો હતો તે ઉંમરે એમએસસી કરીને પીએચડી માટે એક વધું વરસ ગાળી ચૂક્યો હોત અને જે ઉંમરે એમ.ટેક થયો તે ઉંમરે વિજ્ઞાન વિષય લઈને પીએચડી થઈ ગયો હોત. ૨૪ વરસની ઉંમરે કોઈપણ વિષયને લઈને પીએચડી થવું એટલે શું, એ અક્કલ ત્યારે નહોતી સિવિલ એન્જિનિયર થવાનો મોહ એટલી હદે મારો કાબુ લઇ બેઠો હતો કે અન્ય વિદ્યાશાખાઓમાંથી ભણીને પણ કારકિર્દી બનાવી શકાય છે તે વાત મગજમાં ઉતરતી ન હતી. આપણે એન્જિનિયર બનીશું એ ખોટા પ્રતિષ્ઠાના ખ્યાલે મને બીજું કશું જ વિચારતાં રોક્યો હતો. આજે પાછું વળીને જોઉ છું તો મારા જીવનના અનુભવ પરથી એવું ચોક્કસ તારણ કાઢી શકું છું કે કોઈ પણ એક ખ્યાલથી પ્રેરિત થઈને આ જ મોક્ષનો માર્ગ છે, એમ સમજી બેસવાની વૃત્તિ, તમને બીજા રસ્તાઓ વિશે વિચારતા રોકે છે. એટલું જ નહીં પણ ક્યારેક સારો વિકલ્પ ચૂકાઈ જાય તેવું પણ બને છે. ઘણા મા-બાપ બાળકોની કારકિર્દી નક્કી કરતી વખતે આ બાબત ભૂલી જાય છે. આ દુનિયામાં જેટલી જરૂર એન્જિનિયરની છે એટલી જ જરૂરિયાત ઇતિહાસકારની પણ છે અને જેટલી જરૂર વૈજ્ઞાનિકોની છે, એટલી જ જરૂર અર્થશાસ્ત્રીઓની પણ છે. તમે ડોક્ટર બનીને પણ સમાજસેવા કરી શકો છો અને ગાંધીજી કે સરદાર પટેલની માફક વકીલ અથવા બેરિસ્ટર બનીને પણ. સવાલ એ છે કે જે ક્ષેત્ર પસંદ કરો એ ક્ષેત્રમાં ઉત્તમ પામવાનો અને ઉત્તમ બનવાનો પ્રયત્ન કરો. જેની આગળ સારું અથવા સારો શબ્દ લાગે તે વસ્તુઓ અછતમાં આવી જાય છે. તમે જે દિવસે સારા સાહિત્યકાર બનશો કે સારા ડોક્ટર બનશો એ દિવસે આપોઆપ તમારી કિંમત અંકાવાની જ છે.
બીજું આ વિકલ્પો વિશે મધ્યમ વર્ગ અથવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે પૂરતા માર્ગદર્શનનો અભાવ હોય છે. આને કારણે દેખાદેખી અથવા કોઈના કહેવા કે સાંભળવાથી બંધાયેલ ધારણાઓ ઉપર નિર્ણયો લેવાય છે. ક્યારેક અપરિપક્વ વયમાં તમને કોઈ વસ્તુ કે ઘરનાએ એકદમ પ્રભાવિત કર્યા હોય તે પણ આવા નિર્ણયો લેવા માટે કારણભૂત હોય છે. સમાજમાં પ્રવર્તતી કેટલીક ખોટી માન્યતાઓ પણ આ માટે જવાબદાર હોય છે. તમે ખૂબ હોશિયાર વિદ્યાર્થી છો, તમારે વિજ્ઞાન લેવાનું અને ડોક્ટર કે ઇજનેર બનો એ જ જીવનની પરમ સિદ્ધિ. તમે આર્ટ્સમાં ભણો છો એવું કહો તો ચાર જણા વચ્ચે લોકો મોઢું મચકોડે, પણ એ જ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહ કે ડૉ. રઘુરામ રાજન બને તો મહાન બની જાય.
