પૂજ્ય ચંદ્રકાન્ત અમૃતરાવ પાઠક – બ્રહ્મલીન પૂજ્ય ચંદુગુરુ
સિદ્ધક્ષેત્ર સિદ્ધપુરનું એક અકીંચન બ્રહ્મરત્ન
૨૭ માર્ચ ૨૦૧૯, બુધવારની એક ઢળતી બપોરે મોક્ષપીપળાને બરાબર અડીને આવેલી પૂ. ગુરૂમહારાજ એટલે કે સિદ્ધપુર ક્ષેત્રમાં થઈ ગયેલ એક વિરલ વિભૂતિ, પરમ માતૃભક્ત ગુરુવર્ય પૂ. ચંદ્રકાન્ત અમૃતરાવ પાઠકની શ્રી સદગુરુ સમાધિ મંદિરની નિશ્રામાં પ્રાચિ સરસ્વતીને કિનારે બાવાજીની વાડી ખાતે સદગુરુશ્રી પૂ. ચંદ્રકાન્ત અમૃતરાવ પાઠકની સાતમી પુણ્યતિથિનો મહોત્સવ ઉજવાઇ ગયો. આ પ્રસંગે પાઠાત્મક નવચંડી, સદગુરુ પાદુકાપૂજન વિગેરે કાર્યક્રમની સાથે ૐ સદગુરુ ૐ એવોર્ડ અને બ્રાહ્મણ ભોજનનો એક વિશિષ્ટ કાર્યક્રમ પણ સંપન્ન થયો. પાઠકજીના પરમ શિષ્ય એવા સલાલા, ઓમાન ખાતે હાલમાં કાર્યરત ભાઈ ધર્મેન્દ્રભાઈ દવે અને મારા સહાધ્યાયી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઈ મહેન્દ્ર ઠાકરના સુપુત્ર, જે પોતે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તે, આશુતોષ ઠાકર, પૂ. રમીલાબેન ગાંધીની યોગાંજલિ સંસ્થા સાથે જોડાયેલા બહેનશ્રી જીજ્ઞાબેન દવે સાથે એડ્વોકેટ શ્રી દિનેશભાઇ રાવલ તેમજ અન્ય ગુરુભક્તો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની હાજરીમાં આ સરસ મજાનો કાર્યક્રમ યોજાયો.
યોગાનુયોગ છેલ્લાં બે વરસથી ૐ સદગુરુ ૐ એવોર્ડ અર્પણ વિધિમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થાય છે. ગયા વરસે ભારતીય ઇતિહાસ પરિષદના રાષ્ટ્રીય ઉપપ્રમુખ, એક વિદ્વાન પ્રોફેસર અને પાલનપુર રહેતા સિદ્ધપુરના જ સપૂત એવા પ્રિન્સિપાલ પ્રો. ગિરીશભાઈ ઠાકર સાથે સરસ્વતી જેમના ઘરમાં જ આંટાફેરા કરે છે અને એના કોઈ અદ્ભુત વરદાન કે પુણ્યબળને કારણે જે પરિવારમાં શ્રી બચુકભાઈ શાસ્ત્રી, રમણભાઈ શાસ્ત્રી જેવા વિદ્વાનો પાકયા તે જ પરિવારના એક મોભી શ્રી હરેશભાઈ શાસ્ત્રી (હાલા શાસ્ત્રી) અને ડૉ. લક્ષ્મેશભાઈ જોશી, નારાયણ નગર, પાલડી, આ ત્રણ સારસ્વતોનું સન્માન કરવામાં આવ્યું.
