ચંપકેશ્વર મહાદેવ
સરસ્વતી નદીના પૂર્વ કિનારે અરવડેશ્વર મહાદેવની સામે ચંપાવતી નગરી આવેલી હતી. ચંપકેશ્વર મહાદેવ નામ આ ચંપાવતી નામ પરથી પડ્યું છે. વરસો પૂર્વે આ નગરીમાં વૈષ્ણવ-વણીકો રહેતા હતા. કહેવાય છે એકવાર આ ગામમાં મહાદેવજીએ પરચો આપ્યો અને કહ્યું કે અહીં મારી સ્થાપના કરો. વૈષ્ણવ-વણીકો દ્વારા નગરીમાં મહાદેવજીની સ્થાપના કરવામાં આવી જે ચંપકેશ્વર તરીકે પ્રસિદ્ધિ પામ્યું. મહાદેવજીનું મંદિર તો બન્યું પરંતુ વૈષ્ણવો શ્રીનાથજીમાં આસ્થા ધરાવતો સમુદાય છે તેથી તેઓ મહાદેવજી પૂજાઅર્ચના કરતા ન હતા. આથી ક્રોધે ભરાયેલા મહાદેવજીએ ચંપાવતી નગરીનો નાશ થશે એવો શાપ આપ્યો. આખી ચંપાવતી નગરી ખેદાનમેદાન થઈ નાશ પામી. સમગ્ર નગરી નામશેષ થઈ ગઈ પણ ચંપકેશ્વર મહાદેવનું મંદિર અડીખમ ઊભું રહ્યું જે આજે પણ હયાત છે.
અરવડેશ્વરની પૂર્વમાં સરસ્વતીના સામા કિનારે ચંપકેશ્વર મહાદેવનું મંદિર સ્મશાનની વચ્ચે આવેલું છે. મંદિરની આજુબાજુ મુસ્લિમ કબ્રસ્તાન તેમજ હરીજન લોકોનું સ્મશાન પણ આવેલા છે. આમ ચંપકેશ્વર મહાદેવ સ્મશાનમાં રહે છે. અહીં એક અવાવરુ ભોયરું આવેલું છે જ્યાં વરસો પૂર્વે સંતો રહેતા હતા. ભોયરાની બાજુમાં જ હનુમાનદાદાની પ્રાચીન મૂર્તિ આવેલી છે. આ જગ્યા આમ તો વેરાન વિસ્તાર છે અને પહેલાં આ વિસ્તાર જંગલ પ્રદેશ હતો. ચંડ અને મુંડ નામના મહાભયંકર રાક્ષસો થોડો સમય આ વિસ્તાર રહ્યા હતા. આ રાક્ષસો પૈકી ચંડ નામ પરથી ચાટવાડા ગામનું નામ તેમજ મુંડના નામ પરથી મુંડાણા ગામનું નામ પડેલ છે. બંને ગામો ચંપકેશ્વર મહાદેવની ડાબી-જમણી બાજુ આવેલા છે.
પૂ. દેવશંકર બાપા કહેતા કે અરવડેશ્વર મહાદેવની પૂજા કરી ચંપકેશ્વર મહાદેવની પૂજા કરવામાં આવે તો અનન્ય ફળ મળે છે. આ વાતની પુષ્ટિ કરતાં ઘણાં પરચા આ વિસ્તારમાં સાંભળવા મળે છે. એક વાર સોમાભાઇ નામના બ્રાહ્મણ ખારીધારિયાલથી પૂ. દેવશંકર બાપાના દર્શને આવ્યા. પહાડી બાંધો ધરાવતા આ બ્રાહ્મણ અનેક વિટંબણામાં ફસાયેલા હતા. પૂ. બાપાએ તેમને દરરોજ અરવડેશ્વરની પૂજા કરી ચંપકેશ્વરની પૂજા કરવાની આજ્ઞા આપી. સોમાભાઇ ચંપકેશ્વરમાં જ રહેવા લાગ્યા અને પૂ. બાપાની આજ્ઞા મુજબ રોજ અરવડેશ્વર અને ચંપકેશ્વરની પૂજા કરવા લાગ્યા જેના ફળસ્વરૂપ તેમની સમસ્યા દૂર થઈ ગઈ. દંતાલીવાળા સચ્ચિદાનંદ મહારાજનું નામ પણ આ સ્થળ સાથે જોડાયેલું છે. તે સમયે તેઓ પ્રસિદ્ધ નહોતા. એકવાર ચાણસ્માથી તેઓ સિદ્ધપુર આવ્યા. સરસ્વતી તટે ફરતાં ફરતાં તેઓ અરવડેશ્વર પાસે આવ્યા અને તેમણે પૂ. દેવશંકર મહારાજને ગાયત્રી મંત્રીનો જાપ કરતા જોયા. જાપકર્મ પૂર્ણ થયા બાદ પૂ. બાપાએ આગંતુક તરફ જોયું અને પૂછ્યું, ‘ભક્ત! આપ ક્યાંથી પધારો છો? ચાણસ્માથી આવો છો?’ આમ તેમનો વાર્તાલાપ શરૂ થયો. આગંતુક ભક્તે વાતવાતમાં પોતાને થોડી તકલીફ હતી તે બાપાને જણાવી. પૂ. બાપાએ આ ભક્તને ચંપકેશ્વરમાં એકવીસ દિવસનું અનુષ્ઠાન કરવાનું કહ્યું અને એક મંત્ર આપ્યો. ચંપકેશ્વરથી લુખાસણ ગામના હનુમાનજીના દર્શને જઇ આ મંત્રનો જાપ કરવાથી તમામ અધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થશે એવું આશ્વાસન આપ્યું. આ મંત્રથી ભક્તને પરમ શાંતિની અનુભૂતિ થઈ. આ પ્રસંગ બાદ તેઓ સચ્ચિદાનંદ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા.