featured image

છેવટે એંટ્રંસ ટેસ્ટનું પરિણામ જાહેર

પછડાટની આ કળ વળશે ખરી?

 

માણસનું મન જ્યારે પ્રફુલ્લિત હોય. મનમાં કોઈ ઉચાટ ન હોય. શંકા કુશંકાઓથી પર હોય. ત્યારે માણસ મોજમાં હોય છે. એનો આ સમય વીતી જતો નથી પણ ધસમસતો વહી જાય છે.

આથી ઊલટું...

જ્યારે મનમાં ઉચાટ હોય

શંકા કુશંકાઓનું વલોણું ચાલતુ હોય

કાંઈક અમંગળ થવાની ભીતી મનવિચારોને ઘેરી લે.

કોઈ અણગમાનો પ્રસંગ નજદીક આવી રહ્યો હોય

ત્યારે...

માણસ માટે સમય જાણે કે થંભી જાય છે.

કોઇની રાહ જોવાની થાય અથવા કોઈ ઘટના બને તે નક્કી ન હોય તેને કારણે તમારી જિંદગી ખૂબ મુશ્કેલ બને છે.

મારું પણ કંઈક આવું જ હતું.

રાત્રે પથારીમાં પડતાં વેંત ઘસઘસાટ ઊંઘી જવાય એને બદલે આજની રાત્રે ઊંઘ જાણે કે વેરણ થઈ ગઈ હતી.

મનમાં વિચારોનું તોફાન ચરમસીમાએ હતું.

ક્યારેક આશા તો ક્યારેક નિરાશા

ક્યારેક વિશ્વાસ આપણને એડમિશન મળી જ જશે

તો ક્યારેક શંકા

આત્મવિશ્વાસ હાલક ડોલક થાતો હતો.

આવતી કાલે એડમિશન માટેના ટેસ્ટનું પરિણામ જાહેર થવાનું હતું.

કારકિર્દી ખૂબ નાજુક મોડ પર આવીને ઊભી હતી.

એક પરીક્ષાનું સાનુકુળ પરિણામ માણસને ન્યાલ કરી દે.

એથી ઊલટું વિપરીત પરિણામ એનાં બારેય વહાણ ડૂબાડી દે

એ સત્ય મને સમજાતું હતું.

એવું લાગતું હતું કે જાણે મધદરિયે ઉછળતાં મોજાની વચ્ચે મારી આશાઓની નાવ આમથી તેમ અને તેમથી આમ ફંગોળાતી હતી.

આ બધો વલોપાત મને ઊંઘવા દે તેમ નહોતો.

ઊંઘ ન આવે અને પાસા ઘસીને રાત વિતાવી પડે એ ઘટનાનો મારા માટે આ પહેલો અનુભવ હતો.

નિન્દ્રાદેવી મારાથી રિસાયા હતાં.

હોસ્ટેલમાં મોડે સુધી જાગનાર જીવ પણ હવે જંપી ગયા હતાં.

આમેય વેકેશન હોવાના કારણે હોસ્ટેલ લગભગ ખાલીખમ હતી.

રાતની આ નીરવ શાંતિમાં હું અને મારું મન એકબીજા સાથે વાતે વળગ્યા હતાં.

ઊંઘ કેમેય કરી આવતી નહોતી.

આહાર, નિન્દ્રા, ભય અને મૈથુન...

બધા પ્રાણીઓ માટે સ્વાભાવિક લાગણીઓ છે.

ભૂખ લાગે અને ઊંઘ આવે

કદાચ બીજા દિવસે ફાંસીના માંચડે ચઢવાનું હોય તેને પણ એકાદ ઝોકું આવી જતુ હશે.

છેવટે ભાંગતી રાત્રે અથવા લગભગ પરોઢે ઊંઘ આવી.

પણ કેવી ?

કાગ નિન્દ્રા જેવી.

ક્યારેક સવારના નવ વાગ્યા સુધી ઘોર્યા કરનાર હું એકાએક સાત વાગે ઊંઘમાંથી જાગી ગયો.