આ વરસે એવા જ પરમ વિદ્વાન અને કર્મકાંડ તેમજ જ્યોતિષ અને શાસ્ત્રો પર જેમની અદ્ભુત પકડ છે તેવા ભાઇશ્રી કમલેશભાઈ વા. શુક્લ (પરશુરામભાઈ)ને પણ ૐ સદગુરુ ૐ એવોર્ડથી સન્માનવામાં આવ્યા. આ વખતના પ્રસંગની એક વિશિષ્ટતા હતી. શ્રીસ્થળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા સંગઠન સંચાલિત પાઠશાળાના જે બાળકો સંસ્કૃત તેમજ કર્મકાંડ અને શાસ્ત્રોનો અભ્યાસ કરી ચૂક્યા છે તેવા ૭-૮ વરસના બાળકોથી માંડી ૧૫-૧૬ વરસના ૩૦ જેટલાં બાળકોનો કર્ણમધુર મંત્રધ્વનિ અને એમના ગુરુ ભાઈ કપિલભાઈનો મંત્રપઠન આખાય વાતાવરણને એક અલગ ગરિમા અને આંદોલનોથી ભરી દેતો હતો. આ ઋષિકુમારોનું પૂજન કરી એમને પ્રોત્સાહિત કરવા માટેનો એક સરસ મજાનું આયોજન થયું જેણે પ્રસંગની ગરિમામાં ઓર વધારો કર્યો. આ કાર્યક્રમના આયોજનમાં શ્રી સિદ્ધેશ્વર સેવા સમિતિ ગુરુ પરિવાર, શ્રી બલવીર ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી સાંઇ સેવા સમિતિ, શ્રી સદગુરુ વા.લો.વા. સમિતિ, શ્રી રંગ અવધૂત પરિવાર, શ્રી સિ. ઔ. સ. બ્રા. જ્ઞાતિ, શ્રીસ્થળ ઔ. સ. બ્રા. સેવા સંગઠન, શ્રી અરવડેશ્વર ચંપકેશ્વર ટ્રસ્ટ, ઔ. સ. મહિલા ઉત્કર્ષ મંડળ અને યોગાંજલિ આશ્રમ પરિવાર જેવી સંસ્થાઓ સહભાગી બની.
આ બધુંય ખરું પણ જેમના સાથે સદગુરુ પુણ્યતિથી મહોત્સવની દર વરસે થતી ઉજવણી જોડાય છે તે પૂ. ચંદ્રકાન્ત અમૃતરાવ પાઠક વિષે આજે થોડી વાત કરવી છે. તા. ૨૭-૬-૧૯૩૨ના રોજ આ તેજપુંજ ધરતી પર અવતર્યા અને તા ૧૪.૩.૨૦૧૨ના રોજ સિદ્ધક્ષેત્ર એવા સિદ્ધપુરમાં એ ઈશ્વરના તેજપુંજમાં વિલીન થઈ ગયા. પૂર્ણ બ્રહ્મચારી જીવન ગાળતા અને ચંદુગુરુના હુલામણા નામથી ઓળખાતા કળયુગના આ ઋષિ આમ તો મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પણ સિદ્ધક્ષેત્રમાં થઈ ગયેલ અન્ય વિખ્યાત ભૂદેવ ગુરુઓ પૈકી તેમનું નામ પૂરી શ્રદ્ધા સાથે માત્ર એમના શિષ્યોમાં જ નહીં પણ સિદ્ધપુરની જનતાના હ્રદયમાં રમે છે.
સરસ્વતી તીરે મોક્ષપીપળા પાસે ગાયકવાડ શાસનમાં શ્રી બાબાજી આપાજી દ્વારા સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી. આ મંદિરમાં નિત્ય વૈદિક પૂજાકાર્ય થાય તે માટે પૂજારી તરીકે પોતાના કુળગુરુના વંશજ તેમજ વેદમાં પારંગત એવા બ્રાહ્મણને મહારાષ્ટ્રના ખાનદેશમાંથી બોલાવ્યા. આમ આ બ્રાહ્મણ પરિવાર અહીં વસ્યું. આ પરિવારે મહાદેવની પૂજા-અર્ચના સાથે સિદ્ધપુરમાં વેદ પરંપરા જાળવી અનેક બ્રહ્મબાળોને વેદની શિક્ષા-દીક્ષા અને બ્રહ્મત્વના સંસ્કાર આપ્યા. તેમની છઠ્ઠી પેઢીના વંશજ એટલે વેદમૂર્તિ શ્રી અમૃતરાવ સખારામ પાઠક. શ્રી અમૃતરા5વજી કાશીમાં વેદાભ્યાસ કરી વેદમાં પારંગત બન્યા હતા. મહાદેવના પૂજાકાર્યની સાથે સિદ્ધપુરના બ્રાહ્મણોને પોતાના ઘરે રાખીને વેદપાઠની દીક્ષા આપી તેમણે ચાલીસ જેટલા બ્રાહ્મણોને યજુર્વેદ અને બ્રહ્મકર્મમાં પારંગત કર્યા હતા. દેવશંકર ગુરુમહારાજના વેદાભ્યાસના સહાધ્યાયી તેમજ શ્રી જયદત્ત શાસ્ત્રીજી અને મોતીરામ ગુરુના મિત્ર એવા શ્રી અમૃતરાવ પાઠક સિદ્ધપુરના વૈદિક બ્રાહ્મણોના ગુરુ હતા. શ્રી અમૃતરાવજીના સાંનિધ્યમાં અનેક સૂફી સંતો, મહાત્માઓ અને ગુરુઓ આવતા અને તેમને આધ્યાત્મિક માર્ગમાં સહાયરૂપ થતાં. અમૃતરાવજીને સૂફી સંત સાગર મહારાજે ઓમકારની દીક્ષા આપી બ્રહ્મનું દર્શન કરાવ્યુ હતું. તેમણે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે તમારે ત્યાં સપ્તર્ષિજ હોઈ મહાન ગુરુઓના લોકમાંથી તમારે ત્યાં સાતમા પુત્રરૂપે એક દિવ્ય આત્મા અવતરશે જે વૈરાગી જીવન ગુજારશે. શ્રી અમૃતરાવજી અને તેમના પત્ની અકકાબા, બંને ખૂબ ધાર્મિક. પૂજા-અર્ચના અને અતિથિ સત્કારમાં બંનેનું જીવન વ્યતિત થતું. તેમના આંગણે જેઠ વદ નોમ, તા. ૨૭.૬.૧૯૩૨ના રોજ તેમના સાતમા સંતાનનો જન્મ થયો. આ સાતમું સંતાન એટલે પ.પૂ. શ્રી ચંદ્રકાન્ત અમૃતરાવ પાઠક એટલે ચંદુગુરુ મહારાજ.
પાંચ વરસની નાની વયે શ્રી ચંદ્રકાન્તે પિતાની છત્રછાયા ગુમાવી. મોટા ભાઈઓ અભ્યાસ કરી નોકરી માટે બહારગામ સ્થાયી થયાં. બાળપણથી જ પૂ. ચંદુગુરુમાં વિરક્તિના ગુણો હતા. અભ્યાસ પ્રત્યે અરુચિને કારણે ખાસ શિક્ષણ મેળવ્યું ન હતું પરંતુ કુળના સંસ્કાર પ્રમાણે કર્મકાંડ અને વૈદિક જ્ઞાનમાં નિપુણતા મેળવી હતી. નાની વયથી જ તેમને શિવજીની પૂજા-અર્ચનામાં ખૂબ લગાવ હતો. ઉંમર વધતાં ભક્તિ અને પૂજા જ જીવનનું એકમાત્ર લક્ષ્ય બનતું ગયું.
યુવાનીમાં ચંદુગુરુએ બાવાજીની વાડીના મકાનમાં પોતાની માતા સાથે એકલવાયું જીવન વિતાવ્યું. ભરયુવાનીમાં પોતે વૃદ્ધ, અંધ-અપંગ, પથારીવશ માતાની સતત સત્તર વરસ સુધી સેવા કરી. દરિદ્રતા અને માતાની સેવાએ એમની આકરી કસોટી કરી પણ તેમણે પુત્ર તરીકેની ફરજ પૂરી નિષ્ઠા સાથે નિભાવી. ઘર આંગણે આવતા અતિથિ, સાધુ, સંત, મહાત્મા કે કોઈ જરૂરિયાતમંદને ભોજન અને દક્ષિણા આપી સત્કારવા એ માતા અક્કાબાનો જીવનમંત્ર હતો. પૂ. ચંદુગુરુ પોતાની માતાની આ ભાવનાને પૂર્ણ કરતાં અને પોતાની સામાન્ય આવકમાંથી ખરચને પહોંચી ન વળે ત્યારે ક્યારેક ઉધાર પણ લાવવું પડતું. ગુજરાત સરકાર દ્વારા પૂજારી તરીકે અપાતા સાલિયાણા, કર્મકાંડ અને શિવરાત્રિ, પાક્ષિક પ્રદોષો, પાટોત્સવ, શ્રાવણ માસના સોમવાર અને અમાસ જેવા મંદિરના ઉત્સવો દરમિયાન આવતી રકમમાંથી તેમનું ગુજરાત ચાલતું. તેઓ ભૈરવ જયંતિ, દત્ત જયંતિ, શાકંભરી પુર્ણિમા, ગુરુ પુર્ણિમા તેમજ બીજા વાર્ષિક ઉત્સવોની મહાપૂજા કરતા અને દરિદ્રતામાં પણ બાદશાહી જીવન જીવતા.
સમય જતાં મંદિરની ખાસ આવક ન હોવાથી અને સરકાર દ્વારા મંદિરના વાર્ષિક ઉત્સવો માટે આપવામાં આવતી રકમ, સાલિયાણા અને મંદિરનું વીજળીબિલ ભરવા માટે મળતી રકમ પણ બંધ થતાં પૈસાના અભાવના કારણે જીવન ખૂબ કષ્ટમય બન્યું. ખરાબ આર્થિક પરિસ્થિતીમાં ઘરના વાસણો અને ભેટમાં મળેલ પિતાંબરો વેચીને પણ ઉત્સવો તેમજ પ્રદોષનો થાળ ચાલુ રાખ્યો. આવા કષ્ટમય જીવન દરમિયાન તેમને દમનો રોગ લાગુ પડ્યો.
ગુરુજીની ઈચ્છા હતી કે તેમના બાદ પણ શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પરંપરાગત ઉત્સવો તેમજ વિદ્યાદાનની પરંપરા ચાલુ રહેવી જોઈએ. આ માટે ઇ.સ. ૨૦૦૧માં તેમના શિષ્યો દ્વારા ‘શ્રી સિદ્ધેશ્વર સેવા સમિતિ’ નામે રજિસ્ટર્ડ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી. ત્યારથી શ્રી સિદ્ધેશ્વર મહાદેવના થાળ પેટે પૂજારીશ્રીને એક હજાર રૂપિયા તથા મંદિરની સફાઈ માટે બસો રૂપિયા પ્રતિમાસ આ ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા કર્મ, પૂજાપાઠ તેમજ જન્મોત્સવોની ઉજવણી કરવામાં આવે છે.
શ્રી ચંદુગુરુ મહારાજ માટે આજીવન બ્રહ્મચારી રહેવું અને જીવનમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો એ જ એકમાત્ર લક્ષ્ય હતું. આવા મહાન ધ્યેયને પૂર્ણ કરવા માટે તેમને પૂ. દેવશંકરબાપા, શ્રી રંગઅવધૂત મહારાજ અને સાગર મહારાજનું પ્રત્યક્ષ તેમજ પરોક્ષ સાંનિધ્ય પ્રાપ્ત થતું. ચાતુર્માસ દરમિયાન તેઓ સાધુસંતોની સેવા કરતા.
પૂ. ચંદુગુરુએ પિતાના વૈદિક જ્ઞાનપ્રદાનના મહાયજ્ઞને પ્રજ્વલિત રાખ્યો અને સિદ્ધપુરના બ્રહ્મકુમારોને વેદપાઠ તેમજ કર્મકાંડની વિનામુલ્યે શિક્ષા તેમજ દીક્ષા આપી બ્રહ્મકર્મમાં પારંગત કર્યા. પોતાના આશ્રયમાં આવેલા અને સંસારની અનેક વિટંબણાઓ, સમસ્યાઓ અને દુ:ખોથી પીડાયેલા લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના પોતાની સહજ વાતો દ્વારા સાંત્વના આપી તેમના દુ:ખ દૂર કરવા પ્રયત્ન કરતાં. કમળાના રોગીઓનો રોગ મંત્રશક્તિથી દૂર કરતા.
શ્રી ચંદુગુરુ મહારાજ હંમેશાં બ્રહ્મના સ્વકર્મમાં રહેતા. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સૂર્યઉપાસના અને ગાયત્રીજાપ કરતા. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની પૂજા, આરતી કરી શિષ્યોને વેદાભ્યાસ કરાવતા. માતાની સેવા કરતાં. ત્રિકાળસંધ્યાની સાથે સાથે પણ સાયંપ્રાર્થના પણ કરતાં. આ તેમનો નિત્યક્રમ હતો. તેઓ ઘડિયાળના કાંટે દૈનિક જીવન જીવતા. તેમના સાંનિધ્યમાં આવતા મુમુક્ષુઓને આશ્રય આપતા અને કોઈ પ્રવચન કે ઉપદેશ આપતા નહીં પરંતુ શિષ્યોને પોતાના નિત્યક્રમમાં જોડતા. તેમણે પણ પૂ. મોતીરામ ગુરુ અને પૂ. દેવશંકરબાપા ગુરુ મહારાજની જેમ કોઈ શિષ્યને દીક્ષા આપેલ નથી પરંતુ શિષ્યોએ સ્વયં તેમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો છે. બાવાજીની વાડીમાં સિદ્ધેશ્વર મહાદેવની સેવા કરતાં કરતાં પૂ. ચંદ્રકાંત અમૃતરાવ પાઠકજીએ અનેક યુવાનોને વૈદિક પરંપરાથી તૈયાર કરીને, સનાતન ધર્મ સંસ્કૃતિનાં મૂળને મજબૂત બનાવવામાં મહાયોગદાન આપ્યું હતું. એમની નગરને આપેલ સેવાની સુવાસ ભુલાય તેમ નથી.
તેમણે સરસ્વતી તીરે મોક્ષપીપળાના સાંનિધ્યમાં રહી શ્રી સિદ્ધેશ્વર મહાદેવના શરણે જીવન વિતાવ્યું. વૃદ્ધાવસ્થા આવતા તેમના હ્રદયમાં મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ જાગ્યો અને તે માટે તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતાં. મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ થયું ત્યારે પોતાના જીવનની અંતિમ અવસ્થામાં જર્જરિત શરીરે તેમના પૂર્વજોની ધરોહર તથા પોતાની સાધનાભૂમિ સરકારશ્રીને અર્પણ કરી આ ભગીરથ કાર્યમાં સહયોગી બન્યા. તેમના પાછલા જીવનમાં ત્યાગનો મહિમા બતાવી સિદ્ધેશ્વર મહાદેવ સંકુલ તથા ઘાટનાં જીર્ણોદ્ધાર માટે ચંદુગુરુએ પોતાનો આશ્રમ, રહેણાંકની જગ્યા, તથા પૂજા હક્ક સરકારને સમર્પિત કરીને એ સ્થળ છોડી દીધુ હતું. આવા ફકીર બાદશાહ, અવધૂત અને નિસ્પૃહી સંતની સાકરતુલા તેમના શિષ્યોએ શહેર મધ્યે કરી હતી જે સિદ્ધપુરના જનસમુદાય માટે ઐતિહાસિક ઘટના હતી.
એમનું સંપૂર્ણ જીવન બાવાજીની વાડીમાં જ વ્યતીત થયું, તેમના પૂર્વજો પણ અહીં જ વસ્યા હતા. આથી આ જગ્યા પ્રત્યે એમને ખૂબ લગાવ હતો. તેમણે મંદિરના જીર્ણોદ્ધાર માટે આ સ્થાન છોડ્યું પણ તેમની ચેતના તો અહીં જ વસતી હતી. આથી અસ્વસ્થ શરીર અને હ્રદયની બીમારી હોવા છતાં રોજ સાંજે નિયમિત રીતે તેઓ બાવાજીની વાડીની મુલાકાત લેતા.
શ્રી ચંદુગુરુ મહારાજ મન્સુરની ગઝલ યાદ કરી કહેતા –
અગર હૈ શૌખ મિલને કા, તો હરદમ લૌ લગાતા જા.
જલા કર ખુદ નુમાઈ કો, ભસમ તન પર ચઢાતા જા.
મુસલ્લા ફાડ, તસ્બી તોડ, કિતાબે ડાલ પાની મૈ.
પકડ હસ્ત તું ફરીશ્તો કા, ગુલામ ઉનકા કહાતા જા.
ન મર ભૂખા, ન રખ રોઝા, ન જા મસ્જિદ, ન કર સિજદા.
હુકમ હૈ શાહ કલન્દર કા, અનલહક તું કહાતા જા.
ક્હે મન્સુર મસ્તાના, હક મૈને દિલમે પહેચાના.
વહી મસ્તો કા મૈખાના, ઉસી કે બીચ આતા જા.
ગુરુ મહારાજ કહેતા - દિવસના ૨૧૬૦૦ શ્વાસ હોય છે અને શ્વાસે શ્વાસે ઈશ્વરનું સ્મરણ કરવું. જ્ઞાનથી અભિમાન આવે છે, ભક્તિમાં કામનાઓ આવે છે. માટે આત્મચિંતનના માર્ગે સાચા પ્રેમથી ઈશ્વરનું સ્મરણ કરવું. ‘હરિ બડા ઔર હરિ કી સત્ત બડી’, કોઈ પણ સત્કાર્યમાં પોતાનો જરા સરખો પણ સ્વાર્થ ન ભળે તો ઈશ્વર એ કાર્ય જરૂર પૂર્ણ કરે છે.
તેઓ હંમેશાં કહેતા સત્તા, સંપત્તિ અને સ્ત્રી એ ત્રણ મોટા ખાડા છે, એને પાર કરવા મુશ્કેલ છે. આત્મસાક્ષાત્કાર માટે આ ત્રણેય વસ્તુઓથી પર થવું પડે છે.
પોતે બ્રાહ્મણ તરીકેનું સ્વકર્મ કરતાં પણ આશ્રયે આવનારને સરળ રસ્તો બતાવતા અને કહેતા ‘હરિનો મારગ સરળ છે. આ જન્મમાં ઈશ્વરભક્તિ અને ઈશ્વરપ્રાપ્તિની ઉપાસના કરતાં કાંઈ મોટું નથી. આપણું આગમન ભક્તિ માટે જ થયું છે.’
તેઓ એકાંતપ્રિય હતા. તેમને જાહેર કાર્યક્રમો ગમતા નહીં. તેઓ કહેતા, ‘ભક્તિ વધે તો સિદ્ધિઓ બારણે આવીને ઊભી રહે છે. એટલે અમે ઘરના દરવાજા બંધ રાખીને ભજન કરીએ છીએ. સિદ્ધિ-પ્રસિદ્ધિથી પતન થાય છે, તેનાથી હરિ મળતો નથી.’ તેઓ સિદ્ધિઓને માત્ર નમસ્કાર કરતાં, કદી ગ્રહણ કરતાં નહીં. મોટા મોટા આશ્રમો, બાંધકામો થતાં તો તેઓ હસતાં અને કહેતા, ‘મારા ગુરુ કહેતા કે જ્યાં બાંધકામો થાય, હિસાબો લખાય ત્યાં ભગવાન નથી રહેતો.’
કોઈ વાર કોઈ પૂછે કે, ‘તમારા પછી શું?’
ત્યારે તેઓ કહેતા –
કહે કબીર સુનો મેરે મુનિયા
આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા
ગુરુઓના દિવ્યલોકમાંથી અવતરેલા આ પરમહંસ ૮૧ વરસ સુધી અવધૂતી અવસ્થામાં જીવ્યા. પોતાનું જીવન કાર્ય પૂર્ણ થતાં આ દિવ્ય આત્મા ફાગણ વદ સાતમ ને તા.૧૪.૩.૨૦૧૨ના પવિત્ર દિવસે પોતાના દેહનો ત્યાગ કરી બ્રહ્મમાં વિલીન થઈ ગયો. તેમના પવિત્ર દેહને મોક્ષપીપળાની નિશ્રામાં અગ્નિસંસ્કાર અપાયા અને તે સ્થળે શ્રી ગુરુસમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે અનેક શિષ્યો, શ્રદ્ધાળુઓ તેમજ તેમના ભક્તો માટે પ્રેરણા તેમજ આધ્યાત્મિક અનુભૂતિનું સ્થાન છે. અહીં પૂ. ચંદુગુરુની સૂક્ષ્મ હાજરીનો દિવ્ય અનુભવ આજે પણ થાય છે.