સામાન્ય રીતે બીએસસી, એમએસસી કરતા હોય એટલે એન્જીનિયરીંગ કે મેડિકલમાં ન ગયેલો માણસ ગણાય, એ અમારી એમ.એસ.યુનિ.ના વેંકી એટલે કે વેંકટરામન રૂપે વિજ્ઞાનનું નોબલ પારિતોષિક મેળવે તો મહાન બની જાય. મૂળ વાત તમે શું ભણો છો એ નથી. દરેક વિષયની એટલી જ અગત્યતા છે, જો તમે ટોચે પહોંચી નિષ્ણાત બનો તો, બાકીનો તો હમણાં જ છાપામાં વાંચ્યું હતું કે તલાટીની જગ્યા માટે એન્જિનિયરો હવે અરજી કરે છે! અમે તો કેશવલાલ ડેપ્યુટી એન્જિનિયરની જીપથી પ્રભાવિત થઇ ગયા હતા. મારા માસીના દીકરા રમેશભાઈ બી.ઇ.સિવિલ થયા, એનું પરિણામ આવ્યું, તે દિવસે હું મોસાળમાં મામાને ઘરે હતો અને જે અહોભાવથી અને ઉમળકાથી એ દિવસે મોસાળમાં રમેશભાઈની આ સિદ્ધિની વાતો થઇ, આપણે મનમાં નક્કી કરી નાખ્યું કે એક દિવસ હું પણ સિવિલ એન્જીનીયર બનીશ અને જીપમાં બેસીને રોફ મારીશ. આ મોહ સાવ વ્યર્થ હતો, તે આજે સમજાય છે. એ વખતે નહોતું સમજાતું. શરૂઆતમાં હોસ્ટેલમાં પણ જે લોકોને કેમિકલ એન્જિનિયરિંગ એડમિશન મળ્યું હોય તેમને અથવા મેડિસિનમાં એડમિશન મળ્યું હોય તેમને બધા અહોભાવથી જોતા રહેતા.
બહુ પ્રમાણિકતાપૂર્વક કહું તો સિવિલ એન્જીનિયરીંગ ભલે મારી પ્રથમ પસંદગી હતી પણ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે કેમિકલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, સિવિલ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને છેલ્લે ટેક્સ્ટાઇલ ટેકનોલોજી, આ પ્રમાણેનો મેરિટનો ક્રમ રહેતો. આ પસંદગી પણ કેટલાક અંશે પ્રભાવિત કરે તેવી હતી તેવું આગળ જતાં મને સમજાયું. કારકિર્દીમાં લાઇન પસંદ કરવી એ અગત્યનું નથી, અગત્યનું એ છે કે તમે જે લાઈન પસંદ કરો તેમાં સર્વશ્રેષ્ઠ બનો. ‘There is always a room at the top’ પણ આપણને આ બધું બહુ મોડું સમજાય છે! અથવા તો સમજાતું જ નથી. અત્યારના ઇન્ટરનેટના જમાનામાં ઘણું બધુ જ્ઞાન ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે પણ એ પચાવવા માટેની પરિપક્વતા પાયાની જરૂરિયાત છે.
આમ સિવિલ એન્જીનિયરીંગના પ્રેમમાં પડેલો હું છેવટે ફાઇનલ યરમાં પહોંચ્યો ત્યારે પણ આ મોહ ભંગ થયો નહોતો. આ વરસ કટોકટીનું વરસ હતું. આ વરસે પરિણામ આવે તે કારકિર્દી બનવામાં મહત્વનું પગથિયું બનવાનું હતું. શરૂઆતનાં વરસો ખૂબ હળવાશથી મસ્તી મજાક કરીને ભણનારા હવે ગંભીર થઈ ગયા હતા. જો કે મારે અને ગંભીરતાને ઝાઝું ક્યારેય બન્યું નથી. એટલે તે વખતે પણ તેટલી ગંભીરતા નહોતી આવી જેટલી આવવી જોઈએ. કેરિયરનું સ્નાતક થતાં પહેલાંનું વરસ, એની સીધી અસર દેખાઈ અમારા સાથીઓના મિજાજ પર. આ વખતે ફેકલ્ટી રિપ્રેઝન્ટેટિવ (FR) તો ઠીક પણ CR એટલે કે ક્લાસ રિપ્રેઝન્ટેટિવ બનવા પણ કોઈ તૈયાર નહોતું. છેવટે મારીને માળવે ચઢાવ્યો અમે અમારામાંથી વસંત સી. શાહને. કોઈ જ અવરોધ વગર કે ચૂંટણીની ઝકાઝકી વગર વસંત અમારો CR બન્યો. નસીબ મહેરબાન થાય ત્યારે ભલભલાને રાજસિંહાસન પર બેસાડી દે છે. વસંત એનું ઉદાહરણ હતો. અને આ સમજ મારામાં ઊભી થવાનો આ પ્રસંગ શરૂઆત હતી. કોલેજ શરૂ થઈ અને અમે ખૂબ ગંભીરતા પૂર્વક અભ્યાસમાં જોડાઈ ગયા ત્યારે સામે કવિ નર્મદની આ પંક્તિઓ હતી –
સૌ ચાલો જીતવા જંગ, બ્યૂગલો વાગે
યાહોમ કરીને પડો, ફતેહ છે આગે.