સમય કોઇનીય રાહ જોતો નથી.

આજનો સુરજ ઊગી ચૂક્યો હતો અને એ આથમે તે પહેલાં મારી કારકિર્દીનો સુરજ ઊગશે કે કેમ તે નક્કી થવાનું હતું.

આશરે બે વાગે લીસ્ટ મુકાશે એવો અંદાજ હતો.

લગભગ બાર સાડા બારે મેસમાં જઈ થોડુ ખાઇ લીધું.

રોજ નોકરો સાથે પણ માથા કુંટનાર હું અંતરમુખી બની ગયો હતો.

કોઈ બોલાવે તે પણ ન ગમે તેટલી હદ સુધી.

એવું કહેવાય છે કે-

“ચિંતાથી ચતુરાઇ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન,

ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન”

મારી પાસે રંગ કે રૂપ જેવુ તો ખાસ કંઇ હતું નહીં.

૪૪ કિલો માંડ વજનનું આ રમકડું જેને પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ કહેવાય એની વ્યાખ્યાનાં સંપૂર્ણ વિપરીત ગુણો ધરાવતું હતું.

એટલે રૂપ અને રંગની બાબતમાં તો મારે કંઇ જ ખોવાનું નહોતું.

ગુણને અને પરિણામને કંઇ લાગતું વળગતું નહોતું.

જ્ઞાની હોવાનો મારો ભ્રમ ક્યારનોય ભાંગી ગયો હશે.

એટલે આમ તો લગભગ બધી બાજુથી આપણે નાદારી નોંધાવી હોય તે સ્થિતિમાં હતું

અને આમ છતાંય...

“ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન”

પરિણામ શું આવશે તેની ઉત્કંઠા અને ચિંતા મને વધુને વધુ ઘેરતી જતી હતી.

મહાભારતના યુધ્ધ વખતે અર્જુનને જે અનુભૂતિ થઈ હોય તે પણ મને જિંદગીમાં પહેલી વાર હાથ પગ ઠંડા પડે એ શું કહેવાય તે સમજાતું હતું.

કોઈ અજ્ઞાત ભયનુ લખલખું શરીરમાંથી પસાર થઈ જતું

ત્યારે ભર ઉનાળે ધ્રુજારીનો અનુભવ થતો.

લગભગ એક વાગ્યાની આસપાસ મેં પંડ્યા હોસ્ટેલથી સ્ટેશનની બસ પકડી અને ત્યાંથી ખંડેરાવ માર્કેટ જતી બસમાં દાંડિયા બજાર ઉતરી ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનિયરીંગ એટલે કે કલાભવન તરફ પદયાત્રા આરંભી.

થોડીવારમાં પુરાણા સમયના મહેલ જેવી એક ભવ્ય ઇમારત દૃષ્ટિગોચર થઈ

પાઘડીપને પથરાયેલી આ ઇમારત એ જ કલાભવન

દરવાજામાં પ્રવેશતાં જ એક રોમાંચ થયો

જેનાં વરસોથી સપનાં સેવ્યાં હતાં તે ઈજનેરી કોલેજમાં દાખલ થવા આડે

હવે માત્ર એક જ અવરોધ હતો.

એંટ્રંસ ટેસ્ટનું પરિણામ અને મેરીટ

જેમ જેમ એ સમય નજીક આવતો જતો હતો તેમ તેમ હાથપગ થોડા વધારે ઠંડા પડતા જતા હતા અને હદયના ધબકારા છેક તાળવામાંથી બહાર નીકળતા હોય એવું લાગતું હતું.

છેવટે ઇંતઝાર એટલે કે પ્રતિક્ષાનો સમય પૂરો થયો.

એ ઘડી આવી પહોંચી.

કલાભવનના બોર્ડ પર એક પછી એક પરિણામનાં કાગળો ચીપકાડતો પટ્ટાવાળો અને એને માર્ગદર્શન આપતો મોટે ભાગે વહીવટનો કોઈ માણસ આઘા ખસે એટલે રહસ્ય પરથી પડદો ઊંચકાશે.

બધું વ્યવસ્થિત ચોંટાડાઇ ગયું એટલે અંદરથી કોલેપ્સિગલ ગેટ ખૂલ્યો એની સાથે જ રિઝલ્ટ જાણવા ભેગું થયેલ ટોળું હુડુડુડુ કરતું અંદર.

મારી ઝાઝી તો કોઈ અપેક્ષા નહોતી.

સિવિલ એન્જીનિયરીંગમાં એડમિશન જોઈતું હતું.

એટલે...

કેમિકલ એન્જીનિયરીંગ

મિકેનિકલ એન્જીનિયરીંગ

ઇલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ અને... છેલ્લું સિવિલ એન્જીનિયરીંગ.

મારું લીસ્ટ જોવાવાળા ઓછા હતા કારણ કે મોટાભાગનાની તો મહત્વાકાંક્ષાઓ અને હોંશિયારી પણ મારા કરતાં ઊંચી હતી.

મેં એડમિશનનું લીસ્ટ જોયું

એકવાર જોયું

બેવાર જોયું

વારંવાર જોયું

સિવિલ એન્જીનિયરીંગના એડમિશન લીસ્ટમાં મારું નામ નહોતું.

ઘડીભર ચક્કર આવી ગયા.

શું મોઢું દેખાડીશ ઘરે અને મિત્રવર્તુળમાં ?

મારા માટે આજનો દિવસ મોટો અપશુકનિયાળ નીકળ્યો.

બે ચાર મિત્રોએ પુછ્યું પણ ખરું શું થયું?

મારા મૌનથી જ સમજી ગયા કે આપણી વિકેટ ઉડી ગઈ છે.

પણ એમાંના એકે મને કહ્યું કે સિવિલ એન્જીનિયરીંગમાં ન મળ્યું હોય તો ટેક્સટાઇલ એન્જીનિયરીંગમાં જોયું?

મારે ને ટેક્સટાઇલને શું લાગે વળગે? મારે તો સિવિલ એન્જીનિયર જ બનવુ હતું

અને બરાબર ત્યારે જ તકદીરે એક બીજો ફટકો માર્યો.

મારું નામ ટેક્સટાઇલ એન્જીનિયરીંગના એડમિશન માટે મુકાયું હતું.

કોઈ અગત્યના કામે જતા હોઈએ અને દોડીને સ્ટેશન પર આવીએ માંડ ટિકિટ લઈને પ્લેટફોર્મ પર આવીએ ત્યાં ગાડી ઉપડી ચૂકી હોય એવી મારી સ્થિતિ હતી.

હું થોડાક માટે સિવિલ એન્જીનિયરીંગમાં એડમિશન ચૂકી ગયો.

ગાર્ડનો ડબ્બો મારી નજર સામેથી પસાર થઇ ગયો.

મારા કેટલાક સાથીઓ તો ફર્સ્ટ A.C.માં, કેટલાક ફર્સ્ટ ક્લાસમાં, કેટલાક સેકન્ડ ક્લાસમાં પણ ટ્રેનમાં બેસી ગયા હતા. હું પ્લેટફોર્મ પર પહોંચીને ગાડી ચૂકી ગયો હતો.

મારા માટે નિષ્ફળતાનો આ પહેલો અનુભવ હતો.

તમે વારંવાર સફળ થતા હો એટલે

તમારે સફળ થવું જ પડે એવી એક છાપના કેદી બની જાવ છો.

મારું પણ કાંઈક આવું જ હતું.

ધીરે ધીરે થોડી કળ વળી ત્યારે જોયું

જેમને ધાર્યું એડમિશન મળ્યું હતું તે બધા ખુશખુશાલ થઈ સિનેમા જોવા જતા હતા.

મને પણ કહ્યું.

મારી પોતાની જ ફિલમ ઉતરી ચૂકી હતી

હવે શેનું સિનેમા ?

પાછા દાંડિયા બજારથી બસ પકડી સ્ટેશન

હોસ્ટેલમાં જવાનુ પણ મન નહોતું.

મારે મારા સિવાય કોઈને મળવું નહોતું.

એટલે બે કામ કર્યાં. સ્ટેશનની પોસ્ટઓફિસથી ઘરે કાગળ લખી દીધો કે ટેક્સટાઇલ એન્જીનિયરીંગમાં એડમિશન મળ્યુ છે. કદાચ સિવિલ એન્જીનિયરીંગમાં મળશે તો ઠીક નહીં તો હું ટેક્સટાઇલ એન્જીનિયરીંગમાં ભણવા માંગતો નથી.

આગળનું રૂબરૂમાં ચર્ચીશુ.

ચિંતા કરશો નહીં. મજામાં છું.

કદાચ આને જ લાપોટ મારીને મોં લાલ રાખવું તેમ કહેતા હશે.

કાગળ પોસ્ટ કરીને સીધો રસ્તો પકડ્યો ગેલોર્ડનો.

આમેય બપોરના સમયે ત્યાં ઝાઝી ભીડ નથી હોતી.

ખૂણાનું એક ટેબલ પકડી બેઠો અને ચા મંગાવી.

ગેલોર્ડમાં એકલા ચા પીવાનો આ પહેલો અનુભવ હતો.

બહાર સ્ટેશન પર અવરજવર ચાલુ હતી અને શહેરની બસોની ઘરઘરાટી અને રીક્ષાઓ તથા અન્ય વાહનોના અવાજ પણ.

સહેજ ઉપર જોઈએ તો આકાશ દેખાતું હતું.

શૂન્યમનસ્ક બનીને હું આકાશ તરફ જોઈ રહ્યો હતો.

શું લખાયું હશે મારું ભાવિ?

કંઇ જ સમાજ નહોતી પડતી.

વેઇટર ચા મૂકી ગયો. પીધી.

હજુ ઉઠવાનુ મન નહોતું થતું.

બીજી ચા મંગાવી. પીધી.

ધીરે ધીરે ચા મંગાવતો ગયો.

પીતો ગયો.

સાંજે લગભગ છ વાગે હું ગેલોર્ડમાંથી બહાર નીકળ્યો.

ત્યારે...

છ કપ ચા પેટમાં પધરાવી ચૂક્યો હતો !

ઉનાળાનો સુરજ હવે અસ્તાચળે જઇ રહ્યો હતો.

સ્ટેશનની ઇમરતના લાંબા પડછાયા છાંયડો અને શાતા આપતાં હતાં.

એ દિવસનો સુરજ આથમી રહ્યો હતો ત્યારે...

મારા મનમાં પણ ઘડીભર નઠારો વિચાર આવી ગયો.

શું મારી કારકિર્દીનો સુરજ પણ આજે આથમી ગયો.

અણગમો અને ભયનું એક કંપન મારા શરીરમાંથી પસાર થઈ ગયું.

મેં બસ ન પકડી.

ચાલવા માંડ્યો. મારી પોલિટેકનિક હોસ્ટેલ તરફ પગપાળા

રસ્તો પકડ્યો રવિન્દ્રનાથ ટાગોર હોલથી યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસ થઈ યુનિવર્સિટી ઓફિસ અને ડ્રગ લેબોરેટરી થઈ પોલિટેકનિકમાં.

ખબર નહોતી વડોદરાની આ હોસ્ટેલ, એની હોસ્ટેલ લાઇફ

ફરી ક્યારેય મને જીવવા મળશે ખરી.

ધીરે ધીરે આરામથી ચાલતો હું મારી હોસ્ટેલે પહોંચ્યો.

બરાબર સંધ્યાકાળ થયો હતો.

તે દિવસનો વડોદરામાં ઉગેલો ધોમધમતો ઉનાળાનો સુરજ

અગનવર્ષા કરી અસ્તાચળે પહોંચી ગયો હતો.

રાતનાં અંધારાં ઉતારવા માંડ્યાં હતાં.

બરાબર મારી કારકિર્દી ઉપર ઉતરી રહેલ અનિશ્ચિતતાનાં અંધારાંની જેમ જ.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles